મિલાસોવિચ, સ્લોબોદાન (જ. 20 ઑગસ્ટ 1941, પૉઝવેવાક (Pozavevac), યુગોસ્લાવિયા; અ. 11 માર્ચ 2006, ધ હેગ, નેધરલૅન્ડ) : સર્બિયન સમાજવાદી રાજકારણી અને પક્ષના નેતા તેમજ 1986થી સર્બિયાના પ્રમુખ.

માર્શલ ટીટોના નેતૃત્વકાળ (1980) બાદ યુગોસ્લાવિયા આંતરિક વંશીય રમખાણોમાં ફસાયું, જેમાં વાંશિક બહુમતી ધરાવતા સર્બિયાનું પ્રભુત્વ હતું. આ નેતાએ સર્બિયાના કોસોવો અને બોસ્નિયામાં વંશીય ભેદભાવોને ઉત્તેજન પૂરું પાડ્યું અને ત્યાં વાંશિક ધોરણે કત્લેઆમ ચલાવી. 1991માં યુગોસ્લાવિયા ગૃહયુદ્ધમાં સંડોવાતાં સર્બ પ્રભુત્વવાળા યુગોસ્લાવ લશ્કર પર તેમણે ભારે પ્રભાવ ઊભો કર્યો. અન્ય પ્રાંતોમાં સિતમો વરસાવતાં હિટલરની નાની આવૃત્તિ તરીકેની કુખ્યાતિ પણ તેમને મળી. ‘બૃહદ સર્બિયા’ રચવાની તેમને ખ્વાહિશ હતી. આથી તેમની વિરુદ્ધ યોજાતા દેખાવો કચડી નાખવામાં આવતા હતા. 1993થી તેમણે પોતાની વ્યૂહરચના બદલી, શાંતિ-મંત્રણાકારનો દેખાવ ઊભો કરી પ્રતિસ્પર્ધીઓ પર દબાણ વધાર્યું. યુગોસ્લાવિયામાંથી છૂટા પડેલા બોસ્નિયા અને હર્ઝગોવિના વચ્ચે 1995માં ડેટન શાંતિ સંધિ (Dayton Peace Accord) કરાવી અમેરિકા સાથેના સંબંધો સુધાર્યા; પરિણામે ડિસેમ્બર, 1995માં અમેરિકાએ તેના પરના આર્થિક પ્રતિબંધો ઉઠાવી લીધા. 1996ની જાહેર ચૂંટણીઓમાં તેઓ અને તેમના સાથીઓ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા. વળી સત્તાનું દમનચક્ર પણ ચાલુ રહ્યું. ઑગસ્ટ, 2000માં તેમની વિરુદ્ધ ભયંકર તોફાનો ફાટી નીકળ્યાં અને લોકોએ તેમની સામે બંડ પોકાર્યું. અંતે પ્રજાએ ચૂંટણીની માંગ કરી, વિપક્ષોએ તેની વિરુદ્ધ ચળવળ ચલાવી અને 18 વિરોધપક્ષોએ સંગઠિત બની મોરચો રચ્યો. આ દબાણ હેઠળ તેમણે સપ્ટેમ્બર, 2000માં ચૂંટણીઓ જાહેર કરી. ચૂંટણી દરમિયાન નાટો દેશોએ મતદારોને ખાતરી આપેલી કે મિલાસોવિચ પરાજિત થશે તો આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવાશે. અમેરિકાને પણ આ સરમુખત્યારશાહી નેતાને પદભ્રષ્ટ કરવામાં રસ હતો. ચૂંટણીમાં તેમની હાર થઈ. અંતે 7મી ઑક્ટોબર, 2000ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને શાસકીય દમનનો અંત આવ્યો. એમના સ્થાને પછી વોજિસ્લાવ કોસ્તુનિકા પ્રમુખ બન્યા. આમ સર-મુખત્યારશાહી પરિબળો પર લોકશાહી પરિબળો વિજયી નીવડ્યાં.

1999માં તેમના પર પ્રથમ વાર યુદ્ધના ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વધુમાં કોસાવો પ્રાંતના હજારો આલ્બેનિયનોને તેમણે મોતને ઘાટ ઉતાર્યાનો પણ તેમના પર આક્ષેપ હતો. જોકે આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ રજૂ થયેલી યાદીમાં 600 મૃતકો જાહેર કરવામાં આવ્યા છે. જુલાઈ, 2001માં આ આક્ષેપોસર તેમને નેધરલૅન્ડના પાટનગર હેગ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય અદાલતને સોંપવામાં આવ્યા છે. આ એક અભૂતપૂર્વ ઘટના છે.

આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ સર્જાયો છે. આ સંદર્ભમાં દેશના કોઈ એક વિસ્તારને છૂટો પડતો અટકાવવો એ ‘ગુનો’ કઈ રીતે બની શકે ? – એવો વ્યાપક સવાલ પેદો થયો છે. આમ છતાં પરિસ્થિતિ થાળે પડી નથી.

રક્ષા મ. વ્યાસ