મિશ્રધાતુઓનું પૃથક્કરણ (Analysis of alloys)

મિશ્રધાતુમાં કયું તત્વ કેટલા પ્રમાણમાં હાજર છે તેનું નિર્ધારણ. સામાન્ય રીતે શુદ્ધ સ્વરૂપે ધાતુ ઓછી વપરાય છે, કારણ કે ધાતુનો જે હેતુ માટે ઉપયોગ કરવાનો હોય તેને અનુરૂપ તેના ગુણધર્મો મેળવવા માટે શુદ્ધ ધાતુમાં ઓછાવત્તા પ્રમાણમાં એક અથવા વધુ અન્ય ધાતુ ઉમેરી મિશ્રધાતુ બનાવવામાં આવે છે. માનવીને જેની જાણ છે તેવાં 109 તત્વો પૈકી 80 ધાતુઓ છે. આ પૈકી અર્ધીનો ઉપયોગ કરી લગભગ 40,000થી વધુ મિશ્રધાતુઓ બનાવવામાં આવી છે અને સમય જતાં વધુ બનાવાશે.

ધાતુઓના ઉપયોગની ર્દષ્ટિએ આધુનિક ટૅક્નૉલૉજીની માંગ એટલી વિભિન્ન અને વિશિષ્ટ પ્રકારની છે કે લિથિયમથી માંડીને યુરેનિયમ જેવી ધાતુઓની, શુદ્ધ ધાતુ કે મિશ્રધાતુ રૂપે સંભવિત (potential) ઉપયોગિતા માટે સંશોધન થતાં રહ્યાં છે. આને લીધે મિશ્રધાતુઓનું પૃથક્કરણ જરૂરી બને છે.

પુરાણા સમયમાં બાંધકામ માટે મહદ્અંશે લોખંડ અથવા તાંબા આધારિત (copper-based) મિશ્રધાતુઓ વાપરવામાં આવતી. આથી અનુકૂળતા ખાતર મિશ્રધાતુઓના બે વર્ગ પાડવામાં આવ્યા છે, જેમને લોહ (ferrous) અને બિનલોહ (nonferrous) – મિશ્રધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી મિશ્રધાતુઓના પૃથક્કરણમાં જે તબક્કાઓ (stages) સંકળાયેલા છે. તેમાં મિશ્રધાતુનો નમૂનો મેળવવો (પ્રતિચયન, sampling), પૃથક્કરણ માટે તેનું યોગ્ય દ્રાવણ બનાવવું, દ્રાવણમાં રહેલા (મિશ્રધાતુના) વિવિધ ઘટકોની જાણકારી મેળવવી [ગુણદર્શક (qualitative) પૃથક્કરણ] તેમજ આ ઘટકોનું પ્રમાણ નક્કી કરવું (માત્રાત્મક પૃથક્કરણ, quantitative analysis) વગેરેનો સમાવેશ થાય છે.

અત્રે ઉદાહરણરૂપ એવી કેટલીક મિશ્રધાતુઓનું પૃથક્કરણ આપવામાં આવ્યું છે, જેમાં પોલાદ અને અન્ય લોહયુક્ત મિશ્રધાતુઓ (ferroalloys) તેમજ બિનલોહ–મિશ્રધાતુઓ પૈકી કૉપર (તાંબા) આધારિત (copper-base) મિશ્રધાતુઓ; નિકલ-કૉપર મિશ્રધાતુઓ; લેડ, ટિન અને ઍન્ટિમનીની મિશ્રધાતુઓ; ઍલ્યુમિનિયમ-આધારિત મિશ્રધાતુઓ; ઝિન્ક-આધારિત મિશ્રધાતુઓ અને સિલ્વરની મિશ્રધાતુઓનો સમાવેશ થાય છે.

પ્રતિચયન (sampling) : પૃથક્કરણ માટે મિશ્રધાતુનો નમૂનો એવી રીતે પસંદ કરવામાં આવે છે કે તે પરીક્ષણ માટે લીધેલ મિશ્રધાતુનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરે અને તે એટલો મોટો હોય કે તેમાંથી પૂરતી સંખ્યામાં નિર્ધારણ (determination) કરી શકાય. પૃથક્કરણ માટે ઉપયોગમાં લેવાતો નમૂનો ચોક્કસ વજન કરીને લેવો જરૂરી છે.

પ્રક્રિયકો : તત્વોનું માત્રાત્મક પૃથક્કરણ હોવાથી બધી રીતોમાં A.R. (Analytical Reagent) અથવા તેને સમતુલ્ય કક્ષાના પ્રક્રિયકો તથા નિસ્યંદિત કે વિઆયનીકૃત (deionized) પાણી વાપરવામાં આવે છે.

કાચનાં સાધનો : કાચનાં બધાં જ ઉપકરણો અને પાત્રો દરેક વિધિ માટે નક્કી થયેલી જરૂરિયાતોને સંતોષે તેવી રીતે પસંદ કરવામાં આવે છે. માનક (standard) કદમિતીય ફ્લાસ્ક, બ્યુરેટ, પિપેટ વગેરે પૂરતી પરિશુદ્ધિ(precision)વાળાં હોવાં જોઈએ.

આ ઉપરાંત કેટલાક પ્રક્રિયકો; દા.ત., હાઇડ્રૉફ્લોરિક ઍસિડ (HF), સાંદ્ર નાઇટ્રિક ઍસિડ (HNO3), બ્રોમીન વગેરે જોખમકારક હોઈ તેમના વપરાશ વખતે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. આ માટે ઘણી પ્રક્રિયાઓ ધૂમધાની(ધૂમકક્ષ) (fume cupboard)માં કરવામાં આવે છે. સાયનાઇડ જેવા ઝેરી પદાર્થો સામે પણ સાવચેતી રાખવી પડે છે. પરક્લોરેટ જેવા પદાર્થો વાપરતી વખતે વિસ્ફોટ ન થાય તે પણ જોવું જરૂરી છે.

પોલાદનું પૃથક્કરણ : સાદું પોલાદ (steel), લોખંડ (Fe) ઉપરાંત કાર્બન (C), સિલિકન (Si), સલ્ફર (S), ફૉસ્ફરસ (P) અને મૅંગેનીઝ(Mn)નો અમુક જથ્થો ધરાવે છે. ખાસ હેતુઓ માટે તેમાં ક્રોમિયમ (Cr), વેનેડિયમ (V), મોલિબ્ડિનમ (Mo), ટંગસ્ટન (W), ટાઇટેનિયમ (Ti), નિકલ (Ni), કોબાલ્ટ (Co), ઝર્કોનિયમ (Zr) અને કૉપર (તાંબું) (Cu) ઉમેરવામાં આવે છે. આથી સામાન્ય રીતે સ્ટીલમાંનાં આવાં ગૌણ તત્વોનું જ પૃથક્કરણ કરવામાં આવે છે; કારણ કે તે વધુ અગત્યનાં છે. આ તત્વો માટે પૃથક્કરણની અનેક રીતો ઉપલબ્ધ હોઈ હેતુ પ્રમાણે વિધિ પસંદ કરવામાં આવે છે.

કાર્બન : પોલાદમાંના કુલ કાર્બનનું પ્રમાણ પ્રત્યક્ષ (direct) દહન (combustion) પદ્ધતિ વડે નક્કી કરવામાં આવે છે. આ માટે નમૂનાના ચોક્કસ વજનને એલંડમ (alundum), માટી (clay), ઝિર્કાઇટ (zirkite), નિકલ અથવા પ્લૅટિનમની નાવ(boat)માં લઈ વિદ્યુત-ભઠ્ઠીમાં ઑક્સિજનના વાતાવરણમાં 1000°થી 1300° સે. તાપમાને બાળવામાં આવે છે. દહનને લીધે ઉત્પન્ન થતા કાર્બનડાયૉક્સાઇડ (CO2), સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને સલ્ફરટ્રાયૉક્સાઇડ (SO3) જેવા વાયુઓને, ઑક્સિજન અને CO2 સિવાયના વાયુઓને શોષી લેતાં હોય તેવાં દ્રાવણોમાંથી પસાર કરી દૂર કરવામાં આવે છે. છેલ્લે CO2ને તેને માટેના યોગ્ય ઘન-પ્રક્રિયક [દા.ત., સોડિયમ હાઇડ્રૉક્સાઇડ વડે સંસેચિત (impregnated) નિષ્ક્રિય (inert) પદાર્થ] ધરાવતી નળી અથવા બલ્બમાં શોષી લેવામાં આવે છે. CO2ના અવશોષણ અગાઉ અને તે પછીનાં નળીનાં વજનો પરથી CO2નું પ્રમાણ અને તે રીતે નમૂનામાંના કાર્બનનું પ્રમાણ ગણી શકાય છે.

ફૉસ્ફરસ : આ તત્વ ફૉસ્ફાઇડ રૂપે હોય છે અને તેને પ્રથમ ઑર્થોફૉસ્ફેટમાં ફેરવવું જરૂરી છે. આ માટે 3 ગ્રામ જેટલા ચોક્કસ વજનના નમૂનાને 75 મિલી. 6M નાઇટ્રિક ઍસિડમાં આછા તાપે ઓગાળવામાં આવે છે. આ દ્રાવણમાં 20 મિલી. પોટૅશિયમ પરમૅન્ગેનેટ ઉમેરી થોડી મિનિટો માટે ઉકાળવામાં આવે છે, જેથી મૅંગેનીઝ ડાયૉક્સાઇડ અવક્ષિપ્ત થાય. આ અવક્ષેપને ઓગાળવા દ્રાવણમાં તાજું બનાવેલું સોડિયમ સલ્ફાઇટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. દ્રાવણને થોડી વાર માટે ઉકાળી સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રૉજનના ઑક્સાઇડ દૂર કરવામાં આવે છે. દ્રાવણમાંના ફૉસ્ફેટનું એમોનિયમ મૉલિબ્ડેટ પ્રક્રિયક ઉમેરી અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપ સારા મળે તે માટે દ્રાવણને ઢાંકી રાખી બે અથવા વધુ કલાક રાખી મૂકવામાં આવે છે. મળેલા એમોનિયમ ફૉસ્ફોમોલિબ્ડેટના અવક્ષેપને ગાળી, 5 % એમોનિયમ નાઇટ્રેટ કે ઠંડા મંદ (1 : 50) નાઇટ્રિક ઍસિડ વડે ધોઈ તેને 2 % સાઇટ્રિક ઍસિડ ધરાવતા 6 M એમોનિયાના 20 મિલી.માં ઓગાળવામાં આવે છે. ગાળણપાત્રને પણ મંદ (1 : 20) એમોનિયા અને ત્યારબાદ મંદ (1:20) હાઇડ્રૉક્લૉરિક ઍસિડ (HCl) વડે ધોવામાં આવે છે. એકઠા થયેલા ગાળણ(filtrate)માં થોડાંક ટીપાં મિથાઇલ રેડ સૂચક ઉમેરી, દ્રાવણને મંદ HCl વડે ઍસિડિક બનાવી તેમાં મૅગ્નેશિયા-મિશ્રણ ઉમેરી ફૉસ્ફેટનું MgNH4PO4·6H2O તરીકે અથવા અવક્ષેપને પ્લૅટિનમ ક્રુસિબલમાં બાળી Mg2P2O7 તરીકે તેનું વજન કરવામાં આવે છે.

ફૉસ્ફરસના માપન માટેની કદમાપક પદ્ધતિમાં એમોનિયમ ફૉસ્ફોમોલિબ્ડેટના અવક્ષેપને પ્રમાણિત (~ 0.15 M) સોડિયમ હાઇડ્રૉક્સાઇડના 2થી 5 મિલી.માં ઓગાળી મંદ બનાવી પ્રમાણિત HNO3 સામે ફિનોલ્ફ્થેલીન સૂચક વાપરી અનુમાપન કરવામાં આવે છે. વપરાયેલા NaOHના કદ ઉપરથી ફૉસ્ફરસનું પ્રમાણ જાણી શકાય છે.

ફૉસ્ફરસના નિર્ધારણ માટેની ફોટોમિતીય પદ્ધતિનો સિદ્ધાંત એ છે કે એમોનિયમ મોલિબ્ડેટ સાથે મળતા ફૉસ્ફોમોલિબ્ડેટ સંકીર્ણનું હાઇડ્રેઝિન સલ્ફેટ વડે અપચયન (reduction) કરવાથી મોલિબ્ડેનમ–બ્લૂ સંકીર્ણ બને છે, જેનું (સાંદ્રતા અનુસાર) 700 mμ અથવા 830 mμ (મિ. માઇક્રૉન) તરંગલંબાઈએ ફોટોમિતીય માપન થઈ શકે છે. આ માટે સંદર્ભદ્રાવણ તરીકે ફૉસ્ફરસનું જાણીતું પ્રમાણ ધરાવતાં પ્રમાણિત દ્રાવણોનો ઉપયોગ કરી ફોટોમિતીય માપનો દ્વારા અંકશોધન-આલેખ (calibration) તૈયાર કરવામાં આવે છે. અજ્ઞાત દ્રાવણ માટે પણ આવું જ ફોટોમિતીય માપન લઈ તેના વાચન દ્વારા અંકશોધન-આલેખ પરથી અજ્ઞાતમાં ફૉસ્ફરસનું પ્રમાણ નક્કી કરી શકાય છે.

સલ્ફર : સલ્ફરના નિર્ધારણ માટેની એક પદ્ધતિમાં સલ્ફરનું ઉપચયન (oxidation) કરી તેને સલ્ફેટ (SO²4¯)માં ફેરવી બેરિયમ- સલ્ફેટ (BaSO4) તરીકે અવક્ષેપન કરી વજન કરવામાં આવે છે. આ માટે ચોક્કસ વજન ધરાવતા 5 ગ્રા. જેટલા સ્ટીલના ટુકડાને ઢાંકેલા કૉનિકલ ફ્લાસ્ક અથવા બીકરમાં લઈ તેને 50 મિલી. સાંદ્ર નાઇટ્રિક ઍસિડમાં ઓગાળવામાં આવે છે. થોડો (5 મિલી.) સાંદ્ર HCl સાવચેતીપૂર્વક ઉમેરવાથી ઓગાળવાની ક્રિયા સારી રીતે થાય છે. તે પછી દ્રાવણમાં 5 ગ્રા. A.R. (Analytical Reagent) કક્ષાનો સોડિયમ-ક્લોરાઇડ ઉમેરી, ગરમ કરી, બાષ્પીભવન દ્વારા પાણી ઉડાડી, 10 મિનિટ સુધી પકવવામાં આવે છે. ત્યારબાદ તેમાં સાંદ્ર HCl (25 મિલી.) ઉમેરી ફરીથી નીપજ શુષ્ક બને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક જથ્થાને સાંદ્ર HClમાં ઓગાળી, પાણી ઉમેરી મંદ બનાવી, તેમાં શુદ્ધ ઝિંકના દાણા ઉમેરવામાં આવે છે, જેથી ફેરિક આયનનું અપચયન થઈ તે ફેરસમાં ફેરવાય. આ દ્રાવણને ગાળી, અવશેષને મંદ (1 : 50) HCl વડે ધોવામાં આવે છે. ગાળણને 70° સે. સુધી ગરમ કરી, તેમાં બેરિયમ-ક્લોરાઇડનું 10 % સાંદ્રતાનું ગરમ દ્રાવણ ઉમેરી સલ્ફેટનું બેરિયમ-સલ્ફેટ (BaSO4) તરીકે અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને રાતભર ઠરવા દઈ, બારીક ગાળણપત્ર (દા.ત., વૉટમૅન નં. 40) વડે ગાળી, ધોઈ BaSO4 તરીકે વજન કરવામાં આવે છે.

એક અન્ય પદ્ધતિમાં ધાતુ સાથે HClની પ્રક્રિયા થાય ત્યારે ઉદભવતાં હાઇડ્રૉજન સલ્ફાઇડ(H2S)ને કેડમિયમ-ક્લોરાઇડ કે એમોનિયામય ઝિંક-સલ્ફેટના દ્રાવણમાં શોષી લેવામાં આવે છે. આથી અવક્ષેપિત થતા સલ્ફાઇડનું સ્ટાર્ચ સૂચક વાપરી, આયોડિનના પ્રમાણિત દ્રાવણ સાથે ઍસિડ માધ્યમમાં અનુમાપન કરવામાં આવે છે. બધો સલ્ફર સલ્ફાઇડ રૂપે મિશ્રધાતુમાં હાજર હોય ત્યાં આ પદ્ધતિ ઉપયોગી છે. આ ઉપરાંત સ્ટીલને ઑક્સિજનના પ્રવાહમાં (1425° સે.) બાળીને તેથી ઉદભવતા સલ્ફરના ઑક્સાઇડોને મંદ, તટસ્થ હાઇડ્રૉજન-પેરૉક્સાઇડમાં શોષી લેવામાં આવે છે. આ રીતે બનતા સલ્ફ્યુરિક ઍસિડનું પ્રમાણિત સોડિયમ-હાઇડ્રૉક્સાઇડ સાથે મિથાઇલ રેડ સૂચક વાપરી અનુમાપન કરી શકાય છે.

