મિસાઇલ : રૉકેટ-સંચાલિત બૉમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાંકનો આકાર રૉકેટ જેવો હોય છે તો કેટલાંક વિસ્ફોટકોથી સુસજ્જ રૉકેટો ધરાવતાં હોય છે. માનવરહિત મિસાઇલો સ્વયંસંચાલિત હોય છે, જે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો પર ધસી જતાં હોય છે. કેટલાંક મિસાઇલો હાલતાંચાલતાં નિશાનોનો પીછો કરી તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. કેટલાંક મિસાઇલો રેડિયો-સંદેશા દ્વારા સંચાલિત હોય છે અને તેથી તેમનાં વેગ અને દિશા જમીન પરથી નિયંત્રિત થતાં હોય છે. ન્યૂક્લિયર મિસાઇલો વિશ્વનાં સૌથી વધુ ભયાનક પ્રક્ષેપાસ્ત્રો ગણાય છે. જોકે હજુ સુધી કોઈ પણ યુદ્ધમાં કોઈ પણ દેશે તેના શત્રુ સામે તેમનો ઉપયોગ કરેલો નથી. એક જમાનાની વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું ત્યારે બંને વચ્ચે શસ્ત્રીકરણની જે હોડ ચાલતી હતી તેની એક ખતરનાક પેદાશ ન્યૂક્લિયર મિસાઇલો ગણાય છે.
મિસાઇલો જુદા જુદા આકારનાં હોય છે; પરંતુ તેમની લંબાઈ ઓછામાં ઓછી 1–2 મીટર અને વધુમાં વધુ 18 મીટર જેટલી હોય છે. નાનામાં નાનું મિસાઇલ રણગાડા કે વિમાનને નષ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવતું હોય છે; જ્યારે મોટામાં મોટું મિસાઇલ વિશ્વના જેટલું અંતર કાપી શકે છે અને એક મોટા નગરનો સંપૂર્ણ નાશ કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. વિશ્વના પાંચ દેશો – અમેરિકા, રશિયા, ચીન, ઇંગ્લૅંડ અને ફ્રાન્સ પાસે આ પ્રક્ષેપાસ્ત્રોનો જથ્થો કેન્દ્રિત થયેલો છે. આ બધા દેશોએ શીતયુદ્ધના ગાળામાં પોતપોતાનાં મિસાઇલો શત્રુ તરફ અથવા સંભાવિત શત્રુ તરફ તાકી રાખ્યાં હતાં; પરંતુ શીતયુદ્ધની સમાપ્તિ બાદ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે નિ:શસ્ત્રીકરણ અંગેના કરારો થતાં તેમાં હવે ઓટ આવી છે.
મિસાઇલો ઘણા પ્રકારનાં હોય છે; દા. ત., નિયંત્રિત (guided) અને અનિયંત્રિત (unguided) મિસાઇલો, દૂરવેધી (બૅલિસ્ટિક) અને અદૂરવેધી (નૉન-બૅલિસ્ટિક) મિસાઇલો, ભૂમિ પરથી ભૂમિ પર મારો કરી શકે તેવાં મિસાઇલો, હવામાંથી હવામાં મારો કરી શકે તેવાં મિસાઇલો, હવામાંથી ભૂમિ પર મારો કરી શકે તેવાં મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો, જેમાં ચાલક હોતો નથી. કેટલાંક મિસાઇલો કમ્પ્યૂટર દ્વારા ચાલિત હોય છે અને તે જમીન, આકાશ અને દરિયાની સપાટી પરથી છોડી શકાતાં હોય છે. દૂરના અંતર પરના નિશાન પર છોડી શકાય તેવાં મિસાઇલો આંતરરાષ્ટ્રીય બૅલિસ્ટિક મિસાઇલોના નામથી ઓળખાય છે, જેની નિશાન પર વાર કરવાની ક્ષમતા 5,500 કિમી. જેટલી હોય છે; જ્યારે વ્યૂહાત્મક મિસાઇલો (tactical missiles) ટૂંકા અંતર (short range) પરના નિશાન પર છોડવા માટે હોય છે.
