મીઠાનો સત્યાગ્રહ

February, 2002

મીઠાનો સત્યાગ્રહ : મીઠાના કાનૂનભંગનો સત્યાગ્રહ. કૉંગ્રેસનું અધિવેશન ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે રાવી નદીના કિનારે લાહોરમાં મળ્યું હતું. ગાંધીજીએ તેના ખુલ્લા અધિવેશનમાં 31મી ડિસેમ્બરની રાત્રે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો ઠરાવ રજૂ કર્યો અને તે સર્વાનુમતે પસાર થયો. આ અધિવેશનમાં નક્કી કર્યા મુજબ, 26મી જાન્યુઆરી, 1930નો દિવસ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવામાં આવ્યો. તે સમયે ધ્વજવંદન બાદ કૉંગ્રેસે ઘડી

દાંડી ખાતેના મીઠાના સત્યાગ્રાહ માટે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અમદાવાદથી પ્રસ્થાન (1930)

કાઢેલી પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા વાંચવામાં આવી. ફેબ્રુઆરી 1930માં અમદાવાદ મુકામે મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકે સ્વરાજપ્રાપ્તિ વાસ્તે ગાંધીજી ઇચ્છે તે રીતે સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાનો અધિકાર તેમને આપ્યો. તદનુસાર 12મી માર્ચ, 1930ના રોજ પોતાના 78 સાથીઓ સાથે સાબરમતી આશ્રમેથી ગાંધીજીએ દાંડીકૂચ કરી. પચીસમા દિવસે 386 કિમી.ની કૂચ કર્યા બાદ, 6ઠ્ઠી એપ્રિલની સવારે ગાંધીજીએ દાંડીના સમુદ્રકાંઠે ચપટી મીઠું ઉપાડીને કાનૂનભંગ કર્યો. તે સાથે આખા દેશને સવિનય કાનૂનભંગની ચળવળ કરવાની પરવાનગી મળી. સૂરત જિલ્લાના ધરાસણાના મીઠાના અગરો પર 21 મેના દિવસે ઇમામસાહેબના નેતૃત્વ હેઠળ 2,500 સ્વયંસેવકોએ ધાડ પાડી. તેમને લોખંડની અણીવાળી લાઠીઓથી સખત ફટકારવામાં આવ્યા; છતાં શિસ્તબદ્ધ સ્વયંસેવકો સંપૂર્ણ અહિંસક રહ્યા. 1લી જૂનની સવારે મુંબઈ પાસેના વડાલાના મીઠાના અગરો ઉપર 15,000 સત્યાગ્રહીઓએ હલ્લો કરી, પોલીસોની કૉર્ડન તોડીને મીઠાની લૂંટ કરીને કાનૂનભંગ કર્યો, પરંતુ તેઓ સૌ સંપૂર્ણ અહિંસક રહ્યા. એવી રીતે ધોલેરા અને વીરમગામ પણ મીઠાનાં કાનૂનભંગનાં કેન્દ્રો બન્યાં હતાં.

જયકુમાર ર. શુક્લ