મિથુન-શિલ્પો : ભોગવૃત્તિ અને કામવાસનાને સૌંદર્યમંડિત કરતાં શિલ્પસર્જનો. સ્ત્રીપુરુષનો સંભોગ કામ અને મોક્ષના પ્રતીકરૂપ મનાય છે. મોહેં-જો-દડોમાંથી મળી આવેલી મુદ્રાઓમાં વનદેવતા, માતૃકાની આકૃતિઓ ધ્યાન ખેંચે તેવી છે. ભૂમધ્ય સમુદ્રથી ગંગાની ખીણના અને પૂર્વના સમગ્ર પ્રદેશ તરફ નજર નાંખતાં ફળદ્રૂપતાનો એકસરખો વારસો જણાય છે. શિવલિંગોનાં આકારો અને સ્વરૂપો સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયાં છે. તેમને પણ ફળદ્રૂપતાનાં પ્રતીક ગણાવી શકાય. પાણીમાં કમળનું ઊગવું તે પણ બે વસ્તુના સમાગમનું પરિણામ ગણાવાયું છે. વૃક્ષ ફળદ્રૂપતાનું પ્રતીક છે. મથુરા સંગ્રહાલયમાંના વેદિકાસ્તંભમાં એક વૃક્ષની નીચે ‘પુષ્પ-પ્રચાયિકા’ની આકૃતિ કંડારેલી  છે. તેવી જ રીતે અશોકદોહદની ક્રીડામાં સ્ત્રીઓના જીવનની કુતૂહલપૂર્ણ ઘટના જણાઈ છે; જેનો ઘનિષ્ઠ સંબંધ તેમના યૌવન સાથે બતાવેલો છે. મહાકવિ કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્રમ્’ નાટકમાં રક્તાશોકના દોહદનું વિસ્તૃત વર્ણન કરેલું છે. ‘મેઘદૂત’માં સ્ત્રીના વામપાદાભિલાષી અશોક વૃક્ષનો ઉલ્લેખ છે. મથુરાના વેદિકાસ્તંભો ઉપર અશોકદોહદનું ર્દશ્ય કંડારેલું છે. કેટલાક સ્તંભોમાં દેવાર્ચનમાં નિયુક્ત સ્ત્રીપુરુષોનાં ચિત્રણો છે. વેદિકાસ્તંભો પર ઉત્કીર્ણ શાલભંજિકાનું શિલ્પ છૂટું ઘડીને મૂકેલું જણાય છે. મંદિરોની દીવાલો, ગર્ભગૃહની બારસાખ તેમજ સ્તંભો ઉપર સુંદર સ્ત્રી-મૂર્તિઓએ સ્થાન લીધેલું  છે. સાથોસાથ આવી જગાઓમાં કામશાસ્ત્રનાં શિલ્પાંકનો નજરે પડે છે. સ્ત્રી કે પુરુષની આકૃતિને વૃક્ષ નીચે બતાવવાની પ્રેરણા બુદ્ધની બોધિવૃક્ષ નીચેની પ્રતિમામાંથી મળેલી હોય એમ જણાય છે. બુદ્ધનાં માતા માયાદેવી પુત્રના જન્મ વખતે લુમ્બિનીવનમાં વૃક્ષ નીચે હતાં તે શિલ્પાકૃતિમાં જણાય છે.

પુષ્પ-પ્રચાયિકા

સૌથી પ્રાચીન મિથુન-શિલ્પ ઈ. સ. બીજા સૈકામાં સાંચીના સ્તૂપ નં 2માં જણાય છે. મિથુન ભારતીય શિલ્પમાં સતત આલેખાયેલો વિષય છે. બૌદ્ધ ધર્મની વિચારધારામાં ‘મિથુન’નો અર્થ બુદ્ધ અને પ્રજ્ઞાનું સંમિલન ગણાવેલું છે. સાંચીનો ભવ્ય સ્તૂપ અર્ધગોળાકાર છે. તેના ઉપર સાદા પથ્થરો જડેલા છે. તેને ફરતો પથ્થરનો મોટો કઠેડો છે. તેને 4 ભવ્ય તોરણદ્વારો છે. શિલ્પથી ભરપૂર આ તોરણદ્વારોમાં સુશોભનોની ઉચ્ચ કોટિની સમજ વ્યક્ત થાય છે. આ શિલ્પકલામાં આધ્યાત્મિક કે નીતિવિષયક વસ્તુઓ નિર્દેશવાનો આશય જણાતો નથી; પરંતુ મનુષ્યજીવનમાં અંતર્ગૂઢ રહેલી કામવાસના અને ભોગવૃત્તિને ભોગાસનો વડે શિલ્પની ભાષામાં આલેખવાનો પ્રયાસ જણાય છે. આ પ્રકારની પ્રાચીન ભારતીય શિલ્પકલાની રજૂઆત ઘણી સ્વાભાવિક છે.

