મિલાન : રોમ પછીના બીજા ક્રમે આવતું ઇટાલીનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 28´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે. પરનો 182 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. ઉત્તર ઇટાલીમાં આલ્પ્સની આરપારના ઘાટ નજીકના તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તે બીજી સદીમાં વેપારી મથક હતું અને આજે પણ તે ઇટાલીનું નાણાકીય, ઉત્પાદકીય અને આંતરરાષ્ટ્રીય વેપારી મથક બની રહેલું છે. આ શહેરનાં ઉત્તમ કક્ષાનાં કલાકારીગરી તેમજ સ્થાપત્યો જોવા માટે દેશપરદેશના પ્રવાસીઓ આવે છે. મિલાન ઇટાલીના રાજકીય વિસ્તાર લૉમ્બાર્ડીનું વડું વહીવટી મથક છે. ઇટાલિયનો તેને ‘મિલાનો’ નામથી ઓળખે છે.
આબોહવા : અહીંના ઉનાળા ગરમ હોય છે. ત્યારે દિવસ દરમિયાન તાપમાન આશરે 30° સે. જેટલું રહે છે. શિયાળા નરમ રહે છે. ત્યારે દિવસ દરમિયાન તાપમાન આશરે 12° સે. જેટલું રહે છે. વરસાદ અહીં શિયાળામાં પડે છે અને વરસાદનું પ્રમાણ 750 મિમી.થી 1000 મિમી. વચ્ચેનું રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાય છે.
શહેરનો ઘણોખરો ભાગ આજે તો આધુનિક ઇમારતોથી ભર્યોભર્યો લાગે છે, પરંતુ અહીં સંખ્યાબંધ સુંદર પ્રાચીન ઇમારતો પણ આવેલી છે. શહેરની મધ્યમાં 1450માં બંધાયેલું વિશાળ ગૉથિક કેથીડ્રલ આવેલું છે, તેના શિખરભાગો અણિયાળી ટોચના જૂથથી શોભી ઊઠે છે. એકસાથે 40,000 દર્શનાર્થીઓ સમાઈ શકે તેટલું તે વિશાળ છે. આ સિવાય તેની નજીકમાં બીજાં ઘણાં સાંસ્કૃતિક સ્થળો પણ છે. યુરોપનાં જાણીતાં પ્રમુખ ઑપેરાગૃહો પૈકીનું અહીં આવેલું ‘લા સ્કેલા’ ઑપેરાગૃહ દુનિયાભરના સંગીતપ્રેમીઓને સહગાન માણવા આકર્ષે છે. અહીં વિરલ પુસ્તકો અને પ્રાચીન હસ્તપ્રતોના ભંડારરૂપ ઍમ્બ્રોસિયન લાઇબ્રેરી છે. ઇટાલિયન ચિત્રકલાના શ્રેષ્ઠતમ નમૂનાઓ બ્રેરા આર્ટ ગૅલરી, મૉડર્ન આર્ટ ગૅલરી, પોલ્ડી પેઝોલી મ્યુઝિયમ અને સ્ફોર્ઝા કૅસલમાં પ્રદર્શિત કરેલા છે. અહીંનો એક નાનો દુર્ગ એક વખતે મિલાનના શાસકોના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ઇતિહાસમાં અતિશ્રેષ્ઠ ગણાતું, લિયૉનાર્દો દ વિન્ચીએ દોરેલું ચિત્ર ‘લાસ્ટ સપર’ (1495–97) અહીંના સાન્ટા મારિયા ડેલા ગ્રેઝીના મઠની દીવાલ પર જોવા મળે છે. મિલાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ ચિત્ર ખાસ જુએ છે. મિલાન ખાતે ત્રણ યુનિવર્સિટીઓ – બોક્કોની યુનિવર્સિટી, કૅથલિક યુનિવર્સિટી ઑવ્ ધ સેક્રેડ હાર્ટ અને યુનિવર્સિટી ઑવ્ મિલાન ઉપરાંત બીજી ઘણી તકનીકી સંસ્થાઓ પણ છે. ઉત્તર મિલાનનાં આધુનિક કાર્યાલયો વચ્ચે આવેલી 36 માળની પિરેલી ઇમારત ઇટાલીની ઊંચામાં ઊંચી ઇમારત ગણાય છે. શહેરની બધી બાજુએ ઔદ્યોગિક વિસ્તારો તેમજ નિવાસી પરાં પથરાયેલાં છે. અન્ય અર્વાચીન શહેરોની જેમ જ મિલાનમાં પણ હવાનું પ્રદૂષણ તથા યાતાયાતમાં ઊભી થતી વાહન-જમાવટની સમસ્યાઓ શરૂ થઈ છે.
