મિત્સ્ક્યેવિચ, ઍડમ (બર્નાર્ડ) (જ. 24 ડિસેમ્બર 1798, ઝાઓસી, નોવગોરોડ, રશિયા; અ. 26 નવેમ્બર 1855, કૉન્સ્ટંટિનોપલ) : પોલૅન્ડના મહાન કવિ અને જીવનભર રાષ્ટ્રીય મુક્તિના લડવૈયા. 1815થી 1819 સુધીનાં 4 વર્ષ વિલ્નિયસ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ દરમિયાન 1817માં એક ગુપ્ત દેશપ્રેમી વિદ્યાર્થી-સંગઠનમાં જોડાયા, જે પાછળથી ‘ઍરેટૉફિલિસ’ સાથે ભળી ગયેલું. 1822માં ‘પોએટ્ર–1’ નામનો બૅલડ, રૉમાન્સ વગેરે કાવ્યપ્રકારો સહિતનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો; જેની પ્રસ્તાવનામાં આ યુરોપિયન કાવ્યપ્રકારો પ્રત્યેનો તેમનો અહોભાવ પ્રગટ કરીને કવિએ આ પ્રકારોને પોતાના દેશની ભાષામાં ઉતારવાની મહેચ્છા પ્રગટ કરી. 1823માં ‘પોએટ્ર–2’ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કર્યો, જેનો બીજો અને ચોથો ભાગ ‘ફૉરફાધર્સ ઈવ’ કૃતિમાં જોવા મળે છે. આ ભાગોમાં લોકસાહિત્ય તથા અધ્યાત્મલક્ષી દેશભક્તિના સંમિશ્રણ દ્વારા નવા પ્રકારની સાહિત્યકૃતિનું નિર્માણ થયેલું છે. ‘ઍરેટૉફિલિસ’ના અન્ય આંદોલનકર્તાઓ સાથે કવિને પણ રશિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારે મૉસ્કોમાં નિવાસ દરમિયાન તેઓ અનેક નામી રશિયન સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. પુશ્કિન સાથે મિત્રતા તેમને આ ગાળા દરમિયાન થયેલી. 1826માં ક્રિમિયાની મુલાકાત દરમિયાન સર્જાયેલાં તેમનાં કાવ્યો ‘ક્રિમિયન સૉનેટ્સ’ નામના સંગ્રહમાં પ્રસિદ્ધ થયાં છે, જેમનો ગુજરાતીમાં ‘ગુલે પોલાન્ડ’ (1939) નામે અનુવાદ ઉમાશંકર જોશીએ આપ્યો છે. 1828માં ‘કૉનૉડ વૉલનરોડ’ નામની કૃતિમાં તેમણે પ્યુટૉનિક અને લિથ્યુનિયન વચ્ચેના યુદ્ધની કથા આલેખી છે; પણ હકીકતમાં તેમાં પોલૅન્ડ અને રશિયા વચ્ચેના વર્ષોથી ચાલતા સંઘર્ષનું પ્રતીકાત્મક નિરૂપણ છે. કવિ 1832માં પૅરિસમાં સ્થાયી થયા અને ત્યાં બાઇબલની ગદ્યશૈલીમાં રચાયેલ ‘બુક્સ ઑવ્ ધ પૉલિશ નૅશન ઍન્ડ ઇટ્સ પિલ્ગ્રિમેજ’ ગ્રંથ પ્રકાશિત કર્યો. આ ગ્રંથ પૉલિશ પ્રજાના ઇતિહાસનું નૈતિક મૂલ્યાંકન ગણી શકાય. 1834માં મિત્સ્ક્યેવિચે સર વૉલ્ટર સ્કૉટની નવલકથાઓ ઉપર આધારિત ‘માસ્ટર થૅડ્યુઝ’ નામના મહાકાવ્યની રચના કરી. 1839માં તેમની નિયુક્તિ સ્વિટ્ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઑવ્ લૉરસેનમાં લૅટિન સાહિત્યના પ્રાધ્યાપક તરીકે થઈ, પણ એકાદ વર્ષમાં જ ત્યાંથી રાજીનામું આપી કૉલેજ દ ફ્રાન્સમાં સ્લાવૉનિક સાહિત્યના અધ્યાપક તરીકેની કામગીરી સ્વીકારી. 1844માં તેમને ઍન્ડિઝજ ટાઉઈ–આન્ક્રીના મૅસ્મેરિઝમના સિદ્ધાંતોનો પ્રચાર કરવાના ગુનાના આરોપસર ત્યાંની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. પોલૅન્ડમાં રાષ્ટ્રીય મુક્તિની ચળવળ ચાલુ હતી. તેને પોપનો ટેકો મળે તેવા હેતુથી પોપને સમજાવવા તેઓ 1848માં રોમ પહોંચ્યા. તે જ વર્ષમાં ઇટાલીમાં મુક્તિ-આંદોલનકારો પ્રેરિત બળવો ફાટી નીકળ્યો અને તેમણે એક નાનકડી સેના ઊભી કરી, જેનો હેતુ ઇટાલીના પક્ષે ઑસ્ટ્રિયા સામે લડવાનો અને પોલૅન્ડની મુક્તિ-ફોજનું કેન્દ્રબિંદુ બનવાનો હતો. 1849ના માર્ચથી ઑક્ટોબર દરમિયાન ‘પીપલ્સ ટ્રિબ્યૂન’ નામના સંઘર્ષવાદી પ્રગતિશીલ વૃત્તપત્રના સંપાદનકાર્યનો તેમણે સ્વીકાર કર્યો. 1852માં નેપોલિયન ત્રીજાએ તેમને કૉલેજ દ ફ્રાન્સની નોકરીમાંથી છૂટા કર્યા, પણ આર્સેનલમાં ગ્રંથપાલ તરીકે નિમણૂક કરી. 1855ના સપ્ટેમ્બરમાં તેમને પ્રિન્સ આદમ ઝાર્તોયેસ્કિએ ક્રિમિયન યુદ્ધમાં મિત્ર સૈન્યની પડખે રહી યુદ્ધ કરતા પોલૅન્ડના સૈનિકો વચ્ચેની તિરાડ ઓછી કરવા તુર્કસ્તાન મોકલ્યા, પરંતુ ત્યાં જતાં કૉન્સ્ટંટિનોપલ ખાતે તેમનું નિધન થયું.
મિત્સ્ક્યેવિચને પોલૅન્ડના સાહિત્યમાં રોમૅન્ટિક યુગના મુખ્ય કવિ તરીકે મૂલવવામાં આવે છે. તેમની કવિતામાં દેશભક્તિ, અધ્યાત્મવાદ તથા પોલૅન્ડના લોકજીવનના ધબકારનું ઊર્મિસભર નિરૂપણ છે. પોલૅન્ડની ભાવિ પેઢીના સાહિત્યકારોની પ્રેરણામૂર્તિરૂપ આ મહાન કવિની કૃતિઓમાં પોતાના દેશના નાગરિકોની ખ્રિસ્તી સિદ્ધાંતોના પાયા ઉપર પોલૅન્ડનું નવસર્જન કરવાની શક્તિમાં શ્રદ્ધા પ્રગટ થઈ છે. પોલૅન્ડના સાહિત્યમાં એક વિશિષ્ટ ભાત પાડનાર સાહિત્યકાર તરીકે મિત્સ્ક્યેવિચ ઍડમનું નામ અંકિત થયેલું છે.
પંકજ જ. સોની