મિરઝાપુર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના છેક અગ્નિ છેડે વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 52´થી 25° 15´ ઉ. અ. અને 82° 07´થી 83° 33´ પૂ. રે. વચ્ચેનો 4,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વ તરફ વારાણસી જિલ્લો, દક્ષિણ તરફ સોનભદ્ર જિલ્લો, નૈર્ઋત્યમાં મધ્યપ્રદેશ તથા પશ્ચિમે અને વાયવ્યમાં અલ્લાહાબાદ જિલ્લો આવેલા છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાની ઉત્તર સરહદે ગંગા નદી પસાર થાય છે, તેથી ઉત્તર તરફનું ભૂપૃષ્ઠ ગંગાના કાંપના મેદાનથી બનેલું છે. દક્ષિણ ભાગમાં સપાટ શિરોભાગવાળી નીચી ટેકરીઓ આવેલી છે, ત્યાં વિંધ્ય પર્વતોના સમુત્પ્રપાતો (scarps) છે. અહીંના દક્ષિણ ભાગો ગઠ્ઠાદાર ચૂનાખડકોથી બનેલા છે. ત્યાં કોતરો પણ રચાયેલાં છે. તે પાતળાં રેતાળ આવરણોથી આચ્છાદિત છે. અહીં બરવડ, સીસમ, પીપળો, આંબા, લીમડા, જાંબુડા, આમલી જેવાં વૃક્ષો જોવા મળે છે. પહાડી પ્રદેશોમાં જંગલો આવેલાં છે. જિલ્લાનું દક્ષિણ ભૂપૃષ્ઠ પહાડી હોવાથી ઘણાં નદીનાળાં ઉત્તર તરફ વહે છે. ગંગા, સોન, બેલન, કર્મનશા (કર્માંસા), રિહંદ અને કન્હાર અહીંની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ ગંગાની શાખા-નદીઓ છે.

મિરઝાપુર જિલ્લો

ખેતીપશુપાલન : આ જિલ્લામાં વર્ષ દરમિયાન બે (ખરીફ અને રવી) પાક લેવાય છે. ડાંગર અહીંનો મુખ્ય ખરીફ પાક છે જ્યારે ઘઉં, જવ અને ચણા એ મુખ્ય રવી પાક છે. ખેડૂતો ખેતીની સાથે સાથે આવકવૃદ્ધિ માટે ભેંસો અને ઘેટાંબકરાં જેવાં પશુઓ પાળે છે. આ પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી તેમને માટે પશુદવાખાનાં, ચિકિત્સાલયો તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવવામાં આવ્યાં છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં કુલ 22 જેટલાં અધિકૃત કારખાનાં આવેલાં છે. તે પૈકી 8 ગાલીચા-શેતરંજીઓનાં, ઊની કાપડનાં અને સુતરાઉ કાપડ-વણાટનાં છે અને 6 ધાતુઓ અને તેની પેદાશોનાં છે. વળી બે આટાની અને ચોખાની  દાળની મિલો છે. બે ઉદ્યોગો અધાત્વિક ખનિજ-પેદાશોના તથા મોટરવાહનોના સમારકામના છે. આ ઉપરાંત યંત્રસામગ્રી તેમજ વીજસાધનોનાં કારખાનાં પણ છે. અહીં ખાદ્યતેલનું ઉત્પાદન પણ લેવાય છે.

