મીઠાના ઘુમ્મટ (Salt Domes) : પોપડાનાં જળકૃત ખડક-આવરણોને ભેદીને પ્રવિષ્ટિ પામેલા જુદી જુદી ગોળાઈના આકારોમાં રહેલા મીઠા(સિંધવ)ના વિશાળ પરિમાણવાળા જથ્થા. સામાન્ય રીતે તે ઘુમ્મટ-આકારમાં મળતા હોવાથી તેમને મીઠાના ઘુમ્મટ કહે છે. આ એક પ્રકારનું અંતર્ભેદન સ્વરૂપ હોવા છતાં ભૂસ્તરીય વિરૂપતાઓમાં તે અંતર્ભેદનોથી વિશિષ્ટપણે જુદું પડે છે. તે ક્ષારીય બંધારણવાળા હોય છે. તેમના આકારો ગોળાઈવાળા અને તેમના આડછેદની પહોળાઈ ઊર્ધ્વછેદની જાડાઈ કરતાં પ્રમાણમાં થોડીક ઓછી કે સરખી હોય છે.
વલણ–પરિમાણ : આ રચનાઓ મોટેભાગે તો ઘુમ્મટ-આકારની જ હોય છે; પરંતુ અમુક સ્થાનો(જર્મની)માં તે બૉબિન જેવી હોય છે, જે ઊંડાઈએ જતાં પહોળાઈમાં ઘટી જાય છે. તેમનું સરેરાશ વલણ બિલાડીના ટોપ જેવું, છત્રી આકારનું કે નળાકાર હોય છે. તેમની ઊભી બાજુઓ અંતર્ગોળ હોય છે, જ્યાં સ્તરોમાં ખનિજતેલનો સંચય થતો હોય છે. કેટલાંક સ્થળો(મેક્સિકો, જર્મની)માં તો તે ઘણી ઊંચી દીવાલ જેવા જણાયા છે. તેમાં સમાવિષ્ટ મીઠાથી બનેલો ગર્ભભાગ ગોળાઈ કે અર્ધગોળાઈવાળો, લંબગોળાકાર હોય છે. આડછેદ 1.5થી 7.5 કિમી. સુધીનો અને ઊર્ધ્વછેદ 5થી 7.5 કિમી. ક્યાંક 9 કિમી.નો હોઈ શકે છે. તેમના સપાટ કે ગોળાઈવાળા શિરોભાગ ભૂપૃષ્ઠથી નીચે થોડાક મીટરથી સેંકડો મીટરની ઊંડાઈએ રહેલા હોય છે. મીઠાયુક્ત ભાગની ઉપર રહેલું શીર્ષાવરણ (cap rock) પણ સ્થાનભેદે 100થી 300 મીટરની જાડાઈનું હોય છે. તેમનાં આ બેનમૂન પરિમાણ સમસ્યારૂપ રહ્યાં છે. રુમાનિયાના અમુક ઘુમ્મટ સપાટી પર વિવૃત થયેલા છે, જ્યારે કેટલાક ઇરાનિયન ઘુમ્મટની સપાટીવિવૃતિઓ હિમનદીની જેમ વહન પામેલી જોવા મળી છે. મોટેભાગે તો તે સપાટી નીચે અંતર્ભેદન પામેલા હોવાથી ક્યાંક ક્યાંક ત્યાંનાં ભૂપૃષ્ઠ આછા ટેકરાઓ જેવાં જોવા મળે છે. સામાન્ય રીતે તેમની વિવૃતિઓ મળતી ન હોવાથી, તેમનાં સ્થાનીકરણ જાણવા માટે ગુરુત્વ અને ભૂકંપીય પૂર્વેક્ષણ (નિરીક્ષણ) પદ્ધતિઓ અખત્યાર કરવી પડે છે. આજ સુધીની જાણકારી મુજબ કોઈ પણ શારકામથી તેના ઘણી ઊંડાઈએ રહેલા તળ સુધી પહોંચી શકાયું નથી.
