મિયાં દાદખાન ‘સય્યાહ’

February, 2002

મિયાં દાદખાન ‘સય્યાહ’ (જ. 1829; અ. 1907, સૂરત) : ગુજરાતના ઉર્દૂ કવિ તથા લેખક. ઉર્દૂના વિખ્યાત કવિ મિર્ઝા ગાલિબના શિષ્ય. તેમનું તખલ્લુસ ‘સય્યાહ’ હતું. મિર્ઝા ગાલિબે તેમને ‘સય્ફુલ હક’ (સત્યની તલવાર)નું બિરુદ આપ્યું હતું. ‘સય્યાહ’ના પિતા મુનશી અબ્દુલ્લાખાન ઔરંગાબાદના રઈસ હતા. ‘સય્યાહ’ 1840–45ના ગાળામાં સૂરત આવ્યા અને મીર ગુલામબાબાના મિત્ર-વર્તુલમાં દાખલ થઈ જીવનપર્યંત અહીં જ રહ્યા. તેઓ પોતે સુંદર તથા દેખાવડા હતા અને સારાં વસ્ત્રો તથા નાજુક જીવન-શૈલીના શોખીન હતા. પોતાનાં વસ્ત્રો દિલ્હીમાં સિવડાવતા હતા. તેમણે સૂરતના એક પ્રતિષ્ઠિત ખાનદાનમાં લગ્ન કર્યાં હતાં, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. મિર્ઝા ગાલિબ પોતાના પત્રોમાં તેમને ‘બેટા’, ‘બરખુર્દાર’ તથા ‘નૂરચશ્મ’ જેવા હેતાળ શબ્દોથી સંબોધતા. ‘સય્યાહ’ને પણ પોતાના કવિ–ગુરુ પ્રત્યે પ્રેમભર્યું માન હતું. ‘સય્યાહ’નો અર્થ ‘પ્રવાસી’ થાય છે. તેઓ ખરેખર પ્રવાસ-પર્યટનના ઘણા શોખીન હતા. શરૂઆતમાં તેમનું તખલ્લુસ ‘ઉશ્શાક’ હતું, પરંતુ મિર્ઝા ગાલિબે તેમનાં લક્ષણ જોઈને ‘સય્યાહ’ ઉપનામ સૂચવ્યું હતું. તેમના એક કાવ્યના અભ્યાસથી જણાય છે કે તેમણે દેશના ખૂણેખૂણાનો પ્રવાસ કર્યો હતો. પોતાના બનારસ-પ્રવાસનો અહેવાલ ‘સય્યાહે’ મિર્ઝા ગાલિબને પણ લખી મોકલ્યો હતો. તેમણે બર્મા (હવે મ્યાનમાર) તથા આફ્રિકાનો પણ પ્રવાસ કર્યો હતો. તેમના લાંબા જીવનકાળમાં તડકા-છાંયડાના અનેક અનુભવ તેમને થયા હતા. એક વાર મુંબઈથી હૈદરાબાદ જતાં સરકારી કાયદાના ઉલ્લંઘન બદલ તેમને કેદની સજા પણ થઈ હતી. ઇંગ્લૅન્ડની રાણી વિક્ટૉરિયાની જ્યૂબિલી-સમયે ‘સય્યાહે’ એક પ્રશંસા-કાવ્ય લખી મોકલતાં તેમની સજામાં 3 વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમણે જીવનમાં છેલ્લાં વર્ષો સૂરતના રાણી તળાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં ગુજાર્યાં હતાં. 1907માં 90 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું અને તેમને ખ્વાજા સય્યદ જમાલ્લુદ્દીન(ખ્વાજા દીવાનાસાહેબ)ની ખાનકાહમાં દફનાવવામાં આવ્યા હતા. મિયાં દાદખાન ‘સય્યાહ’નો કાવ્યસંગ્રહ 1957માં સય્યદ ઝહીરુદ્દીન મદનીએ સંપાદિત કરીને છપાવ્યો હતો. ‘સય્યાહે’ મિર્ઝા ગાલિબના ‘બુરહાને કાતે’ નામના શબ્દકોશના વિવાદના અનુસંધાનમાં, ગાલિબની તરફેણમાં એક લેખ ‘રિસાલએ લતાઇફે ગૈબી’ લખ્યો હતો. તેમણે ‘સૈરે સય્યાહ’ નામનું પ્રવાસ-પુસ્તક પણ લખ્યું છે; જેમાં હૈદરાબાદ, બગ્લોર (હવે બૅંગાલુરુ), મૈસૂર, મદ્રાસ (હવે ચેન્નાઈ), દિલ્હી, લખનઉ કાનપુર અને મેરઠના પ્રવાસ; મુશાયરા, જલસાઓ વગેરેનો અહેવાલ આપ્યો છે. લખનઉમાં મુનશી નવલકિશોર તથા રજબઅલી બેગ સુરૂર જેવા સાથે તેમના ગાઢ મૈત્રીસંબંધો હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી