મીડાવર, પીટર બ્રિયાન (સર) (જ. 28 ફેબ્રુઆરી 1915, રિયો ડી જાનેરો; અ. 2 ઑક્ટોબર 1987) : રોગપ્રતિકારક્ષમતા(પ્રતિરક્ષા, immunity)ની સંપ્રાપ્ત સહ્યતા શોધી કાઢવા બદલ સન 1960ના તબીબી અને દેહધર્મવિદ્યા માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા સર ફ્રૅન્ક એમ. બર્નેટ (Barnet).
બ્રાઝિલમાં જન્મેલા અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા મીડાવરે બ્રિટનમાં પ્રતિરક્ષાવિદ્યા(immunology)ના અભ્યાસનો પાયો નાંખ્યો હતો. તેઓ લેબેનિઝ–બ્રિટિશ વેપારીના પુત્ર હતા. 1932માં ઑક્સફર્ડ ખાતે યંગ પાસે ભણ્યા અને 1940માં યુદ્ધસમયે દાઝેલી વ્યક્તિઓને ચામડીના નિરોપ(skin graft) ચોંટાડવાના કાર્યમાં જોડાયા. સન 1947માં તેઓ બર્મિંગહામ ગયા. ત્યાં પણ તેમણે તે કાર્ય ચાલુ રાખ્યું. તેમણે તે સમયે સૂચવ્યું કે રોગપ્રતિકાર માટેના પ્રતિદ્રવ્ય (antibody) નામનાં રસાયણો બનાવવાની ક્ષમતા વારસાગત નથી, પરંતુ તે ગર્ભકાલીન જીવન દરમિયાન વિકસે છે. આવી મેળવેલી ક્ષમતાને કારણે સજીવ પાછળથી બહારથી આવતા પ્રતિજન(antigen) સામે વિશિષ્ટ પ્રતિદ્રવ્ય બનાવી શકે છે. જો તે તેવાં પ્રતિદ્રવ્યો ન બનાવે તો તેને પ્રતિરક્ષી સહ્યતા(immunological tolerance) કહે છે. જ્યારે બીજા સજીવ શરીરમાંથી કોઈ પેશી અથવા અવયલ લેવામાં આવે અને પ્રતિરોપિત(transplant) કરાય ત્યારે તે પેશીનું દાન કરનાર દાતા(donor) અને તે મેળવનાર આદાતા(recipient)ની પેશીઓના પ્રકારોમાં જેટલી વધુ સમાનતા હોય તેટલા વધુ પ્રમાણમાં પ્રતિરક્ષી સહ્યતા રહે છે. તેમણે ઉંદરની ચામડીના સફળતાપૂર્વકના ચર્મનિરોપ (skin graft) વડે પ્રતિરક્ષી સહ્યતાની પ્રક્રિયા દર્શાવી. તેના કારણે 1960માં અવયવ–પ્રતિરોપણ શક્ય બન્યું. તેમાં અવયવદાતા અને અવયવ મેળવનાર આદાતા દર્દીના પેશી-પ્રકારો (tissue types) વચ્ચેની આંશિક સમાનતા શોધી કઢાય છે. ત્યારબાદ પ્રતિરક્ષા-અવદાબક ઔષધો વડે પ્રત્યારોપિત અવયવનો અસ્વીકાર (rejection) અટકાવી શકાય છે.
શિલીન નં. શુક્લ