મિશેલ, મારિયા (જ. 1 ઑગસ્ટ 1818, નાનટુકેટ આઇલૅન્ડ, મૅસેચૂસેટ્સ, યુ. એસ.; અ. 28 જૂન 1889, લીન, મૅસેચૂસેટ્સ) : અમેરિકાની પહેલી મહિલા ખગોળશાસ્ત્રી. તેના પિતાનું નામ વિલિયમ મિશેલ અને માતાનું નામ લિડિયા કોલમૅન હતું. મિશેલ દંપતીનાં દસ સંતાનો પૈકીનું મારિયા ત્રીજું સંતાન હતી. તેના પિતા ક્વેકર (quaker) નામે ધાર્મિક સંપ્રદાયના અનુયાયી હતા. મારિયાએ ઔપચારિક શિક્ષણ લીધું ન હતું, પરંતુ તેના ઘડતરમાં તેના પિતાનો બહુ મોટો ફાળો હતો. તેમણે તેને ખગોળ અને ગણિતમાં રસ લેતી કરી. આજીવિકા માટે મારિયાએ બહુ નાની વયથી પ્રયત્નો કરવા માંડેલા. સોળ વર્ષની ઉંમરે તો તે શાળામાં શિક્ષકની સહાયક બની ચૂકી હતી. સત્તર વર્ષની વયે મારિયાએ પોતાની એક સ્કૂલ ખોલી એકાદ વર્ષ ચલાવી, પણ નાનટુકેટ એથિનીએમ લાઇબ્રેરીમાં ગ્રંથપાલ તરીકે નોકરી મળતાં તે બંધ કરી. આ નોકરી તેને માટે ઘણી ઉપયોગી સાબિત થઈ. અહીં મારિયા સન 1836થી ઘણું કરીને 1856 સુધી રહી. આ અરસામાં તેના પિતા પૅસિફિક બૅન્કમાં કૅશિયર તરીકે જોડાયા. તેમને બૅન્ક દ્વારા ફાળવવામાં આવેલું રહેઠાણ બૅન્કને અડીને જ હતું. આ મકાનના છાપરા ઉપર તેમણે વેધશાળા બનાવી અને ચાર ઇંચનું એક નવું ટેલિસ્કોપ ખરીદ્યું. અહીંથી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ કોસ્ટ ગાર્ડ માટે તારાઓનું નિરીક્ષણ કરતા હતા અને મારિયા તેમને માપણીમાં મદદ કરતી હતી. મારિયા માટે આ વાત નવી ન હતી. બહુ નાની વયથી તે પિતાને ખગોળ-નિરીક્ષણોમાં મદદ કરતી હતી; જેમ કે, પોતાની તેર વર્ષની ઉંમરે, સન 1831માં દેખાયેલા કંકણ સૂર્યગ્રહણનાં નિરીક્ષણોમાં અને તે પરથી નાનટુકેટના રેખાંશ નિર્ધારિત કરવામાં તેણે પિતાને બહુ મૂલ્યવાન મદદ કરી હતી.
રોજ રાતે ટેલિસ્કોપ વડે તે આકાશનિરીક્ષણ કરતી હતી. આવી રીતે નિરીક્ષણ કરતાં, પહેલી ઑક્ટોબર, 1847ના રોજ તેણે એક નવો ધૂમકેતુ શોધ્યો અને તેનો પરિક્રમણપથ પણ ગણી કાઢ્યો. તેના પિતાએ હાર્વર્ડ યુનિવર્સિટી વેધશાળાના પ્રોફેસર વિલિયમ બૉન્ડને આ અંગે લખ્યું. તે કાળે ડેન્માર્કના રાજાએ એવી જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ ટેલિસ્કોપ દ્વારા ધૂમકેતુ શોધશે તેને પોતે સુવર્ણચંદ્રક આપશે. બૉન્ડે મારિયાની શોધ અંગે ડેન્માર્કના રાજાને જાણ કરતાં તે સુવર્ણચંદ્રક મારિયાને આપવામાં આવ્યો અને ધૂમકેતુને ‘મિસ મિશેલનો ધૂમકેતુ’ એવું નામ આપવામાં આવ્યું. ખગોળશાસ્ત્રના ક્ષેત્રે કામગીરી કરવા બદલ પરદેશી સરકાર દ્વારા સંમાનિત થનાર મિશેલ, અમેરિકાની પ્રથમ નાગરિક હતી. આ ધૂમકેતુએ મારિયાને સામાન્ય જનમાં જ નહિ, વૈજ્ઞાનિક આલમમાં પણ જાણીતી કરી દીધી.
