મિનુચહરી (અ. 1042) : ગઝનવી યુગના એક અગ્રણી કસીદાકાર. મૂળ નામ અબુનજમ એહમદ મિનુચહરી. ઈરાનના દામગાન પ્રદેશના નિવાસી. નાનપણથી કાવ્ય-સંસ્કારો સાંપડેલા હતા. સૌથી પહેલાં તેમનો સંબંધ તબરિસ્તાનના હાકેમ મલેકુલ મઆલી અમીર મિનુચહર બિન કાબૂસના દરબાર સાથે હતો. અમીર સાથેના આ સંબંધને લઈને તેમણે પોતાનું ઉપનામ ‘મિનુચહરી’ રાખ્યું હતું. અમીર મિનુચહરીના મૃત્યુ પછી તેઓ જુરજાનથી ગઝની આવ્યા અને પ્રસિદ્ધ કસીદા-કવિ ઉન્સરીની સિફારસથી મહેમૂદ ગઝનવીના દરબારમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમને કવિ તરીકેનો માન-મરતબો મળ્યો. તઝકેરા (જીવનચરિત્રાવલી) લેખકોએ તેમનો મહેમૂદના દરબારી કવિ તરીકે ઉલ્લેખ કર્યો છે. જોકે તેમના દીવાનમાં એક પણ કાવ્ય મહેમૂદની પ્રશસ્તિ રૂપે લખાયેલું જોવા મળતું નથી. સુલતાન મહેમૂદના અવસાન પછી તેના પુત્ર સુલતાન મસૂદના દરબારમાં તેમણે પ્રવેશ મેળવ્યો હતો.
કવિ તરીકેની કેટલીક વિશેષતાઓને કારણે તેઓ તેમના સમકાલીનોમાં આગવું સ્થાન ધરાવતા હતા. તેમણે બહુ જ નાની વયે કવિ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. મિનુચહરીનો દીવાન ત્રણ હજાર કાવ્યપંક્તિઓમાં છે. ગઝનવી યુગના મહાકવિ ફિરદોસી અને અસદી જેવા કવિઓ ફારસી પરની અરબીની અસર ઓછી કરવા અરબી શબ્દ-પ્રયોગના ઉપયોગથી અલિપ્ત રહ્યા, જ્યારે મિનુચહરીએ અરબ કવિઓનું અનુકરણ કર્યું અને અરબી મુહાવરાઓ અને શબ્દોનો છૂટથી ઉપયોગ કર્યો. તેમનાં અનેક કાવ્યોમાં અરબી કસીદાના છંદ અને કાફિયાઓનો ઉપયોગ થયેલો છે. તેમનાં કસીદાકાવ્યોમાં અરબી ઉપમાઓ અને રૂપકોનો ભરપૂર ઉપયોગ થયેલો છે. તેનાથી અરબી ભાષા પરના તેમના પ્રભુત્વની પ્રતીતિ મળે છે. મિનુચહરીનાં કાવ્યોની બીજી વિશેષતા તે તેમની શૈલીની શુદ્ધતા અને પ્રવાહિતા છે. કુદરતી ર્દશ્યોનું આબેહૂબ અને સુંદર વર્ણન તેમનાં કાવ્યોનું એક આકર્ષણ છે. ગુલોબુલબુલના તરાના અને વસંતનું વર્ણન એ ફારસી કવિઓનો પ્રિય વિષય રહેલો છે; પરંતુ મિનુચહરી જેવા સિદ્ધહસ્ત કવિઓ આ ક્ષેત્રમાં બહુ ઓછા છે. વસંતના તેમના આલેખનમાં તાર્દશતા સાથે અવનવા રંગો ઝળકે છે. દરેક બાબતનું તેઓ વિગતે વર્ણન કરે છે અને તેમાં તેમની ભાષા સપ્રમાણ અને અલંકૃત જણાય છે.
ઈસ્માઈલ કરેડિયા