મિલકતો-અસ્કામતો : જે દ્રવ્ય-સંપત્તિ અને સેવાઓ ઉપર વ્યક્તિ ઉપયોગ, ઉપભોગ અથવા લાભદાયી નિકાલનો માલિકીહક (right of use enjoyment or beneficial disposal) ધરાવી શકે તેવી દ્રવ્યસંપત્તિ અને સેવાઓ. જે દ્રવ્ય-સંપત્તિ ઉપર વ્યક્તિની માલિકી હોય છે એ તેની મિલકત ગણાય છે. દ્રવ્ય-સંપત્તિમાં સ્થાવર અને જંગમ બંનેનો સમાવેશ થાય છે. મિલકતમાં દ્રવ્ય-સંપત્તિ ઉપરાંત સેવાનો પણ સમાવેશ થાય છે.

ધંધાદારીઓ વેચાણના ઉદ્દેશથી જે દ્રવ્યો કે સેવા પ્રાપ્ત કરે તે એની મિલકત જ ગણાય. છતાં તેમાં ઉપયોગ અથવા ઉપભોગના બદલે લાભદાયી નિકાલ એટલે કે વેચાણ કરીને નફો કરવાનો ઉદ્દેશ હોય છે, તેથી ધંધાદારી અને નાણાશાસ્ત્રીની ભાષામાં તેને ‘માલ’ કહેવામાં આવે છે. આ સિવાયનાં દ્રવ્ય-સંપત્તિ અને સેવા ઉપયોગ કરવાના હેતુથી પ્રાપ્ત કરવામાં આવે છે. તેથી ધંધાદારી અને નાણાશાસ્ત્રીની પરિભાષામાં તે ‘મિલકતો’ કહેવાય છે. આ બંનેને પાકા સરવૈયામાં મિલકતો બાજુ બતાવવામાં આવે છે. તેનું કારણ જ એ છે કે બંને પર ધંધાદારીનો માલિકીહક હોય છે. મિલકતોનાં વિવિધ સ્વરૂપો હોય છે; તેથી તેમાંનાં કેટલાંક સ્વરૂપો અંગે તે મિલકત છે કે કેમ તેની વિશેષ સ્પષ્ટતા જરૂરી થઈ પડે તેમ હોય છે. જે મિલકતો મૂર્ત છે અને જે નાણાકીય મૂલ્ય ધરાવે છે તે મકાન, ફર્નિચર અને યંત્રો જેવી સ્થાવર દ્રવ્ય-સંપત્તિને તો મિલકત તરીકે સહેલાઈથી સ્વીકારી શકાય છે; પરંતુ, પાઘડી અને પેટન્ટ જેવી અમૂર્ત મિલકતો પણ છે. એ રીતે મિલકતોનું ભૌતિક સ્વરૂપ હોવું કે મૂર્ત હોવું અનિવાર્ય નથી. ઉપયોગ, ઉપભોગ અને લાભદાયી નિકાલનો હક – એમ ત્રણ કે તેમાંથી ગમે તે એક યા બે હકોનું હોવું મિલકતોને પેદા કરે છે. આથી કૉલગેટ જેવી વ્યાપારી સંજ્ઞા (ટ્રેડમાર્ક) કે ગ્લાયકોડિન ટર્પ વસાકા જેવી શરદી મટાડવાની દવા માટેનાં જે મિશ્રણ તૈયાર કર્યાં હોય તે મિશ્રણ વાપરવાનો હક કે જે પેટન્ટના નામથી ઓળખાય છે તે પણ મિલકત બને છે. કેટલીક વાર અન્યોની મિલકતો નક્કી કરેલા સમય માટે ઉપયોગમાં લેવા કે તેમાંથી આનંદ પ્રાપ્ત કરવા માટે મેળવવામાં આવે ત્યારે તેટલા સમય પૂરતો માલિકી-હક પ્રાપ્ત થાય છે. મિલકતોની મૂળ કિંમત ગમે તેટલી મોટી હોય, પરંતુ જે રકમ ખર્ચીને હક પ્રાપ્ત કર્યો હોય છે તે રકમ જેટલી મિલકત પેદા થાય છે; ઉદા., ત્રણ લાખ રૂપિયાની મિલકત પાંચ વર્ષ માટે સાઠ હજાર રૂપિયા આપીને ઉપયોગમાં લેવાનો હક પ્રાપ્ત કર્યો હોય તો તે મિલકત રૂપિયા સાઠ હજારની કિંમતે ભાડાપટાની મિલકત તરીકે ધંધાદારી ગણી શકે. ઉપયોગ કરવાના હેતુથી મિલકતો પ્રાપ્ત કરવામાં આવે ત્યારે તે મિલકતનું આયુષ્ય પણ અંદાજવામાં આવે છે. એ આયુષ્યના અંતે મિલકતોની કિંમત શૂન્ય થઈ જતી નથી, પરંતુ જે કિંમત રહે છે તે ભંગાર (scrap) કિંમતથી ઓળખાય છે. મિલકતોની પ્રાપ્તિ-કિંમતમાંથી આ ભંગાર-કિંમત બાદ કરતાં જે રહે તે મિલકતના આયુષ્ય દરમિયાન મિલકતની નષ્ટ થતી કિંમત છે, જેમાં જુદી જુદી પદ્ધતિએ ગણતરી કરી દર વર્ષે ઘસારાથી મિલકતની કિંમત ઓછી કરવામાં આવે છે. ઉપર દર્શાવેલ ભાડાપટાની મિલકતનો સીધી ગણતરીની પદ્ધતિએ વર્ષે રૂપિયા બાર હજાર ઘસારો આવે. આ ઘસારો દર વર્ષે મહેસૂલી નુકસાન ગણાય છે. ખાણ જેવી મિલકતોનો ઉપયોગ કરવાથી વેચવાપાત્ર માલ પ્રાપ્ત થતો હોય છે. સામાન્ય રીતે મિલકત માટે ઘસારાનો પાયો મિલકતનું આયુષ્ય હોય છે, પરંતુ ખાણ જેવી મિલકતો માટે તેમાંથી પ્રાપ્ત થતા માલના જથ્થાનો આધાર લેવાય છે. ખાણ જેવી મિલકતોને ઘસાતી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. દેવાદારો (debtors/book debts), રોકડ અને માલ સાથે ઘસારો સાંકળવામાં આવતો નથી. આ બધી મિલકતોને ચાલુ મિલકતથી ઓળખવામાં આવે છે. આ મિલકતોનો મુખ્ય હેતુ ઉપયોગનો નથી; પરંતુ તેમના લાભદાયી નિકાલનો છે; તેથી તેવી મિલકતો ઉપર ઘસારો ગણવાનો પ્રશ્ન પેદા થતો નથી. કેટલાક ખર્ચ જે વર્ષ દરમિયાન કરવામાં આવે છે તેના ફાયદા ત્યારપછીનાં વર્ષોમાં મળતા હોય છે. જાહેર ખબરની મોટા પાયા પર ઝુંબેશ કે કંપનીની સ્થાપનામાં કરવામાં આવતો પ્રાથમિક ખર્ચ એનાં ઉદાહરણો છે. આ પ્રકારના ખર્ચને ધંધાદારી ‘અવાસ્તવિક મિલકત’ ગણી શકે છે. દર વર્ષે ઘસારાની જેમ ચોક્કસ રકમ એમાંથી ઓછી કરી છેવટે આ મિલકતનું શૂન્ય મૂલ્ય કરવામાં આવે છે. સામાન્યત: દ્રવ્યો કે સેવાના ઉપયોગથી એમનું ઉપયોગમૂલ્ય ઘટે છે, પરંતુ ફુગાવા કે આર્થિક વિકાસની પરિસ્થિતિમાં એવી મિલકતો કે સેવાઓનું નાણામૂલ્ય વધતું હોય છે. હિસાબનીસ ફુગાવાના અને વિકાસના હિસાબની પદ્ધતિઓ શોધી મિલકતોને વાસ્તવિક સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયાસ કરે છે. અલબત્ત, આ પ્રયાસ સંપૂર્ણ સફળ થયો છે એમ કહી શકાય નહિ. વ્યાપારી સંજ્ઞાઓ (trademarks) જેવી મિલકતોનો જેમ જેમ ઉપયોગ વધતો જાય તેમ તેમ તેમની કિંમત વધતી જાય છે; વિમલ, કૉલગેટ કે લક્સ તેનાં ઉદાહરણ છે. આવી મિલકતોનું ઉપયોગમૂલ્ય કે નાણામૂલ્ય વાસ્તવિકતાના પાયે કેટલું અને કેવી રીતે દર્શાવવું તેનાં ચોક્કસ ધોરણો નક્કી થયાં નથી.

મિલકતના જે પ્રકારો ઉપર દર્શાવાયા છે તેમને આલેખ દ્વારા નીચે પ્રમાણે દર્શાવી શકાય :

અશ્વિની કાપડિયા