ચીને વિશ્વમાં સૌથી પહેલાં મિસાઇલોનો ઉપયોગ કર્યાના પુરાવા સાંપડ્યા છે. ઈ. સ. 1200માં તેણે બિનસંચાલિત રૉકેટો છોડ્યાં હતાં. ઈ. સ. 1300ના અરસામાં યુરોપ અને એશિયામાં રૉકેટોનો ઉપયોગ સામાન્ય થઈ ગયેલો. ઓગણીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ લશ્કરના એક અધિકારી વિલિયમ કૉન્ગ્રેવે અસંચાલિત (unguided) પણ રૉકેટ-ચાલિત (rocket powered) મિસાઇલનો આવિષ્કાર કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન ફ્રાન્સે મર્યાદિત પ્રમાણમાં તેમનો ઉપયોગ કર્યો હતો. બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળા(1918–39)માં વિસ્ફોટકો ભરેલા ચાલક વિનાનાં વિમાનો તૈયાર કરવા માટેના પ્રયોગો થયા હતા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન લડાઈના મેદાન પર સંચાલિત (guided) મિસાઇલોનો ઉપયોગ કરવાનો અખતરો જર્મનીએ કર્યો હતો. તેણે ઇંગ્લૅંડની સામે 7.5 મીટર લંબાઈ ધરાવતાં V–I નામનાં મિસાઇલો અને તેમનાથી મોટાં V–II નામનાં મિસાઇલો છોડ્યાં હતાં. V–II નામનાં મિસાઇલો ‘રિવેન્જ વેપન’ તથા ‘ફ્લાઇંગ બૉમ્બ’ – આ બે નામથી પ્રચલિત બન્યાં હતાં.
વિશ્વની મહાસત્તાઓ માને છે કે પરસ્પરને સદંતર નષ્ટ કરી શકે તેવાં પ્રક્ષેપાસ્ત્રોનો જથ્થો વધારવાથી વિશ્વયુદ્ધની શક્યતામાં ઘટાડો થાય છે. પરસ્પરનો ભય એ જ યુદ્ધની નાબૂદીનો અસરકારક ઉપાય છે !
મિસાઇલ – ભારતના સંદર્ભમાં :
એક સમય એવો હતો જ્યારે ભારતને કાલગ્રસ્ત યુદ્ધસામગ્રી આયાત કરવા ફરજ પડતી હતી. બીજી બાજુ વિદેશી હૂંડિયામણની સમસ્યા વિકટ હતી. આવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે ‘ઇન્ટિગ્રેટેડ ગાઇડેેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(IGMDP)ની જવાબદારી અને આયોજન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને સોંપવામાં આવ્યાં અને તે પણ ટાંચા બજેટ સાથે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન(DRDO)ના સચિવ તરીકે હતા ત્યારે ડૉ. કલામની રાહબરી નીચે ભારતે મિસાઇલ ક્ષેત્રે હનુમાનકૂદકો મારી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતીય નૌસેના માટે ‘ધનુષ’ (અથવા ‘પૃથ્વી’) મિસાઇલ તૈયાર કર્યું છે. તે જમીન ઉપરથી જમીન ઉપર છોડી શકાય છે અને તેની અવધિ 100 કિલોમીટરથી વધુ છે. જરૂર પડ્યે ધનુષ ઉપર પરંપરાગત યુદ્ધશસ્ત્રો (war heads) ગોઠવી શકાય છે. નૌસેનાનું બીજું મિસાઇલ ‘સાગરિકા’ છે. ધ્વનિની ગતિ કરતાં વધુ ગતિથી 350 કિલોમીટર સુધી તે પ્રહાર કરી શકે તેમ છે. સાગરિકા અત્યંત ચપળ અને તાકાતવાન છે, જે અમેરિકાના ‘હાર્પૂન’થી ચડી જાય તેમ છે. હવાઈદળમાં રડાર-પ્રણાલીવાળા ‘ટેમ્પેસ્ટ’નો સમાવેશ થાય છે. તે આકાશમાંથી જમીન ઉપર પ્રહાર કરવા માટે છે.