1848માં અમેરિકન એકૅડમી ઑવ્ આર્ટ્સ અને સાયન્સીસે તેને પોતાની પ્રથમ મહિલા સભ્ય તરીકે ચૂંટી કાઢી. આને પગલે ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સે પણ 1850માં તેને પોતાની સંસ્થાની પ્રથમ મહિલા સભ્ય બનાવી. 1849માં તેને યુનાઇટેડ સ્ટેટ્સ (યુ. એસ.) નૉટિકલ ઑલ્મનૅક ઑફિસ તરફથી નોકરી માટે નિમંત્રણ આવ્યું. તે કાળે આજની જેમ કમ્પ્યૂટર ન હતાં. એટલે અટપટી ગણતરીઓ માટે જેમનું ગણિત સારું હોય તેવાંને આ કામ માટે નોકરીએ રાખવામાં આવતાં હતાં. આવી રીતે કેટલીક ખગોળીય ગણના માટે, અને ખાસ તો, શુક્ર ગ્રહની ગતિવિધિઓની સારણીઓ તૈયાર કરવાની ગણના માટે તેને પસંદ કરવામાં આવી. અહીં તેણે 1868 સુધી કામ કર્યું. આ દરમિયાન વૈજ્ઞાનિક સંમેલનોમાં પણ તે જવા લાગી.
1856માં મારિયાને વિદેશ જવાની અનાયાસ તક મળી. જનરલ સ્વિફ્ટ નામના એક ધનવાનની દીકરી પ્રૂડન્સને સાઉથ અને ત્યાંથી પછી યુરોપના પ્રવાસમાં સાથ આપે તેવા એક સાથીદારની જરૂર હતી, આ માટે આવેલું આમંત્રણ મારિયાએ સ્વીકાર્યું. મારિયાએ ત્યારે લંડનની ગ્રિનિચ વેધશાળાની મુલાકાત લીધી. તેની ઇચ્છા રોમની વૅટિકન વેધશાળાની મુલાકાત લેવાની હતી, પણ એક મહિલા હોવાને કારણે તેને પ્રવેશ આપવામાં ન આવ્યો. આખરે બહુ પ્રયત્ને દિવસ પૂરતી તેની મુલાકાત લેવાની પરવાનગી આપી. તેથી અહીંના ટેલિસ્કોપ વડે પોપની નગરીમાંથી રાત્રે આકાશદર્શન કરવાની એની મહેચ્છા અધૂરી રહી ગઈ.
