મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી

February, 2002

મિસ્ત્રી, પ્રમોદ રણછોડજી (જ. 22 ડિસેમ્બર, 1938, વલસાડ) : ગુજરાતના વન્યજીવન અને કુદરતના અગ્રણી તસવીરકાર. માતા શાંતાબહેન અને પત્ની કુમુદબહેન. એસ.એસ.સી. સુધીના અભ્યાસ પછી તેમણે તસવીરકળાના વ્યવસાયમાં ઝુકાવ્યું.

તેમની તસવીરકળાના કેટલાક ઉત્તમ નમૂના ‘નૅશનલ જ્યૉગ્રૉફિક ઑવ્ અમેરિકા’, ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ધી ઇન્ડિયન પૅન્ટ્રી’, ‘ટ્રાવેલ ઍન્ડ લેઝર’ (હૉન્ગકૉન્ગ), ‘ઓગ્ગી નેટુરા’ (ઇટાલી), ‘સ્વાગત મૅગૅઝિન’, ‘ડિસ્કવર ઇન્ડિયા’ બૅન્ગકૉક, ‘જૅટવિન્ગ્ઝ’ (જૅટ ઍરવેઝ), ‘સિગ્નેચર’ (ડાઇનર્સ ક્લબ), ‘ફ્રન્ટલાઇન’ (હિન્દુ), ‘લોન્લી પ્લેનેટ’, ‘એન્વિરોન્મેન્ટલ સાઇન્સ – અર્થ ઍઝ લિવિન્ગ પ્લેનેટ’ ઇત્યાદિ સ્થળોએ સ્થાન પામ્યા છે.

તેમને ‘નૅશનલ જ્યૉગ્રૉફિક ટ્રાવેલર્સ ઇલેવન્થ ફોટો કૉન્ટેસ્ટ’માં બીજું ઇનામ મળ્યું હતું.

સૉવિયેત યુનિયનમાં યોજાયેલા ભારત-મહોત્સવ પ્રસંગે સોવિયેત નગરોમાં  યોજાયેલા ‘પ્રતિબિંબ’ નામના ફરતા પ્રદર્શનમાં તેમજ મુંબઈની પિરામલ ગૅલરી ખાતે યોજાયેલા ‘ઇમેજિઝ’ નામના તસવીરકળાના સમૂહપ્રદર્શનમાં તેમની તસવીરો રજૂ થઈ હતી. હાલમાં તેઓ વલસાડમાં રહે છે.

અમિતાભ મડિયા