મિફ્યુન, તોશિરો (જ. 1 એપ્રિલ 1920, ત્સિંગતાઓ, ચીન; અ. 24 ડિસેમ્બર 1997, ટોકિયો, જાપાન) : જાપાની અભિનેતા. ચીનમાં વસતા જાપાની પરિવારમાં જન્મેલા આ પ્રતિભાશાળી અભિનેતાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની લશ્કરમાં રહીને ફરજ બજાવી હતી. એ પછી ‘કલાકાર શોધ-સ્પર્ધા’માં ભાગ લઈને તેમણે 1946માં ‘ધિસ ફૂલિસ ટાઇમ્સ’ ચિત્રમાં કામ કરીને અભિનયની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આક્રમકતા તેમના અભિનયની વિશેષતા હતી. આ વિશેષતાને કારણે જ તેમણે ભજવેલાં કેટલાંક પાત્રો યાદગાર બની ગયાં છે. ખાસ કરીને લડવૈયાના પાત્રમાં તેઓ લાજવાબ બની રહેતા.
અભિનેતા તરીકે તેમની કારકિર્દી ઘડવામાં દિગ્દર્શક અકિરા કુરોસાવાનો મોટો ફાળો હતો. 1948માં ‘ડ્રંકન એન્જલ’ ચિત્રમાં તેમણે મિફ્યુનને પ્રથમ વાર તક આપી, જેમાં તેમને ગેંગસ્ટરની ભૂમિકા સોંપી. ત્યારબાદ 1950માં કુરોસાવાના જ એક સીમાચિહ્નરૂપી ચિત્ર ‘રાશોમોન’માં મિફ્યુને ઉત્કૃષ્ટ અભિનય કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. આક્રમક લડવૈયાની તેમની છબિ આ ચિત્રથી ઊપસી હતી. આ ચિત્રને શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો.
એ પછી કુરોસાવા અને મિફ્યુનની જોડી એવી જામી કે કુરોસાવાનાં 16 ચિત્રોમાં તેમણે કામ કર્યું. ઐતિહાસિકથી માંડીને આધુનિક કથાવસ્તુવાળાં તમામ પ્રકારનાં ચિત્રોમાં અભિનય કરનાર મિફ્યુન જૂજ જાપાની કલાકારોમાંના એક બની રહ્યા, જેમની જાપાન બહાર વ્યાપક ઓળખ ઊભી થઈ હોય.
પ્રતિષ્ઠિત વૅનિસ-ચિત્ર મહોત્સવમાં 1961માં ‘યોજિમ્બો’ અને 1965માં ‘રેડ બિયર્ડ’ ચિત્રો માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનાં પારિતોષિકો અપાયાં હતાં. 1962માં તેમણે પોતાની ચિત્રનિર્માણ સંસ્થા ‘મિફ્યુન પ્રોડક્શન્સ’ સ્થાપી અને ‘ધ લેગસી ઑવ્ ધ ફાઇવ હન્ડ્રેડ થાઉઝન્ડ’ ચિત્રનું નિર્માણ પણ તેમણે કર્યું. 1980માં એક લઘુ ટીવી-શ્રેણી ‘શોગન’માં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જાપાની ચલચિત્રોમાં શ્રેષ્ઠ યોગદાન બદલ 1988માં જાપાનનો પ્રતિષ્ઠિત કાવાકિતા ઍવૉર્ડ તેમને એનાયત કરાયો હતો.
નોંધપાત્ર ચલચિત્રો : ‘ધિઝ ફૂલિશ ટાઇમ્સ’ (1946), ‘ડ્રન્કન એન્જલ’ (1948), ‘ધ સાઇલન્ટ ડ્યૂઅલ’, ‘સ્ટ્રે ડૉગ’ (1949), ‘સ્કૅન્ડલ’, ‘રાશોમૉન’ (1950), ‘ઍલિજી’, ‘ધ ઇડિયટ’ (1951), ‘ધ લાઇફ ઑવ્ ઓહારૂ’ (1952), ‘ઈગલ ઑવ્ ધ પૅસિફિક’ (1953), ‘સેવન સમુરાઈ’ (1954), ‘આઇ લિવ ઇન ફિયર’ (1955), ‘થ્રોન ઑવ્ બ્લડ’ (1957), ‘ધ રિક્શૉ મૅન’ (1958), ‘સમુરાઈ સાગા’ (1959), ‘આઇ બૉમ્બ્ડ પર્લ હાર્બર’ (1960), ‘યોજિમ્બો’ (1961), ‘સાન્જુરો’ (1962), ‘હાઈ ઍન્ડ લો’ (1964), ‘રેડ બિયર્ડ’ (1965), ‘રિબેલિયન’ (1967), ‘ઍડ્મિરલ યામામોટો’ (1968), ‘રેડ લાયન’ (1969), ‘રેડ સન’ (1971), ‘પેપર-ટાઇગર’ (1975), ‘પ્રૂફ ઑવ્ ધ મૅન’ (1977), ‘ધ ચૅલેન્જ’ (1982), ‘પ્રિન્સેસ ફ્રૉમ ધ મૂન’ (1987), ‘ધ ડેથ ઑવ્ અ ટી-માસ્ટર’ (1989), ‘પિક્ચર-બ્રાઇડ’ (1995), ‘ગ્રાન્ડ પ્રિક્સ’ (1966).
તેમણે ‘હેલ ઇન ધ પૅસિફિક’ (1969) જેવાં અમેરિકી ચલચિત્રોમાં પણ અભિનય આપ્યો હતો.
હરસુખ થાનકી