મીઠાપુર : જામનગર જિલ્લાના ઓખામંડલ તાલુકાનું એક શહેર. આ શહેર 22° 27´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે. પર આવેલું છે. ઓખામંડલ તાલુકાના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર પ્રમાણમાં સૂકી આબોહવા ધરાવે છે. જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન 26° સે. અને લઘુતમ તાપમાન 11° સે. રહે છે; જ્યારે જૂન માસનું સરેરાશ મહત્તમ તાપમાન 36° સે. અને લઘુતમ તાપમાન 25° સે. જેટલું રહે છે. અહીં વરસાદ વર્ષમાં સરેરાશ લગભગ 358 મિમી. જેટલો પડે છે. વરસાદની ઓછી માત્રા અને ક્ષારીય જમીનને કારણે કાંટાળી વનસ્પતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. વાવાઝોડાં અને તોફાની ભરતી વખતે આ વિસ્તાર નીચાણવાળો હોવાથી ત્યાં દરિયાનાં પાણી ફરી વળે છે.
મીઠાપુર દ્વારકા અને ઓખાની લગભગ વચ્ચે આવેલું છે. આ શહેર રાજ્યના અન્ય ભાગો સાથે રેલવે અને પાકા રસ્તાઓથી સંકળાયેલું છે. તેનો વિકાસ તાતા કેમિકલ લિ.ના એકમને લીધે થયો છે. તાતાના આ એકમમાં મીઠું, સોડાઍશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં સોડાઍશનું સૌથી વધુ ઉત્પાદન આ એકમ કરે છે. અહીં તાતા કંપનીનું ખાનગી હવાઈ મથક પણ છે. 2011 મુજબ મીઠાપુરની વસ્તી આશરે 10,000 જેટલી છે.
નીતિન કોઠારી