મિર્સિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 32 પ્રજાતિઓ અને 1000 જેટલી જાતિઓનું બનેલું છે. દક્ષિણમાં તે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સુધી અને ઉત્તરમાં જાપાન, મેક્સિકો અને ફ્લૉરિડા સુધી વિતરણ પામેલું છે. Rapanea guaianensis અને Icacorea paniculata ફ્લૉરિડામાં થતી સ્થાનિક (indigenous) જાતિઓ છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Ardisia (250 જાતિઓ), Rapanea (140 જાતિઓ), Maesa (100 જાતિઓ) અને Embelia(60 જાતિઓ)નો સમાવેશ થાય છે.

આ કુળની જાતિઓ વૃક્ષ અને ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. પર્ણો મોટેભાગે સાદાં, એકાંતરિક, દીર્ઘસ્થાયી (persistent), ચર્મિલ (coriaceous), ગ્રંથિમયટપકાંવાળાં અથવા રેખીય રાળનલિકાઓવાળાં અને અનુપપર્ણીય (estipulate) હોય છે.

પુષ્પો શલ્કી ટૂંકા પ્રરોહ ઉપર ગુચ્છ (fascicle) બનાવે છે અથવા પર્ણની કક્ષમાંથી નલિકાકાર પ્રક્ષેપ-સ્વરૂપે કે લઘુપુષ્પગુચ્છ (panicle) અથવા તોરો (corymb) કે પરિમિત (cymose) પુષ્પવિન્યાસ-સ્વરૂપે ઉદભવે છે. પુષ્પો નિયમિત, દ્વિલિંગી અથવા એકલિંગી [ દ્વિગૃહી (dioecious) અથવા વિવિધપુષ્પી એકલિંગાશ્રયી (polygamo-dioecious) ], અધોજાયી (hypogynous) અને ઘણી વાર ગ્રંથિમય નિપત્રી (bracteate) હોય છે. નિપત્રિકાઓ(bracteoles)ની અવનતિ (reduction) થતાં તે ગેરહાજર હોય છે.

વજ્ર 4થી 6 (વજ્ર)પત્રોનું બનેલું, સામાન્યત: યુક્તવજ્રપત્રી (gamosepalous). Embelia અને Heberdeniaમાં મુક્ત અને દીર્ઘસ્થાયી હોય છે. દલપુંજ સામાન્યત: 4થી 6 દલપત્રોનો બનેલો, યુક્તદલપત્રી (gamopetalous), ધારાસ્પર્શી (valvate) કે સંવલિત (convolute), ખંડમય (lobed), ચક્રાકાર(rotate)થી માંડી દીપકાકાર (salverform) હોય છે. પુંકેસરો દલપત્રોની સંખ્યા જેટલા, દલપત્રસંમુખ, દલલગ્ન (epipetalous) કે મુક્ત, કેટલીક પ્રજાતિઓમાં એકગુચ્છી (monadelphous) અને Ambylanthusમાં સંપરાગ (syngenesious) હોય છે. પરાગાશયો દ્વિખંડી અને તંતુઓ કરતાં લાંબાં હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી રીતે કે અગ્રસ્થ છિદ્રો દ્વારા કે ક્વચિત્ અનુપ્રસ્થ વિટપ દ્વારા થાય છે. વંધ્ય પુંકેસરો હોતાં નથી. સ્ત્રીકેસરચક્ર 4થી 6 સ્ત્રીકેસરોનું બનેલું હોય છે અને ઊર્ધ્વસ્થ (superior) બીજાશય ધરાવે છે. Maesaમાં તે અધ:સ્થ (inferior) કે અર્ધઅધ:સ્થ (half inferior) હોય છે. જરાયુવિન્યાસ અક્ષવર્તી (axile), મુક્તકેન્દ્રસ્થ (free central) કે કેટલીક વાર તલસ્થ પ્રકારનો જોવા મળે છે. જરાયુઓ અંડકોની ઉપર અને તેની ફરતે વૃદ્ધિ પામેલા હોય છે. અંડકો ઉપર તે ટોપી જેવી રચના બનાવે છે. પ્રત્યેક જરાયુ ઉપર અંડકો એકથી માંડી અનેક, એકપંક્તિક (uniseriate) કે બહુપંક્તિક (multiseriate) અને અર્ધઅધોમુખી (semianatropous) કે અર્ધવક્રમુખી (semi-campylotropous) હોય છે. પરાગવાહિની સાદી અને ટૂંકી હોય છે અને પરાગાસન સાદું કે ખંડિત (lobed) હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે. તેનું બાહ્ય ફલાવરણ માંસલ હોય છે અને અંત:ફલાવરણ સખત કાષ્ઠમય હોય છે. બીજ પુષ્કળ પ્રમાણમાં ભ્રૂણપોષ (endosperm) ધરાવે છે. ભ્રૂણ નલિકાકાર હોય છે.

મિર્સિનેસી Ardisia crenata : (અ) પુષ્પ અને ફળ સહિતની વનસ્પતિ; (આ) પુષ્પવિન્યાસ; (ઇ) પુષ્પનો ઊભો છેદ; (ઈ) પુંકેસર; (ઉ) બીજાશયનો આડો છેદ.

મિર્સિનેસી પ્રિમ્યુલેસી સાથે ગાઢ સામ્ય ધરાવે છે અને કાષ્ઠીય (woody) સ્વરૂપ, જરાયુઓમાં ખૂંપેલાં અંડકો અને એક કે થોડાક બીજ ધરાવતા અષ્ઠિલ ફળ દ્વારા જુદું પડે છે. થિયોફ્રેસ્ટેસી કુળને મિર્સિનેસી સાથે સંયોજિત કરવામાં આવે છે; પરંતુ તેને રાળવાહિનીઓની હાજરી, પર્ણના અધિસ્તર નીચે ર્દઢોતકીય (sclerenchymatous) પેશીની લાંબી પટ્ટીઓ, વંધ્ય પુંકેસરો અને પીળાં કે નારંગી રંગનાં બીજની ગેરહાજરી જેવાં લક્ષણો દ્વારા અલગ પાડી શકાય છે.

હેલિયર આ કુળને થિયોફ્રેસ્ટેસી કરતાં અલગ ગણે છે છતાં તેના મંતવ્ય મુજબ, તે થિયોફ્રેસ્ટેસી સાથે અત્યંત નિકટતા દર્શાવે છે અને પ્રિમ્યુલેસી કરતાં તે ઓછું પ્રગતિશીલ છે. વેટસ્ટેઇન તેને પ્રિમ્યુલેલ્સ ગોત્રનું સૌથી ઉચ્ચ કક્ષાનું કુળ માને છે. હચિન્સન તેને મિર્સિનેલ્સ ગોત્રમાં મૂકે છે. મોટાભાગના વર્ગીકરણ-વિજ્ઞાનીઓ તેને પ્રિમ્યુલેસી સાથે ગાઢ રીતે સંબંધ હોવાનું માને છે અને તેના વર્ગીકરણમાં તે બંનેને એકબીજાથી વધારે દૂર મૂકવામાં આવ્યાં છે.

આ કુળની આર્થિક અગત્ય ઘણી ઓછી છે. Ardisia, Maesa, Myrsine અને Suttoniaની કેટલીક જાતિઓને શોભન-વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