સિલિકન : સ્ટીલના વજન કરેલા (2.5થી 5.0 ગ્રા. જેટલા) નમૂનાને પૉર્સલિનની વાટકી અથવા કૅસરોલ(casserole)માં લઈ તેને ક્લૉક-ગ્લાસ (clock glass) વડે ઢાંકી મંદ (1 : 3) સલ્ફ્યુરિક ઍસિડ અથવા નાઇટ્રિક અને સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણમાં (જરૂર પડ્યે સહેજ ગરમ કરી) ઓગાળવાથી સિલિકન સિલિકા (SiO2) રૂપે અદ્રાવ્ય બને છે. તેને હાઇડ્રૉક્લોરિક ઍસિડની માવજત આપવાથી આયર્ન, ઍલ્યુમિનિયમ અને અન્ય ધાતુઓના ક્ષાર બનતાં સિલિકા શુદ્ધ બને છે. સિલિકાને જળવિહીન બનાવવા માટે વધુ સારી રીત 60 %થી 70 % પરક્લોરિક ઍસિડ વાપરવાની રહે છે. (તેના ઉપયોગથી સિલિકા સહેલાઈથી ગાળી શકાય તેવી અને ધાતુઓના પરક્લોરેટ લવણો સામાન્ય રીતે ઘણાં દ્રાવ્ય હોવાથી સિલિકા અશુદ્ધિઓથી મુક્ત બને છે.) જોકે પરક્લોરિક ઍસિડ વાપરતી વખતે ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. આ પછી દ્રાવણને સલ્ફર ટ્રાયૉક્સાઇડના ધુમાડા 2થી 3 મિનિટ માટે નીકળે ત્યાં સુધી સંભાળપૂર્વક ગરમ કરવામાં આવે છે અને તેને ઠંડું કરી (50–60° સે.) તેમાં સાધારણ ગરમ પાણી ઉમેરી, હલાવી તુરત જ વૉટમૅન 40 અથવા 540 નંબરના ગાળણપત્ર વડે ગાળી લેવામાં આવે છે. સિલિકાના અવક્ષેપને બધું આયર્ન દૂર થાય ત્યાં સુધી પ્રથમ ગરમ મંદ (1 : 20) HCl વડે અને પછી નિસ્યંદિત પાણી વડે ધોવામાં આવે છે. ગાળણપત્ર અને અવક્ષેપને વજન કરેલી પ્લૅટિનમની ક્રુસિબલમાં મૂકી પ્રથમ ધીરે ધીરે અને પછી બર્નર વડે અથવા મફલ ફર્નેસમાં (1100°થી 1150° સે.) તપાવવામાં આવે છે. તે પછી ક્રુસિબલને જલશોષિત્ર(desiccator)માં મૂકી, ઠંડી થાય એટલે વજન કરવામાં આવે છે. સારાં પરિણામો મેળવવા આ વજન કરેલા અવશેષને મંદ (1 : 1) સલ્ફ્યુરિક ઍસિડ વડે પલાળી તેમાં 3−5 મિલી. સાંદ્ર હાઇડ્રૉફ્લૉરિક ઍસિડ ઉમેરવામાં આવે છે અને સલ્ફ્યુરિક ઍસિડ દૂર ન થાય ત્યાં સુધી દ્રાવણનું સાચવીને બાષ્પીભવન કરવામાં આવે છે. આથી સિલિકન તેના ટેટ્રાફ્લૉરાઇડ રૂપે ઊડી જાય છે. (SiO2 + 4HF = SiF4 + 2H2O). ક્રુસિબલને ફરીથી ઠંડી પાડી તેનું વજન કરવામાં આવે છે અને વજનમાં આવેલી ઘટ પરથી સિલિકાનું અને એ રીતે સિલિકનનું પ્રમાણ જાણી શકાય છે.

મૅન્ગેનીઝ : (i) બિસ્મુથેટ પદ્ધતિ : 1 ગ્રામ જેટલા નમૂનાને 50 મિલી. HNO3(1 : 3)માં ઓગાળી, તપખીરિયા રંગના ધુમાડા નીકળતા બંધ ન થાય ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવે છે. દ્રાવણને ઠંડું પાડી તેમાં 0.5 ગ્રામ જેટલો સોડિયમ બિસ્મુથેટ (NaBiO3) ઉમેરી 2થી 3 મિનિટ માટે ઉકાળવામાં આવે છે. (સ્ટીલમાં કાર્બન વધુ હોય તો બિસ્મુથેટ વધુ ઉમેરવો પડે છે.) આથી પરમૅન્ગેનિક ઍસિડને કારણે ગુલાબી રંગ અથવા મૅન્ગેનીઝ ડાયૉક્સાઇડના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આવું દ્રાવણ ચોખ્ખું થાય તે રીતે તેમાં સોડિયમ-સલ્ફાઇટનું તાજું બનાવેલું દ્રાવણ ટીપે ટીપે ઉમેરી ઉકાળવામાં આવે છે. દ્રાવણને ઠંડું પાડી તેમાં ફરીથી રંગ ઉત્પન્ન થાય અને તેમાં ફેરફાર ન થાય તેના કરતાં 0.5 ગ્રામ વધુ NaBiO3 ઉમેરવામાં આવે છે. (સામાન્ય રીતે 0.01 ગ્રામ Mnદીઠ 0.25 ગ્રામ NaBiO3). હવે દ્રાવણમાં 50 મિલી. 3 % HNO3 ઉમેરી છિદ્રાળુ-પોર્સલિનની અથવા નિસાદિત-કાચની (sintered glass) ક્રુસિબલ વડે ગાળી લેવામાં આવે છે. અવક્ષેપને મંદ HNO3ના દ્રાવણ વડે ધોવામાં આવે છે. એકઠું થયેલું દ્રાવણ રંગવિહીન બને ત્યાં સુધી અને થોડું આધિક્યમાં રહે તે રીતે તેમાં બ્યુરેટ વડે ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. વધારાના ફેરસ આયનનું પ્રમાણિત KMnO4ના દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે છે. બે કદના તફાવત પરથી મૅન્ગેનીઝમાંથી ઉદભવેલા પરમૅન્ગેનેટનું પ્રમાણ મળે છે. અન્ય એક રીતમાં મૅન્ગેનીઝનું પરમૅન્ગેનેટમાં ઉપચયન સિલ્વર નાઇટ્રેટની હાજરીમાં પોટૅશિયમ પરસલ્ફેટ વડે કરવામાં આવે છે.

વધુ સારાં પરિણામો મેળવવા પોટૅશિયમ પરમૅન્ગેનેટનું પ્રમાણિત દ્રાવણ વાપરી તટસ્થ પાયરોફૉસ્ફેટ દ્રાવણમાં મેન્ગેનસ–આયન(Mn2+)નું પોટૅન્શિયોમિતીય અનુમાપન કરવામાં આવે છે.

મિશ્રધાતુનું પૃથક્કરણ : પોટૅન્શિયૉમિટરના જરૂરી ભાગો દર્શાવતું રેખાચિત્ર. B : વૉલ્ટીય સ્રોત; R : એકસમાન અવરોધવાળો તાર; S : સરકતો સ્પર્શક; G : ગૅલ્વેનૉમિટર; E : વીજધ્રુવો; C : અંકન-સમાયોજન.

વીજધ્રુવોમાં એક ચળકતા પ્લૅટિનમનો અને બીજો સંતૃપ્ત કેલોમલ(SCE)નો હોય છે. 6 અને 7 pH મૂલ્ય વચ્ચે તુલ્યબિંદુ-(equivalence point)એ વિભવ(potential)માં મોટો (લગભગ 300 મિ. વોલ્ટનો) ફેરફાર થાય છે. વળી ક્લોરાઇડ, Co(II), Cr(III)ની હાજરી નડતી નથી; Fe (III), Ni, Mo(VI), W(VI) અને U(VI) પણ અહાનિકારક (innocuous) હોય છે; જ્યારે,  અને પરક્લોરેટ નિરુપદ્રવી (harmless) હોય છે, જોકે Mg, Cd અને Al મૅન્ગેનીઝનું સહઅવક્ષેપન (coprecipitation) કરતાં અવક્ષેપ આપતા હોઈ તેઓ ગેરહાજર હોય તે જરૂરી છે.

ક્રોમિયમ : મિશ્રધાતુમાંના ક્રોમિયમનું નિર્ધારણ કરવાની રીતો ક્રોમિયમના ક્રોમેટ માં થતા ઉપચયન પર આધારિત છે. ક્રોમેટનું કદમિતીય (volumetric) પદ્ધતિઓ વડે નિર્ધારણ કરી શકાય છે. સામાન્ય રીતે સ્ટીલમાં ક્રોમિયમ વૅનેડિયમ (V) સાથે સંલગ્ન હોય છે.

Cr-V-સ્ટીલનો 2 ગ્રામ જેટલો વજન કરેલો નમૂનો લઈ તેમાં સલ્ફ્યુરિક–ફૉસ્ફોરિક ઍસિડ મિશ્રણ [160 મિલી. મંદ (1 : 1)- H2SO4ને 300 મિલી. પાણીમાં ઉમેરી, દ્રાવણને ઠંડું પાડી તેમાં ચાસણી જેવા (syrupy) ફૉસ્ફોરિક ઍસિડના 40 મિલી.] ઉમેરવામાં આવે છે. ઊભરા શમી જાય ત્યાં સુધી ગરમ કરી તેમાં સાવધાનીપૂર્વક 3–5 મિલી. સાંદ્ર નાઇટ્રિક ઍસિડ ઉમેરવામાં આવે છે. નમૂનો ઓગળી જાય અને નાઇટ્રોજનના ઑક્સાઇડ દૂર થાય ત્યાં સુધી દ્રાવણને ઉકાળી તેને 300 મિલી. સુધી મંદ બનાવવામાં આવે છે. ઉચ્છલન (bumping) ટાળવા પાત્રમાં છિદ્રાળુ પોર્સલિનના થોડા ટુકડા નાંખી સિલ્વર-નાઇટ્રૅટના મંદ (5 ગ્રા./લિ.) દ્રાવણના 5થી 10 મિલી. અને તાજા બનાવેલા એમોનિયમ પરસલ્ફેટના 15થી 20 મિલી. ઉમેરી, દ્રાવણને 10 મિનિટ માટે ઉકાળવામાં આવે છે.

(i) Cr2(SO4)3 + 3 (NH4)2S2O8 + 8 H2O  =  2 H2CrO4 + 3 (NH4)2SO4 + 6 H2SO4

(ii) 2 MnSO4 + 5 (NH4)2S2O8 + 8 H2O  =  2 HMnO4 + 5 (NH4)2SO4 + 7 H2SO4

પરમૅન્ગેનેટનો રંગ થોડી મિનિટોમાં ન ઉદભવે તો AgNO3 અને (NH4)2S2O8 ઉમેરી દ્રાવણને ઉકાળવામાં આવે છે, જેથી વધારાનો પરસલ્ફેટ વિઘટન પામે. પરમૅન્ગેનેટના અપચયન માટે દ્રાવણમાં સોડિયમ એઝાઇડનું (0.5 %) દ્રાવણ ટીપે ટીપે ઉમેરવામાં આવે છે (ચેતવણી : હાઇડ્રેઝોઇક ઍસિડ ઝેરી અને બાષ્પશીલ છે.) અથવા ગરમ દ્રાવણમાં 5 મિલી. મંદ (1 : 3) HCl ઉમેરવામાં આવે છે. પરમૅન્ગેનેટનો રંગ અથવા MnO2ના અવક્ષેપ અર્દશ્ય થાય ત્યાં સુધી દ્રાવણને ઉકાળવામાં આવે છે. ઉકાળવાથી ક્લોરિન દૂર થાય છે.

હવે દ્રાવણને મંદ બનાવી તેમાં 0.1N ફેરસ-એમોનિયમ સલ્ફેટ ત્યાં સુધી ઉમેરવામાં આવે છે કે પીળો રંગ દૂર થાય (ક્રૉમિક અને વૅનેડિક ઍસિડનું સંપૂર્ણ અપચયન) અને દસેક મિલી. વધારાનો બાકી રહે. ઉમેરેલું કદ બરાબર નોંધી વધારાનાં ફેરસ-સંયોજનનું પોટૅશિયમ પરમૅન્ગેનેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે છે. ઉપચયનમાં વપરાયેલા ફેરસ એમોનિયમ સલ્ફેટ પરથી સ્ટીલમાંના ક્રોમિયમનું પ્રમાણ નક્કી કરી શકાય છે.

પોટૅન્શિયોમિતીય પદ્ધતિ વડે પણ ક્રોમિયમનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ માટે સોડિયમ એઝાઇડ અથવા હાઇડ્રૉક્લોરિક ઍસિડ માવજત આપેલા આગળ દર્શાવેલા દ્રાવણમાં 25 મિલી. મંદ (1 : 1) સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરી દ્રાવણને ઠંડું પાડી, પ્લૅટિનમ અને SCE કે Pt-W વીજધ્રુવો વાપરી 0.1N ફેરસ એમોનિયમ સલ્ફેટ વડે અનુમાપન કરવામાં આવે છે. જોકે આમાં વૅનેડિયમનું પ્રમાણ પણ આવી જાય છે. અને આથી તેને અલગ રીતે નક્કી કરી બાદ કરવામાં આવે છે. જો સ્ટીલમાં ટંગસ્ટન હોય તો અવક્ષિપ્ત થતા ટંગસ્ટિક ઍસિડને ગાળી, ધોઈ પછી દ્રાવણનું અનુમાપન કરવામાં આવે છે.

રંગમિતીય પદ્ધતિમાં 10 ગ્રા. નમૂનામાં 110 મિલી. H2SO4 (બરાબર 1 : 9) ઉમેરી, ગરમ કરી, પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં 100 મિલી. પાણી ઉમેરી તેમાં બ્યુરેટ વડે કાયમી અવક્ષેપ મળે ત્યાં સુધી સોડિયમ બાઇકાર્બોનેટ (80 ગ્રા./લિટર) ઉમેરવામાં આવે છે (જરૂર કરતાં 4 મિલી. વધુ). અવક્ષેપને ગાળી, ધોઈ તેને નિકલની ક્રુસિબલમાં બાળી, તેના કદ કરતાં 10થી 12 ગણા વધુ સોડિયમ-પેરૉક્સાઇડ (Na2O2) સાથે પિગાળવામાં આવે છે. પિગાળ(melt)ને ઠંડા પાણીમાં ઓગાળી, તેમાં 1 ગ્રા. જેટલો Na2O2 ઉમેરી, પ્રબાષ્પીતાપક (steam bath) પર 30 મિનિટ રાખી મૂકવામાં આવે છે. તે પછી દ્રાવણને ગાળી, અવશેષને ઠંડા NaOH−Na2SO4 વડે ધોઈ ગાળણને ચોક્કસ કદ સુધી મંદ બનાવવામાં આવે છે. આ દ્રાવણનો રંગ આ જ રીતે ક્રોમિયમના પ્રમાણિત દ્રાવણ વડે મેળવેલા રંગ સાથે સરખાવીને ક્રોમિયમનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે.

વૅનેડિયમ : ક્રોમિયમ–વૅનેડિયમ સ્ટીલ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. આ માટે ક્રોમિયમ માટેની પદ્ધતિ માફક જ પ્રક્રિયા કરવામાં આવે છે. પણ 0.1N KMnO4 વડે અનુમાપન કરતાં પહેલાં ઠંડાં દ્રાવણમાં ફેરસ એમોનિયમ સલ્ફેટનું થોડું વધુ પ્રમાણ (પણ માપિત કદ) ઉમેરવામાં આવે છે અને પછી તેમાં તાજું બનાવેલું એમોનિયમ પરસલ્ફેટનું 8 મિલી. દ્રાવણ ઉમેરી, ફેરસ ક્ષારનું ઉપચયન કરી, પછી પ્રમાણિત KMnO4 સાથે ગુલાબી રંગ એક મિનિટ માટે રહે તે રીતે અનુમાપન કરવામાં આવે છે.

2HVO3 + 3H2SO4 + 2FeSO4 = 2(VO)SO4 + Fe2(SO4)3 + 4H2O

2FeSO4 + (NH4)2S2O8 = Fe2(SO4)3 + (NH4)2SO4…. (ઠંડા દ્રાવણમાં)

10(VO)SO4 + 2KMnO4 + H2SO4 + 12H2O = K2SO4 + 2MnSO4 + 10HVO3 + 8H2SO4

વૅનેડિયમના અલગન માટેની વીજાપઘટની (electrolytic) પદ્ધતિમાં મર્ક્યુરી કૅથોડનો અને પ્લૅટિનમ ગૉઝ (gauze) અથવા પ્લૅટિનમ તારના ગૂંચળાનો ઍનોડ તરીકે ઉપયોગ થાય છે. મર્ક્યુરી કૅથોડ Fe, Cr, Zn, Ni, Co, Sn, Mo, Cu, Bi, Ag જેવા આયનોનું દ્રાવણમાંથી માત્રાત્મક રીતે અલગન કરે છે. વિદ્યુતવિભાજન દરમિયાન આવાં આયનો અપચયન પામી કૅથોડ તરીકે વપરાતા મર્ક્યુરી પલ્વલ(pool)માં સંરસ બનાવે છે. વિદ્યુતવિભાજન સામાન્ય રીતે ક્લોરાઇડ કે નાઇટ્રેટ આયનો ન હોય તેવા સલ્ફ્યુરિક કે પરક્લોરિક ઍસિડના દ્રાવણમાં કરવામાં આવે છે. દ્રાવણનું pH મૂલ્ય 1.5 જેટલું હોય અને તેને હલાવતાં જવામાં આવે તો વિદ્યુતવિભાજન ઝડપથી થાય છે. વિદ્યુતવિભાજન માટે 3થી 5 ઍમ્પિ.નો સુલટ વીજપ્રવાહ (d.c.) અને વોલ્ટેજ 6થી 15 રાખવામાં આવે છે. પ્રયોગ માટે સ્ટીલના 2 ગ્રા. જેટલા નમૂનાને ક્રોમિયમની માફક 1 : 9 H2SO4માં ઓગાળી, તેમાં NaHCO3નું દ્રાવણ (8 %) ઉમેરી અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને ગાળી, ધોઈ તેને H2SO4માં ઓગાળવામાં આવે છે. કાર્બનિક દ્રવ્ય દૂર કરવા જરૂર પડે તેમાં નાઇટ્રિક ઍસિડ ઉમેરી, સફેદ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. આ દ્રાવણને એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ વડે તટસ્થ કરી, ફરી તેમાં સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરી ઍસિડમય બનાવવામાં આવે છે. આ દ્રાવણનું 0.16 ઍમ્પિ/ચોસેમી.ની પ્રવાહઘનતાએ વિદ્યુત-વિભાજન કરવાથી આયર્ન સંરસ રૂપે દૂર થાય છે. તે પછી દ્રાવણનું 0.03N KMnO4 વડે અનુમાપન કરવાથી વૅનેડિયમનું પ્રમાણ જાણી શકાય છે.

