મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ (જ. 7 એપ્રિલ 1931, લીલાપોર, જિ. વલસાડ) : વિશ્વવિખ્યાત સિંચાઈ તજ્જ્ઞ. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. ગામના રસ્તા પરની વીજળીના દીવાના અજવાળે માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો. 1955માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાશાખાની સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને વિશેષ યોગ્યતા સાથે મેળવી, તે પણ બબ્બે સુવર્ણચંદ્રકો સાથે. 1956માં બૉમ્બે પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં સફળતા મેળવીને તેઓ જાહેર બાંધકામ વિભાગમાં સીધી ભરતીથી પ્રથમ વર્ગના અધિકારી તરીકે દાખલ થયા. 1984માં ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગના સચિવ તરીકે નિયુક્તિ પામ્યા.
તેમણે ઇજનેરી ક્ષેત્રે 115 જેટલા સંશોધનલેખો લખ્યા છે. તેમના 4 દળદાર ગ્રંથ પ્રગટ થયા છે. વિશ્વના જે દેશોને સિંચાઈ અંગે વધુ જાણકારી જરૂરી હોય, તેમની પૂછપરછને આધારે તેઓ તેમના સંશોધનાત્મક નિબંધોની પ્રતો તે તે દેશને પહોંચાડે છે. પછી વિદેશમાં આ મૂલ્યવાન પ્રતોનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમનાં સંશોધનોનો પૂરો લાભ મેળવવા પોતાના દેશના માનાર્હ સિંચાઈ-સલાહકાર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવે છે. આમ 10 દેશોના તેઓ માનાર્હ સલાહકાર રહ્યા છે. જળસંપત્તિનું સંશોધન અને આયોજન, મોટા બંધોની સુરક્ષા જેવા વિષયોના તજ્જ્ઞ તરીકે વિદેશી સરકાર તરફથી તેમને નિમંત્રણો મળ્યાં અને તેમણે તેમના જ્ઞાનનું પ્રદાન કર્યું.
આવા પ્રદાન બદલ તેમને 14 ઍવૉર્ડ મળ્યા છે. જેમ્સ બર્કલી સુવર્ણચંદ્રક, રાવબહાદુર રાજાધ્યક્ષ સુવર્ણચંદ્રક, હરિઓમ્ આશ્રમ સુવર્ણચંદ્રક, સેન્ટ્રલ બૉર્ડ ઑવ્ ઇરિગેશન ઍન્ડ પાવર પ્રમાણિત ‘ગોલ્ડન જ્યૂબિલી ઍવૉર્ડ’, ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ, કોલકાતા તરફથી ‘પ્રેસિડન્ટ ઑવ્ ઇન્ડિયા ઍવૉર્ડ’, આઈ. એસ. આઈ. દિલ્હી તરફથી ‘ફેલોશિપ ઍવૉર્ડ’ તેમજ 1997માં ખૂબ જ પ્રતિષ્ઠિત એવો રૂડકીસ્થિત રાષ્ટ્રીય જળવિજ્ઞાન સંસ્થા તરફથી ‘ડૉ. ભરતસિંહ ઍવૉર્ડ’ તેમને એનાયત થયા છે.
1981–82 દરમિયાન તેઓ સેન્ટ્રલ બૉર્ડ ઑવ્ ઇરિગેશન ઍન્ડ પાવરના અને 1982–85 દરમિયાન ઇન્ટરનેશનલ કમિશન ઑવ્ ઇરિગેશન ઍન્ડ ડ્રેનેજના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. 1989માં સેવાનિવૃત્ત થયા છતાં સરદાર સરોવર નર્મદા નિગમના સલાહકાર તરીકે તેમણે ફરજ બજાવી. આજે પણ તેઓ ભારત સરકારની અનેક ઇજનેરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. 1996માં દેશ માટેની સિંચાઈ ક્ષેત્રે નવમી પંચવર્ષીય યોજનાના ઘડતર માટેના રાષ્ટ્રીય સંચાલન ગ્રૂપના ચૅરમૅન તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઇજનેરીના અનુસ્નાતક કોર્સ માટે વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી છે. વિશ્વ બૅંકની સહાય મેળવવા સારુ 8 રાજ્યો દ્વારા આયોજિત કાર્યશિબિરોમાં તેમણે નિષ્ણાત પ્રોફેસર તરીકે મૂલ્યવાન વ્યાખ્યાનો આપ્યાં હતાં.
નિવૃત્ત થયા બાદ તેમણે તૈયાર કરેલ 35 સંશોધનાત્મક લેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. ‘ભક્તિનો મારગ’ નામનું પુસ્તક પણ તેમણે પ્રગટ કર્યું છે. વિશ્વની મહાન વિભૂતિ તરીકે જૂજ વ્યક્તિને મળે તેવું 1991–92ના વર્ષનું વિશ્વના અત્યંત પ્રભાવશાળી મહાનુભાવનું સન્માન કેમ્બ્રિજ, લંડનના ઇન્ટરનેશનલ બાયૉગ્રાફિકલ સેન્ટરે તેમને એનાયત કર્યું છે.
બળદેવભાઈ કનીજિયા