મિલાપ : ગુજરાતી ભાષાનાં સામયિકોમાં સીમાચિહનરૂપ માસિક. તે અંગ્રેજી માસિક ‘રીડર્સ ડાયજેસ્ટ’માંથી પ્રેરણા લઈને શરૂ થયેલું. ‘મિલાપ’નો પહેલો અંક ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિને એટલે કે તા. 26 જાન્યુઆરી, 1950ના રોજ મુંબઈથી પ્રગટ થયો. એના સંપાદક મહેન્દ્ર મેઘાણી હતા. 1978ના ડિસેમ્બરમાં તેનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું ત્યાં સુધી સંપાદક તરીકે તેઓ જ રહ્યા હતા.
1950થી 1978ના ડિસેમ્બર સુધી ‘મિલાપ’ નિયમિત રીતે પ્રગટ થયું હતું. અલબત્ત, તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન નવ માસ સુધી તેનું પ્રકાશન બંધ રહ્યું હતું. તેના કુલ 339 અંકો પ્રકાશિત થયા હતા. તેની 2,000 જેટલી નકલો પ્રકાશિત થતી હતી. ‘મિલાપ’ના ગ્રાહકો ભારતમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે સ્થળો ઉપરાંત ઇંગ્લૅન્ડ, અમેરિકા અને આફ્રિકામાં પણ હતા. તે રસપૂર્વક વંચાતું હતું. ‘લોકમિલાપ’ ટ્રસ્ટ, ભાવનગરના નેજા હેઠળ પ્રગટ થતું ‘મિલાપ’ લોકપ્રિય થયું હતું.
સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણી ગુજરાતી, અંગ્રેજી, બંગાળી, હિંદી, મરાઠી વગેરે ભાષામાં પ્રગટ થતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાંથી ઉત્તમ પ્રકારની સામગ્રીનું ચયન કરીને તેને ટૂંકાવીને જરૂર પડ્યે અનુવાદ કરી–કરાવી તેમજ વાચનક્ષમ બનાવીને ‘મિલાપ’માં પીરસતા હતા. વળી તેઓ ટાઇપરાઇટરોને – મુદ્રણયંત્રોને અનુકૂળ આવે તથા ભાષા શીખવા માગનારાઓને સરળતા રહે એવી લિપિ-જોડણીવાળી ગુજરાતીની હિમાયત કરવા સતત મક્કમપણે ‘મિલાપ’નો ઉપયોગ કરતા રહ્યા. અલબત્ત, એ લિપિ-જોડણીના વ્યાપ-વિસ્તારનું ક્ષેત્ર પ્રમાણમાં ઘણું મર્યાદિત રહ્યું.
‘મિલાપ’માં પીરસવામાં આવતી સામગ્રીની પસંદગી એવી કરવામાં આવતી કે અન્ય ભાષાનાં વર્તમાનપત્રો કે સામયિકો ન વાંચ્યાનો અફસોસ ‘મિલાપ’ના વાચકોને રહે નહિ.
‘મિલાપ’નું પ્રકાશન બંધ કરવામાં આવ્યું ત્યારે વાચકોમાં એક ઘેરી નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. વળી, તેનું પ્રકાશન બંધ કરવા પાછળનું કારણ તેના સંપાદક મહેન્દ્રભાઈને લાગેલો થાક હતું. ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં પ્રજાજીવનનો ધબકાર ઝીલી, પ્રજાના પ્રશ્નોને વાચા આપતા તથા વિવિધ વિષયોની છણાવટ કરતા ‘મિલાપ’નું નામ મહત્વનું છે. આવું સામયિક ગુજરાતી ભાષામાં જ નહિ, ભારતની અન્ય રાજ્ય–ભાષાઓમાં પણ વિરલ જ રહ્યું છે. પાછળથી ‘મિલાપ’ના જૂના અંકોમાંથી વાચનસામગ્રી સંકલિત કરીને પુસ્તકો રૂપે પ્રગટ કરાઈ. તેને પણ સારો આવકાર મળ્યો હતો.
મુકુન્દ પ્રા. શાહ