મોલિબ્ડેનમ : ચોક્કસ વજન કરેલા 1 ગ્રા. જેટલા સ્ટીલના નમૂનાને 50 મિલી. મંદ (1 : 6) H2SO4માં ઓગાળી, તેમાંના કાર્બાઇડનું વિઘટન તથા આયર્ન અને મોલિબ્ડેનમનું ઉપચયન કરવા માટે જરૂરી એટલો સાંદ્ર નાઇટ્રિક ઍસિડ ઉમેરવામાં આવે છે. દ્રાવણમાંથી નાઇટ્રૉજનના ઑક્સાઇડ દૂર થાય ત્યાં સુધી તેને ઉકાળી તેને 100 મિલી. જેટલું મંદ બનાવવામાં આવે છે. મંદ દ્રાવણમાં વૅનેડિક અને ક્રૉમિક ઍસિડનું અપચયન થાય તેટલો ફેરસ એમોનિયમ સલ્ફેટ ઉમેરી દ્રાવણને 5–10° સે. સુધી ઠંડું પાડવામાં આવે છે. આ દ્રાવણને હલાવતાં જઈ તેમાં 10 મિલી. α–બેન્ઝોઇન ઑક્ઝાઇમ(100 મિલી. આલ્કોહૉલમાં 2 મિલી.)નું દ્રાવણ ઉમેર્યા બાદ દ્રાવણ આછા પીળા રંગનું બને ત્યાં સુધી તેમાં બ્રોમીનજળ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તે કરતાં 3થી 4 મિલી. વધુ ઉમેરવું જરૂરી છે. મિશ્રણને થોડી વાર રહેવા દઈ મોલિબ્ડેનમ સંકીર્ણને ગાળી, ધોઈ અવક્ષેપનું પ્રજ્વલન કરી મોલિબ્ડેનિક ઑક્સાઇડ તરીકે વજન કરવામાં આવે છે.

મોલિબ્ડેનમના નિર્ધારણ માટેની સ્પેક્ટ્રૉફોટોમિતીય પદ્ધતિમાં ઍસિડી દ્રાવણમાં Mo(VI)નું ટિન(II)-ક્લોરાઇડ વડે Mo(V) અવસ્થામાં અપચયન કરવામાં આવે છે, જે થાયૉસાયનેટ આયન સાથે લાલ સંકીર્ણ [સંભવત: મહદ્અંશે Mo(SCN)5] બનાવે છે. પ્રક્રિયા થોડા આયર્ન(II) આયનની હાજરીમાં સારી રીતે થાય છે. આનું 3–મિથાઇલ-બ્યુટેનોલ જેવા દ્રાવકો વડે નિષ્કર્ષણ કરી શકાય છે. આ માટે પ્રથમ 0.184 ગ્રા. એમોનિયમ મોલિબ્ડે–[(NH4)6(Mo7O24) 4H2O]ને 1 લિ. પાણીમાં ઓગાળી 100 μ ગ્રા. પ્રતિ મિલી. ધરાવતું 0.01 % Moનું પ્રમાણિત દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાંથી 10, 20, 30, 40 અને 50 μ ગ્રા. Mo ધરાવતા જથ્થાને 50 મિલી.ની જુદી જુદી ભિન્નકારી (separating) ફનેલમાં લેવામાં આવે છે અને પ્રત્યેકમાં 2.0 મિલી. સાંદ્ર HCl, 1.0 મિલી. એમોનિયમ આયર્ન(II) સલ્ફેટનું અત્યંત મંદ H2SO4માં બનાવેલું દ્રાવણ અને 3.0 મિલી. 10 % પોટૅશિયમ-થાયૉસાયનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. ફનેલને ધીરેથી હલાવી તેમાં 3.0 મિલી. ટિન-ક્લોરાઇડ(100 મિલી. 1M HClમાં 10 ગ્રા. SnCl2·2H2O)નું દ્રાવણ ઉમેરી દ્રાવણનું કદ 25 મિલી. થાય તેટલું પાણી ઉમેરવામાં આવે છે. આ દ્રાવણમાં પિપેટ વડે 10 મિલી. 3–મિથાઇલબ્યુટેનોલ ઉમેરી ફનેલને અર્ધી મિનિટ માટે હલાવવામાં આવે છે. આ પછી બે પ્રાવસ્થા (phase) અલગ પડે ત્યાં સુધી ફનેલને સ્થિર રહેવા દઈ નીચેના જલીય સ્તરને બહાર કાઢી લેવામાં આવે છે, જ્યારે આલ્કોહૉલીય નિષ્કર્ષને ગ્લાસ-વૂલ(glass wool) વડે ગાળી કાર્બનિક નિષ્કર્ષને 1 મિલી.ના અવશોષણકોષ (absorption cell)માં લઈ સ્પેક્ટ્રૉફોટોમિટર વડે તેની અવશોષણતા (absorbance) 465 ને.મી. તરંગલંબાઈએ માપવામાં આવે છે. અવશોષણતા વિ. Moના માઇક્રોગ્રામનો અંકશોધન (calibration) આલેખ દોરવામાં આવે છે.

હવે સ્ટીલના (ચોક્કસ વજન કરેલા) 1 ગ્રા. જેટલા નમૂનામાં 5 મિલી. (1 : 1) HCl અને 15 મિલી. 70 % પરક્લોરિક ઍસિડ ઉમેરી ઘેરા સફેદ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં પાણી ઉમેરી 1 લિ.ના અંકિત ફ્લાસ્કમાં મંદ બનાવવામાં આવે છે. આ મંદ દ્રાવણના 10 મિલી. લઈ તેમાં રંગ ઉત્પન્ન કરવા માટે અગાઉ મુજબનાં દ્રાવણો ઉમેરી કાર્બનિક નિષ્કર્ષ મેળવવામાં આવે છે અને તેની અવશોષણતા 465 ને.મિ.એ માપી આલેખ ઉપરથી Moનું પ્રમાણ જાણી શકાય છે.

ટંગસ્ટન : ક્રોમિયમ–ટંગસ્ટન સ્ટીલ જેવી મિશ્રધાતુમાંથી ટંગસ્ટનનું HCl અને HNO3 વડે ટંગસ્ટિક ઍસિડ તરીકે અવક્ષેપન કરવામાં આવે છે. આ માટે 1 ગ્રામ જેટલો (ચોક્કસ વજન કરેલો) નમૂનો લઈ તેમાં 50 મિલી. સાંદ્ર HCl ઉમેરી ગરમ કરવામાં આવે છે. તેમાં જાળવીને 5–7 મિલી. સાંદ્ર HNO3 ઉમેરવામાં આવે છે, જેથી સઘળા આયર્નનું ઉપચયન થાય અને ટંગસ્ટનનું ચળકતા પીળા ટંગસ્ટિક ઍસિડમાં રૂપાંતર થાય. દ્રાવણને 100 મિલી. સુધી મંદ બનાવી તેમાં 5 મિલી. સિંકોનીનનું દ્રાવણ (12.5 ગ્રા. સિંકોનીન + 100 મિલી. 6M HCl) ઉમેરી 30–35 મિનિટ માટે ગરમ કરવામાં આવે છે. અવક્ષિપ્ત ટંગસ્ટિક ઍસિડને વૉટમૅન–40 અથવા 540 નંબરના ગાળણપત્ર વડે ગાળી, તેને સિંકોનીન હાઇડ્રૉક્લોરાઇડના દ્રાવણ વડે ધોવામાં આવે છે. અવક્ષેપ સહિતના ગાળણપત્રને સૂકવી, પ્લૅટિનમ ક્રુસિબલમાં હળવેથી બાળી કાર્બનનું દહન કરવામાં આવે છે. તે પછી ક્રુસિબલને ઠંડી પાડી તેમાં એક ટીપું સાંદ્ર H2SO4 અને 2 મિલી. HF ઉમેરી, ગરમ કરી પ્રથમ HFને બાષ્પીભવન દ્વારા અને તે પછી H2SO4ને પણ દૂર કરવામાં આવે છે. છેલ્લે મફલ ફર્નેસમાં 750–850° સે.એ અચળ વજન આવે ત્યાં સુધી તપાવવાથી સિલિકાવિહીન અશુદ્ધ WO3 મળે છે. તેમાંના ફેરિક ઑક્સાઇડ વગેરેને દૂર કરવા અવક્ષેપને 5 ગ્રામ નિર્જળ Na2CO3 સાથે પિગાળી ઠંડા ગલિત(melt)ને પાણીમાં ઓગાળી, અદ્રાવ્ય દ્રવ્યને ગાળી, પાણી વડે ધોઈ આયર્ન વગેરેનું ઑક્સાઇડ તરીકે વજન કરવામાં આવે છે. વધુ ચોક્કસ પરિણામો મેળવવા ઉપરની પ્રક્રિયા ફરી ફરીને કરવામાં આવે છે. આ વજનને ઉપરના વજનમાંથી બાદ કરવાથી ટંગસ્ટિક ઑક્સાઇડનું વજન મળે છે.

ટંગસ્ટનના રંગમિતીય વિશ્લેષણ માટે ટોલ્યુઇન – 3, 4–ડાઇથાયૉલનો (ટૂંકમાં, ડાઇથાયૉલનો) ઉપયોગ થાય છે. આ માટે ચોક્કસ વજન કરેલા 0.5 ગ્રા. જેટલા નમૂનાને 30 મિલી. સલ્ફ્યુરિક–ફૉસ્ફોરિક મિશ્ર ઍસિડ(15.0 મિલી. સાંદ્ર H2SO4 + 15 મિલી. ઑર્થોફૉસ્ફોરિક ઍસિડમાં પાણી ઉમેરી 100 મિલી. કદ સુધી મંદ બનાવેલ મિશ્રણ)માં ઓગાળી તેનું સાંદ્ર HNO3 વડે ઉપચયન કરવામાં આવે છે. આ દ્રાવણને પાણીની મદદથી 500 મિલી.ના અંકિત ફ્લાસ્કમાં લઈ 500 મિલી. સુધી મંદ બનાવવામાં આવે છે. આમાંથી 15 મિલી. દ્રાવણને 50 મિલી.ના ફ્લાસ્કમાં લઈ, ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી, ઠંડું પાડી તેમાં 5 મિલી. મંદ HCl (વિ. ઘ. 1.06) ઉમેરવામાં આવે છે. બધા ક્ષારો ઓગળી જાય ત્યાં સુધી આ દ્રાવણને ગરમ કરી, ઠંડું પાડી તેમાં 10 % જલીય હાઇડ્રૉક્સિલ-એમોનિયમ સલ્ફેટનાં 5 ટીપાં તથા 10 મિલી. ડાઇથાયૉલ પ્રક્રિયક ઉમેરી, અવારનવાર હલાવતાં જઈ, 15 મિનિટ માટે 20–25° સે. તાપમાને રાખવામાં આવે છે. ત્યારબાદ આ દ્રાવણને પેન્ટાઇલ એસિટેટના 3–4 મિલી.ના કેટલાક હિસ્સાની મદદથી ભિન્નકારી ગળણીમાં લેવામાં આવે છે. ગળણીને બરાબર હલાવી, બે સ્તર છૂટા પડે ત્યાં સુધી રહેવા દઈ તેમાંથી W ધરાવતું નીચેનું ઍસિડી સ્તર બહાર કાઢી લેવામાં આવે છે. ઉપરના પેન્ટાઇલ એસિટેટના સ્તરને પાંચ પાંચ મિલી. HCl વડે ધોઈ બધા (જલીય) દ્રાવણને એકઠું કરવામાં આવે છે. જ્યારે (Mo ધરાવતા) પેન્ટાઇલ એસિટેટ સ્તરને ફેંકી દેવામાં આવે છે. W ધરાવતા ઍસિડી દ્રાવણને તેમાંથી ધુમાડા નીકળે અને પેન્ટાઇલ એસિટેટ દૂર થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. જરૂર પડ્યે તેમાંના બળેલ કાર્બનિક દ્રવ્યને દૂર કરવા તેમાં થોડાં ટીપાં સાંદ્ર HNO3 ઉમેરવામાં આવે છે. આ પછી સાંદ્ર HClમાં બનાવેલ 10 % સ્ટેનસ ક્લોરાઇડના દ્રાવણના 5 મિલી. ઉમેરી મિશ્રણને 100° સે. તાપમાને 4–5 મિનિટ સુધી ગરમ કરી તેમાં 10 મિલી. તાજો બનાવેલ ડાઇથાયૉલ પ્રક્રિયક (100 મિલી. પેન્ટાઇલ એસિટેટમાં 1 ગ્રા. ટોલ્યુઇન – 3, 4− ડાઇથાયૉલ) ઉમેરી વધુ 10 મિનિટ માટે અવારનવાર હલાવતાં જઈ ગરમ કરવામાં આવે છે. આ દ્રાવણને 25 મિલી.ની ભિન્નકારી ગળણીમાં લઈ, મૂળ પાત્રને પેન્ટાઇલ એસિટેટના 2–2 મિલી. વડે ધોઈ, કાર્બનિક સ્તરમાં 5 મિલી. સાંદ્ર HCl ઉમેરવામાં આવે છે. આવું નિષ્કર્ષણ ફરીથી કરી નીચેનું સ્તર ફેંકી દેવામાં આવે છે, જ્યારે ટંગસ્ટનનો સંકીર્ણ ધરાવતા પેન્ટાઇલ એસિટેટ 50 મિલી.ના અંકિત ફ્લાસ્કમાં લઈ, કાપા સુધી મંદ બનાવવામાં આવે છે. દ્રાવણને 4 સેમી.ના કોષમાં લઈ સ્પેક્ટ્રૉફોટોમિટર વડે 630 ને.મી. તરંગલંબાઈએ તેની અવશોષણતા (absorbance) માપવામાં આવે છે. ટંગસ્ટનના પ્રમાણિત દ્રાવણ વડે મેળવેલા અંકશોધન આલેખ પરથી અજ્ઞાત નમૂનામાં ટંગસ્ટનની સાંદ્રતા નક્કી કરી શકાય છે.

ટાઇટેનિયમ : પોલાદમાં Tiનું પ્રમાણ 1 % કરતાં પણ ઓછું હોઈ તેનું નિર્ધારણ રંગમિતીય પદ્ધતિથી થઈ શકે, જ્યારે ફેરો-ટાઇટેનિયમમાં સામાન્ય રીતે 10–25 % Ti હોય છે અને તેથી ભારમિતીય (gravimetric) પદ્ધતિ વડે તેનું પૃથક્કરણ થઈ શકે.

0.5 – 1.0 ગ્રામ જેટલી ચોક્કસ વજનની ફેરો-ટાઇટેનિયમ મિશ્રધાતુ લઈ તેને 50 મિલી. 1 : 4 H2SO4માં ઓગાળવામાં આવે છે. ઊભરા શમી જાય એટલે દ્રાવણને, તેમાંથી સલ્ફર ટ્રાયૉક્સાઇડના ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. આ દ્રાવણને ઠંડું પાડી, તેમાં પાણી (100 મિલી.) ઉમેરી, ગરમ કરી, આયર્નના ક્ષારોને ઓગાળી નાંખવામાં આવે છે. અવક્ષેપને ગાળી તેને મંદ H2SO4 વડે બરાબર ધોવામાં આવે છે. ગાળણ(filtrate)ને રાખી મૂકવામાં આવે છે, અવક્ષેપ સાથેના ગાળણપત્રને પ્લૅટિનમની ક્રુસિબલમાં લઈ પ્રથમ ધીમા તાપે કાર્બનને બાળી પછી અવક્ષેપને 10−15 મિનિટ પ્રજ્વલિત કરી, વજન કરવામાં આવે છે. પછી તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડનાં થોડાં ટીપાં અને 2 મિલી. A.R. કક્ષાનો હાઇડ્રૉફ્લોરિક ઍસિડ ઉમેરી, શુષ્ક બને ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. આમ કરવાથી સિલિકા, SiF4 તરીકે દૂર થાય છે. બાકી રહેલા અવશેષનું ફરી વજન કરી રાખી મૂકવામાં આવે છે.

હવે અગાઉ મળેલા ગાળણને 400 મિલી. સુધી મંદ બનાવી તેમાં સહેજ અવક્ષેપ ઉત્પન્ન થાય તેટલું એમોનિયાનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તે પછી દ્રાવણમાં ક્રમશ: 2 મિલી. HCl (1 : 1), 10 મિલી. હિમાની એસેટિક ઍસિડ અને 10 ગ્રા. સોડિયમ થાયૉસલ્ફેટ ધરાવતું 50 મિલી. દ્રાવણ ઉમેરવામાં આવે છે. દ્રાવણને 10 મિનિટ સુધી ઉકાળી, ઠરવા દઈ, ગાળી લેવામાં આવે છે. અવક્ષેપ ધરાવતા ગાળણપત્રને અગાઉ મળેલા અવક્ષેપ ધરાવતી પ્લૅટિનમ ક્રુસિબલમાં લઈ, તપાવી, કાર્બનને બાળી નાંખવામાં આવે છે. તે પછી તેમાં શુદ્ધ, નિર્જળ Na2CO3 ઉમેરી પિગાળવામાં આવે છે. સારો પિગાળ (melt) મળે એટલે ક્રુસિબલને ઠંડી પાડી, તેને એક બીકરમાં લઈ તેમાં 50 મિલી. પાણી ઉમેરી ગલિત દ્રવ્ય ભાંગી જાય અને કઠણ કણો ન રહે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. હવે ક્રુસિબલને ધોઈ બહાર કાઢી, દ્રાવણને ગાળવામાં આવે છે. ગાળણપત્ર પરના અવક્ષેપને પાણી વડે બરાબર ધોઈ તેને 25 મિલી. (1 : 1) HClમાં ઓગાળી, તેમાં પહેલાંની માફક એમોનિયા, એસેટિક ઍસિડ અને સોડિયમ થાયૉસલ્ફેટ ઉમેરી ફરીથી અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને ગાળી, ક્લોરાઇડમુક્ત ન થાય ત્યાં સુધી 2 % એસેટિક ઍસિડ વડે ધોવામાં આવે છે. આ અવક્ષેપને પ્લૅટિનમ ક્રુસિબલમાં લઈ પહેલાંની માફક પ્રજ્વાળી ટાઇટેનિયમનું TiO2 તરીકે વજન કરવામાં આવે છે. આ પદ્ધતિને બદલે ટેનીન અને ઍન્ટિપાયરીન અથવા પેરા-હાઇડ્રૉક્સિફિનાઇલ–આર્સોનિક ઍસિડ વડે પણ અવક્ષેપન કરી શકાય છે.

