મિસિસિપિયન : પ્રથમ જીવયુગના ઉત્તરાર્ધ દરમિયાનનો એક કાળગાળો. કાર્બોનિફેરસ કાળનો પૂર્વાર્ધ. તેની નીચે ડેવોનિયન અને ઉપર પેન્સિલ્વેનિયન રચનાઓ રહેલી છે. યુ. એસ.નાં રાજ્યો અગ્નિ આયોવા અને ઇલિનૉઇ વચ્ચે મિસિસિપી નદીની ખીણમાં આ સમયના ખડકો જોવા મળે છે, તેથી તે ભૂસ્તરીય વિભાગને મિસિસિપિયન નામ અપાયેલું છે. આ સમય દરમિયાન આ વિસ્તારમાં મોટા પાયા પર દરિયાઈ અતિક્રમણ થયેલું. તેમાં જીવાવશેષયુક્ત ચૂનાખડકોનો દળદાર સ્તરાનુક્રમ તૈયાર થયેલો છે. વિશેષે કરીને કાર્બોનિફેરસના આ પૂર્વાર્ધ કાલખંડ માટે અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીઓ મિસિસિપિયન નામ ઉપયોગમાં લેવાનું પસંદ કરે છે, બીજા દેશોના ભૂસ્તરશાસ્ત્રીઓએ પણ આ નામ સ્વીકાર્યું છે. અમેરિકા સિવાય અન્યત્ર આ કાળગાળા માટે નિમ્ન કાર્બોનિફેરસ નામ જ વપરાય છે. અહીં આ કાળ પહેલાં તેમજ પછી અમુક પ્રમાણમાં ગિરિનિર્માણ-ઘટના પણ થયેલી છે. (તેના ભૂસ્તરીય સ્થાન માટે જુઓ ‘કાર્બોનિફેરસ રચના’.)
યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ યુરોપના સંદર્ભમાં આ કાલખંડનું વિભાગીકરણ અન્યોન્ય સમકાલીન શ્રેણીઓમાં નીચે મુજબ કરેલું છે :
ગિરીશભાઈ પંડ્યા