મિથુન-શિલ્પોમાં કામાસક્ત ભાવ જણાય છે. તે પણ એક સાંસારિક અને આવશ્યક ભાવ મનાય છે. પાર્થિવ તત્વ કેટલાંક શિલ્પોમાં વધુ પડતું જણાય છે. પૂર્વ ભારતમાં સાતમા સૈકામાં આ વલણ કાંઈક અંશે ગૂઢ રહેલું છે. આ પ્રકારનું વલણ પહારપુર(રાજશાહી જિલ્લો, ઉત્તર બંગાળ)ના મહાન મંદિરની દીવાલના નીચેના ભાગમાંનું પથ્થરનાં શિલ્પોનું જૂથ પૂરેપૂરું વ્યક્ત કરે છે. પૂર્વનું ભોગવૃત્તિનું વલણ કેટલાંક શિલ્પોમાં શુદ્ધ સ્વરૂપે નજરે પડે છે; દા.ત., પ્રેમી યુગલ. આ યુગલને રાધાકૃષ્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. યમુનાની મૂર્તિમાં પણ શુદ્ધ કામાસક્ત ભાવ જણાય છે. પૂર્વની શૈલીનો સૌથી શ્રેષ્ઠ નમૂનો ભાગલપુર(બિહાર)ના મંદિરની બારસાખની ઉપર કંડારેલી સ્ત્રી-આકૃતિ છે. તેના મૃદુ અને સુડોળ ઘાટમાં પૂર્વના આહલાદક વિષયાસક્ત ભાવ અને ગુપ્તકાળના પ્રશિષ્ટ રૂપપ્રદ આદર્શનું મિશ્રણ છે. સ્ત્રીદેહના સૌંદર્યનું કવિ કાલિદાસે જે વર્ણન કર્યું છે તેને જ બિહારના આ ચારુ શિલ્પમાં ઉતારવાનો પ્રયત્ન હોય એમ જણાય છે.

મધ્યકાલમાં મંદિરની જગતી પીઠની બહાર કરવામાં આવતા વિવિધ શિલ્પથરોમાં મનુષ્યજીવન દર્શાવતા નરથરમાં ભોગાસન-શિલ્પો કંડારવાની પરંપરા લગભગ ર્દઢ થયેલી જોવામાં આવે છે. ખજૂરાહો, ભુવનેશ્વર, કોણાર્ક, મોઢેરા વગેરે સ્થળોએ આવેલાં મંદિરોમાં તેમનું આલેખન પ્રચુરપણે થયેલું ર્દષ્ટિગોચર થાય છે.

