મિથુન રાશિ : બાર રાશિમાં ત્રીજા ક્રમની રાશિ. મિથુન રાશિનો આકાર સ્ત્રી-પુરુષનાં જોડાં જેવો સ્પષ્ટ દેખાય છે. દરેક આકાર ત્રણ તારાઓનો બનેલો હોય છે. ઉપરનો મોટો તારો હોવાથી તેને માથું, વચલા તારાને કમરનો ભાગ અને નીચેના તારાને પગનો ભાગ ગણી મનુષ્યાકૃતિનાં બે સ્વરૂપો સ્પષ્ટ કલ્પી શકાય છે. આ આકૃતિને સ્ત્રીપુરુષના જોડા રૂપે ગણી ‘મિથુન’ શબ્દ પ્રયોજાયો છે. મિથુન રાશિમાં મૃગશીર્ષ નક્ષત્રનો પાછળનો ભાગ તથા આર્દ્રા અને પુનર્વસુ નક્ષત્રના ત્રણ ભાગ આવે છે. મૃગશીર્ષ નક્ષત્ર એ દોડતા મૃગની આકૃતિ ધરાવતા તારાગુચ્છના મસ્તિષ્કનો ભાગ છે. હરણની આકૃતિના પાછલા એક પગનો તારો આર્દ્રા નક્ષત્ર કમરનો ભાગ છે અને બાકીના ભાગ પુનર્વસુ નક્ષત્રના ત્રણ ચરણના છે.
મિથુન રાશિનો સ્વભાવ વાયુતત્ત્વનો છે. તેનું સ્વરૂપ પ્રાચીન આચાર્યોએ આ પ્રમાણે કલ્પ્યું છે : મિથુન રાશિ પશ્ચિમ દિશાની સ્વામિની છે. તે વાયુ પ્રકૃતિવાળી, પોપટ જેવા રંગની, દ્વિપદી, પુરુષ-સ્વભાવવાળી, સ્ત્રી-પુરુષના જોડકાની બનેલી, વિષમોદયી, ઉષ્ણ સ્વભાવવાળી, મધ્યમ સ્ત્રીસંગ કરનારી, મધ્યમ પ્રજાવાળી, વનમાં ફરનારી, શૂદ્ર જાતિની, મોટા અવાજવાળી, કાંતિવાન, તેજસ્વી, રાત્રિબલિ તથા ક્રૂર છે. આ રાશિનો સ્વામી બુધ છે. બુધ ધરોના જેવા હરિતવર્ણવાળો, વાત-પિત્ત-કફના કોપવાળો, ઠીંગણો, મધ્યમ રૂપવાળો, લાલ નેત્રવાળો, મધુર ભાષણ કરનારો, કલાકુશળ ને ઘણી નસોવાળો, રજોગુણવાળો છે.
મિથુન રાશિમાં જન્મેલાનું શરીર ઊંચું-મધ્યમ હોય છે. તેનો બાંધો એકવડિયો હોય છે. અદમ્ય ચપળતા, સ્ફૂર્તિલું શરીર, તીવ્ર ર્દષ્ટિ, લાંબા હાથ, પાતળો ચહેરો, બેઠેલી હડપચી – એ તેની વિશેષતાઓ હોય છે. માનસિક વિચારધારા બેવડી હોય છે. જલદી કોઈ નિર્ણય ન લઈ શકે એવું દ્વિધાયુક્ત તેનું મન રહે છે. તેને વાચનલેખનનો શોખ હોય છે.
આવા માણસો ચતુર, બુદ્ધિશાળી, વિષયવસ્તુને સારી રીતે સમજી શકે તેવા, ઉમદા પ્રકારની ગ્રહણશક્તિવાળા, સારી યાદશક્તિ તેમજ બધા વિષયોમાં સારી જાણકારી ધરાવનારા તથા વૈજ્ઞાનિક ક્ષેત્રે સારું કામ કરી શકનારા હોય છે. તેઓ બુદ્ધિજીવી અને પ્રવૃત્તિશીલ હોય છે. તેમનામાં વહીવટી આવડત હોય છે. તેઓ હિસાબનીશ તરીકે સફળ નીવડે છે. જ્યોતિષશાસ્ત્ર કે તેવાં ગૂઢ શાસ્ત્રોમાં તેમને અભિરુચિ રહે છે. આ રાશિવાળાનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. આ રાશિવાળા આદરણીય હોય છે.
ભારતી જાની