મિલકત-વેરો : કરદાતાની માલિકીની મિલકતની કિંમત ઉપર આધારિત વેરો. મિલકતમાં મૂર્ત સ્થાવર અને જંગમ મિલકત તથા આવી કોઈ મિલકતમાં રહેલા અમૂર્ત હિત અથવા અધિકારનો સમાવેશ થાય છે. માલિકીના હકની હાજરીને કારણે મિલકતો પેદા થાય છે. જે સ્થાવર સંપત્તિ, માલસામાન અને પશુધન પર કોઈ એક વ્યક્તિ માલિકીહક ભોગવે તે એ વ્યક્તિની મિલકત બની જાય છે. અનેક કારણોએ કેટલીક વ્યક્તિઓ અઢળક મિલકતની માલિક બને છે. તેની સામે ઘણી વ્યક્તિઓ ખૂબ ઓછી મિલકતની માલિક બને છે. ભારત સહિત મોટાભાગના દેશોનાં બંધારણમાં મિલકતો ધરાવવાના હક્કને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. મિલકતો હસ્તાંતરણીય (negotiable) છે. તેથી વ્યક્તિ પોતાના જીવન દરમિયાન અન્ય વ્યક્તિને તે વેચીસાટી શકે છે. વળી મિલકતો વારસામાં પણ આપી શકાય છે. મિલકતો સંબંધી આવા અનેક અધિકારો ભેગા થઈને સમાજમાં અસમાનતા પેદા કરે છે. મિલકત આવક પેદા કરી શકે છે. આ પ્રકારની આવક મેળવવા ખાસ મહેનત કરવી પડતી નથી. આથી, મિલકતોને કારણે બેઠાડુ લોકોના પ્રભુત્વવાળી અસમાનતા પેદા થાય છે. આથી, સમાનતા સ્થાપવા તેમજ આર્થિક વિકાસ માટે મિલકતો પર વેરા નાખવામાં આવે છે. કેટલીક વાર યુદ્ધ અને ધરતીકંપ જેવી વિનાશકારી ઘટનાના ખર્ચને પહોંચી વળવા પૂરતું સરકારો મિલકતો પર વેરા વસૂલ લે છે.

ભારતમાં કોઈ એક ચોક્કસ વેરાને મિલકત-વેરા તરીકે ઓળખવામાં આવતો નથી; પરંતુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા-મંડળો દ્વારા મિલકત સંબંધિત કેટલાક વેરા વસૂલ લેવામાં આવે છે. 15—10—1953થી શરૂ થયેલો અને 16—3—1985ના રોજ સમેટી લેવામાં આવેલો ‘વારસાવેરો’ (eastate duty) કેન્દ્રસરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો આવો એક વેરો હતો. આ વેરાના વહીવટથી એટલું સમજાયું છે કે મિલકતો પર વેરો ઉઘરાવવાનું કામ ખૂબ જટિલ હોય છે. વરિષ્ઠ અદાલત સુધી મિલકતોની વ્યાખ્યાના અનેક વિવાદોથી માંડી કાળાં નાણાંના સ્વરૂપે પ્રાપ્ત થયેલી મોટાભાગની મિલકતો પર વેરો વસૂલ લેવાનું મુશ્કેલ છે. આથી, મહદ્અંશે મૂર્ત મિલકતો પર વેરો લેવામાં આવે છે. વારસાવેરા ઉપરાંત કેન્દ્રસરકાર તરફથી 1957થી સંપત્તિવેરો (wealth tax) વસૂલ લેવાય છે. વ્યક્તિ અને ધંધાદારી સંસ્થાઓની ચોખ્ખી સંપત્તિ પર વેરો ઉઘરાવવામાં આવે છે. ભારત જેવા દેશમાં ખેતીવિષયક મિલકતો પર સંપત્તિવેરો લેવાતો નથી. જોકે સંપત્તિની વ્યાખ્યા સરકાર તરફથી વારંવાર બદલવામાં આવે છે, છતાં વ્યક્તિની કુલ મિલકતોમાંથી કુલ જવાબદારી બાદ કરતાં રહેતી બાકી એની સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. આમ, સંપત્તિવેરાના મૂળમાં મિલકતો હોય છે, તેથી સંપત્તિવેરો એક પ્રકારનો મિલકત-વેરો છે.

ભારતમાં રાજ્યસરકારો સ્ટૅમ્પ અધિકરણ 1899 હેઠળ મિલકતોને કેન્દ્રમાં રાખી તેનાં ખરીદ/વેચાણની નોંધણી પ્રસંગે સ્ટૅમ્પ-ડ્યૂટીના નામે સોદાની રકમના આધારે વેરો વસૂલ લે છે. તેથી સ્ટૅમ્પ-ડ્યૂટી પણ એક પ્રકારનો મિલકત–વેરો છે.

નગરપાલિકા અને પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓ તરફથી અપાતી સેવાઓ નાગરિકોની સ્થાવર મિલકતો પરત્વે હોય છે. આથી, આ સંસ્થાઓ સ્થાવર મિલકતોનાં કદ અને કિંમત પર આધાર રાખીને કર વસૂલ લે છે. સ્થાનિક સંસ્થાઓ એને મિલકતવેરા/સીધા વેરા તરીકે ઓળખાવે છે. સૈકાથી પણ વધારે સમયથી આ વેરા-વસૂલાતનું સંચાલન સંતોષકારક ચાલ્યું છે. કારણ કે નાગરિકો જાણે છે કે તેઓ જે વેરો આપે છે તે મળતી સેવાના બદલામાં આપે છે. આ કારણે કેટલાક નિષ્ણાતો એને વેરો કહેવાને બદલે ઉપકર (cess) કહેવાનું પસંદ કરે છે.

સૂર્યકાન્ત શાહ