મિલિકન, રૉબર્ટ ઍન્ડ્રૂઝ (જ. 22 માર્ચ 1868, મૉરિસન, ઇલિનૉઇ, યુ.એસ.; અ. 19 ડિસેમ્બર 1953, સૅન મરિનો કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ અમેરિકન ભૌતિકવિજ્ઞાની, જેમના નામ પરથી ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર નિયત કરવાનો ‘મિલિકનનો તૈલ-બુંદ પ્રયોગ’ જાણીતો થયો હતો.
મિલિકને પોતાની તેજસ્વી વિદ્યાકીય કારકિર્દી દરમિયાન કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને વૈજ્ઞાનિક શોધખોળોમાં ઊંડી દિલચસ્પી દાખવી. 1921ની સાલ સુધી મિલિકન શિકાગો યુનિવર્સિટીની રાયરસન પ્રયોગશાળામાં રહ્યા અને તેમણે અગત્યનાં સંશોધનો કર્યાં. મિલિકનના તૈલ-બુંદ પ્રયોગનો ઉલ્લેખ આજે પણ ભૌતિકવિજ્ઞાનનાં પુસ્તકોમાં ખાસ કરવામાં આવે છે. આ પ્રયોગો તેમણે 1909–1911ના ગાળામાં કર્યા હતા. તેના નિષ્કર્ષ રૂપે, ઇલેક્ટ્રૉન પરનો વિદ્યુત-ભાર કેટલા મૂલ્યનો હોય છે તેની સૌપ્રથમ જાણકારી મળી. આમ તો છેક માઇકલ ફૅરેડેના જમાનાથી એવો ખ્યાલ હતો કે વિદ્યુત-પ્રવાહ કણ-સ્વરૂપે હોય છે ; પરંતુ તેની સ્પષ્ટ પ્રતીતિ મિલિકનના પ્રયોગો દ્વારા મળી. ઇલેક્ટ્રૉન પરના ઋણવીજભાર ‘e’નું મૂલ્ય નક્કી થતાં પરમાણુવિજ્ઞાનના વિકાસને પણ વેગ મળ્યો. આ અગત્યની પ્રાયોગિક શોધ માટે મિલિકનને 1923માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું.
રૉબર્ટ મિલિકન 1921થી 1945 દરમિયાન કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીની નૉર્મન બ્રિજ પ્રયોગશાળાના નિયામકપદે રહ્યા. હવે તેમણે વૈશ્વિક કિરણો(cosmic rays)ના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ કિરણો, જેમાં વિદ્યુતભારિત કણો અને ઉચ્ચ આવૃત્તિના વિદ્યુત-ચુંબકીય તરંગો પણ સમાવિષ્ટ છે, તેમનો અભ્યાસ વીસમી સદીના ત્રીજા દાયકામાં શરૂ થયો હતો. મિલિકન અને તેમના સાથીદારોએ જુદાં જુદાં સ્થળો પર કૉસ્મિક કિરણોની તીવ્રતા માપવાના પ્રયોગોનો આરંભ કર્યો, જેનાથી એ કિરણોની લાક્ષણિકતાઓ જાણવા મળી. તેમણે સ્થાપેલા સંશોધનજૂથ દ્વારા મૂળભૂત કણોના અભ્યાસમાં પણ મહત્વની કામગીરી બજાવવામાં આવી. આ પ્રવૃત્તિના ફળસ્વરૂપે મેસૉન (meson, જેને મ્યુ મેસૉન અથવા મ્યુઑન કહે છે) કણની શોધ થવા પામી.
કમલનયન ન. જોશીપુરા