પોલાદમાંના ટાઇટેનિયમનું રંગમિતીય પૃથક્કરણ કરવાની પદ્ધતિમાં 0.5–1.0 નમૂનામાં 100 મિલી. HCl (1 : 1) ઉમેરી, હળવા તાપે ઓગાળવામાં આવે છે. તે પછી દ્રાવણને ઠંડું પાડી, હલાવતાં જઈ, તેમાં કપફેરોન(cupferron)નું 6 %નું દ્રાવણ ટીપે ટીપે એવી રીતે ઉમેરવામાં આવે છે કે મળતા અવક્ષેપનો રંગ લાલ-તપખીરિયો (reddish-brown) બને. આ અવક્ષેપને ગાળી, તેને ઠંડા HCl (1 : 9) વડે વારંવાર ધોવામાં આવે છે. ગાળણપત્ર અને અવશેષને પ્લૅટિનમની ક્રુસિબલમાં લઈ, સૂકવી, 500° સે.થી નીચા તાપમાને પ્રજ્વાળવામાં આવે છે. તે પછી ક્રુસિબલમાંના અવશેષને 1 ગ્રા. જેટલો K2S2O7 ઉમેરી સ્વચ્છ ગલન (clean fusion) મળે ત્યાં સુધી 750° સે.થી વધુ નહિ તેવા તાપમાને પિગાળવામાં આવે છે. ઠંડા ગલિતને મંદ (1 : 9) H2SO4માં ઓગાળી કદમિતીય ફ્લાસ્કમાં આ ઍસિડ વડે કાપા સુધી મંદ બનાવવામાં આવે છે. આ દ્રાવણના થોડા હિસ્સાને અવશોષણ-કોષ(absorption cell)માં લઈ ફોટોઇલેક્ટ્રિક ફોટોમિટરની પારગમ્યતા 100 % ગોઠવવામાં આવે છે. હવે ફ્લાસ્કમાં રહેલા દ્રાવણમાં 1 મિલી. હાઇડ્રોજન- પેરૉક્સાઇડ ઉમેરી, દ્રાવણને હલાવી, તેની અવશોષણતા 425 mμએ માપવામાં આવે છે. ટાઇટેનિયમ-સલ્ફેટનાં જ્ઞાત દ્રાવણોના વિવિધ જથ્થા વડે આ જ રીતે પીળો રંગ ઉત્પન્ન કરી મેળવેલા અંકશોધન-આલેખ પરથી ટાઇટેનિયમનું પ્રમાણ જાણી શકાય છે.

કોબાલ્ટ : 0.02–0.03 ગ્રા. કોબાલ્ટ ધરાવે તેટલો સ્ટીલનો નમૂનો લઈ તેને મંદ (1 : 1) HClમાં ઓગાળવામાં આવે છે. તેમાંના આયર્નનું ઉપચયન કરવા તેમાં 5 મિલી. મંદ નાઇટ્રિક ઍસિડ ઉમેરવામાં આવે છે. જો ટંગસ્ટન હાજર હોય તો બધું W પીળા ટંગસ્ટિક ઍસિડમાં ન ફેરવાઈ જાય ત્યાં સુધી HCl અને HNO3 સાથે ગરમ કરવાનું ચાલુ રાખવામાં આવે છે. આ દ્રાવણ ચાસણી જેવું ન બને ત્યાં સુધી તેનું બાષ્પીભવન કરવામાં આવે છે અને પછી તેમાં 100 મિલી. પાણી ઉમેરી બાષ્પ-ઉષ્મક (steam-bath) પર 5 મિનિટ સુધી ગરમ કરવામાં આવે છે. આ દ્રાવણને 200 મિલી. સુધી મંદ બનાવી 5-5 મિલી. ઝિંક ઑક્સાઇડનું અવલંબન (suspension) (10 ગ્રા. ZnOનું 60 મિલી. પાણીમાં કાલવીને બનાવેલું), જ્યાં સુધી બધા આયર્નનું અવક્ષેપન ન થઈ જાય અને થોડો ZnO આધિક્યમાં રહે ત્યાં સુધી ઉમેરતાં જવામાં આવે છે. અવક્ષેપને ઠરવા દઈ, ગાળી, ઠંડા પાણી વડે ત્રણેક વાર ધોવામાં આવે છે.

ગાળણ તથા પ્રક્ષાલ(washings)માં 10 મિલી. જેટલો સાંદ્ર HCl ઉમેરી, તેને 400 મિલી. જેટલું મંદ બનાવી ઉકાળવામાં આવે છે અને તેમાં રહેલા કોબાલ્ટના અપેક્ષિત 10 મિગ્રા.દીઠ 0.25 ગ્રા. પ્રમાણે α–નાઇટ્રોસો–β–નેપ્થોલનું તાજું બનાવેલું દ્રાવણ (4 ગ્રા. α–નાઇટ્રોસો–β–નેપ્થોલ + 100 મિલી. હિમાની એસેટિક ઍસિડ + 100 મિલી. પાણી) ઉમેર્યા બાદ 8 મિલી. વધુ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને 30 મિનિટ કે તેથી વધુ સમય માટે ઠંડું પડવા દઈ લાલ અવક્ષેપને ગાળી લેવામાં આવે છે. આ અવક્ષેપમાં સાંદ્ર HNO3નાં થોડાં ટીપાં ઉમેરી તેને નાઇટ્રેટમાં ફેરવવામાં આવે છે. વધારાનો HNO3 કાળજીપૂર્વક બાષ્પીભવન કરી દૂર કર્યા બાદ તેમાં સાંદ્ર H2SO4 ઉમેરી, બે વાર બાષ્પીભવન કરી કોબાલ્ટને તેના સલ્ફેટમાં ફેરવવામાં આવે છે. વધારાનો ઍસિડ દૂર ન થાય ત્યાં સુધી સાવચેતીપૂર્વક ગરમ કરી પછી થોડી વાર આછા લાલ રંગ સુધી (450–500° સે.) ગરમ કરવામાં આવે છે. અવશેષનું કોબાલ્ટસ સલ્ફેટ CoSO4 તરીકે વજન કરવામાં આવે છે.

અન્ય એક રીતમાં CoSO4ના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરી પ્લૅટિનમના વીજધ્રુવ ઉપર નિક્ષેપિત થયેલ કોબાલ્ટનું ધાતુ તરીકે પણ વજન કરી શકાય છે.

સ્ટેનલેસ સ્ટીલમાં કોબાલ્ટનું (0.01–0.03 % જેટલું) પ્રમાણ નાઇટ્રોસો–R–ક્ષાર વાપરી ફોટોમિતીય પદ્ધતિ વડે પણ જાણી શકાય છે. સોડિયમ-એસિટેટ વડે બફરિત (buffered) ગરમ દ્રાવણમાં નાઇટ્રોસો–R–ક્ષાર ઉમેરવાથી કોબાલ્ટ નારંગી રંગનો સંકીર્ણ બનાવે છે. તેમાં HNO3 ઉમેરવાથી કોબાલ્ટ સંકીર્ણ સ્થાયી બને છે; જ્યારે અન્ય વાંધારૂપ સંકીર્ણ ક્ષારો નાશ પામે છે. ફોટોમિતીય માપનો આશરે 520 mμની તરંગલંબાઈએ લેવામાં આવે છે. અહીં ZnO અવક્ષેપન કેટલાંક વાંધારૂપ (interfering) તત્વો દૂર કરે છે.

ઝર્કોનિયમ : સ્ટીલમાંના ઝર્કોનિયમના નિર્ધારણ માટે n–પ્રોપાઇલ આર્સોનિક ઍસિડ એક ઉત્તમ પ્રક્રિયક છે. 1–2 % Zr ધરાવતા સ્ટીલનો 3 ગ્રામ જેટલો ચોક્કસ વજન કરેલો નમૂનો લઈ તેને 30 મિલી. સાંદ્ર HClમાં ઓગાળવામાં આવે છે. સ્ટીલમાંના આયર્નનું ઉપચયન કરવા તેમાં પૂરતો HNO3 પણ ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પીભવન કરી, શુષ્ક અવશેષને સાંદ્ર HCl વડે ભીંજવી, ફરી તેને શુષ્ક બનાવી 105–110° સે. તાપમાને 30 મિનિટ માટે ગરમ કરવામાં આવે છે. આ અવશેષમાં 10 મિલી. સાંદ્ર HCl ઉમેરી અવશેષ ઓગળી જાય ત્યાં સુધી હળવેથી ગરમ કરવામાં આવે છે. ગરમ દ્રાવણને 100 મિલી. સુધી મંદ બનાવી ગાળી લેવામાં આવે છે. ગાળણને રાખી મૂકવામાં આવે છે, જ્યારે ગાળણપત્ર પરના (સિલિકા, ઝર્કોનિયમ ફૉસ્ફેટ વગેરેના) અવશેષને ગરમ પાણીથી બરાબર ધોયા પછી, સૂકવી, પ્લૅટિનમ ક્રુસિબલમાં બાળી, અવશેષને H2SO4 અને HFની માવજત આપી તેમાંથી સિલિકા (SiO2) દૂર કરવામાં આવે છે. બાકી રહેલા અવશેષને તેનાથી દસગણા Na2CO3 સાથે પિગાળી, પિગાળનું પાણી વડે નિષ્કર્ષણ કરી, ગાળી, અવશેષને પાણી વડે બરાબર ધોવામાં આવે છે. પછી અવશેષને પ્લૅટિનમની ક્રુસિબલમાં લઈ તેનું થોડા પોટૅશિયમ પાયરોસલ્ફેટ સાથે સંગલન (fusion) કરવામાં આવે છે. ત્યારબાદ થોડાં ટીપાં મંદ H2SO4 ધરાવતા પાણી વડે નિષ્કર્ષણ કરી, ગરમ પાણી વડે બરાબર ધોવામાં આવે છે. અગાઉ મળેલા ગાળણ સાથે આ ગાળણને મિશ્ર કરી 300 મિલી. સુધી મંદ બનાવવામાં આવે છે અને તેમાંના ઝર્કોનિયમનું n–પ્રોપાઇલ આર્સોનિક ઍસિડના 5 %નું દ્રાવણ 15–25 મિલી. જેટલું વાપરી અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને 30–50 મિનિટ સુધી પકવી, ગરમ હોય ત્યારે જ ગાળી લેવામાં આવે છે. આ અવક્ષેપને ગરમ પાણી વડે ધોઈ, ગાળણપત્ર અને અવક્ષેપને મૂળ બીકરમાં લઈ 10–15 મિલી. સાંદ્ર HCl સાથે ગરમ કરી તેનું વિઘટન કરવામાં આવે છે. તે પછી તેમાં 100 મિલી. પાણી ઉમેરી ઝર્કોનિયમનું n–પ્રોપાઇલ આર્સોનિક ઍસિડ વડે પુન:અવક્ષેપન કરવામાં આવે છે. આ અવક્ષેપને પકવી, ગાળી, ગરમ પાણી વડે ધોઈ, તેને પ્લૅટિનમ ક્રુસિબલમાં લઈ અચળ વજન મળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. જો કલાઈ(tin)ની હાજરી હોય તો અવક્ષેપમાં એમોનિયમ- આયોડાઇડ ઉમેરી, વિદ્યુતભઠ્ઠીમાં 425–475° સે.એ તેમાંથી ધુમાડા નીકળતા બંધ થાય ત્યાં સુધી તપાવવામાં આવે છે. આમ કરવાથી કલાઈ દૂર થાય છે.

SnO2 + 4NH4I = SnI4 + 4NH3 + 2H2O.

બાકી રહેલા અવશેષનું ZrO2 તરીકે વજન કરવામાં આવે છે.

તાંબું (copper) : કેટલાક પોલાદમાં 0.005–1 % જેટલું કૉપર હોય છે. ભારમાપક પૃથક્કરણ માટે સ્ટીલમાં ટંગસ્ટન હાજર છે કે નહિ તે પ્રમાણેની પદ્ધતિ પસંદ કરવામાં આવે છે.

ટંગસ્ટન ગેરહાજર હોય તેવા સ્ટીલના, તેમાંના તાંબાના પ્રમાણ મુજબ 1થી 10 ગ્રામ નમૂનાને 200 મિલી. મંદ H2SO4માં ઓગાળવામાં આવે છે. (જો ક્રોમિયમ અને વૅનેડિયમ વધુ પ્રમાણમાં હોય તો કાર્બાઇડને ઓગાળવા દ્રાવણમાં પોટૅશિયમ ક્લૉરેટના થોડા સ્ફટિક ઉમેરી તેને ઉકાળવામાં આવે છે.) આ દ્રાવણને પાણી વડે 500 મિલી. સુધી મંદ બનાવી, ઊકળે ત્યાં સુધી ગરમ કરી, દ્રાવણ ઠંડું પડે તે દરમિયાન હાઇડ્રોજન-સલ્ફાઇડ (H2S) વડે 30 મિનિટ સુધી સંતૃપ્ત કરવામાં આવે છે, જેથી કૉપર-સલ્ફાઇડ અવક્ષિપ્ત થાય છે. અવક્ષેપને 30 મિનિટ સુધી પકવી, યોગ્ય ગાળણપત્ર વડે ગાળી, H2S વડે સંતૃપ્ત બનાવેલા મંદ H2SO4 વડે ધોવામાં આવે છે. (જો ટંગસ્ટન હાજર હોય તો પ્રથમ પીળા ટંગસ્ટિક ઍસિડ તરીકે તેને અવક્ષિપ્ત કરી, ગાળી, દૂર કર્યા બાદ કૉપરનું સલ્ફાઇડ તરીકે અવક્ષેપન કરવામાં આવે છે.)

કૉપર-સલ્ફાઇડના અવક્ષેપને ક્રુસિબલમાં લઈ 550° સે.થી વધુ નહિ તેવા તાપમાને તેનું પ્રજ્વલન કરવામાં આવે છે. તે પછી અવક્ષેપને 2–4 ગ્રા. આલ્કલી પાયરોસલ્ફેટ સાથે પિગાળવામાં આવે છે. પિગાળ(melt)ને ઠંડો પાડી, તેમાં 25 મિલી. મંદ (1 : 9) HCl ઉમેરી, દ્રાવણને 100 મિલી. જેટલું મંદ બનાવવામાં આવે છે. આ દ્રાવણને 5 % સોડિયમ-હાઇડ્રૉક્સાઇડ વડે તટસ્થ બનાવી, વધુ પ્રક્રિયક ઉમેરી, કૉપર-હાઇડ્રૉક્સાઇડના અવક્ષેપને સોડિયમ-હાઇડ્રૉક્સાઇડના ઠંડા દ્રાવણ વડે ધોવામાં આવે છે. આ અવક્ષેપને મંદ (1 : 3) HCl કે H2SO4 માં ઓગાળી, તેમાં 3-5 ગ્રામ ટાર્ટરિક ઍસિડ ઉમેરી, ફરીથી તેને એમોનિયા (કે NaOH) વડે તટસ્થ કરી તેને મંદ એસેટિક વડે ઍસિડિક બનાવવામાં આવે છે. આ દ્રાવણમાંથી કૉપરનું સેલિસીલઆલ્ડૉક્ઝાઇમ વડે અવક્ષેપન કરી, કૉપરના સંકીર્ણને નિસાદિત કાચની ક્રુસિબલ વડે ગાળી, પાણી વડે ધોઈ, 100–105° સે. તાપમાને 1 કલાક માટે સૂકવી Cu(C7H5O2N)2 રૂપે વજન કરવામાં આવે છે.

કૉપરના નિર્ધારણ માટેની કદમિતીય પદ્ધતિમાં કૉપરના પ્રમાણ મુજબ ચોક્કસ વજન કરેલા 2.5થી 5.0 ગ્રામ નમૂનાને મંદ (1 : 9) H2SO4 ઉમેરી, ગરમ કરી દ્રાવ્ય બનાવવામાં આવે છે. દ્રાવણને ઠંડું પાડી, તેમાં 15 ગ્રામ A.R. કક્ષાનો એમોનિયમ-પરસલ્ફેટ ઉમેરી 15 મિનિટ ઉકાળવામાં આવે છે. આ દ્રાવણને મંદ બનાવી, કૉપરનું ક્યુપ્રસ-થાયૉસાયનેટ તરીકે અવક્ષેપન કરવામાં આવે છે. આ અવક્ષેપને ગાળી, મંદ (1 : 49) H2SO4 વડે ધોઈ તેને સાંદ્ર HClમાં દ્રાવ્ય બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં થોડું પાણી અને 5 મિલી. ક્લૉરોફૉર્મ કે કાર્બન-ટેટ્રાક્લોરાઇડ ઉમેરી તેનું પોટૅશિયમ- આયૉડેટના 0.025 M દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે છે.

2Cu2(CNS)2 + 7KIO3 + 14HCl = 7KCl + 4CuSO4 + 7ICl + 4HClN + 5H2O

કાર્બનિક સ્તરમાંથી આયોડિનનો રંગ દૂર થાય ત્યાં સુધી અનુમાપન કરવામાં આવે છે.

કૉપર-નિર્ધારણ માટેની સ્પક્ટ્રૉફોટોમિતીય પદ્ધતિમાં 0.1 ગ્રામ જેટલા નમૂનાને 5 મિલી. સાંદ્ર HCl અને 5 મિલી. સાંદ્ર નાઇટ્રિક ઍસિડમાં ઓગાળવામાં આવે છે. ક્રોમિયમનું પ્રમાણ વાંધાજનક બને તેટલું હોય તો દ્રાવણમાં 5 મિલી. પરક્લોરિક ઍસિડ ઉમેરી સફેદ ધુમાડા નીકળે ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. આ પછી દ્રાવણને 50 મિલી. પાણી ઉમેરી મંદ બનાવી તેમાં 10 મિલી. ઍસિડ દ્રાવણ (1 : 1 HCl/HNO3) ઉમેરવામાં આવે છે. આમાં સાવચેતીપૂર્વક સાંદ્ર એમોનિયાના 10 મિલી. ઉમેરી, દ્રાવણને ઠંડું પાડી, અંકિત ફ્લાસ્કમાં 100 મિલી. સુધી મંદ બનાવવામાં આવે છે. આમાંના 10 મિલી.ને 100 મિલી.ના અંકિત ફ્લાસ્કમાં લઈ, તેમાં 20 મિલી. બાઇસાઇક્લોહેક્ઝેનોન ઑક્સેલાઇલડાઇહાયડ્રેઝોન (bicyclo-hexanone oxalyldihydrazone) પ્રક્રિયકનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. આથી મળતા દ્રાવણના ભૂરા રંગનું સ્પેક્ટ્રાઍફોટૉમિટર વડે 570–600 ને.મી.એ માપન કરવામાં આવે છે. કૉપરના જ્ઞાત જથ્થા વડે મેળવેલા અંકન(calibration) આલેખ પરથી અજ્ઞાતમાં કૉપરનું પ્રમાણ જાણી શકાય છે.

