મિર્ચ મસાલા : કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત બહુચર્ચિત ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1985. નિર્માણ-કંપની : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. કથા : ચુનીલાલ મડિયા. પટકથા : હૃદય લાની અને ત્રિપુરારિ શર્મા. ગીતરચના : બાબુભાઈ રાણપરા. ચિત્રાંકન : જહાંગીર ચૌધરી. સંગીત : રજત ધોળકિયા. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ઓમ પુરી, દીના પાઠક, દીપ્તિ નવલ, મોહન ગોખલે.
ચુનીલાલ મડિયાએ 1950માં લખેલી ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ને આધારે આ ફિલ્મ ઊતરી છે. આઝાદી પૂર્વેના સૌરાષ્ટ્રના લોકજીવનની પાર્શ્ર્વભૂમિમાં તેની કથા ચિત્રાંકિત કરવામાં આવી છે. સામંતશાહી શોષણ-વ્યવસ્થા પર કટાક્ષ કરવાના મૂળ હેતુથી લખાયેલી આ કથા રૂપેરી પડદા પર કામવાસના અને હિંસાનાં તત્વો અભિવ્યક્ત કરે છે. ન્યૂયૉર્કમાં જ્યારે આ ચલચિત્ર પ્રદર્શિત થયું ત્યારે ભારત બહાર તે સર્વાધિક લોકપ્રિય ચલચિત્ર તરીકે ખ્યાતિ પામેલું. જમીન-મહેસૂલ વસૂલ કરનાર સૂબેદાર (નસીરુદ્દીન શાહ) ગામ પર પોતાની નિરંકુશ સત્તા લાદે છે, જેને લીધે ગામનો શિક્ષક બાદ કરતાં બાકી બધા જ સૂબેદારની દરેક માગણી પૂરી કરે છે. તેનાથી સૂબેદાર અશોભનીય ગણાય તેવી માગણીઓ રજૂ કરતો જાય છે, જે મુખ્યત્વે તેની કામવાસના સંતોષવા માટેની હોય છે. સૂબેદારના આતંકમાંથી બચવા માટે કેટલાક પરિવારો તેની આવી માગણીઓને પણ વશ થતા જાય છે, પરંતુ ગામની સૌથી સુંદર અને યુવાન સ્ત્રી સોનબાઈ (સ્મિતા પાટીલ) પર તેની નજર ઠરે છે ત્યારે સોનબાઈ તેનો વિરોધ કરે છે અને ગામડાની માત્ર સ્ત્રીઓ દ્વારા સંચાલિત મરચાં ખાંડવાની એક ફૅક્ટરીમાં તે શરણ લે છે. ફૅક્ટરીના મુસલમાન ચોકીદાર (ઓમ પુરી) ફૅક્ટરીના દરવાજા અંદરથી બંધ કરી દે છે અને સૂબેદારનો સામનો કરે છે. ચોકીદાર અને સૂબેદારના માણસો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થાય છે, જેમાં ચોકીદારનું મોત થાય છે. ફૅક્ટરીના દરવાજા તોડી નાંખવામાં આવે છે અને સૂબેદાર જ્યારે સોનબાઈને જેર કરવા ફૅક્ટરીના કમ્પાઉન્ડમાં ધસી જાય છે ત્યારે અંદરની સ્ત્રીઓ તેના પર ખાંડેલાં મરચાનો ઢગલો ફેંકે છે; જેને લીધે ગૂંગળામણ થતાં સૂબેદારનું મોત થાય છે.
આ ચલચિત્રને વર્ષની સર્વોત્તમ હિંદી ફિલ્મનો, સર્વોત્તમ ચલચિત્ર-સંપાદન અને સર્વોત્તમ સહઅભિનેતા ઉપરાંત 1987માં હવાઈ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર સમારોહમાં સર્વોત્તમ ચલચિત્રનો – એમ અનેક પુરસ્કારો એનાયત થયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે