મિશ્ર, અનોખેલાલ (જ. 1914, કાશી; અ. 10 માર્ચ 1958, કાશી) : ભારતના અગ્રણી તબલાવાદકોમાંના એક. પિતાનું નામ બુદ્ધપ્રસાદ. બાળપણમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થવાને કારણે જાતમહેનત-મજૂરી કરીને દાદીએ તેમને ઉછેર્યા.
બનારસ ઘરાનાના આ તબલાવાદકે આશરે છ વર્ષની ઉંમરે તબલાંની તાલીમ શરૂ કરી હતી. ગુરુ પંડિત ભૈરોપ્રસાદ મિશ્ર પાસે પંદર વર્ષ સુધી તાલીમ લઈને તેમણે તબલાવાદનમાં ખૂબ નિપુણતા પ્રાપ્ત કરી. તેમના તબલાવાદનની સૌથી મોટી વિશેષતા હતી ‘સફાઈ’ એટલે કે બોલની સ્પષ્ટતા. સ્પષ્ટ સુંદર બોલ સાથે ખૂબ જ તૈયારીથી તેઓ તબલાં વગાડતા. એ જમાનામાં એકલ તબલાવાદનનો રિવાજ ઓછો હોવા છતાં અનોખેલાલજીના સ્વતંત્ર તબલાવાદનની લોકો માંગ કરતા હતા અને એમના તબલાવાદનને વખાણતા હતા. આકાશવાણીના અખિલ ભારતીય સંગીત કાર્યક્રમોમાં તેઓ ભાગ લેતા. આકાશવાણી અમેરિકા પરથી પણ તેમના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હતા.
નીના ઠાકોર