વિતરણ : દુનિયાભરમાં વધુ જાણીતા બનેલા મીઠાના ઘુમ્મટ યુ.એસ.ના અખાતી પ્રદેશ(gulf coast)માં આશરે 300ની સંખ્યામાં આવેલા છે. ત્યાં તેમની સાથે વિપુલ પ્રમાણમાં ખનિજતેલ, ગંધક તેમજ મીઠું સંકળાયેલાં છે; તેથી તે આર્થિક ર્દષ્ટિએ અત્યંત મહત્વના બની રહ્યા છે. આ ઉપરાંત, ઉત્તર અને વાયવ્ય જર્મનીમાં (આશરે 200); કાસ્પિયન સમુદ્રની ઉત્તરે રશિયાઈ વિસ્તારમાં (સેંકડો); ઈરાની અખાત તેમજ ઉત્તર ઈરાનમાં (આશરે 150); ગેબન (આશરે 100), ઈશાન સ્પેન, નૈર્ઋત્ય ફ્રાંસ, ડેન્માર્ક, રુમાનિયા અને સાઇબીરિયામાં તથા ઉત્તર ધ્રુવીય વિસ્તારમાં સમુદ્રતળની નીચે (પહોળી તકિયા જેવી રચનાઓ રૂપે); ઉત્તર કૅનેડાના ધ્રુવીય ટાપુઓમાં (જ્યાં મીઠાને સ્થાને ચિરોડી છે); મેક્સિકો, કોલંબિયા, પેરુ, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાના પશ્ચિમ કિનારે વિષુવવૃત્તની નજીક તેમજ નાઇજીરિયાના દૂરતટીય પ્રદેશમાં તથા ઉત્તર પાકિસ્તાનમાં મીઠાના ઘુમ્મટો આવેલા છે. અખાતી પ્રદેશમાં કરેલા તેલ-સંશોધનના પ્રયાસો પરથી મીઠાના ઘુમ્મટનો પટ્ટો ટૅક્સાસ – લ્યુઇઝિયાનાને આવરી લેતો જણાયો છે, પશ્ચિમ કૉલોરાડો અને પૂર્વીય ઉટાહની નીચે ક્ષાર-સંરચનાઓ મળેલી છે, જે વાસ્તવમાં ઘુમ્મટ નથી, પરંતુ લંબાયેલી ઊર્ધ્વવાંક રચનાઓ હોવાનું નક્કી થયેલું છે.
બંધારણ : દુનિયાના મોટાભાગના ઘુમ્મટોનું મુખ્ય ગર્ભદ્રવ્ય હેલાઇટ(સિંધવ-મીઠું)થી બનેલું હોય છે, જ્યારે શિરોભાગનું આવરણ ચિરોડી કે ઍનહાઇડ્રાઇટનું હોય છે. ક્યાંક ક્યાંક આ આવરણ કૅલ્શાઇટથી, ચૂનાખડકથી કે ગંધકથી પણ બનેલું જોવા મળે છે. મીઠા સાથે કોઈક જગાઓમાં મૃણ્મય કે પોટાશ-સમૃદ્ધ સ્તરો પણ સંકળાયેલા મળે છે. આવરણ-વિભાગ જુદો બનવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સમજાઈ નથી. એમ ધારવામાં આવે છે કે જ્યારે પણ મીઠાના બાષ્પાયન-નિક્ષેપો જામ્યા હશે ત્યારે ઍનહાઇડ્રાઇટ પહેલાં અને મીઠું પછી બન્યું હશે. એ મીઠું પછીથી સપાટીજળના ધોવાણથી ઓગળીને જતું રહ્યું હશે !
ભૂસ્તરીય વય : ઉત્તર અમેરિકાના અખાતી વિસ્તારમાં જોવા મળતા મીઠાના ઘુમ્મટોનો વિશિષ્ટ સંદર્ભ જોતાં કહી શકાય છે કે જેમાં મીઠાની ઘુમ્મટ-આકાર રચનાઓ અંતર્ભેદન પામેલી છે તે જળકૃત ખડકસ્તરો મધ્ય જીવયુગના અને ટર્શ્યરી વયના છે. મીઠું તેમાં જગા કરીને પ્રવેશેલું હોવાથી શક્ય છે કે તે આ ખડકો કરતાં અગાઉ બનેલું હોય – પર્મિયન કાળનું હોય ! પર્મિયન કાળમાં દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં શુષ્ક આબોહવાના સંજોગો પ્રવર્તેલા (જેના પુરાવા મળી રહે છે) અને તેને પરિણામે મોટા પ્રમાણમાં બાષ્પનિક્ષેપો દ્વારા મીઠું તેમજ અન્ય ક્ષારો તૈયાર થયેલા હોવા જોઈએ. દુનિયાભરના લગભગ બધા જ ઘુમ્મટો ટર્શ્યરી અને ક્વાટર્નરી કાળ દરમિયાન ઊંચકાતા રહ્યા છે અને તેથી જ પ્લાયસ્ટોસીન સુધીના ખડકસ્તરો પર વિરૂપતાની અસર દેખાય છે. (જુઓ આકૃતિ).
