મિત્ર, દીનબંધુ (જ. 1829, ચૌબેરિયા પી.એસ. નૉર્થ 24 પરગણા; અ. 1 નવેમ્બર 1873) : નાટકકાર. હેર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં 1850માં જુનિયર સ્કૉલરશિપ મેળવી. ત્યારપછી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. 1855માં તેમણે કૉલેજ છોડી અને પટનામાં પોસ્ટમાસ્ટર તરીકે તેઓ નિમાયા. શાળાના વિદ્યાર્થી હતા ત્યારથી જ તેઓ લખતા હતા. તે વખતના નામી કવિ ઈશ્વરચંદ્ર ગુપ્તનો તેમના પર ભારે પ્રભાવ હતો. તેમના સંપાદન હેઠળના ‘સંવાદ પ્રભાકર’માં દીનબંધુ કાવ્યો લખતા, પણ તેમને નામના મળી ‘નીલદર્પણ’ના રંગમંચનથી. નાટકો જોનાર સીમિત જનતાની રુચિ શિથિલ થતી જતી હતી ત્યારે દીનબંધુએ મૂક ગ્રામીણ જનતાના આર્થિક શોષણ તરફ તેમની રુચિને આકર્ષિત કરી અને નાટ્યરચનામાં નવો ઉત્સાહ પૂર્યો. એ સમયે બંગાળનો સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ ગળીની ખેતીનો હતો અને તેના પર બ્રિટિશરોનો સંપૂર્ણ કાબૂ હતો. બ્રિટિશ માલિકોમાં સહાનુભૂતિનો અભાવ હતો. વહીવટી અધિકારીઓની નિષ્ક્રિયતા તથા ઉદાસીનતાને કારણે બગીચાના માલિકો ખેતમજૂરો સાથે દુર્વ્યવહાર ચલાવતા. દીનબંધુનું વતન જેસોર સૌથી વધુ દુર્દશાગ્રસ્ત હતું. આમ તેમણે તેમના પહેલા નાટક ‘નીલદર્પણ’(1860)માં અમાનવીય દુષ્ટતા અને યંત્રણાનું ભયંકર ચિત્ર રજૂ કર્યું છે. નાટક તરીકેના કેટલાક દોષો છતાં રંગભૂમિ પર પકડ જમાવનાર નાટક તરીકે તે ઘણું અસરકારક નીવડ્યું. પાત્રો સીધાં જ જીવનમાંથી લીધેલાં હતાં અને તેથી તેમનામાં તાર્દશતા અને સહજતા પ્રતીત થાય છે. ગળીના માલિકોનાં દૂષણને દૂર કરવામાં આ નાટકનો ઘણો મોટો ફાળો છે. મિત્રનું બીજું નાટક ‘નવીન તપસ્વિની’ (1863) એક પ્રહસનકથા ‘મેરી વાઇવ્ઝ ઑવ વિન્ડસર’ અને એક દેશી લોકકથાના સમન્વયથી રચાયું છે. શૈલી કૃત્રિમ અને ચરિત્રચિત્રણ યાંત્રિક છે. ત્રીજું નાટક ‘સધવાર એકાદશી’ (1866) એક વિવાહિત કન્યા પર ઠોકી બેસાડેલા વૈધવ્યને લગતી ઉત્તમ રચના છે. એ વ્યંગ્યાત્મક કરતાં સવિશેષ ઠઠ્ઠાચિત્ર જેવું છે. નાટકનું કથાનક શિક્ષિત યુવાવર્ગના સ્વૈરાચાર પર રચાયેલા મધુસૂદન દત્તના પ્રહસનના નમૂના પર રચાયેલું છે. કેન્દ્રવર્તી પાત્ર નિમચંદ દત્તની કલ્પના પ્રશંસનીય છે અને એને કારણે જ આ નાટક માત્ર પ્રહસન ન રહેતાં ટ્રૅજેડીની ઊંચાઈ સુધી પહોંચી શક્યું છે. મિત્રની બીજી રચનાઓ પ્રહસન કે ફાર્સરૂપ છે. એમાં ‘લીલાવતી’ (1867), ‘કમલે-કામિની’ (1873) વગેરેનો સમાવેશ થાય છે.

દીનબંધુ મિત્ર
મિત્રનાં નાટકો જાહેર થિયેટરના આરંભના દિવસોમાં રંગભૂમિનાં નાટકો તરીકે સંપૂર્ણપણે સફળ થયાં હતાં. પહેલાં ખાનગી રંગમંચ પર નાટકો ભજવાતાં. રાષ્ટ્રીય ઉત્સાહના એ દિવસોમાં પછી ‘ધ નૅશનલ થિયેટર’નો સ્થાયી રંગમંચ આવ્યો. ‘ધ નૅશનલ થિયેટર’ની શરૂઆત 1872માં મિત્રના ‘નીલદર્પણ’ અને બીજાં નાટકોથી થઈ અને તેમાં ભારે સફળતા મળી. તેમનાં નાટકો હળવા હાસ્યથી, વિનોદથી ભરપૂર છે. નાટકપ્રિય જનતાને ચરિત્રચિત્રણ કે નાટ્યક્ષમતાની અપેક્ષાએ અહીં છે એવાં હાસ્યવિનોદ વધુ સ્વીકાર્ય હતાં. ભલે મિત્રે બંગાળી નાટકના વિકાસમાં ઓછું પ્રદાન કર્યું હોય પણ તેમના જમાનામાં શોષિત સમાજનું કથાનક રજૂ કરતાં તેમનાં નાટકો જાહેર રંગમંચ પર પ્રચારમૂલ્યની ર્દષ્ટિએ પણ પ્રભાવશાળી પુરવાર થયાં હતાં.
અનિલા દલાલ