અર્થતંત્ર : મિલાન શહેર ઇટાલીના શૅરબજારનું અને મુખ્ય બૅંકોનું વડું મથક છે. ઇટાલીનું અગત્યનું ઔદ્યોગિક શહેર પણ છે. જાહેરખબરોના, પ્રકાશનના, ભાતચિત્રોના તેમજ ફૅશનના ઉદ્યોગો આ શહેરમાં આવેલા છે. અહીં હજારો નાનાંમોટાં કારખાનાં તથા વિશાળ ઉત્પાદકીય એકમો પણ છે. પ્રમુખ ઉદ્યોગોમાં રેલવે-એન્જિનો, મોટરગાડીઓ, હવાઈ જહાજો તથા મુખ્ય પેદાશોમાં રસાયણો, વીજ-સાધનો, સુતરાઉ કાપડ, પરિવહન-સાધનસામગ્રી અને ટાયરોનો સમાવેશ થાય છે. આજુબાજુના મુખ્ય માર્ગો અને રેલમાર્ગોનું પણ તે જંક્શન બની રહેલું છે. અહીં લિનેટ અને માલ્પેન્સા નામનાં બે મુખ્ય હવાઈ મથકો પણ આવેલાં છે.
લોકો : મિલાનની વસ્તી શહેર માટે 31,150 (2012), અર્બન વિસ્તાર માટે 52,64,000 (2012) અને મેટ્રો વિસ્તાર માટે 74,00,000 (2013) જેટલી છે. અહીંના નિવાસીઓ મિલાનીઝ કહેવાય છે. તેઓ મહત્ત્વાકાંક્ષી, ઉત્સાહી, સ્ફૂર્તિવાળા અને ધંધાકીય નિપુણતાવાળા છે. બધા જ રોમન કૅથલિક છે. ઘણાખરા લોકો શહેરની કાફેમાં તેમની બપોર ગાળે છે અને ધંધાકીય સોદા કરે છે. મિલાનનું ઘણું જ જાણીતું મેળાવડાનું સ્થાન ગૅલેરિયા વિટ્ટોરિયો ઇમૅન્યુઅલ કેથીડ્રલ પાસે આવેલું છે. આ ઇમારત કાચની છતવાળી છે. તેમાં રેસ્ટોરાં તથા દુકાનો પણ છે. આ ગૅલેરિયા મિલાનના જીવંત સ્થળ તરીકે જાણીતું છે. મિલાનમાં દર વર્ષે વેપારમેળો પણ ભરાય છે.
ઇતિહાસ : ઈ. સ. પૂ. ચોથી–પાંચમી સદીના અરસામાં ગૉલ લોકો અહીં વસતા હતા. ઈ. સ. પૂ. 400ના ગાળામાં પશ્ચિમ યુરોપના કેલ્ટ જાતિના લોકોએ આજના મિલાનના સ્થળે નગરની સ્થાપના કરેલી. ઈ. સ. પૂ. 222માં રોમન કૉન્સલ માર્સેલસે તેને જીતી લીધેલું. રોમનોએ તેને મેડિયોલેનમ નામ આપેલું. પછીથી તે મિલાનમાં ફેરવાયું. મિલાન લશ્કરી મથક તેમજ રોમ અને મધ્ય યુરોપ વચ્ચેનું વેપારી મથક પણ બની રહ્યું. ઈ. સ. 286માં ડિયોક્લેટિયનના શાસન વખતે મિલાન પશ્ચિમ યુરોપનું પાટનગર રહેલું. ત્રીજી સદીમાં તો તે રોમન સામ્રાજ્યનું મોટું શહેર બની ગયું હતું. પાંચમા સૈકાના ઉત્તરાર્ધકાળ દરમિયાન લૂંટારાઓએ મિલાન તેમજ યુરોપના અન્ય ભાગોમાં આક્રમણો કરેલાં, હૂણ લોકોએ 452માં તેને તારાજ કરી મૂકેલું. 476માં આ સામ્રાજ્યનું પતન થયું. આક્રમણોને કારણે વેપાર પડી ભાંગ્યો અને મિલાન એક નાનું નગર બની રહ્યું. 