તે પછી મારિયા વતન પાછી ફરતાં અમેરિકાની પ્રથમ મહિલા ખગોળવિદ હોવાને નાતે ત્યાંથી મહિલાઓએ ફાળો એકત્રિત કરીને એક ટેલિસ્કોપ તેને ભેટ આપ્યો. તેનાથી મારિયાએ આકાશનિરીક્ષણ કરવા ઉપરાંત, સૌર કલંકોનો અભ્યાસ પણ કર્યો. તે પછી ન્યૂયૉર્કમાં Poughkeepsie ખાતે આવેલી મહિલાઓ માટેની વસ્સર કૉલેજમાં ખગોળશાસ્ત્રના પ્રોફેસર અને કૉલેજની વેધશાળાના નિયામકના હોદ્દાનો પ્રસ્તાવ આવતાં 1865માં તે ત્યાં જોડાઈ અને જીવનના લગભગ અંતિમ કાળ સુધી ત્યાં જ રહી. અહીં બાર ઇંચનું દૂરબીન હતું, જે તે કાળે અમેરિકાનું મોટામાં મોટું ત્રીજું દૂરબીન હતું. અહીં વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત તે સંશોધન પણ કરતી હતી. ઉલ્કાવર્ષા જેવી ખગોળીય ઘટનાઓનું નિરીક્ષણ, ગુરુ અને શનિ વગેરે ગ્રહોના ધરાતલનો અભ્યાસ અને તારાઓની ફોટોગ્રાફી તેના રસના વિષયો હતા. સૌર કલંકોના રોજેરોજ ફોટા પાડવામાં તેણે પહેલ કરી અને તે વાદળોના બનેલા છે તેવી તે કાળે પ્રચલિત માન્યતાનું ખંડન કર્યું. સૌર કલંકો ચક્રાકાર ભ્રમણ કરતાં લંબરૂપ પોલાણો છે એવું શોધનાર તે પહેલી વૈજ્ઞાનિક હતી. ધૂમકેતુઓ, નિહારિકાઓ, યુગ્મતારાઓ, સૂર્યગ્રહણો અને શનિ તથા ગુરુના ચંદ્રોનો પણ તેણે અભ્યાસ કર્યો.
આ કૉલેજમાં તેની ઘણી શિષ્યાઓ આગળ જતાં માત્ર ખગોળશાસ્ત્રમાં જ નહિ, વિજ્ઞાનની અન્ય શાખાઓમાં પણ જાણીતી બની. આમાં તેની ઉત્તરાધિકારી મેરી વ્હિટની (Mary Whitney), સ્પેક્ટ્રમ-વૈજ્ઞાનિક ઍન્ટૉનિયા મૉરી (Antonia Maury), તો રસાયણશાસ્ત્રી એલન સ્વૉલો રિચાર્ડ્સ (Ellen Swallow Richards) જેવી મહિલાઓનો સમાવેશ થાય છે.
1869માં અમેરિકન ફિલૉસૉફિકલ સોસાયટીએ તેને પોતાની પ્રથમ મહિલા સભ્ય તરીકે ચૂંટી કાઢી. 1873માં તેણે અમેરિકાની મહિલાઓની ઉન્નતિ માટે એક મંડળી (American Association for the Advancement of Women) સ્થાપવામાં મદદ કરી અને 1874થી 1876 સુધી તેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. 1873માં મહિલા પ્રતિનિધિઓની મહાસભા(વિમિન્સ કૉંગ્રેસ)ની સૌપ્રથમ મિટિંગમાં પણ તેણે ભાગ લીધો.
નાદુરસ્ત તબિયતને કારણે 1888માં વસ્સરમાંથી મારિયાએ રાજીનામું આપ્યું. તે પછી થોડા સમય બાદ તેનું અવસાન થયું. મારિયાના મૃત્યુ પછી તેના સંમાનમાં જે અનેક સ્મારકો સ્થાપવામાં આવ્યાં, તેમાં તેનાં મિત્રોએ અને ટેકેદારોએ 1902માં સ્થાપેલી નાનટુકેટ મારિયા મિશેલ ઍસોસિયેશન નામની સંસ્થા નોંધપાત્ર છે. આ સંસ્થાનું મુખ્ય મથક મારિયાના જન્મસ્થળ નાનટુકેટમાં આવેલું છે; જ્યાં તેનાં નામે એક નાનકડી વેધશાળા (મારિયા મિશેલ ઑબ્ઝર્વેટરી), વિજ્ઞાનનું પુસ્તકાલય, અને પ્રકૃતિવિજ્ઞાનનું સંગ્રહાલય (નૅચરલ સાયન્સ મ્યુઝિયમ) આવેલાં છે.
સુશ્રુત પટેલ