મિશ્રા, જ્ઞાનસુધા (જ. 28 એપ્રિલ 1949, રાંચી, ઝારખંડ) : સર્વોચ્ચ અદાલતનાં મહિલા ન્યાયાધીશ. તેમના પિતા સતીશચંદ્ર મિશ્રા પટણા વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના ભાઈ સ્વ. શૈલેશચંદ્ર મિશ્રા જાણીતા વરિષ્ઠ ઍડ્વોકેટ હતા.
પટણાની કૉન્વેન્ટ શાળામાં તેમણે અભ્યાસ કર્યો અને પટણા યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથેની અનુસ્નાતક પદવી મેળવી. આ જ યુનિવર્સિટીમાંથી તેઓ કાયદાના સ્નાતક બન્યાં છે.
નવેમ્બર, 1972થી તેમણે કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો આરંભ ઍડ્વોકેટ તરીકે કર્યો. 1973માં તેમણે ભારતની સર્વોચ્ચ અદાલત ખાતે ઍડ્વોકેટ તરીકે કામગીરી આરંભી. તેમણે બંધારણીય સનદી અને ફોજદારી કેસો – એમ વિવિધ પાંખના કેસો હાથ ધર્યા અને કાબેલ વકીલ તરીકેની તેમની કામગીરી જામવા લાગી.
1982માં તેઓ બિહાર રાજ્યમાં સરકારી ઍડ્વોકેટ હતાં. તેમણે દસકાથી વધુ વર્ષો રાજસ્થાનની વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવાઓ આપી. તેઓ બિહારની વડીઅદાલત અને ત્યારબાદ ઝારખંડની વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યાં હતાં. 16 માર્ચ, 1994માં તેઓ પટણા વડીઅદાલતમાં ન્યાયાધીશ બન્યાં પછી ટૂંકા ગાળામાં જ તેમને રાજસ્થાનની વડીઅદાલતમાં તબદીલ કરવામાં આવ્યાં. રાજસ્થાનમાં કંપનીઓને લગતા કેસોના ન્યાયાધીશ, લવાદી બાબતો અંગેના ન્યાયાધીશ, નૅશનલ સિક્યુરિટી ઍક્ટ હેઠળ રચાયેલ સલાહકાર મંડળના અધ્યક્ષ જેવા અનેક એકમોમાં તેમણે સેવાઓ આપી હતી. 30 એપ્રિલ, 2010થી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. આ હોદ્દાની તેમની મુદત 27 એપ્રિલ, 2014ના રોજ પૂરી થઈ છે. એકવીસ વર્ષની ઍડ્વોકેટ તરીકે તેમની કામગીરી દરમિયાન તેઓ કાનૂની વ્યવસાયનાં વિવિધ સંગઠનો સાથે સંકળાયેલાં રહીને ખજાનચી, સંયુક્ત મંત્રી કે વહીવટી સમિતિનાં સભ્ય – એમ વિવિધ હોદ્દાઓ પરની જવાબદારીઓ નિભાવતાં હતાં.
વિવિધ રાજ્યોમાં ન્યાયમૂર્તિ તરીકે તેમની સમક્ષ જાત-ભાતના કેસો આવતા હતા. આ બધામાં બાળલગ્નો અંગેના કાયદાઓના અમલીકરણ, ભ્રૂણહત્યા, મહિલા અને બાળમજૂર શોષણ વિરોધી કાયદાઓના અમલ અંગે તેઓ વહીવટીતંત્રની નિર્ણાયક ભૂમિકાનો જ આગ્રહ રાખતાં. આવા કિસ્સાઓમાં પ્રજા-હિતલક્ષી ચુકાદાઓ દ્વારા તેમણે કાયદાના અભ્યાસીઓનું ધ્યાન દોર્યું છે. ઝૂંપડાંવાસી ગરીબ મહિલાઓ અને બાળકોના હક્કો માટે તથા બાળમજૂરોને લઘુતમ વેતન મળે તે માટે તેમણે ઉલ્લેખનીય લડત આપી હતી. ભાગલપુરના કાચા કામના કેદીઓ પર અમાનુષી સિતમ ગુજારવામાં આવેલો. ‘ગંગાજળ દીયા, લાઇટ ઑફ કિયા’ના આ સૂત્ર હેઠળ કેદીઓની આંખમાં ઍસિડ રેડી તેમને અંધ બનાવવામાં આવેલા. તેમ છતાં તે પોલીસકર્મીઓ પર કોઈ કારવાઈ થઈ નહોતી. કાયદાના કહેવાતા રખેવાળોએ આચરેલા આ સિતમ બદલ કેદીઓને ઓછામાં ઓછું આવશ્યક વળતર મળે તે માટે તેમણે ભારે જહેમત ઉઠાવી, તંત્રને વાજબી રીતે વર્તવાની ફરજ પાડેલી. ઝારખંડમાં આદિવાસી મહિલાઓ સાથે