મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
દક્ષિણ પૅસિફિક ટાપુઓ, ન્યૂ ગિની અને બાલી પ્રદેશોમાં ક્ષેત્રકાર્ય દ્વારા સામાજિકીકરણ અને સંસ્કૃતિ અંગેનાં તેમનાં સંશોધનોએ માનવશાસ્ત્રમાં નવી ભાત અને પરંપરાઓ સર્જી છે. જૈવિક, કુદરતી કે વારસાગત વાતાવરણ કરતાં સંસ્કૃતિની ભૂમિકા અને અસરકારકતા વ્યક્તિના ઉછેર અને વર્તનમાં મહત્વની છે એવી રજૂઆત મીડના આદિમ જાતિઓના સંશોધનમાં કેન્દ્રવર્તી રહી છે. સમાજોના તુલનાત્મક અભ્યાસોમાં માનસશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પરિબળોને વિશેષ ધ્યાનમાં લેવાં જોઈએ તે મુદ્દો તેમનાં લખાણોમાં સ્પષ્ટ થાય છે.
મીડના મહત્વના અભ્યાસોમાં Coming of Age in Samoa (1928), Growing Up in New Guinea (1930) અને Set and Temperament in Three Primitive Societies (1935)નો સમાવેશ થાય છે. આ અભ્યાસોમાં કુદરત કરતાં ઉછેર (nurture over nature) વધુ પ્રસ્તુત અને બળવત્તર છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. મીડનાં માનવશાસ્ત્રીય લખાણોએ નારીવાદને એક નવી ઔદ્યોગિક દિશા આપી છે. તેમના Male and Female (1949) પુસ્તકમાં નીતિમત્તાના રાજકારણના વિકાસના મુદ્દાને છેડીને નવતર નારીવાદી ર્દષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. આદિમ સમાજો ખાસ કરીને પશ્ચિમના (પ્રૉટેસ્ટંટ) સમાજો કરતાં નીતિમત્તાની બાબતમાં કેવા ઉદાર અને સહિષ્ણુ છે તે માર્ગારેટ મીડે પોતાના અભ્યાસોમાં દર્શાવ્યું છે. પેઢીઓ વચ્ચેના સંઘર્ષનો અભ્યાસ Culture and Commitment (1970) પુસ્તકમાં રજૂ કર્યો છે. વીસમી સદીમાં જાતિ(race)નાં સમાજવિજ્ઞાનોની ચર્ચામાં મીડનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. માનવશાસ્ત્રીય અભ્યાસોના સંદર્ભમાં તેઓ ચર્ચાસ્પદ રહ્યાં છે. ખાસ કરીને આદિવાસીઓના ક્ષેત્રકાર્ય પર આધારિત અભ્યાસોની પદ્ધતિ અને તારણો અંગે તેમની સતત ટીકા થતી રહી છે. તેઓ રૂથ બેન્ડિક્ટનાં વિદ્યાર્થી તરીકે, નીતિમત્તા તેમજ સંસ્કૃતિની નિર્ણાયક ભૂમિકાના અભ્યાસોના સંદર્ભમાં વીસમી સદીના મહત્વના સામાજિક વૈજ્ઞાનિકોમાં સ્થાન પામ્યાં છે. 19 જાન્યુઆરી, 1979ના રોજ પ્રેસિડન્ટ જિમી કાર્ટરે પ્રેસિડેન્સિયલ મેડલ ઑવ્ ફ્રિડમનો ઍવૉર્ડ જાહેર કર્યો જે મરણોત્તર ઍવૉર્ડ હતો. 1970માં તેમને કલિંગ પ્રાઈઝથા સન્માનિત થયા હતા.
ગૌરાંગ જાની