જિલ્લામાંથી માટીનાં અને પિત્તળનાં વાસણો; આરસપહાણની ચીજવસ્તુઓ તથા ગાલીચા-શેતરંજીઓની નિકાસ થાય છે જ્યારે ચિરોડી, કોલસો, લૅટરાઇટ, ઊન, રૂ, લોખંડ, પિત્તળનો ભંગાર, ઘઉં, કેરોસીન અને મીઠાની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : મિરઝાપુર શહેર ઉત્તર રેલવેના દિલ્હી-હાવરા રેલમાર્ગ પર અલ્લાહાબાદ અને મુઘલસરાઈ રેલમથકોની વચ્ચે આવેલું છે. અલ્લાહાબાદ અને મુઘલસરાઈ મિરઝાપુરથી અનુક્રમે 90 કિમી. પશ્ચિમ અને 72 કિમી. પૂર્વ તરફ આવેલાં છે. જિલ્લામાં આ મુખ્ય રેલમાર્ગ પર 12 અને અન્ય રેલમાર્ગો પર 5 રેલમથકો આવેલાં છે. મિરઝાપુર વારાણસી સાથે પણ જોડાયેલું છે. જિલ્લામાં પાકા અને કાચા – બેય પ્રકારના રસ્તાઓ છે.

જિલ્લો તેની હાથબનાવટની શેતરંજીઓ અને ગાલીચાઓ માટે પ્રખ્યાત હોવાથી ખૂબ જાણીતો બનેલો છે. નદી પર સ્નાનઘાટ પણ ઘણા છે. અહીં કોતરણી ધરાવતાં મંદિરો તેમજ ભવ્ય કિલ્લાઓ આવેલા છે. મિરઝાપુર શહેર ઔદ્યોગિક મથક હોવાથી ઊર્જા-યોજનાઓનો પણ વિકાસ કરવામાં આવેલો છે. નદીના કિનારેથી 47 કિમી. અંતરે આવેલો ચુનારનો કિલ્લો જોવાલાયક છે. 16મી સદી દરમિયાન મુઘલો માટે તે ઘણો અગત્યનો હતો. આ એ જ સ્થળ છે, જ્યાં અફઘાન શેરશાહ સુરીએ હુમાયૂંને હરાવેલો. અહીંના દરેક અનુગામી શાસકે આ કિલ્લાનો વિસ્તાર વધારેલો. અકબરે પશ્ચિમી દરવાજો અને ઔરંગઝેબે તેમાં આલમગીરની મસ્જિદ બંધાવેલાં; જ્યારે અંગ્રેજોએ તેના બળવાખોરો માટે જેલ તરીકે ઉપયોગ કરેલો. આ ઉપરાંત અહીં સકતેશગઢ, વિજયગઢ, અઘોરી અને આહરૌરાના કિલ્લાઓ, વિંધ્યદેવી-મંદિર, અષ્ટભુજા, દેવી-મંદિર, સિદ્ધનાથની દેરી વગેરે જોવાલાયક સ્થળો છે. તંદા ધોધ, જાર-ગોદામ, રિચાર્ડ બંધ જેવાં સહેલ કરવાનાં સ્થળો પણ છે. જિલ્લામાં વારતહેવારે જુદા જુદા મેળાઓ ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 24,94,533 જેટલી છે, તે પૈકી 53 % પુરુષો અને 47 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોની ઓછી છે. શિક્ષિતોનું પ્રમાણ કુલ વસ્તીના 32 % જેટલું છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષા બોલાય છે. જિલ્લામાં વિનયન, વિજ્ઞાન અને વાણિજ્યની ત્રણ કૉલેજો છે; પરંતુ મેડિકલ, એંજિનિયરિંગ કે પૉલિટૅકનિક શિક્ષણસંસ્થાઓ નથી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં અમુક પ્રમાણમાં તબીબી સેવાઓની સગવડો ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં, 12 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 1987 (265 વસ્તીવિહીન) ગામડાં આવેલ છે.

ઇતિહાસ : મિરઝાપુર એક વખતે બંગાળનું જૂનું નગર અને પ્રાંતીય મથક હતું. તે લશ્કરી મથક તથા વેપાર-વાણિજ્યનું સમૃદ્ધ મથક પણ હતું. અહીં સુતરાઉ-રેશમી કાપડનું ધમધમતું બજાર પણ હતું. ગળીના વેપારીઓ અહીં રહેતા હતા. તેમનાં નિવાસસ્થાનો આ શહેરને ભવ્યતા અર્પતાં હતાં.

ગિરીશભાઈ પંડ્યા