539માં ગૉથ લોકોએ તેનો કબજો મેળવ્યો. પાદરીઓના રાજકીય મહત્વને કારણે મિલાનનાં સત્તા-સામર્થ્ય ફરી વધ્યાં. 1045માં તે સ્વાયત્ત કૉમ્યૂન બન્યું. અગિયારમી સદીમાં તેનું વેપાર-વાણિજ્ય ક્ષેત્રે મહત્વ વધતાં લૉમ્બાર્ડીમાં ફરી પાછો આધિપત્ય માટે લાંબો સંઘર્ષ શરૂ થયો. 1162માં ફ્રેડરિક પહેલાએ તે લઈ લીધું. 1277થી 1450 સુધી આ શહેરનો વહીવટ અહીંના મિલાનીઝ ઉમરાવોએ કર્યો. તેમણે બહારથી કલાકારોને બોલાવીને અહીં સુંદર અને ભવ્ય ઇમારતોનું તેમજ કલાકારીગરીની ચીજવસ્તુઓનું નિર્માણ કરાવ્યું. 1450માં ફ્રાન્સેસ્કો સ્કૉર્ફાએ તે પડાવી લીધું અને ડ્યૂક બન્યો. તેણે પણ મિલાનને કલાનો ઓપ આપ્યો અને તેને સાંસ્કૃતિક નગર બનાવ્યું. 1499માં આ શહેરનો કબજો લુઇ બારમાને હસ્તક ગયો. 1535માં તેનો કબજો સ્પેને લઈ લીધો. ત્યારથી તેના પતનની શરૂઆત થઈ. 1714માં યુટ્રેક્ટના કરાર મુજબ તે ઑસ્ટ્રિયાને હાથ ગયું. તે પછીથી 1797માં નેપોલિયનની દોરવણી હેઠળનાં ફ્રેન્ચ દળોએ મિલાન જીતી લીધું. 1799માં તેને સિસલપાડેન પ્રજાસત્તાકનું પાટનગર બનાવ્યું. 1805થી 1814 સુધી તે ઇટાલીના સામ્રાજ્યનું પાટનગર રહ્યું. 1814માં ફરીથી તે ઑસ્ટ્રિયાના હાથમાં ગયું. 1848માં અહીં બળવો થયેલો, પણ તે પાંચ દિવસમાં નિષ્ફળ ગયો. 1859માં મિલાન સાર્ડિનિયાના નવા રચાયેલા સામ્રાજ્યનો ભાગ બની રહ્યું. 1861માં આ સામ્રાજ્ય વિસ્તર્યું અને તે ઇટાલીનું સામ્રાજ્ય કહેવાયું. ઓગણીસમી સદી દરમિયાન આ શહેરમાં ઇટાલીના કેટલાક આધુનિક ઉદ્યોગો સર્વપ્રથમ વાર વિકસ્યા. 1922થી 1943 સુધી બેનિટો મુસોલિનીએ ઇટાલી પર એકહથ્થુ આપખુદ શાસક તરીકે રાજ્ય કર્યું. તેણે 1919માં મિલાનમાં ફાસીવાદી ચળવળ શરૂ કરેલી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન મિલાનમાં પુષ્કળ બૉમ્બવર્ષા થવાથી શહેરના ઘણા ભાગો તારાજ થઈ ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આ શહેર ફરીથી ઊભું થયું છે. 1950થી 1970 દરમિયાન અહીં ઔદ્યોગિક વિકાસ થયો; તેથી દક્ષિણ ઇટાલીમાંથી હજારોની સંખ્યામાં લોકો કામ માટે અહીં આવ્યા. તેથી વસ્તી વધવાને પરિણામે અહીં વસવાટની સમસ્યા ઊભી થઈ. 1970થી 1980 દરમિયાન આ સમસ્યાને નિવારવા આ શહેરે ઘણી નવી આવાસી યોજનાઓને મદદ કરેલી.
ગિરીશભાઈ પંડ્યા