કૉપરના નિર્ધારણ માટેની પોલેરૉગ્રાફીય પદ્ધતિમાં સ્ટીલના 5 ગ્રામ જેટલા વજન કરેલા નમૂનાને 1 : 1 HClમાં હળવા તાપે ગરમ કરી ઓગાળવામાં આવે છે. કાર્બાઇડ સંયોજનો દૂર કરવા તેમાં પોટૅશિયમ-ક્લોરેટના સંતૃપ્ત દ્રાવણનાં થોડાં ટીપાં ઉમેરી ગરમ કરવાથી દ્રાવણ ચોખ્ખું (clear) બને છે. આ દ્રાવણને ઠંડું પાડી 50 મિલી.ના અંકિત ફ્લાસ્કમાં પાણી ઉમેરી મંદ બનાવવામાં આવે છે. આમાંથી 2 મિલી. દ્રાવણ પોલેરૉગ્રાફીય કોષમાં લઈ તેમાં 1.0 મિલી. હાઇડ્રેઝિનિયમ ક્લોરાઇડનું (20 %) દ્રાવણ ઉમેરવાથી Fe(III) અપચયન પામી Fe(II)માં ફેરવાય છે. આમાં 0.2 % મિથાઇલ સેલ્યુલોઝનું 1.0 મિલી. દ્રાવણ મહત્તમ નિરોધક (maximum suppressor) તરીકે ઉમેરી, યોગ્ય pH મૂલ્ય પ્રાપ્ત કરવા તેમાં 2.0M સોડિયમ ફૉર્મેટના 5.5 મિલી. ઉમેરવામાં આવે છે. અપચયન પૂર્ણ કરવા કોષને ઊકળતા પાણીના કુંડ(bath)માં 10 મિનિટ માટે મૂકી રાખવામાં આવે છે. આ પછી SCE સંદર્ભ વીજધ્રુવ વાપરી પોલેરૉગ્રાફીય પૃથક્કરણ કરવામાં આવે છે. મળતા પોલેરૉગ્રામમાં પ્રથમ સોપાન કૉપર(I)ના કૉપર ધાતુમાં થતા અપચયનને કારણે મળે છે. SCEના સંદર્ભમાં તેનો અર્ધ તરંગ વિભવ (half-wave potential) – 0.25V છે; જો લેડ હાજર હોય તો 0.45V એ બીજું સોપાન મળે છે. કૉપર(અને લેડ)નાં જાણીતાં સાંદ્રણોવાળાં દ્રાવણો ઉમેરી, તરંગ-ઊંચાઈમાં થતા વધારા પરથી કૉપર(અને લેડ)નું પ્રમાણ જાણી શકાય છે.

સીસું (lead, Pb) : કાર્બન અથવા મિશ્રધાતુ-પોલાદ(alloy steel)ની યંત્રવશ્યતા (machinability) સુધારવા તેમાં લેડનું થોડું પ્રમાણ ઉમેરવામાં આવે છે. પૃથક્કરણ માટે 5–10 ગ્રા. જેટલા ચોક્કસ વજન કરેલા નમૂનાને 50–100 મિલી મંદ (1 : 1) HClમાં ગરમ કરી ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પીભવન કરી ઍસિડને દૂર કરવામાં આવ્યા બાદ શુષ્ક અવશેષને કૉનિકલ ફ્લાસ્કમાં લઈ, પાણી ઉમેરી, pH 2.0થી 2.5 લાવી તેમાં H2Sનો ઝડપી પ્રવાહ પસાર કરવામાં આવે છે. આથી લેડનું સલ્ફાઇડ રૂપે અવક્ષેપન થાય છે. અવક્ષેપને ગાળી, H2S વડે સંતૃપ્ત કરેલા ઠંડા પાણી વડે ધોઈ, તેને 1 : 1 ગરમ નાઇટ્રિક ઍસિડમાં ઓગાળવામાં આવે છે. (ગાળણપત્રને પણ ગરમ 1 % HNO3 વડે ધોવામાં આવે છે.) ગાળણ અને પ્રક્ષાલ(washing)નું કદ 100 મિલી.થી વધુ ન હોવું જોઈએ. આ દ્રાવણમાં 15 મિલી. સાંદ્ર H2SO4 ઉમેરી, ધુમાડા નીકળે ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. પછી તેને ઠંડું પાડી તેમાં 50–60 મિલી. પાણી ઉમેરી, આયર્નના ક્ષારો ઓગળી જાય તે માટે તેને ઊકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. તે પછી તેમાં 50 મિલી. ઇથાઇલ આલ્કોહૉલ ઉમેરી કેટલાક કલાકો સુધી અથવા રાત્રિભર ઠરવા દેવામાં આવે છે. PbSO4ના અવક્ષેપને ગાળી, 10 % આલ્કોહૉલવાળા મંદ (1 : 20) H2SO4 વડે ધોઈ, તેને 20 % એમોનિયમ એસિટેટના ગરમ દ્રાવણમાં ઓગાળી, ગરમ પાણી વડે ધોવામાં આવે છે. આ રીતે મળતા સમગ્ર દ્રાવણમાં 5 મિલી હિમાની (glacial) એસેટિક ઍસિડ ઉમેરી, ઊકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. તેમાં 5 % એમોનિયમ- મોલિબ્ડેટના જલીય દ્રાવણના 10 મિલી. ઉમેરી અવક્ષેપનું સ્કંદન ન થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. આ અવક્ષેપને ગાળી, એમોનિયામય (થોડો NH3 ઉમેરેલા) એમોનિયમ-નાઇટ્રેટના 2 %ના દ્રાવણ વડે ધોઈ, છિદ્રાળુ ક્રુસિબલ વડે ગાળી લેવામાં આવે છે. આને 600–650° સે. સુધી તપાવી, PbMoO4 તરીકે વજન કરવામાં આવે છે :

આગળ જણાવ્યું તેમ, પોલેરૉગ્રાફીય પદ્ધતિથી પણ લેડનું નિર્ધારણ કરી શકાય છે.

પોટૅન્શિયોમિતીય પદ્ધતિમાં મર્ક્યુરી–મર્ક્યુરી(II) – EDTA (Na2H2Y) સંકીર્ણ વીજધ્રુવ વાપરવામાં આવે છે. મર્ક્યુરી(II) EDTA સંકીર્ણનો થોડો જથ્થો ઉમેરેલા અનુમાપન પામતા M2+ ધાતુઆયનોના દ્રાવણના સંપર્કમાં રહેલો મર્ક્યુરી વીજધ્રુવ નીચેની પ્રક્રિયાને અનુવર્તી વિભવ ઉત્પન્ન કરે છે :

Hg / Hg2+, HgY2–, MY(n–4), Mn+

અનુમાપન માટે Pb²+નું આશરે 0.05M સાંદ્રતાવાળું દ્રાવણ લઈ તેમાં યોગ્ય બફર દ્રાવણ ઉમેરી, એક ટીપું 0.025M મર્ક્યુરી – EDTA ઉમેરી, 0.05M EDTA દ્રાવણ સાથે તેનું પોટૅન્શિયોમિતીય અનુમાપન કરવામાં આવે છે. EDTA દ્રાવણના કદ વિરુદ્ધ પોટૅન્શિયલ(વિભવ)નો આલેખ દોરી અંતિમબિંદુ નક્કી કરવાથી લેડનું પ્રમાણ જાણી શકાય છે.

પરમાણ્વિક અવશોષણ સ્પેક્ટ્રૉફોટોમિટર વડે લેડનો પોલો કૅથોડ લૅમ્પ વાપરીને પણ લેડનું પરિમાપન થઈ શકે છે. આ માટે સોડિયમ ડાઇઇથાઇલ-ડાઇથાયૉકાર્બામેટ અને મિથાઇલ આઇસોબ્યુટાઇલ કિટોન વડે લેડનું નિષ્કર્ષણ કરવામાં આવે છે અને અશુદ્ધિઓ દૂર કર્યા પછી માપનો લેવામાં આવે છે. સંદર્ભ માટે લેડ-કેપ્રેટનું દ્રાવણ (1થી 10 μ ગ્રામ. Pb પ્રતિ મિલી.) વાપરી મળેલ અંકશોધન-આલેખ પરથી અજ્ઞાતમાં લેડનું પ્રમાણ જાણી શકાય છે.

જર્મેનિયમ (Ge) : ખાસ પ્રકારનાં પોલાદ 0.25 % સુધી Ge ધરાવી શકે છે. આવા સ્ટીલનો 10 ગ્રામ જેટલો નમૂનો 500 મિલી.ના ગોળ તળિયાવાળા ફ્લાસ્કમાં લઈ તેમાં 100 મિલી. (1 : 4) H2SO4 અને 10 મિલી. સાંદ્ર HNO3 ઉમેરી, ઓગાળવામાં આવે છે. પ્રક્રિયા બંધ પડે એટલે દ્રાવણને ત્રણેક મિનિટ માટે ઉકાળવામાં આવે છે, જેથી Ge-પોલાદ સંપૂર્ણપણે દ્રાવણમાં જાય. દ્રાવણને થોડું ઠંડું કરી તેમાં રહેલા વધારાના HNO3ને કૉપરની છોલ (કતરણ) (turnings) ઉમેરી દૂર કરવામાં આવે છે. દ્રાવણમાંના નાઇટ્રોજનના ઑક્સાઇડ દૂર થાય તે માટે તેને 3–4 મિનિટ માટે ઉકાળવામાં આવે છે. દ્રાવણનું કદ લગભગ 150 મિલી. સુધી લાવી, તેને બરફમાં ઠંડું કરી, તેમાં 200 મિલી. સાંદ્ર HCl ઉમેરી, તુરત જ તેને ઘસેલા કાચના સાંધા(ground glass joints)વાળા નિસ્યંદન માટેના સાધન સાથે જોડી, નિસ્યંદન કરવામાં આવે છે. Geના ટેટ્રાક્લોરાઇડને બરફ જેવા ઠંડા પાણીમાં એકઠો કરવામાં આવે છે. આ દ્રાવણમાં 2 ગ્રામ હાઇડ્રૉક્સિલ એમાઇન હાઇડ્રૉક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી ઉપચયનકારક પદાર્થોનું અપચયન થાય. તે પછી દ્રાવણને હલાવતાં જઈ તેમાં તાજું બનાવેલું 5 % ટેનિન-દ્રાવણ 30 મિલી. ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને મિથાઇલ-રેડ સૂચક વાપરી એમોનિયા વડે આલ્કલાઇન બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં ટીપે ટીપે H2SO4 ઉમેરી તેની ઍસિડિકતા 0.8 N જેટલી થાય ત્યાં સુધી ઍસિડિક બનાવવામાં આવે છે. હવે તેને ઉકાળી, ઠરવા દેવામાં આવે છે, જેથી અવક્ષેપ નીચે બેસી જાય. આ અવક્ષેપને વૉટમૅન 40 અથવા એવા પ્રકારના બારીક ગાળણપત્ર વડે ગાળી તેમાંથી ક્લોરાઇડ દૂર થાય તે માટે પ્રતિ લિટરે 5 ગ્રામ NH4NO3, 0.5 ગ્રામ ટેનિન, અને 0.5 મિલી. HNO3 ધરાવતા દ્રાવણ વડે ધોવામાં આવે છે. આ અવક્ષેપને સિલિકા ક્રુસિબલમાં લઈ તેમનું પ્રથમ આછા તાપે અને પછી 600° સે. તાપમાને એક કલાક સુધી પ્રજ્વલન કરવામાં આવે છે. અવશેષને ઠંડો પાડી તેમાં 5 ટીપાં સાંદ્ર H2SO4 અને 3 મિલી સાંદ્ર HNO3 ઉમેરી, શુષ્ક બને ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. આથી બાકી રહી ગયેલો કાર્બન પણ નાશ પામે. હવે આને પ્રથમ 600° સે. અને પછી 900–1000° સે.એ 10 મિનિટ માટે ગરમ કરવામાં આવે છે. અવશેષનું GeO2 તરીકે વજન કરવામાં આવે છે.

નિકલ : નિકલના પૃથક્કરણ માટેની ડાઇમિથાઇલ ગ્લાયૉક્ઝાઇમ પદ્ધતિનો ઉપયોગ ત્રણ પ્રકારે થાય છે : (i) ભારાત્મક (gravimetric), (ii) વિદ્યુતવિભાજકીય (electrolytic) અને (iii) ફોટોમિતીય પદ્ધતિ તરીકે. આ માટે 0.05થી 3.5 ગ્રામ નિકલ ધરાવતા સ્ટીલનો, લગભગ 0.035 ગ્રામ નિકલ પૃથક્કરણ માટે મળે તેવો નમૂનો લઈ તેને 60 મિલી. HClમાં આછા તાપે ઓગાળી, તેમાં સાવચેતીપૂર્વક 10 મિલી. HNO3 (1 : 1) ઉમેરી, દ્રાવણને તેમાંના કાર્બાઇડ અને આયર્નનું ઉપચયન થાય અને તપખીરિયા (brown) ધુમાડા નીકળતા બંધ થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. આ દ્રાવણને ગરમ પાણી વડે 200 મિલી. જેટલું મંદ બનાવી તેમાં 10 મિલી. ટાર્ટરિક કે સાઇટ્રિક ઍસિડનું દ્રાવણ (250 ગ્રા./લિ.) ઉમેરી, એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ (NH4OH) વડે તટસ્થ બનાવી તેનો વધુ 1 મિલી. ઉમેરવામાં આવે છે. આને ગાળી, ગાળણપત્ર અને અવશેષને NH4Cl અને NH4OH ધરાવતા ગરમ પાણી વડે ધોવામાં આવે છે. આ પછી દ્રાવણને મંદ HCl વડે (લિટમસ પ્રત્યે) ઍસિડી બનાવી, 60°–80° સે. સુધી ગરમ કરી, તેમાં ડાઇમિથાઇલ ગ્લાયૉક્ઝાઇમના આલ્કોહૉલમાં બનાવેલા 1 %ના દ્રાવણના 20–30 મિલી. (જરૂર પ્રમાણે) ઉમેરવામાં આવે છે, તે પછી તેમાં તુરત જ મંદ એમોનિયાનું દ્રાવણ ઉમેરી સહેજ આલ્કલાઇન બનાવવામાં આવે છે. અવક્ષેપવાળા દ્રાવણને 20–30 મિનિટ માટે બાષ્પતાપક પર રાખી, ઓરડાના તાપમાને ઠંડું કરવામાં આવે છે.

ભારમિતીય પૃથક્કરણ માટે ઉપરના અવક્ષેપને ગૂચ (Gooch) કે નિસાદિત કાચની ક્રુસિબલ વડે ગાળી, ક્લોરાઇડમુક્ત બને ત્યાં સુધી ઠંડા પાણી વડે ધોઈ, અવક્ષેપને 45–60 મિનિટ માટે 110°–120° સે.એ સૂકવી Ni(C4H7O2N2)2 તરીકે વજન કરવાથી નિકલનું પ્રમાણ જાણી શકાય છે. જો સ્ટીલમાં 1 % કરતાં વધુ કોબાલ્ટ અને 4 % કરતાં વધુ તાંબું હોય તો પુન: અવક્ષેપન જરૂરી બને છે.

વિદ્યુતવિભાજકીય પદ્ધતિમાં નિકલ-ડાઇમિથાઇલ ગ્લાયૉક્ઝાઇમના અવક્ષેપને ગાળી, બરાબર ધોઈ તેમને (1 : 1) HNO3માં ઓગાળી, ગાળણપત્રને પણ ગરમ પાણી વડે ધોઈ, દ્રાવણમાં 20 મિલી. (1 : 1) H2SO4 ઉમેરી સફેદ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. આ ક્રિયા ફરીથી કરી, 50 મિલી. ઠંડું પાણી ઉમેરી, દ્રાવણને ગરમ કરી બધા ક્ષારને ઓગાળવામાં આવે છે. હવે દ્રાવણને NH4OH વડે તટસ્થ કરવા ઉપરાંત 25 મિલી. વધુ ઉમેરી, 175 મિલી. સુધી મંદ બનાવવામાં આવે છે. દ્રાવણનું 1-2 ઍમ્પિ./ડે.મી.2ની પ્રવાહ-ઘનતાએ પ્લૅટિનમના કૅથોડ વાપરી દ્રાવણ રંગવિહીન બને ત્યાં સુધી વિદ્યુતવિભાજન કરવામાં આવે છે (5થી 8 કલાક). તે પછી કૅથોડને બહાર કાઢી, પાણી વડે ધોઈ, વીજપ્રવાહ બંધ કરવામાં આવે છે. કૅથોડને અલગ કરી બીકરમાં રાખેલા પાણીમાં વીછળી તેને ઇથાઇલ કે મિથાઇલ આલ્કોહૉલના ઉષ્મકમાં બે વાર ડુબાડી 110° સે.એ સૂકવી, વજન કરવામાં આવે છે. વિદ્યુતવિભાજન પહેલાંના અને પછીના કૅથોડના વજન પરથી અવક્ષિપ્ત થયેલ નિકલ ધાતુનું વજન જાણી શકાય છે.

