મીડ, જેમ્સ એડ્વર્ડ (જ. 23 જૂન 1907, સ્વાનેજ(swanage); અ. 22 ડિસેમ્બર 1995, કેમ્બ્રિજ) : ઇંગ્લૅન્ડના અગ્રણી અર્થશાસ્ત્રી અને 1977ના વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઉચ્ચશિક્ષણ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં લીધું અને તે દરમિયાન ક્લાસિક્સ, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના વિષયોમાં પદવીઓ પ્રાપ્ત કરી. 1938–40 દરમિયાન જિનીવા ખાતે લીગ ઑવ્ નૅશન્સના આર્થિક બાબતોને લગતા સચિવાલયમાં અધિકારી તરીકે કામ કર્યું. 1945–47ના ગાળામાં પ્રથમ સભ્ય તરીકે અને પાછળથી વડા તરીકે બ્રિટિશ સરકારના આર્થિક બાબતોને લગતા સચિવાલયમાં સેવાઓ આપી. 1947–1957 દરમિયાન લંડન સ્કૂલ ઑવ્ આંતરરાષ્ટ્રીય ઇકૉનૉમિક્સમાં વ્યાપારના પ્રોફેસર તરીકે અધ્યાપન કર્યું. 1957–1974ના ગાળામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર-પદે કામ કર્યું. 1974માં ત્યાંથી નિવૃત્ત થયા બાદ લંડન ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિસ્કલ સ્ટડીઝના ચૅરમૅન તરીકે સેવાઓ આપી.
અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં તેમની રુચિ અને યોગદાન વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ રહ્યાં છે. તેમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારના શુદ્ધ સિદ્ધાંતથી માંડી આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. સિદ્ધાંત અને આર્થિક આયોજન મારફત તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ‘બીજા ઉત્તમ વિકલ્પ’(second best alternative)ની વિભાવના દાખલ કરી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછીના ગાળામાં તેમણે તેમનું ધ્યાન પ્રત્યક્ષ કરપ્રણાલીની સુધારણા તથા ફુગાવા વિના પૂર્ણ રોજગારી હાંસલ કરવાને અનુરૂપ એવી આર્થિક નીતિના ઘડતર પર કેન્દ્રિત કર્યું હતું.
દેશવિદેશની ઉચ્ચશિક્ષણની ઘણી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને વિદ્યાસભાઓના તેઓ ફેલો રહી ચૂક્યા છે.
નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા બર્ટિલ ઓહલિને રચેલા સૈદ્ધાંતિક પાયા પર તેમણે વિદેશવ્યાપાર અંગે પોતાનાં અવલોકનો પ્રસ્તુત કર્યાં હતાં અને દેશની આંતરિક આર્થિક નીતિ તેના વિદેશ-વ્યાપાર પર કઈ રીતે અસર કરી શકે છે તે બતાવ્યું હતું. મુક્ત અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા હાંસલ કરવા અંગેની નીતિઓની સમસ્યાઓનાં વિવિધ પાસાંઓના ઊંડાણમાં તેઓ ગયા છે. આ ઉપરાંત તેમણે સાબિત કરી બતાવ્યું છે કે કરવેરામાં વખતોવખત અપાતી રાહતો કે કાપ દેશની લેણદેણની તુલા પર વિપરીત અસર કરે છે. નાણાકીય નીતિ અને વિનિમય દરો આર્થિક સ્થિરતા પર કેવી રીતે અસર કરતાં હોય છે તેનું પણ તેમણે વિશ્લેષણ કર્યું છે.
તેમણે વિપુલ ગ્રંથરચના કરી છે : ‘પ્લાનિંગ ઍન્ડ ધ પ્રાઇસ મિકૅનિઝમ’ (1948), ‘ધ થિયરી ઑવ્ ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક પૉલિસી’ (1951માં પ્રથમ ખંડ અને 1955માં બીજો ખંડ), ‘અ જિયૉમિટ્રી ઑવ્ ઇન્ટરનેશનલ ટ્રેડ’ (1952), ‘અ નિયોક્લાસિકલ થિયરી ઑવ્ ઇકૉનૉમિક ગ્રોથ’ (1960), ‘ધ થિયરી ઑવ્ એક્સ્ટર્નાલિટિઝ’ (1973), ‘ધી ઇન્ટેલિજન્ટ રૅડિકલ્સ ગાઇડ ટુ ઇકૉનૉમિક પૉલિસી’ (1975) તથા ‘ધ સ્ટ્રક્ચર ઍન્ડ રિફૉર્મ ઑવ્ ડિરેક્ટ ટૅક્સેશન’ (1978). ઇંગ્લૅન્ડનાં મહારાણીએ તેમને ‘નાઇટ’ના ખિતાબથી સન્માન્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે