મિત્ર, તૃપ્તિ (જ. 25 ઑક્ટોબર 1925, દિનાજપુર, બંગાળ, બ્રિટિશ ઇન્ડિયા; અ. 24 મે 1989, કૉલકાતા) : બંગાળી રંગભૂમિનાં અગ્રેસર નટી અને શંભુ મિત્રનાં પત્ની. તેમણે પણ શંભુ મિત્રની જેમ જ બંગાળના નવનાટ્ય-આંદોલનમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. પ્રારંભમાં શંભુ મિત્ર સાથે વિશ્વરૂપ નાટ્યસંસ્થામાં કામ કર્યું અને પછી ‘બહુરૂપી’ સંસ્થા સાથે સંકળાયાં. 1950માં ‘ચનેરા તાર’માં ફૂલજનની ભૂમિકા ભજવી. એ પછી ‘વિસર્જન’, ‘રાજા’ અને ‘રાજા ઇડિપસ’માં તેમણે રાણીઓના પડકારરૂપ પાઠ ભજવ્યા. એ જ રીતે ‘ચુપ અદાલત ચોલછે’, ‘અપરાજિતા’ અને ‘બાકી ઇતિહાસ’માં તૃપ્તિ મિત્ર પોતાની ભૂમિકાઓથી ખૂબ પ્રખ્યાત બન્યાં. આ બધાંની સાથોસાથ તેમણે શંભુદા સાથે નવનાટ્ય-આંદોલન માટે નાટ્યનિર્માણનાં કાર્યો અર્થે એક તાલીમ સંસ્થા પણ ઊભી કરી. આ ગાળામાં ‘સેતુ’ એમનું મહત્વનું નાટક હતું. સાહજિકતા તથા સ્વયંસ્ફૂર્તતા એમના અભિનયની વિશેષતા હતાં. આ નટદંપતીએ પોતાની પુત્રી સોનાલીને પણ અભિનયની તાલીમ આપી છે.
હસમુખ બારાડી