Niના નિર્ધારણ માટેની સ્પેક્ટ્રૉફોટોમિતીય પદ્ધતિમાં 0.5 ગ્રામ જેટલા ચોક્કસ વજન કરેલા નમૂનાને 10 મિલી. (1 : 1) HNO3માં ઓગાળી, તેમાંથી નાઇટ્રૉજનના ઑક્સાઇડ દૂર થાય ત્યાં સુધી દ્રાવણને ઉકાળી, 250 મિલી.ના ફ્લાસ્કમાં કાપા સુધી પાણી ઉમેરી મંદ બનાવવામાં આવે છે. આમાંથી 5 મિલી. દ્રાવણ 50 મિલી.ના ફ્લાસ્કમાં લઈ તેમાં 10 % સાઇટ્રિક ઍસિડનું 5 મિલી. દ્રાવણ ઉમેરી, દ્રાવણને તટસ્થ કરવા તેમજ તેનું pH મૂલ્ય 7.5 કરતાં વધુ થાય તેટલો સાંદ્ર એમોનિયા ઉમેરવામાં આવે છે. હવે તેમાં ઇથેનોલમાં બનાવેલું ડાઇમિથાઇલ ગ્લાયૉક્ઝાઇમ(DMG)નું 1 %નું દ્રાવણ 2 મિલી. ઉમેરવામાં આવે છે. (જો Cu અને Co હાજર હોય તો થોડું વધુ). આ દ્રાવણનું ત્રણ ત્રણ મિલી. ક્લૉરોફૉર્મ વાપરી, ત્રણ વાર નિષ્કર્ષણ કરવામાં આવે છે. ક્લૉરોફૉર્મના એકઠા થયેલા નિષ્કર્ષને 0.5 M એમોનિયાના 6 મિલી. સાથે હલાવી, એમોનિયા સ્તરને અલગ કરી, તેને 2 મિલી. ક્લૉરોફૉર્મ વડે ધોઈ, ક્લૉરોફૉર્મના આ દ્રાવણને અગાઉના મુખ્ય ક્લૉરોફૉર્મ સ્તર સાથે મેળવી દેવામાં આવે છે. આમાંના નિકલને આયનિક સ્વરૂપમાં લાવવા કાર્બનિક સ્તરને 5–5 મિલી. 0.5 M HCl સાથે બે વાર હલાવી, HCl સ્તરને 25 મિલી.ના અંકિત ફ્લાસ્કમાં લેવામાં આવે છે. તેને 20 મિલી. સુધી મંદ બનાવી, તેમાં પ્રથમ 1 મિલી. સંતૃપ્ત બ્રોમીનજળ અને ત્યારબાદ સાંદ્ર એમોનિયાનું દ્રાવણ 2 મિલી. ઉમેરવામાં આવે છે. આ દ્રાવણનું તાપમાન 30° સે.થી નીચું લાવી તેમાં 1 % DMGનું 1 મિલી. દ્રાવણ ઉમેરી, છેલ્લે દ્રાવણને કાપા સુધી મંદ બનાવવામાં આવે છે. 5 મિનિટ પછી આ દ્રાવણની અવશોષણતા 445 ને.મી.એ (વાદળી ફિલ્ટર) માપવામાં આવે છે. નિકલની જાણીતી સાંદ્રતાવાળું દ્રાવણ વાપરી મેળવેલા અંકન-વક્ર (calibration curve) પરથી અજ્ઞાત નમૂનામાં નિકલની સાંદ્રતા જાણી શકાય છે.

ફેરો મૅન્ગેનીઝનું પૃથક્કરણ : ફેરો મૅન્ગેનીઝના આશરે 0.4 ગ્રામ જેટલા ચોક્કસ વજન કરેલા નમૂનાને સાંદ્ર HCl અને HNO3ના મિશ્રણમાં ઓગાળી, દ્રાવણનું કદ ઓછું થાય તે માટે જલઉષ્મક (water bath) ઉપર ગરમ કરવામાં આવે છે. આ દ્રાવણને 100 મિલી.ના અંકિત ફ્લાસ્કમાં ગાળી, ગાળણપત્રને પાણી વડે ધોઈ એકઠા થયેલા દ્રાવણને કાપા સુધી મંદ બનાવવામાં આવે છે. આમાંના 25 મિલી. દ્રાવણને કૉનિકલ ફ્લાસ્કમાં લઈ તેમાં 5 મિલી. 10 % હાઇડ્રૉક્સિલ એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, 10 મિલી. 20 % ટ્રાઇઇથેનોલએમાઇનનું જલીય દ્રાવણ [આયર્નને પ્રચ્છાદિત (masked) કરવા], 10–35 મિલી. સાંદ્ર એમોનિયાનું દ્રાવણ, 100 મિલી. પાણી અને 6 ટીપાં થાયમૉલ્ફથેલિક્ઝોન (thymolphthalexone) સૂચકનું દ્રાવણ ઉમેરી 0.05M EDTA સાથે અનુમાપન કરવામાં આવે છે. રંગનો ફેરફાર વાદળી(blue)માંથી રંગવિહીન અથવા અત્યંત ઝાંખો ગુલાબી જોવા મળે છે. આ પદ્ધતિ 40 %થી વધુ મૅન્ગેનીઝ ધરાવતા ફેરો-મૅન્ગેનીઝના નમૂનાઓ માટે ઉપયોગી છે.

કૉપર-આધારિત (copper base) મિશ્રધાતુઓ : સામાન્ય રીતે કૉપર-આધારિત મિશ્રધાતુઓમાં જુદી જુદી ધાતુઓનું અથવા તત્વોનું પ્રમાણ, મિશ્રધાતુના પ્રકાર મુજબ, નીચે પ્રમાણે હોય છે :

કૉપર (Cu), 50 % +; લેડ (Pb), 0.0–27 %; ટિન (Sn), 0.0–20 %; ઍલ્યુમિનિયમ (Al), 0.0–12 %; ઝિંક (Zn જસત), 0.0–5 % (પિત્તળમાં વધુ); સિલિકન (Si), 0.0–5 %; મૅન્ગેનીઝ (Mn) 0.0–6 %; નિકલ (Ni), 0.0–5 %; આયર્ન (Fe), 0.0–5 %; બેરિલિયમ (Be), 0.0–2%; ફૉસ્ફરસ (P) 0.0–1 %; આર્સેનિક (As), 0.0–1 %; ઍન્ટિમની (Sb), 0.0–1 %; સલ્ફર (S), 0.0–0.1 %.

પિત્તળ (brass) : પિત્તળના મુખ્ય ઘટકો તાંબું (copper) અને જસત (zinc) છે; પણ તેમાં કલાઈ (tin), સીસું (lead) અને લોહ (iron) તેમજ કેટલીક વખત અન્ય તત્વો પણ ઘણા ઓછા પ્રમાણમાં હાજર હોય છે. સામાન્ય સંઘટન નીચે પ્રમાણે દર્શાવી શકાય :

પિત્તળના વજન કરેલા નમૂનાને સાંદ્ર HNO3માં ઓગાળી ટિનને જલયુક્ત ઑક્સાઇડ (સ્ટેનિક ઍસિડ, SnO2·nH2O) તરીકે અવક્ષિપ્ત કરવામાં આવે છે. તાંબું, જસત, લોહ અને સીસું દ્રાવણમાં રહે છે. સ્ટેનિક ઍસિડને ગાળી, ધોઈ, પ્રજ્વાળી (ignite), તેનું SnO2 તરીકે વજન કરવામાં આવે છે. પિત્તળ, કાંસું (bronze) વગેરેમાંના ટિનના નિર્ધારણ માટે ફિનાઇલ-આર્સોનિક ઍસિડનો પણ ઉપયોગ થઈ શકે છે. કલાઈના અવક્ષેપન બાદ મળેલા દ્રાવણમાંથી નાઇટ્રિક ઍસિડને દૂર કરવા તેમાં સલ્ફ્યુરિક ઍૅસિડ આધિક્યમાં ઉમેરી, સલ્ફર-ટ્રાયૉક્સાઇડના ધુમાડા નીકળે ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. અવશેષી પ્રવાહીમાં પાણી ઉમેરી અદ્રાવ્ય લેડ સલ્ફેટને ગાળી, પ્રજ્વાળી, PbSO4 તરીકે વજન કરવામાં આવે છે. લેડનું ઍનોડ આગળ લેડ-ડાયૉક્સાઇડ તરીકે નિક્ષેપન કરીને વિદ્યુતવિભાજકીય રીતે પણ નિર્ધારણ કરી શકાય છે.

ગાળણ(filtrate)માંના કૉપરનું પૃથક્કરણ કરવા તેનું નિશ્ચિત કદ સુધી મંદન કરી તેમાંથી ચોક્કસ કદને અનુમાપન (titration) માટે લઈ, તેમાં પોટૅશિયમ આયોડાઇડ ઉમેરી, મુક્ત થતા આયોડિનનું સોડિયમ-થાયૉસલ્ફેટના માનક (પ્રમાણિત, standard) દ્રાવણ સામે અનુમાપન કરવામાં આવે છે. આયર્ન હોય તો તેને એમોનિયમ-બાઇફ્લૉરાઇડ ઉમેરી ટાળવામાં આવે છે. ભારમિતીય (gravimetric) પૃથક્કરણ માટે કૉપરનું ક્યુપ્રસ-થાયૉસાયનેટ [Cu2(CNS)2] તરીકે પણ અવક્ષેપન કરી શકાય છે. વિદ્યુતવિભાજકીય રીતે પ્લૅટિનમ કૅથોડ પર કૉપર ધાતુને નિક્ષેપિત કરીને પણ વજન કરી શકાય છે.

કૉપર દૂર કર્યા બાદ દ્રાવણમાં બ્રોમીનજળ અથવા નાઇટ્રિક ઍસિડ ઉમેરી આયર્નનું ઉપચયન કરી, ફેરિક (Fe3+) સ્વરૂપમાં લાવી, એમોનિયા વડે તેનું દ્વિ-અવક્ષેપન (double-precipitation) કરી, ફેરિક હાઇડ્રૉક્સાઇડ [Fe(OH)3] તરીકે અલગ કરવામાં આવે છે. Fe(OH)3ને શુષ્ક બનાવી, પ્રજ્વાળી, તેને Fe2O3માં ફેરવી વજન કરવામાં આવે છે.

બાકી રહેલા જસતનું ઝિંક-એમોનિયમ-ફૉસ્ફેટ તરીકે અવક્ષેપન કરી ZnNH4PO4 રૂપે અથવા અવક્ષેપના પ્રજ્વલન બાદ મળતા ઝિંક-પાયરોફૉસ્ફેટ (Zn2P2O7) રૂપે વજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝિંકનું એન્થ્રાનિલેટ, 8–હાઇડ્રૉક્સિક્વીનાલ્ડેટ અથવા ક્વીનાલ્ડેટ તરીકે પણ ભારમિતીય પૃથક્કરણ કરી શકાય છે. મર્ક્યુરી વીજધ્રુવ વાપરી ઝિંકનું EDTA વડે પોટૅન્શિયોમિતીય અનુમાપન પણ કરી શકાય છે.

કૅથોડના નિયંત્રિત પોટૅન્શિયલે વિદ્યુતવિભાજીય (electrolytic) નિક્ષેપન કરીને પણ પિત્તળનું પૃથક્કરણ થઈ શકે છે. આ માટે ચોકસાઈપૂર્વક વજન કરેલા (0.2–0.4 ગ્રા.) નમૂનાને 10 મિલી. સાંદ્ર HCl, 0.2 મિલી. સાંદ્ર HNO3, 10 મિલી. પાણી અને 1 ગ્રા. એમોનિયમ-ક્લોરાઇડના મિશ્રણમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણમાં વધુ 5 મિલી. HCl ઉમેરી, નિસ્યંદિત પાણી વડે 150 મિલી. જેટલું મંદ બનાવી તેમાં 1 ગ્રા. હાઇડ્રૅઝિન હાઇડ્રૉક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણનું સંતૃપ્ત કેલોનલ વીજધ્રુવ(SCE)ની સાપેક્ષતામાં પ્લૅટિનમના જાળીવાળા કૅથોડનો વિભવ –0.4 વોલ્ટ રાખી 50° સે. તાપમાને 20 મિનિટ સુધી વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. શરૂઆતમાં 3-4 ઍમ્પિયર(A)નો પ્રવાહ વાપરવામાં આવે છે, જે ઝડપથી ઘટીને લગભગ 0.1A થઈ જાય છે. આ સમયે લગભગ બધું જ કૉપર (અને આર્સેનિક જો હોય તો) નિક્ષેપિત થઈ જાય છે. કૉપરને આર્સેનિકથી અલગ પાડવા નિક્ષેપ(deposit)ને 5 મિલી. સાંદ્ર H2SO4, 5 મિલી. સાંદ્ર HNO3 અને 10 મિલી. પાણીમાં ઓગાળી, દ્રાવણને ઉકાળી તેમાંથી નાઇટ્રૉજનના ઑક્સાઇડ દૂર કરવામાં આવે છે. પ્રયોગશાળાના તાપમાને –0.4 વોલ્ટે (વિ. SCE) વિદ્યુતવિભાજન કરવાથી એકલું કૉપર નિક્ષેપિત થાય છે. વીજધ્રુવનું વજન કરવાથી નમૂનામાં કૉપરનું પ્રમાણ જાણી શકાય છે.

સીસું ધરાવતા દ્રાવણનું વિદ્યુતવિભાજન કરી પ્લૅટિનમના ઍનોડ પર લેડનું લેડ ડાયૉક્સાઇડ તરીકે નિક્ષેપન કરીને વજન કરવાથી સીસાનું પ્રમાણ પણ જાણી શકાય છે.

કાંસા(bronze)નું પૃથક્કરણ : કાંસાના મુખ્ય ઘટકોમાં તાંબું (60–97 %) અને કલાઈ (1-35 %) હોય છે. ગનમેટલમાં સામાન્ય રીતે 90 % Cu અને 10 % Sn હોય છે. પણ તેમાં લેડ (Pb), આયર્ન (Fe) અને જસત(Zn)નું થોડું પ્રમાણ હોઈ શકે છે. ફૉસ્ફર-બ્રૉન્ઝ એ ગનમેટલ જેવી મિશ્રધાતુ છે; પણ તે 0.2–1.5 % ફૉસ્ફરસ (P) ધરાવે છે. તેમાં કોઈ વાર ઍૅન્ટિમનીનું થોડું પ્રમાણ પણ હોઈ શકે છે. ઇંગ્લિશ-બ્રૉન્ઝના સિક્કાઓ લગભગ 95 % Cu, 4 % Sn અને 1 % Zn ધરાવે છે. ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ સામાન્ય રીતે 90 % Cu અને 10 % Al ધરાવે છે, પણ તેમાં આયર્ન અને અન્ય ધાતુઓ પણ હોઈ શકે છે. મૅન્ગેનીઝ–બ્રૉન્ઝ(ઉચ્ચ તનન પિત્તળ, high tensile brass)માં 55–60 % Cu, 30–40 % Zn, 0–2 % Sn, 0–1.5 % Pb, 1–2 % Fe, 0–3 % Al, અને લગભગ 1 % જેટલું Mn હોય છે. ગનમેટલ અને ફૉસ્ફરસ-બ્રૉન્ઝના પૃથક્કરણની પદ્ધતિ અત્રે આપી છે.

ગનમેટલ (gun-metal) :  ચોકસાઈપૂર્વક વજન કરેલા 0.5–1 ગ્રામ નમૂનાનું, આગળ પિત્તળ માટે જણાવ્યા પ્રમાણે, પૃથક્કરણ કરવામાં આવે છે. નમૂનાને ઓગાળવા દરમિયાન તેમાંના ટિનને લીધે મેટાસ્ટેનિક ઍસિડ અવક્ષિપ્ત થાય ત્યારે તે પોતાની સાથે Pb, Cu, Fe અને P જેવાં તત્વોના ઠીક-ઠીક જથ્થાને લઈ જાય છે. આથી આ અશુદ્ધ અવક્ષેપમાં ટિનનું પ્રમાણ નક્કી કરવા પ્રથમ અશુદ્ધ મેટાસ્ટેનિક ઍૅસિડને પ્રજ્વાળી તેમાંના SnO2 + P2O5 + અન્ય ઑક્સાઇડોનું ભેગું વજન કરવામાં આવે છે. વજન કરેલા આ ઑક્સાઇડમાં તેના વજન કરતાં દસગણો એમોનિયમ આયોડાઇડ ઉમેરી, તેને 425°–475° સે. સુધી ગરમ કરી, અવશેષમાં નાઇટ્રિક ઍસિડ ઉમેરી, શુષ્ક બનાવી તેનું પ્રજ્વલન કરી વજન કરવામાં આવે છે. (સ્ટેનિક ટિન આયોડાઇડ તરીકે બાષ્પીભૂત થાય છે.) અગાઉના વજનમાંથી આ વજન બાદ કરવાથી (SnO2 + P2O5)નું વજન મળે છે. પ્રથમ અવશેષના એક ભાગનું ફૉસ્ફરસ માટે પૃથક્કરણ કરવાથી P2O5નું વજન મળે છે, જે(SnO2 + P2O5)ના વજનમાંથી બાદ કરવાથી SnO2નું વજન મળે છે. તે પરથી ટિનનું પ્રમાણ ગણી શકાય છે.

એક અન્ય રીતમાં મેટાસ્ટેનિક ઍસિડ અને દ્રવસંમર્દિત (macerated) ગાળણપત્રને શુષ્ક બનાવી, જેલ્ડાહ ફ્લાસ્કમાં લઈ, તેમાં 15 મિલી. સાંદ્ર H2SO4 અને 5 ગ્રામ નિર્જળ સોડિયમ સલ્ફેટ ઉમેરી તેને કાર્બનિક દ્રવ્ય નાશ પામે ત્યાં સુધી ધીરે ધીરે ઉકાળવામાં આવે છે. તે પછી દ્રાવણને સાવચેતીપૂર્વક મંદ બનાવી કાર્બન-ડાયૉક્સાઇડ નળીઓ જોડેલા ફ્લાસ્કમાં લેવામાં આવે છે અને તેમાં 2–3 ગ્રા. શુદ્ધ સીસું અને સાંદ્ર HCl ઉમેરી કાર્બનડાયૉક્સાઇડના વાતાવરણમાં હળવેથી ઉકાળવામાં આવે છે. આમ કરવાથી ચતુ:સંયોજક ટિન દ્વિસંયોજક ટિનમાં ફેરવાય છે.

SnCl4 + Pb + (2HCl) = SnCl2 + PbCl2 + (2HCl)

Sn2+નું આયોડિનના માનક દ્રાવણ સામે અનુમાપન કરવાથી ટિનનું પ્રમાણ જાણી શકાય છે.