સ્થાનિક બોલીમાં વાતચીત કરી મહિલાવર્ગની નજીક પહોંચવામાં તેઓ કામયાબ રહ્યાં હતાં. કોકા-કોલા અને પેપ્સી કંપનીઓ વિરુદ્ધ જાહેર હિતની અરજીમાં સરકારી કાયદાઓની ઢીલાશ વર્તી જઈને તેઓ તે કેસમાં ઊંડા ઊતરેલાં. ‘સેન્ટર ફૉર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન’ સંસ્થાએ સર્વોચ્ચ અદાલત સમક્ષ જાહેર હિતની અરજી દ્વારા ઠંડા પીણાની બનાવટોમાં વપરાતા ઝેરી પદાર્થોનો ઉપયોગ અટકાવવા દાદ માંગી હતી. આ કેસ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ જ્ઞાન સુધા મિશ્રા અને દલવીર ભંડારી સમક્ષ રજૂ થયો ત્યારે અદાલતે સરકારને ઠંડા પીણાની બાટલીઓ પર ચેતવણી આપતું નોટિફિકેશન બહાર પાડવા જણાવેલું. તેમાં સહેતુક વિલંબ થયો ત્યારે ન્યાયમૂર્તિ મિશ્રાએ સરકાર અને પીણાં બનાવતી કંપનીઓ – બંનેને પ્રશ્ર્ન કરેલો કે ‘તમે ક્યાં સુધી પ્રજાને ઝેર પિવડાવ્યા કરશો ?’ આ પ્રશ્ર્ન દ્વારા તેમણે સરકાર અને પીણાં કંપનીઓને જવાબદેય રહેવાની ફરજ પાડી હતી. આવા અન્ય કિસ્સાઓમાં પણ પ્રજાહિતની નિસબત ધરાવનાર મહિલા ન્યાયમૂર્તિ તરીકે તેઓ આદરપાત્ર સ્થાન ધરાવે છે. સરકારો પાસે જવાબ માંગવો, નિર્ભયતાપૂર્વક કેસની તપાસમાં ઊંડા ઊતરી સત્ય શોધવું તેમજ કોઈ જ શેહશરમ વિના સરકાર કે તેના તંત્રની ભૂલ બતાવી ચુકાદા આપવા માટે તેઓ જાણીતાં છે. દિલ્હીની સેંટ મેરી સ્કૂલના સંદર્ભમાં એક કેસ સર્વોચ્ચ અદાલત વિ. ભારતના ચૂંટણીપંચ વચ્ચે ચાલતો હતો. જેમાં બચના અધ્યક્ષપદે તેઓ કાર્યરત હતાં. તેમાં તેમણે માત્ર રજાના દિવસોએ જ શાળાઓની અસ્કામતો ચૂંટણી માટે વાપરવાની તાકીદ કરતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી તેમણે ચૂંટણીપંચને સંદેશો પહોંચાડ્યો કે વિદ્યાર્થીઓના અભ્યાસને હાનિ ન કરે તે રીતે જ શાળાનાં મકાનો પંચ ઉપયોગમાં લે. કેસોનો વિવિધલક્ષી અભ્યાસ તેમની વિશિષ્ટતા છે. રામ જેઠમલાની અને સોલી સોરાબજી જેવા વરિષ્ઠ ઍડ્વોકેટો સાથે તેમણે કામ કર્યું હતું. અભ્યાસી પ્રકૃતિ તેમજ ચીવટ અને ખંતથી કામ કરવાની ટેવને લીધે તેઓ શિસ્તબદ્ધ અને કડક હાથે કામ લેનાર ન્યાયમૂર્તિ ગણાય છે.
ભારત સિવાય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેઓ ખ્યાતિ ધરાવે છે. કૅનેડાના ઓટાવામાં યોજાયેલી ‘ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑવ્ વિમેન જજીસ’ની પરિષદમાં તેઓ પ્રવચન માટે આમંત્રિત થયાં હતાં. અન્ય આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પણ તેઓ સક્રિય ભાગ લે છે – વ્યાખ્યાનો આપે છે અને મહિલાવિકાસ તથા સશક્તીકરણ અંગે ઉત્સુકતા ધરાવે છે. અઢળક વાચન તેમનો શોખ છે. સ્વજનો અને મિત્રવર્તુળમાં તેમને સૌ ‘પુસ્તકિયા જીવ’ તરીકે ઓળખે છે. નમ્ર, હસમુખાં, મિલનસાર છતાં અત્યંત ર્દઢ નિર્ણયો માટે તેઓ ઉલ્લેખનીય વ્યક્તિ ગણાય છે. જૂન, 2006માં મહિલા ન્યાયમૂર્તિ રુમા પાલ નિવૃત્ત થયાં પછીનાં ચાર વર્ષમાં મહિલા ન્યાયમૂર્તિનો અવકાશ જ્ઞાનસુધા મિશ્રાની નિમણૂકથી પુરાયો છે.
રક્ષા મ. વ્યાસ