ઓરિસા અને ખજૂરાહોમાં મિથુન-શિલ્પોમાં વાળ વગરના તપસ્વીઓ નજરે પડે છે. વળી ધ્યાન ખેંચે તેવી ગૌરી-શિવની મૂર્તિ છે. ગૌરી શિવની અર્ધાંગિની તરીકે જાણીતી છે. તે શિવને જે રીતે વળગી પડે છે તે જાણે આમ્ર વૃક્ષને માધવી વેલ વળગેલી હોય તેવી જણાય છે. પુરુષ અને પ્રકૃતિનું આલિંગન અથર્વવેદમાં બતાવેલું છે. નવમાથી તેરમા સૈકાના ઓરિસાનાં તેમજ નેપાળ અને તિબેટનાં કેટલાંક મંદિરોમાં ભોગાસનો બતાવેલાં છે. આવાં જ દાંપત્યમિથુનો ખજૂરાહોના મંદિરની દીવાલોમાં તદ્દન સ્વાભાવિક શૈલીએ આલેખેલાં છે. આવાં શિલ્પો કરવાથી વીજળી જેવી આપત્તિઓથી મંદિરનું રક્ષણ થાય છે એવી એક માન્યતા ઓરિસામાં પ્રચલિત છે. આવી જ માન્યતા ખજૂરાહોનાં મંદિરો માટે પણ પ્રવર્તે છે. આ પ્રકારનાં શિલ્પોને કેટલાક ફળદ્રૂપતાનું પ્રતીક ગણે છે, ત્યારે કેટલાક તેમને જગતનાં બધાં જ સ્વરૂપો શિલ્પમાં આલેખવાની શિલ્પીની ઇચ્છાઓના પરિણામરૂપ ગણે છે. આ પ્રથાના મૂળમાં તાંત્રિક માન્યતા પણ પ્રવર્તતી હોવાનો સંભવ છે. મંદિરની દીવાલો ઉપર ખુલ્લી રીતે બતાવેલાં શિલ્પોમાં અશ્ર્લીલતા કે શારીરિક ચેષ્ટા કરતાં આધ્યાત્મિક કાર્યોનું પ્રભુત્વ છે, તેવું ઠસાવવા માટે જાણીબૂજીને આવાં શિલ્પોને ખુલ્લામાં અગ્રસ્થાન આપવામાં આવ્યું હશે એવો કેટલાકનો મત છે. ખજૂરાહોનાં શિલ્પો લૌકિક છે, પણ તેજોહીન નથી. ઓરિસાનાં શિલ્પ વધારે પડતાં કાલ્પનિક છે. ખજૂરાહોની પાર્શ્વગત (એકચશ્મી) આકૃતિઓ વધારે સંકીર્ણ અને ભાવવાહી છે.

આ પ્રકારનાં મિથુન-શિલ્પો કરવામાં સ્થપતિઓ, શિલ્પીઓ પોતાનો ધર્મ હોવાનું માનતા હતા, એવો એક તર્ક છે. વળી મંદિર કરાવનાર જો આવાં શિલ્પો કરવાની ના પાડે તોપણ તેઓ છાનાંછપનાં, ન સમજાય તે રીતે અમુક પ્રતીકથી એવાં મિથુનશિલ્પો તો કરતા જ. આમ સ્ત્રી-પુરુષનાં મૈથુનશિલ્પ મારફત ફળદ્રૂપતાનું પ્રતીક દર્શાવાય છે. સૂર્ય પણ ફળદ્રૂપતાનું પ્રતીક રહ્યો છે. તે ન ઊગે તો પાક થાય નહિ. માટે સૂર્યનાં મંદિરો – કોણાર્ક, મોઢેરા –માં મિથુન-શિલ્પો સ્પષ્ટ નજરે પડે છે. શિવનું પ્રતીક લિંગ. લિંગ અને યોનિ ફળદ્રૂપતા માટેનાં જ પ્રતીક છે. એ રીતે શૈવ મંદિરોમાં કામશાસ્ત્રનાં વિવિધ આસનો કંડારેલાં હોય છે. વળી મંદિરમાં પ્રવેશનાર વ્યક્તિ પોતાના મનમાં વિવિધ ભાવ સાથે દાખલ થાય છે. જેની મનોવૃત્તિ કામુક હોય તે મંદિરની બહાર કરેલાં કામુક શિલ્પો તરફ પોતાની ર્દષ્ટિ અને ભાવ સ્થિર કરે છે અને તે માનસિક રીતે શુદ્ધ થઈને મંદિરમાં દર્શનાર્થે જાય છે. જૈન ધર્મ વીતરાગના પ્રભુત્વવાળો છે, છતાં પણ રાણકપુર જેવા ત્રૈલોક્ય-દીપક–મંદિરમાં પ્રવેશતાં ભોગાસનોયુક્ત શિલ્પો નજરે પડે છે. મનુષ્ય ગમે તે ધર્મ પાળતો હોય, પણ તે સ્ત્રીપુરુષની ક્રીડા કે કામવાસનાથી મુક્ત હોતો નથી. તેથી અનેક મંદિરોની બહારની દીવાલો મૈથુન-શિલ્પોયુક્ત જણાય છે. અર્થાત્ લોકવ્યવહારની કલાઓ ધર્મમંદિરોમાં સ્થાન પામતાં તેમાં દિવ્યભાવનું તત્ત્વ ઉમેરાતાં તેમનો રસાસ્વાદ લોકોત્તર ભૂમિકાનો બને છે.

પ્રિયબાળાબહેન શાહ