ફૉસ્ફરબ્રૉન્ઝ : આ મિશ્રધાતુના પૃથક્કરણની રીત ગનમેટલ જેવી જ છે. ફૉસ્ફરસ માટે અલગ નમૂનો લઈ તેનું પૃથક્કરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે :

2 ગ્રામ જેટલો ચોક્કસ વજન કરેલો નમૂનો કોનિકલ ફ્લાસ્કમાં લઈ તેને 20–25 મિલી. અમ્લરાજ(aqua regia)માં ઓગાળવામાં આવે છે. તે ઓગળી જાય એટલે દ્રાવણમાં 10 મિલી. જેટલું પાણી ઉમેરી 90° સે. તાપમાને 10 મિનિટ માટે પકવવામાં આવે છે (digested). તે પછી દ્રાવણને 50–60 મિલી. સુધી મંદ બનાવી, તેને 40–50° સે. રાખી, હલાવતાં જઈ તેમાં આ જ તાપમાને રાખેલ એમોનિયમ-મોલિબ્ડેટ પ્રક્રિયક ધીરે ધીરે ઉમેરવામાં આવે છે. આથી મળતા એમોનિયમ-ફૉસ્ફોમોલિબ્ડેટના અવક્ષેપને ગાળી, 5 % એમોનિયમ નાઇટ્રેટના દ્રાવણ વડે ધોવામાં આવે છે. જો આયર્ન હાજર હોય તો અવક્ષેપને સાઇટ્રિક ઍસિડ અને એમોનિયાની માવજત આપી તેને દ્રાવ્ય-સ્વરૂપે દ્રાવણમાં રાખવામાં આવે છે. એમોનિયામય દ્રાવણને મિથાઇલ રેડ સૂચક વાપરી મંદ HCl વડે સહેજ ઍસિડિક બનાવી દ્રાવણને હલાવતાં જઈ તેમાં 25 મિલી. મૅગ્નેશિયા મિશ્રણ ટીપે ટીપે ઉમેરવામાં આવે છે. તે પછી તેમાં 1 : 1 એમોનિયાનું દ્રાવણ ધીરે-ધીરે ઉમેરી મૅગ્નેશિયમ એમોનિયમ ફૉસ્ફેટ(MgNH4PO4, 6H2O)ના અવક્ષેપ મેળવવામાં આવે છે. અવક્ષેપને પાણી વડે ધોઈ આલ્કોહૉલ, ઈથર વડે સાફ કરી MgNH4PO4·6H2O તરીકે અથવા તેનું 1100° સે.એ પ્રજ્વલન કરી મૅગ્નેશિયમ પાયરોફૉસ્ફેટ તરીકે વજન કરવામાં આવે છે.

2MgNH4PO4 = Mg2P2O7 + 2NH3 + H2O

પાયરોફૉસ્ફેટના વજન પરથી નમૂનામાંના ફૉસ્ફરસનું પ્રમાણ જાણી શકાય છે.

નિકલ-સિલ્વર (જર્મન-સિલ્વર) : આ મિશ્રધાતુના મુખ્ય ઘટકો તાંબું (45–75 %), જસત (10–25 %) અને નિકલ (6–25 %) છે. તેમાં આયર્ન, લેડ, ટિન અને ક્વચિત્ મગેનીઝનો થોડો જથ્થો પણ હોઈ શકે છે. પૃથક્કરણ માટે 0.5 ગ્રામ જેટલા જથ્થાનું ચોકસાઈપૂર્વક વજન કરી, તેને એક બીકરમાં લઈ, બીકરને વૉચગ્લાસ (watch glass) વડે ઢાંકી તેમાં ધીરે ધીરે સાંદ્ર HNO3 ઉમેરવામાં આવે છે, પ્રક્રિયા પૂરી થવા આવે ત્યારે દ્રાવણને ગરમ કરી નમૂનાને સંપૂર્ણપણે દ્રાવ્ય કરવામાં આવે છે.

કલાઈ : જો દ્રાવણ બનવા દરમિયાન સફેદ અવક્ષેપ ઉદભવે તો તે (મેટાસ્ટેનિક ઍસિડ) કલાઈની હાજરી સૂચવે છે. આ અવક્ષેપને અલગ કરી, આગળ આપેલા પિત્તળના પૃથક્કરણ માફક વિધિ કરવામાં આવે છે.

લેડ : મેટાસ્ટેનિક ઍસિડને ગાળી લીધા પછી મળેલા દ્રાવણમાં 2–3 મિલી. સાંદ્ર H2SO4 ઉમેરી, સલ્ફર ટ્રાયૉક્સાઇડના ધુમાડા નીકળે ત્યાં સુધી દ્રાવણનું બાષ્પીભવન કરી (સંપૂર્ણ નહિ), નાઇટ્રિક ઍસિડ દૂર કરવામાં આવે છે. અવક્ષેપને ઠંડા પાડી, સાવચેતીપૂર્વક તેમાં 30 મિલી. પાણી ઉમેરવામાં આવે છે. લેડનું સલ્ફેટ તરીકે સંપૂર્ણ અવક્ષેપન થાય તે માટે દ્રાવણને કલાકેક સુધી રાખી મૂકવામાં આવે છે. લેડ- સલ્ફેટને ગાળી, ધોઈ, તેનું વજન કરવાથી લેડનું પ્રમાણ જાણી શકાય છે.

કૉપર : લેડ-સલ્ફેટ ગાળી લીધા પછી મળતા (Sn અને Pb વિનાના) દ્રાવણમાંથી કૉપરનું વિદ્યુતવિભાજન કરી અથવા દ્રાવણને પ્રથમ એમોનિયા વડે તટસ્થ બનાવી તે પછી એસેટિક ઍસિડ વડે ઍસિડિક બનાવી, તેમાં પોટૅશિયમ આયોડાઇડ ઉમેરી મુક્ત થતા આયોડિનનું પ્રમાણિત સોડિયમ થાયૉસલ્ફેટ સાથે અનુમાપન કરવામાં આવે છે.

આયર્ન : કૉપર દૂર કર્યા બાદ મળેલા દ્રાવણમાં રહેલા આયર્નનું ફેરિક સ્થિતિમાં ઉપચયન કરવા તેમાં 1–2 મિલી. હાઇડ્રોજન પેરૉક્સાઇડ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણમાં એમોનિયા આધિક્યમાં ઉમેરી, દ્રાવણને ઊકળે ત્યાં સુધી ગરમ કરી, ફેરિક હાઇડ્રૉક્સાઇડ[Fe(OH)3]ના અવક્ષેપને ગાળી લેવામાં આવે છે. અવક્ષેપને ગરમ પાણીથી ધોઈ તેને 1 : 1 HClના ગરમ દ્રાવણના ઓછામાં ઓછા જથ્થા વડે ઓગાળી તેમાંથી ફેરિક હાઇડ્રૉક્સાઇડનું એમોનિયા વડે પુન: અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને પકવી, ગાળી, તેનું પ્રજ્વલન કરી Fe2O3 તરીકે વજન કરવામાં આવે છે.

રંગમિતીય પદ્ધતિથી પણ આયર્નનું માપન થઈ શકે છે.

નિકલ : આયર્ન દૂર કર્યા પછીના ગાળણમાં HCl ઉમેરી તેને તટસ્થ બનાવવામાં આવે છે (લિટમસ પેપર કસોટી). તે પછી દ્રાવણ એમોનિયામય બને ત્યાં સુધી તેમાં એમોનિયા ઉમેરવામાં આવે છે, જેથી દ્રાવણમાં ઉદભવતો એમોનિયમ-ક્લોરાઇડ જસતને દ્રાવણમાં રાખે છે. [આ માટે સીધો એમોનિયમ-ક્લોરાઇડ પણ ઉમેરી શકાય.] એમોનિયામય દ્રાવણમાં હવે રૅક્ટિફાઇડ સ્પિરિટમાં બનાવેલ ડાઇમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ(DMG)નું દ્રાવણ ઉમેરવાથી નિકલ ડાઇમિથાઇલ ગ્લાયોક્ઝાઇમના અવક્ષેપ મળે છે. આગળ જણાવ્યા પ્રમાણે અવક્ષેપને માવજત આપી તેનું વજન કરવામાં આવે છે. [DMG વધુ ન ઉમેરાઈ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે જલીય દ્રાવણમાં તેનું અવક્ષેપન થઈ શકે છે.]

રંગમિતીય પદ્ધતિ વડે પણ Niનું નિર્ધારણ થઈ શકે છે.

ઝિંક : નિકલ દૂર કર્યા બાદ મળેલા દ્રાવણમાં તેને ઍસેડિક બનાવવા જરૂરી હોય તે કરતાં 5 મિલી. વધુ, સાંદ્ર HCl ઉમેરવામાં આવે છે. આ દ્રાવણમાં 25 મિલી. સાંદ્ર નાઇટ્રિક ઍસિડ ઉમેરી તેને ધૂમ્ર-કબાટ(fume cupboard)માં ગરમ કરી શુષ્ક બનાવવામાં આવે છે. (જો H2SO4 ઉમેર્યો હોય તો સલ્ફર-ટ્રાયૉક્સાઇડના ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે.) આમ કરવાથી કાર્બનિક દ્રવ્ય અને એમોનિયમ ક્ષારો દૂર થાય છે. અવશેષને ઠંડો પાડી તેમાં 5 મિલી. સાંદ્ર HCl ઉમેરી આછા તાપે થોડી વાર ગરમ કરી દ્રાવણ 50 મિલી. સુધી મંદ બનાવવામાં આવે છે. આ પછી દ્રાવણમાંના જસતનું આગળ પિત્તળના વિશ્લેષણમાં જણાવ્યા પ્રમાણે નિર્ધારણ કરવામાં આવે છે.

લેડ, ટિન અને ઍન્ટિમનીની મિશ્રધાતુઓ : લેડ, ટિન અને ઍન્ટિમનીની મિશ્રધાતુઓમાં વિવિધ તત્વો મિશ્રધાતુ મુજબ નીચેનાં પ્રમાણમાં હાજર હોઈ શકે છે :

તત્વ નરમ રેણ

સફેદ (white) ધાતુ, બેરિંગ (bearing) મિશ્રધાતુઓ અને રૂપદાસંચન (die casting) મિશ્રધાતુઓ

લેડ 20થી 99 % 0.1થી 95 %
ટિન (કલાઈ) 1.0થી 80 % 0.5થી 95 %
ઍન્ટિમની 0.02થી 3.0 % 1.0થી 20 %
બિસ્મથ 0.02થી 0.5 % 0.01થી 0.2 %
કૉપર (તાંબું) 0.01થી 0.5 % 0.1થી 10 %
આર્સેનિક 0.01થી 0.5 % 0.01થી 2.0 %
આયર્ન (લોહ) 0.005થી 0.05 % 0.01થી 0.5 %
ઍલ્યુમિનિયમ 0.001થી 0.01 % 0.001થી 0.01 %
ઝિંક (જસત) 0.001થી 0.05 % 0.001થી 0.01 %

ઝારણની મિશ્રધાતુ(સોલ્ડર, રેણ, solder)નું પૃથક્કરણ : સામાન્ય રીતે ઝારણ માટેની મિશ્રધાતુ લગભગ 3 ભાગ લેડ અને 1 ભાગ ટિન ધરાવે છે; પણ તેમાં ઘણુંખરું 1–3 % ઍન્ટિમની (Sb) અશુદ્ધિ રૂપે હોય છે. આવી મિશ્રધાતુને નાઇટ્રિક ઍસિડમાં ઓગાળવામાં આવે ત્યારે મળતા અદ્રાવ્ય અવશેષ મેટાસ્ટેનિક ઍસિડ અને ઍન્ટિમોનિક ઍસિડ ધરાવે છે. આની સાથે લેડનું સંયોજન પણ થોડું સહ-અવક્ષિપ્ત થયેલું હોય છે. પ્રજ્વલન બાદ અવશેષમાં SnO2 + Sb2O5 + PbO હોય છે. તેમાંથી લેડનું પ્રમાણ એમોનિયમ-આયોડાઇડવાળી બાષ્પીભવનની રીત વડે નક્કી કરવામાં આવે છે. Sn અને Sb આયોડાઇડ રૂપે બાષ્પીભવન પામે છે, જ્યારે લેડ ઑક્સિઆયોડાઇડ અને ઑક્સાઇડના મિશ્રણ રૂપે રહે છે. આ મિશ્રણને નાઇટ્રિક ઍસિડની માવજત આપી, લેડને નાઇટ્રેટમાં ફેરવી, તેનું સાવચેતીપૂર્વક વિઘટન કરી, પ્રજ્વલન કરી ઑક્સાઇડમાં ફેરવવામાં આવે છે. લેડ-ઑક્સાઇડને તે પછી સલ્ફેટમાં ફેરવી તેનું લેડ-સલ્ફેટ (PbSO4) તરીકે વજન કરવાથી લેડનું પ્રમાણ મળે છે. લેડ-ક્રોમેટ તરીકે પણ તેનું અવક્ષેપન થઈ શકે છે.

મેટાસ્ટેનિક ઍસિડના અવક્ષેપમાંથી ટિનનું પ્રમાણ આગળ કાંસાના પૃથક્કરણમાં દર્શાવેલ રીત વડે નક્કી કરવામાં આવે છે. ઍન્ટિમની બે વજનોના તફાવતથી નક્કી થઈ શકે છે અથવા મિશ્ર ઑક્સાઇડને સલ્ફ્યુરિક ઍસિડ અને પોટૅશિયમ-હાઇડ્રોજન- સલ્ફેટ સાથે જેલ્ડાહ ફ્લાસ્કમાં, કાર્બનિક દ્રવ્ય નાશ પામે અને સલ્ફર-ટ્રાયૉક્સાઇડના ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. ગાળણપત્રમાંનું કાર્બનયુક્ત દ્રવ્ય ઍન્ટિમનીને SbIIIમાં ફેરવે છે. આ પછી મિશ્રણને ઠંડું પાડી, સાવચેતીથી મંદ બનાવી, કૉનિકલ ફ્લાસ્કમાં લઈ, તેમાં 5 મિલી. સાંદ્ર HCl ઉમેરી, ફરી ઠંડું કરી પ્રમાણિત 0.l N પોટૅશિયમ-પરમૅન્ગેનેટના દ્રાવણ સામે અનુમાપન કરવામાં આવે છે.

Sb3+ + 2MnO4¯ + 12H2O = 5H3SbO4 + 2Mn2+ + 9H+

અનુમાપનની અન્ય એક પદ્ધતિમાં 0.4 ગ્રામ જેટલા વજન કરેલા નમૂનાને 10 મિલી. સાંદ્ર HCl અને 2 મિલી. સાંદ્ર HNO3માં હળવા તાપે ગરમ કરીને ઓગાળવામાં આવે છે. આ દ્રાવણને ઉકાળી તેમાંથી નાઇટ્રોજનના ઑક્સાઇડ તથા ક્લોરિન દૂર કર્યા બાદ સહેજ ઠંડું પડવા દેતાં થોડું લેડ-ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે. આવા દ્રાવણમાં 25.0 મિલી. પ્રમાણિત 0.2M EDTAનું દ્રાવણ ઉમેરી, ઉકાળવાથી લેડ-ક્લોરાઇડ ઓગળી જઈ સ્વચ્છ દ્રાવણ આપે છે. તેને અંકિત ફ્લાસ્કમાં 250 મિલી. સુધી મંદ બનાવી તુરત જ તેમાંથી 25.0 મિલી. દ્રાવણ લઈ તેમાં 15 મિલી. હેક્ઝામાઇન (30 %નું જલીય દ્રાવણ), 110 મિલી. વિઆયનીકૃત પાણી અને ઝાયલીનોલ ઑરેન્જ સૂચકનાં થોડાં ટીપાં ઉમેરી, પ્રમાણિત લેડ-નાઇટ્રેટ સાથે દ્રાવણનો રંગ પીળામાંથી લાલ બને ત્યાં સુધી અનુમાપન કરવામાં આવે છે. તે પછી તેમાં 2 ગ્રામ સોડિયમ-ફ્લોરાઇડ ઉમેરવાથી ટિનના સંકીર્ણમાંથી EDTA મુક્ત થવાને લીધે પીળો રંગ ફરીથી ઉત્પન્ન થાય છે. આ દ્રાવણનું ફરીથી લેડ-નાઇટ્રેટના પ્રમાણિત દ્રાવણ સાથે લાલ રંગ આવે (1 મિનિટ માટે રહે) ત્યાં સુધી અનુમાપન કરવામાં આવે છે. હંગામી લાલ રંગ ફરીથી પીળામાં ફેરવાય તે અંતિમ બિંદુ (end-point) આવવાની નિશાની છે.

નિમ્નગલન (low melting) મિશ્રધાતુનું પૃથક્કરણ : વૂડની ધાતુ જેવી (Bi, Cd અને Pb ધરાવતી) નીચા તાપમાને પીગળતી ધાતુઓનું પૃથક્કરણ ભારમિતીય કરતાં સંકીર્ણમિતીય (complexometric) અનુમાપનપદ્ધતિ વડે કરવું વધુ અનુકૂળ પડે છે. ચોક્કસ વજન કરેલી 2.0થી 2.5 ગ્રામ મિશ્રધાતુને સાંદ્ર નાઇટ્રિક ઍસિડમાં ઓગાળી, બાષ્પીભવન વડે દ્રાવણનું કદ ઓછું કરી, મંદન કરતાં અવક્ષિપ્ત થતા ટિન(IV)ઑક્સાઇડને વૉટમૅન–542 ગાળણપત્ર વડે ગાળી લેવામાં આવે છે. આ અવક્ષેપ પર અધિશોષિત ભારે ધાતુઓને EDTAના, જલીય એમોનિયા વડે સહેજ આલ્કલાઇન બનાવેલા દ્રાવણના જાણીતા કદ વડે ધોઈ દૂર કરવામાં આવે છે. જલાન્વિત ટિન-ઑક્સાઇડના અવક્ષેપને પ્રજ્વલિત કરી તેનું SnO2 તરીકે વજન કરવાથી ટિનનું પ્રમાણ જાણી શકાય છે. ટિનના અલગન દરમિયાન મળેલા ગાળણ અને પ્રક્ષાલન(washings)માંથી બિસ્મથ, લેડ અને કૅડમિયમનું નિર્ધારણ કરવામાં આવે છે.

