મિસ્ત્રી, ધ્રુવ (જ. 1957, કંજરી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી શિલ્પી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી શિલ્પકલામાં 1979માં સ્નાતક અને 1981માં અનુસ્નાતક થયા. આ પછી બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશિપ મળતાં બ્રિટન જઈ લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ્સમાંથી 1983માં શિલ્પકલામાં અનુસ્નાતકની પદવી મેળવી. 1984 અને ’85 દરમિયાન તેઓ કેમ્બ્રિજની ચર્ચિલ કૉલેજના ફેલો નિમાયા અને ‘કૅટલ્સ યાર્ડ ગૅલરી’માં શિલ્પસર્જન કર્યું.
1988માં તેઓ લંડનના વિખ્યાત ‘વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’માં નિવાસી કલાકાર (artist in residence) નિયુક્ત થયા. 1990માં જાપાનમાં યોજાયેલ ધ થર્ડ રોદાં ગ્રાંડ પ્રાઇઝ ઍક્ઝિબિશનમાં તેઓ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરી વિજેતા બન્યા. 1991માં લંડનની પ્રતિષ્ઠિત ધ રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સના સભ્ય તરીકે ચૂંટાયા. 1993માં લંડનની ધ રૉયલ સોસાયટી ઑવ્ બ્રિટિશ સ્કલ્પ્ચરના ફેલો સભ્ય તરીકે ચૂંટાયા.
1998 સુધીના તેમના લંડનનિવાસ દરમિયાન તેમણે બ્રિટનનાં વિવિધ જાહેર સ્થળો માટે ઘણાં વિશાળકાય શિલ્પ બનાવ્યાં. તેમાં બર્મિન્ગહામના વિક્ટોરિયા સ્ક્વૅર (1992) અને લિવરપૂલ, નૅશનલ મ્યુઝિયમ ઑવ્ વેલ્સ(1989)નો સમાવેશ થાય છે.
ધ્રુવ મિસ્ત્રીનાં વૈયક્તિક પ્રદર્શનો, આર્ટ હેરિટેજ–નવી દિલ્હી, 1981; જહાંગીર આર્ટ ગૅલરી–મુંબઈ, 1982; ‘કન્ટેમ્પરરી આર્ટ ગૅલરી–અમદાવાદ, 1983; કૅટલ્સ યાર્ડ ગૅલરી–લિવરપૂલ, 1986; નિગેલ ગ્રીનવૂડ ગૅલરી–લંડન, 1987 અને 1990; કૉલિન્સ ગૅલરી–ગ્લાસગો, 1988; લાઇન્ગ આર્ટ ગૅલરી–ન્યૂ કૅસલ અપૉન ટાઇન, 1989; મૉડર્ન આર્ટ ગૅલરી તથા આર્ટ મ્યુઝિયમ–ફુકુઓકા, 1994; ધ રૉયલ એકૅડેમી–લંડન, 1995; મેઘરાજ ગૅલરી–લંડન, 1996; બોથી ગૅલરી–યૉર્કશાયર સ્કલ્પ્ચર પાર્ક વેસ્ટ બ્રેટોન, 1997; નઝર ગૅલરી–વડોદરા, 1998; ગૅલરી એસ્પેસ–નવી દિલ્હી, 1999; લિમેરિક સિટી ગૅલરી ઑવ્ આર્ટ–લિમેરિક, આયર્લૅન્ડ, 2000, અમદાવાદની હઠીસિંહ આર્ટ ગૅલરી (2010) ખાતે યોજાયાં છે.
તેમનાં સમૂહપ્રદર્શનોમાં લલિત કલા અકાદમી, નવી દિલ્હી (1978થી 1980); લલિત કલા અકાદમી, ચેન્નાઈ (1979); ડ્રૉઇંગ ઍક્ઝિબિશન, ચંડીગઢ મ્યુઝિયમ, ચંડીગઢ (1980થી 1983); બૉમ્બે આર્ટ સોસાયટી, મુંબઈ (1980) તથા ટ્રેડ ફેર, નવી દિલ્હી (1980) તરફથી યોજાયેલાં પ્રદર્શનો ઉલ્લેખનીય છે.
ધ્રુવે આ ઉપરાંત ભોપાલ, દિલ્હી, લંડન, પૉર્ટલૅન્ડ, લિવરપૂલ, ડબ્લિન, ન્યૂયૉર્ક, પાદુઆ (ઇટાલી), કેમ્બ્રિજ, બાથ, લેસ્ટર, યૉર્કશાયર, જાપાન, ગ્લાસગો, કૅન્ટરબરી, હોલૅન્ડ, લીમા (પેરુ) ઇત્યાદિ સ્થળોએ સમૂહ-પ્રદર્શનોમાં ભાગ લીધો છે.
અનેક નામાંકિત જાહેર સ્થળો અને મ્યુઝિયમોમાં ધ્રુવની શિલ્પકૃતિઓ સ્થાન પામી છે : આર્ટ કાઉન્સિલ, લંડન; બર્મિન્ગહામ મ્યુઝિયમ ઍન્ડ આર્ટ ગૅલરી; કન્ટેમ્પરરી આર્ટ સોસાયટી, લંડન; કાર્ટરાઇટ હૉલ, બ્રૅડફૅર્ડ; સિટી આર્ટ ગૅલરી માન્ચેસ્ટર; સિટી ઑવ્ સ્ટ્રોક-ઑન-ટ્રેન્ટ; પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢ; નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી; રૂપાંકર મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ, ભોપાલ; રૉયલ કૉલેજ ઑવ્ આર્ટ, લંડન; ટેટ ગૅલરી, લંડન; ધ બ્રિટિશ મ્યુઝિયમ, લંડન; ધ બ્રિટિશ કાઉન્સિલ, લંડન; વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદયપુર અને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન.
તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સના ડીન તરીકે 1999થી 2002 સુધી કાર્યભાર સંભાળ્યો.
2001માં બ્રિટિશ રાણીએ ધ્રુવને ‘ઑનરરી કમાન્ડર ઑવ્ ધ મોસ્ટ એક્સલન્ટ ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’ના ઍવૉર્ડથી નવાજ્યા છે.
અમિતાભ મડિયા