મિર્ઝા, મોહંમદ તાહિર ‘આશના’ (જ. 1628; અ. 1671, કાશ્મીર) : ફારસી ભાષાના સાહિત્યકાર. પિતાનું નામ ઝફરખાન બિન ખ્વાજા અબુલહસન. કવિનામ ‘આશના’. તેમના દાદા અબુલહસન જહાંગીરના એક વજીર હતા. શાહજહાંના રાજ્યઅમલ દરમિયાન તેમણે કાબુલ અને કાશ્મીરના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. પોતે એક કવિ હોવા ઉપરાંત કવિઓ અને વિદ્વાનોના આશ્રયદાતા પણ હતા. તેઓ ન્યાયી અને પ્રામાણિક શાસક હતા. તેમના પિતા જ્યારે કાશ્મીરમાં ગવર્નર તરીકે હતા ત્યારે મોહંમદ તાહિર પણ તેમની સાથે હતા. શાહજહાંના શાસનના ત્રેવીસમા વર્ષે તેમને ઇનાયતખાનનો લકબ (ઇલકાબ) અપાયો. પોતાના પિતાનાં ગુણો અને વિશેષતાઓ તેમને વારસામાં મળેલાં. પિતાની જેમ તેઓ પણ કવિઓ અને વિદ્વાનોના પ્રશંસક અને આશ્રયદાતા હતા. શાહજહાંના તેઓ નજીકના સાથીદાર હતા. ઔરંગઝેબના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન તેઓ સેવાનિવૃત્ત થયા અને કાશ્મીરમાં સ્થાયી થયા.
મોહંમદ તાહિર ગદ્ય અને પદ્ય બંનેમાં નિપુણ હતા. તેઓ સતેજ બુદ્ધિના અને શિષ્ટાચારી હતા. તેમની સાહિત્યિક રચનાઓમાં એક દીવાન, મસ્નવીઓ અને એક ‘શાહજહાંનામા’ નામે કૃતિનો સમાવેશ થાય છે. ‘શાહજહાંનામા’ લાહોરીના ‘પાદશાહનામા’નું સંક્ષિપ્ત રૂપ છે. આ કૃતિની પ્રસ્તાવનામાં લેખકના જણાવ્યા પ્રમાણે શાહજહાંના શાસન દરમિયાનની ઘટનાઓને સામાન્ય લોકો સમજી શકે તે રીતે સાદી અને સરળ શૈલીમાં રજૂ કરવામાં આવી છે. આમ લેખકે તેમાં ‘તુઝુકે બાબરી’, ‘તુઝુકે જહાંગીરી’ અને ‘તબકાતે અકબરી’ જેવી કૃતિઓની સાદી અને સરળ શૈલી અપનાવી છે.
ઈસ્માઈલ કરેડિયા