આ માટે દ્રાવણને ચોક્કસ કદ સુધી મંદ બનાવી, તેમાંથી યોગ્ય ભાગ(aliquots)નો અનુમાપન માટે ઉપયોગ કરવામાં આવે છે. બિસ્મથનું પ્રમાણ નક્કી કરવા 1–2 pH મૂલ્યે EDTAના પ્રમાણિત દ્રાવણ સાથે ઝાયલીનૉલ સૂચક (0.05 % જલીય દ્રાવણ) વાપરી, રંગનો ફેરફાર લાલમાંથી પીળો થાય ત્યાં સુધી અનુમાપન કરવામાં આવે છે. તે પછી હૅક્ઝામાઇન વડે તીવ્ર લાલ રંગ મળે તે રીતે pH 5થી 6 વચ્ચે ગોઠવી EDTA વડે પીળા અંતિમ બિંદુ સુધી (Pb અને Cdનું ભેગું) અનુમાપન કરવામાં આવે છે. ત્યારબાદ કૅડમિયમના પ્રચ્છાદન (ગોપન, masking) માટે 1,10–ફિનેન્થ્રોલિનનો (1.5 મિલી. સાંદ્ર HNO3 અને 100 મિલી. પાણીમાં 0.9 ગ્રા.) ઉપયોગ કરવામાં આવે છે. આથી મુક્ત થયેલ EDTAનું 0.5 M Pb(NO3)2 વડે અનુમાપન કરવાથી કૅડમિયમનું પ્રમાણ મળે છે. (રંગનો ફેરફાર પીળામાંથી લાલ-જાંબલી) બે વાચનોના તફાવત પરથી લેડનું પ્રમાણ જાણી શકાય છે.

સિલ્વર(ચાંદી)ની મિશ્રધાતુનું પૃથક્કરણ : અગાઉ ચાંદીના જે સિક્કા આવતા તેનાં 90થી 95 % ચાંદી (Ag) આવતી. (બાકીનું તાંબું.) પછીથી આ પ્રમાણ ઘટીને 50 % Ag થઈ ગયું હતું, કારણ કે તેમાં નિકલ અને તાંબું (તથા ક્વચિત્ જસત પણ) ભેળવવામાં આવતું. પૃથક્કરણ માટે પ્રથમ મિશ્રધાતુને બારીક એમરી પેપર વડે સાફ કરી તેને ઍસિટોન વડે ગ્રીઝમુક્ત કરવામાં આવે છે. આનો 0.4થી 0.5 ગ્રામ જેટલો ચોક્કસ વજન કરેલો નમૂનો કૉનિકલ ફ્લાસ્કમાં લઈ તેમાં થોડું (5 મિલી.) પાણી અને 10 મિલી. જેટલો સાંદ્ર નાઇટ્રિક ઍસિડ ઉમેરી, ફ્લાસ્ક ઉપર ફનેલ (funnel) ઢાંકી, નમૂનો ઓગળે ત્યાં સુધી હળવા તાપે ગરમ કરવામાં આવે છે. તે પછી તેમાં થોડું પાણી ઉમેરી, પાંચ મિનિટ ઉકાળી નાઇટ્રોજનના ઑક્સાઇડ દૂર કરવામાં આવે છે. આ દ્રાવણને પ્રમાણિત માપન-ફ્લાસ્ક(standard measuring flask)માં લઈ, કાપા સુધી પાણી ઉમેરી મંદ બનાવવામાં આવે છે.

કદમાપક પદ્ધતિમાં મંદ દ્રાવણના 10 અથવા 25 મિલી. પિપેટ વડે લઈ તેનું પ્રમાણિત 0.1 M થાયૉસાયનેટ વડે અનુમાપન કરવામાં આવે છે. સૂચક તરીકે આયર્ન(III) નાઇટ્રેટ અથવા આયર્ન(III) એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ વાપરવામાં આવે છે. થાયૉસાયનેટનું દ્રાવણ ઉમેરતાં પ્રથમ સિલ્વર થાયૉસાયનેટના અવક્ષેપ મળે છે :

Ag+ + SCN  ⇄  AgSCN (Ks = 7.1 X 10–13).

આ પ્રક્રિયા પૂરી થાય પછી થાયૉસાયનેટનું સહેજ વધુ દ્રાવણ ઉમેરાતાં આયર્નનો સંકીર્ણ આયન બનવાથી તે રતાશ પડતો તપખીરિયો (reddish brown) રંગ આપે છે :

Fe3+ + SCN  ⇄  [Fe(SCN)]2+

1 મોલ KSCN ≡ 1 મોલ Ag+

જે ધાતુઓ રંગવિહીન ક્ષારો બનાવતી હોય તે વાંધારૂપ નથી. મર્ક્યુરી અને પેલેડિયમના થાયૉસાયનેટ અદ્રાવ્ય હોવાથી આ ધાતુઓની હાજરી ન હોવી જોઈએ. નિકલ અને કોબાલ્ટ જેવી રંગીન ક્ષારો આપતી ધાતુઓ પણ વધુ માત્રામાં હાજર ન હોવી જોઈએ. કૉપર 40 % કરતાં વધુ ન હોય તો તે પણ અડચણરૂપ હોતું નથી.

ભારમિતીય પદ્ધતિમાં ચોક્કસ કદના દ્રાવણને લઈ, તેને 70° સે. જેટલું ગરમ કરી તેમાં 0.2 M HCl (અથવા ક્લોરાઇડ-ક્ષાર) દ્રાવણને હલાવતાં જઈ ઉમેરવામાં આવે છે. આથી સિલ્વરનું AgCl રૂપે અવક્ષેપન થાય છે. આ પ્રક્રિયા ઘણા આછા પ્રકાશમાં કરવી જરૂરી છે. અવક્ષેપને ગૂચ કે નિસાદિત કાચની ક્રુસિબલ વડે ગાળી તેને 0.01થી 0.1 M HNO3 વડે અને છેલ્લે પાણી વડે ધોઈ ક્લોરાઇડમુક્ત કરવામાં આવે છે. આ અવક્ષેપને પહેલાં 100° સે. અને પછી 130°–150° સે. સુધી ગરમ કરી, શુષ્ક બનાવી, જલશોષિત્ર(desiccator)માં ઠંડા પાડી, તેમનું AgCl તરીકે વજન કરવામાં આવે છે.

કૉપર : ગાળણ અને પ્રક્ષાલનપ્રવાહી(wash liquid)માં 3–4 મિલી. સાંદ્ર H2SO4 ઉમેરી સલ્ફર ટ્રાયૉક્સાઇડના સફેદ ધુમાડા નીકળે ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. પછી દ્રાવણને ઠંડું પાડી ધીરેથી તેને 100 મિલી. સુધી મંદ બનાવ્યા બાદ તેમાં 1 : 1 એમોનિયાનું દ્રાવણ ઉમેરી તટસ્થ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં 5 મિલી. જેટલું સલ્ફ્યુરસ ઍસિડનું તાજું બનાવેલું દ્રાવણ ઉમેરી, તેમાં 10 % એમોનિયમ થાયૉસાયનેટનું દ્રાવણ ઉમેરી કૉપરનું ક્યુપ્રસ થાયૉસાયનેટ તરીકે અવક્ષેપન કરવામાં આવે છે. અવક્ષેપને ગાળી, ધોઈ, તેનું વજન કરવાથી કૉપરનું પ્રમાણ જાણી શકાય છે. ગાળણનો ઉપયોગ નિકલ અને જસતના નિર્ધારણ માટે થાય છે. [કૉપરનું અનુમાપનમિતીય (titrimetric) પૃથક્કરણ પણ થઈ શકે છે.]

નિકલ : ગાળણને સાંદ્ર બનાવી, તેમાં સાંદ્ર HNO3 તથા HCl ઉમેરી લગભગ શુષ્ક બને ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. આથી વધારાના થાયૉસાયનેટનું વિઘટન થઈ જાય છે. આ પછી તેમાં 1 મિલી. સાંદ્ર HCl, 150 મિલી. પાણી અને 5 ગ્રા. એમોનિયમ ક્લોરાઇડ (જસતને દ્રાવણમાં રાખવા) ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેમાં 1 : 1 એમોનિયા (સહેજ એમોનિયામય બને તેટલો) ઉમેરી નિકલનું આગળ જણાવ્યા પ્રમાણે ડાઇમિથાઇલ ગ્લાયૉક્ઝાઇમ વડે અવક્ષેપન કરી, વજન કરવામાં આવે છે. રંગમિતીય પદ્ધતિ વડે પણ નિકલનું પૃથક્કરણ કરી શકાય છે.

જસત : જસતનું ઝિંક-એમોનિયમ-ફૉસ્ફેટ તરીકે અવક્ષેપન કરી તેનું સીધું (અથવા પાયરોફૉસ્ફેટ તરીકે) વજન કરી તેનું પ્રમાણ જાણી શકાય છે.

EDTA પ્રક્રિયકનો ઉપયોગ કરી ઝિંકનું પોટૅન્શિયોમિતીય અનુમાપન પણ થઈ શકે છે. આ માટે એસિટેટ બફર દ્રાવણનો ઉપયોગ જરૂરી છે. પોલેરૉગ્રાફીય પદ્ધતિ વડે –1.0થી –1.7 વોલ્ટ વચ્ચે વિદ્યુતવિભાજન કરીને પણ ઝિંકનું પ્રમાણ નક્કી કરી શકાય છે. (Znનો અર્ધતરંગ વિભવ –1.4 V).

ઍલ્યુમિનિયમની મિશ્રધાતુઓનું પૃથક્કરણ : ઍલ્યુમિનિયમ(Al)-ની અનેક પ્રકારની મિશ્રધાતુઓ મળે છે :

(i) અતિલઘુ (ultra-light) મિશ્રધાતુઓ : આવી ધાતુઓમાં Alનું પ્રમાણ સાધારણ (moderate) હોય છે, જ્યારે મૅગ્નેશિયમ વધુ હોય છે. વધુમાં તે કૉપર, ઝિંક, સિલિકન વગેરેના પણ થોડા ટકા ધરાવે છે.

(ii) (વજનમાં) હલકી (light) મિશ્રધાતુઓ : આવી મિશ્રધાતુઓમાં Alનું પ્રમાણ વધુ હોય છે. સાથે સાથે તેમાં કૉપર, ઝિંક, મૅગ્નેશિયમ વગેરે પણ થોડા પ્રમાણમાં હોય છે.

(iii) AlSi મિશ્રધાતુઓ : આવી ધાતુઓ 20 % સુધી સિલિકન ધરાવી શકે છે. તેમાં અન્ય તત્વોનું પણ થોડું પ્રમાણ હોય છે. અહીં બીજા પ્રકારની મિશ્રધાતુનું પૃથક્કરણ આપવામાં આવ્યું છે.

મિશ્રધાતુના 2 ગ્રામ જેટલા નમૂનાનું ચોક્કસ વજન કરી તેને 20 % સોડિયમ હાઇડ્રૉક્સાઇડના 30 મિલી.માં દ્રાવ્ય કરવામાં આવે છે. જોશીલી (vigorous) પ્રક્રિયા થંભી જાય એટલે બીકરને નમૂનો સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. એ પછી દ્રાવણને 100 મિલી. ગરમ પાણી વડે મંદ બનાવી તેને નિસાદિત (sintered)-કાચની ક્રુસિબલ વડે ગાળી અવશેષને બરાબર ધોવામાં આવે છે. અવશેષ સામાન્ય રીતે Cu, Pb, Fe, Ni, Mg વગેરે ધરાવે છે, જ્યારે Al અને Zn અનુક્રમે ઍલ્યુમિનેટ અને ઝિંકેટ તરીકે ગાળણમાં રહે છે.

Pb, Cu, Fe અને Ni : અવશેષને 1 : 1 HNO3માં ઓગાળી આગળ નિકલ-સિલ્વરમાં જણાવ્યા મુજબ Pb અને Cuનું નિર્ધારણ કરવામાં આવે છે. આયર્ન માટે પણ તેમાં જણાવેલી વિધિનો ઉપયોગ કરી આયર્નનું ફેરિક હાઇડ્રૉક્સાઇડ તરીકે અવક્ષેપન કરી, પ્રજ્વલન બાદ તેનું ફેરિક ઑક્સાઇડ (Fe2 O3) તરીકે વજન કરવામાં આવે છે. નિકલનું પ્રમાણ પણ નિકલ-સિલ્વરમાં દર્શાવેલી રીત પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

મૅગ્નેશિયમ : નિકલનું નિર્ધારણ કર્યા પછી મળેલા ગાળણને સાંદ્ર HCl વડે ઍસિડી બનાવી થોડો વધુ (5 મિલી.) HCl ઉમેરવામાં આવે છે. તે પછી તેમાં સાંદ્ર HNO3 25 મિલી. જેટલો ઉમેરી શુષ્ક બને ત્યાં સુધી ધૂમ્ર-કબાટમાં ગરમ કરવામાં આવે છે. આમ કરવાથી કાર્બનિક દ્રવ્ય તેમજ સાથે સાથે એમોનિયમ ક્ષારોનો મોટો જથ્થો પણ દૂર થાય છે. હવે અવશેષને ઓગાળી દ્રાવણને 200 મિલી. સુધી મંદ બનાવી, તેમાં 10 ગ્રામ એમોનિયમ-એસિટેટ ઉમેર્યા બાદ ઑક્ઝિનનું 2 %નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. હવે દ્રાવણમાં સાંદ્ર એમોનિયા ઉમેરી તેને પ્રબળપણે આલ્કલાઇન બનાવવામાં આવે છે. અવક્ષેપ સ્ફટિકમય બને ત્યાં સુધી દ્રાવણને ગરમ કરી, અવક્ષેપને ગૂચ, નિસાદિત-કાચ અથવા છિદ્રાળુ પોર્સલિન ક્રુસિબલ વડે ગાળી, ગરમ પાણી અથવા 1 % એમોનિયાના દ્રાવણ વડે ધોઈ, તેને 130°–140° સે. તાપમાને સૂકવી તેનું મૅગ્નેશિયમ-ઑક્ઝિનેટ [Mg(C9H7ON)2] તરીકે વજન કરવામાં આવે છે. અન્ય એક રીતમાં પ્રક્ષાલિત (washed) અવક્ષેપને 2M HClમાં ઓગાળી છૂટા પડેલા ઑક્ઝિનનું (એટલે અપ્રત્યક્ષ રીતે Mgનું) પોટૅશિયમ-બ્રોમાઇડ ઉમેરી બ્રોમેટ વડે અનુમાપન કરવામાં આવે છે. અનુમાપનમાં ઑક્ઝિન બ્રોમીનના ચાર તુલ્યાંકો (equivalents) સાથે પ્રક્રિયા કરે છે અને 5 : 7–ડાઇ બ્રોમો–8–હાઇડ્રૉક્સિક્વીનોલિન આપે છે :

C9H7ON + 2Br2 = C9H7ONBr2 + 2HBr

આ માટેનો બ્રોમીન ઍસિડમય દ્રાવણમાં ઉમેરેલા માનક 0.1M પોટૅશિયમ-બ્રોમેટ અને આધિક્યમાં ઉમેરેલા પોટૅશિયમ- બ્રોમાઇડમાંથી મળે છે.

મૅગ્નેશિયમનું નિર્ધારણ EDTA અનુમાપન દ્વારા પણ થઈ શકે છે.

જસત : ગાળણમાંથી જસત વિદ્યુતવિભાજીય રીતે (electrolytically) નક્કી કરી શકાય છે; કારણ કે વધુ આલ્કલી ધરાવતા (1 મોલ ઝિંક-ક્ષાર માટે 10 મોલ આલ્કલી) આલ્કલાઇન ઝિંકેટ દ્રાવણમાંથી ઝિંકનું જથ્થાત્મક (quantitative) નિક્ષેપન કરી શકાય છે.

વૈકલ્પિક રીતે ઝિંક ધરાવતા દ્રાવણને મંદ H2SO4 વડે ઍસિડી બનાવી ઝિંકનું પ્રમાણિત પોટૅશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ સામે ડાઇફિનાઇલબેન્ઝિડીન સૂચક વાપરીને અનુમાપન કરી શકાય છે.

સિલિકન : 0.5થી 1.0 ગ્રામ મિશ્રધાતુને વજન કર્યા બાદ મોનેલ (monel) મિશ્રધાતુના બીકરમાં સોડિયમ હાઇડ્રૉક્સાઇડમાં ઓગાળવામાં આવે છે. પ્રક્રિયા જોશભેર થતી અટકી જાય એટલે દ્રાવણને 5 મિલી. જેટલું થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરવામાં આવે છે. જો દ્રાવણ ઘેરા (dark) રંગનું હોય તો ઑક્સિડેશન ઝડપી બનાવવા 2–3 મિલી. હાઇડ્રોજન પેરૉક્સાઇડ (H2O2) ઉમેરવામાં આવે  છે. તે પછી આલ્કલીને સાવચેતીપૂર્વક 1 : 1 HCl વડે તટસ્થ કરી તેમાં 20 મિલી. 60–70 % પરક્લોરિક ઍસિડનું દ્રાવણ સાવધાનીપૂર્વક ઉમેરી, ધુમાડા નીકળે ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે. (ચેતવણી : કાર્બનિક પદાર્થો સાથે પરક્લૉરિક ઍસિડ વિસ્ફોટ કરી શકે છે.) ત્યારબાદ દ્રાવણને 50 મિલી. સુધી મંદ બનાવી વૉટમૅન-પ્રવેગક ઉમેરી, ઉકાળી, તરત ગાળી લેવામાં આવે છે. અવક્ષેપને 1 % HCl વડે ધોઈ, દ્રાવણમાં ફરીથી પરક્લોરિક ઍસિડનું દ્રાવણ ઉમેરી ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી, અગાઉની માફક ગાળી લેવામાં આવે છે. ગાળણપત્ર અને અવક્ષેપને 100° સે. તાપમાને સૂકવી, પ્લૅટિનમની ક્રુસિબલમાં 1000° સે. તાપમાને પ્રજ્વાળવામાં આવે છે. હવે તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડનાં બે-ત્રણ ટીપાં ઉમેરી, અચળ વજન મળે ત્યાં સુધી ફરી પ્રજ્વલન કરવામાં આવે છે. અવશેષમાં સલ્ફ્યુરિક ઍસિડ અને હાઇડ્રૉફ્લોરિક ઍસિડ ઉમેરી, ફરીથી અચળ વજન મળે ત્યાં સુધી પ્રજ્વલન કરવામાં આવે છે. આથી વજનમાં થતો ઘટાડો અવશેષમાં સિલિકાનું પ્રમાણ આપે છે :

SiO2 + 6HF = H2SiF6 + 2H2O

H2SiF6 = SiF4 + 2HF

જ. દા. તલાટી