મિસાઇલનું ઉત્પાદન દક્ષિણ ભારતમાં અને દક્ષિણ ભારતના ડૉ. કલામ વડે શક્ય બન્યું છે. જોગાનુજોગ ભારતમાં પ્રથમ મિસાઇલનું નિર્માણ અઢારમી સદીમાં દક્ષિણ ભારતમાં જ થયું હતું. ટીપુ સુલતાને મિસાઇલનો ઉપયોગ બ્રિટિશરો સામે શ્રીરંગપટ્ટનમ ખાતે 1792 અને 1799ની સાલમાં મૈસૂર વિગ્રહ દરમિયાન કર્યો હતો.
ડૉ. કલામે સ્વદેશી બનાવટના જમીન ઉપરથી જમીન પર પ્રહાર કરી શકે તેવાં ‘પૃથ્વી’ અને ટૅન્કોને ખતમ કરી શકે તેવાં ‘નાગ’ મિસાઇલ તૈયાર કર્યાં છે. આકાશમાં ખેલાનાર જંગ માટે સતત ચોકી કરી ચેતવણી આપનાર ‘ત્રિશૂલ’ અને ‘આકાશ’ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. આ સાથે ‘અર્જુન’ અને ‘કાવેરી’ પણ છે.
પૂર્વ અને પશ્ચિમના પાડોશીઓ સાથે યુદ્ધની બાથ ભીડવા માટે ‘અગ્નિ’ મિસાઇલના કાર્યક્રમથી મહાસત્તાઓના પેટમાં અગ્નિ પેટ્યો છે. અગ્નિ–1 લગભગ 250 કિલોમીટર અને અગ્નિ–2 2,500 કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે તેમ છે. અગ્નિને લશ્કરમાં સામેલ કરવા સામે મહાસત્તાઓએ ભારે હોબાળો કર્યો. છેલ્લે છેલ્લે થોડાક સમય પહેલાં બાજપેયી સરકારે અગ્નિ મિસાઇલને લશ્કરમાં સામેલ કરેલ છે. ડૉ. કલામે 2005 સુધી મિસાઇલોની રચના અને ઉત્પાદન માટે આયોજન કરી આપ્યું છે. તેમાં હાઇટેક વિમાન ‘ઍવોક્સ’ મિસાઇલ આકાશ, પૃથ્વી અને ઍન્ટિરડાર મિસાઇલનો સમાવેશ થાય છે.
પૃથ્વી–2ની પ્રહારશક્તિ 250 કિલોમીટર છે, જ્યારે અગ્નિ–2ની પ્રહારશક્તિ 2,500 કિલોમીટરની છે. આ બે અંતરો વચ્ચે મોટો ગાળો રહે છે. આ ગાળો પૂરવા માટે અગ્નિ–1 તૈયાર કરવામાં આવ્યું. 25 જાન્યુઆરી 2002ના રોજ તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, અગ્નિ–1 700 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તેના ઉપર યુદ્ધઅગ્ર (war head) લઈ જઈ શકાય તેમ છે. અગ્નિ–1ને રોડ કે રેલ-ગતિશીલ પ્રમોચક ઉપરથી છોડી શકાય છે. તેને એક જ તબક્કો હોઈ તેનું વજન ઓછું હોય છે, છતાં તે મિસાઇલને વધુ પ્રવેગ પૂરો પાડે છે. અગ્નિ–2માં બે ઘન-તબક્કા હોય છે. તેના એક તબક્કાનો ઉપયોગ કરીને અગ્નિ–1 બનાવવામાં આવ્યું છે. આથી તેનું પ્રહાર-અંતર ઘટી ગયું છે.
ભવિષ્યમાં તૈયાર કરાનાર અગ્નિ–3 ભારતની મિસાઇલ તાકાતમાં ઓર વધારો કરશે, કારણ કે તે 3,500 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે તેમ છે. 12 જૂન, 2001ના રોજ ચાંદીપુર મથકેથી બ્રહ્મોસ (Bhramos) મિસાઇલ છોડવામાં આવ્યું. તેણે પૂર્વનિર્ધારિત ગતિ ધારણ કરી. આ પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બ્રહ્મોસ (Brahmputra-moscow) ભારત-રશિયાનું સંયુક્ત ઉત્પાદન છે, તે બે તબક્કાવાળું મિસાઇલ છે. તે પ્રવાહી અને ઘન નોદકો ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
પ્રહલાદ છ. પટેલ