ઉત્પત્તિસ્થિતિ : ઘુમ્મટ-આકારની રચના થવા માટેની ભૂસ્તરીય પ્રક્રિયા એ આકારોને કારણે ઉદભવતી વિરૂપતા અને તેના માટેનાં જવાબદાર પરિબળો – આ ત્રણેય પૂર્ણપણે સમજી શકાયાં નથી; પરંતુ તેમની ઉત્પત્તિસ્થિતિ માટેનું અર્થઘટન આ પ્રમાણે કરવામાં આવેલું છે : મીઠું ઓછી ઘનતાવાળું અને સુઘટ્યતાના ગુણધર્મવાળું છે. મીઠાના ઘુમ્મટો દુનિયાના એવા વિસ્તારોમાં મળે છે જ્યાં પ્રાચીન કાળમાં શુષ્ક આબોહવાના સંજોગો હેઠળ બાષ્પનિક્ષેપો રચાયા હોય. આ મૂળ સ્તરોની જાડાઈ 1,000થી 1,500 મીટરની થઈ હશે અને ત્યારપછીથી તેની ઉપર લગભગ 3,000 મીટરની જાડાઈના જળકૃત સ્તરો જામ્યા હશે. દબાણને કારણે મીઠું વધુ સુઘટ્ય બન્યું હશે અને ઊંડાઈને કારણે તાપમાનની અસર હેઠળ પણ આવ્યું હશે. ભૂપૃષ્ઠમાં થતા જતા ફેરફારોને કારણે આ વિસ્તારોમાં વિરૂપતા ઉદભવી હોય તેમજ સ્તરભંગો અને ફાટો પડવાથી તે નબળા પણ પડ્યા હોય. મીઠા અને જળકૃત ખડકો વચ્ચે રહેલા ઘનતાના તફાવતોને કારણે ફાટો મારફતે સુઘટ્યતાના ગુણધર્મવાળું મીઠું ખડકસ્તરોને ભેદતું જઈ, પ્રવહન પામતું જઈ, ઉપર તરફ પરાણે ખેંચાઈ આવ્યું હોય, જેને પરિણામે આજે જોવા મળતા જુદા જુદા સ્વરૂપાકારો તે પામ્યું હોય. તેથી સ્પષ્ટ થાય છે કે મીઠાના ઘુમ્મટોમાં જે અનહદ જાડાઈ જોવા મળે છે. તે તેની પોતાની મૂળભૂત જાડાઈ નથી, પરંતુ ખેંચાણને કારણે ઉદભવેલી છે.
અધ્યારોપિત સંરચનાઓ : કેટલાક મીઠાના ઘુમ્મટોમાં રહેલા મીઠાના જથ્થામાં તેમજ બાજુના અને ઉપરના ખડકસ્તરોમાં વિવિધ આંતરિક સંરચનાઓ ઉદભવેલી જોવા મળે છે. મીઠું સુઘટ્યતાનો ગુણધર્મ ધરાવતું હોવાથી વિશિષ્ટ પ્રકારની પ્રવાહરચનાઓપ્રવાહગેડ (વીંટીમાંથી પસાર થતા રૂમાલની અંદરની કરચલીઓની જેમ) બતાવે છે. ખેંચાઈ આવેલું મીઠું અનુકૂળ જગાઓમાં ગઠ્ઠાઓ (lobes) અને શલ્ય (spines) સ્વરૂપનું બની રહ્યું હોય છે. વિરૂપતામાં સંડોવાવાથી શેલ અને મૃણ્મય દ્રવ્યના તૂટેલા ટુકડાઓ મીઠામાં દટાયા હોય છે. ક્યારેક આવા ટુકડાઓ મીઠામાં જડાઈ જવાથી બ્રૅક્સિયા જેવાં ખડક-સ્વરૂપો પણ રચાયાં હોય છે. વિશાળ જથ્થાના મીઠાના ધક્કાથી છતખડકો પણ ઘુમ્મટ આકારમાં ફેરવાય છે અને સમાંતર ગોઠવાય છે; બાજુના સ્તરોમાં વ્યસ્ત ગેડરચના (inverted folds) ઉદભવે છે; ઠેકઠેકાણે જુદા જુદા બહાર-તરફી નમનકોણ તૈયાર થાય છે; નાના-મોટા સ્તરભંગો પણ ઉદભવે છે. વિવિધ પ્રકારની સંરચનાઓએ તેલસંચય માટે અનુકૂળતાઓ ઊભી કરેલી હોવાથી મીઠાની ઘુમ્મટ આકારની રચનાઓ સાથે વિપુલ પ્રમાણમાં તેલ સંગ્રહાયું હોય છે. આ કારણથી જ આર્થિક ર્દષ્ટિએ તેમનું મહત્વ અનેકગણું અંકાય છે.
આર્થિક મહત્વ : ખનિજતેલ ઉપરાંત ગંધક, ચિરોડી, ઍનહાઇડ્રાઇટના વિપુલ જથ્થા તેના આવરણ-વિભાગમાંથી મળી રહે છે. દુનિયાનું લગભગ 40 % ગંધક આ રચનાઓમાંથી મેળવવામાં આવે છે. પોટાશના ક્ષારો પણ અમુક પ્રમાણમાં મળે છે. મીઠાનો અનહદ જથ્થો તો છે જ. એક અંદાજ પ્રમાણે માત્ર અખાતી પ્રદેશની ઘુમ્મટ-રચનાઓમાં જ આખીય દુનિયાની મીઠાની માંગને 3 લાખ વર્ષ સુધી પૂરી પાડી શકાય એટલું મીઠું સમાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા