મિત્રાવરુણૌ : બે પ્રાચીન ભારતીય વૈદિક દેવો. વૈદિક દેવોમાં કેટલાક દેવો યુગલ રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે. ઋગ્વેદનાં કુલ સાઠ સૂક્તોમાં આવા બાર દેવોની સ્તુતિ મળે છે. તે પૈકી સૌથી વધુ સૂક્તો (23) મિત્રાવરુણૌનાં છે. તે ઉપરાંત, કેટલાંક સૂક્તોમાં આંશિક રૂપે પણ આ દેવોને સંબોધ્યા છે. ‘દ્યાવાપૃથિવી’ પછી વિશેષ ઉલ્લેખાયેલા યુગ્મદેવો તે ‘મિત્રાવરુણૌ’ છે. તેમાં મિત્ર અને વરુણ એ બે દેવોનું યુગ્મ સ્વરૂપ સ્વીકારાયું છે. આ બંને દેવો અલગ અલગ રૂપે ઉદબોધન પામ્યા હોય તેવાં સૂક્તોની તુલનામાં બંને દેવોનું જેમાં યુગ્મ સ્વરૂપે ઉદબોધન કરાયું હોય તેવાં સૂક્તોની સંખ્યા વધારે છે.
‘મિત્રાવરુણૌ’માંના વરુણ મુખ્ય વૈદિક દેવ છે, જ્યારે મિત્રની મહત્તા ખાસ જળવાઈ નથી; તો બીજી બાજુ મિત્રદેવ સવિતાથી અભિન્ન જણાય છે, પણ વરુણદેવનો પ્રાકૃતિક આધાર બહુ સ્પષ્ટ નથી. અવેસ્તાના ‘મિથ્ર’ કે જે વિશ્વસનીયતાના રક્ષક તથા સૂર્યના પ્રતીકરૂપ છે તે જ વૈદિક દેવ મિત્ર જણાય છે, જ્યારે વરુણનું અવેસ્તાના અહુર સાથે અને મઝ્દનું મિત્ર સાથે સ્વરૂપગત સામ્ય સ્વીકારાય છે. અવેસ્તામાં પણ અહુર અને મિથ્રને પરસ્પર જોડવામાં આવ્યા છે. વરુણ પહેલાં પ્રકાશના દેવ હતા અને પછી જળના દેવ થયા એમ કેટલાક માને છે. સળગાવાયેલા અગ્નિને પણ વરુણ કહે છે. ઋગ્વેદનાં વિવિધ સૂક્તોમાં પ્રાપ્ત થતાં, ‘મિત્રાવરુણૌ’નાં લક્ષણો આ પ્રમાણે છે :
મિત્રાવરુણૌ યુવાન, પ્રકાશમાન, ઉજ્જ્વળ, અરુણિમ ને ભયંકર છે. સૂર્ય તેમનાં નેત્ર છે. તેઓ સુંદર હાથવાળા, પગ વડે શીઘ્ર ગતિ કરનાર, ઘૃતનાં વસ્ત્ર પહેરનાર, પોતાના રથમાં બેસી દ્યુલોકમાં ભ્રમણ કરનાર તથા સૂર્યકિરણો દ્વારા રથને હાંકનાર છે.
તેમનું ઘર સુવર્ણથી બનેલું ને દ્યુલોકમાં આવેલું છે. તેમનું આસન મહાન, ખૂબ ઊંચું, ર્દઢ અને સહસ્ર સ્તંભોવાળું છે. તેમના ઘરમાં હજાર દ્વાર છે. ઉદિત થઈને સૂર્ય તેમના ઘરમાં પ્રવેશે છે.
તેમને દેવોમાં રહસ્યમય ને ઉદાત્ત કહ્યા છે તથા તેમના દિવ્ય પ્રદેશને માયા કહ્યો છે. તેઓ જ ઉષાને ઉત્પન્ન કરનાર, સૂર્યને આકાશમાં જવા પ્રેરનાર તથા વર્ષા કરાવનાર છે. તેઓ પૃથ્વી અને આકાશને અથવા દ્યુલોક, પૃથ્વી અને વાયુને ધારણ કરનાર છે. તેમણે જ જલમાં અગ્નિની, આકાશમાં સૂર્યની તથા પર્વતો પર સોમની સ્થાપના કરી છે. ભૌતિક તેમજ નૈતિક વ્રતો, નિયમો કે વિધાનોના ઉદઘોષક એવા તેઓ અસુરરૂપી ગુહ્ય શક્તિ દ્વારા વિભિન્ન વિધાન કરે છે ને સંસાર પર શાસન કરે છે. સુર્દઢ રૂપે સ્થાપિત થયેલ તેમનાં વિધાન(= ઋત)નું અનુસરણ સ્વયં દેવો પણ કરે છે. તેઓ ઋત અને પ્રકાશના અધિપતિ તથા નિયમોના પાલક મનાયા છે. તેમના માટે ‘ધૃતવ્રત’ – એ ઉપાધિનો પ્રયોગ થયો છે.
તેઓ પોતાના બુદ્ધિમાન ગુપ્તચરોને જુદા જુદા લોકોને ઘેર મોકલે છે. પોતાની ઉપાસના પ્રતિ ઉપેક્ષા કરનારને તેઓ વિભિન્ન વ્યાધિઓની પીડા આપે છે. તેઓ મિથ્યાવાદિતાને દૂર ભગાડનાર, ઘૃણા કરનાર તથા દંડ આપનાર છે, પરંતુ પશ્ચાત્તાપ કરનાર પ્રતિ તેઓ દયા દાખવે છે. મનુષ્યોએ પોતે કરેલાં કે પિતૃઓએ કરેલાં પાપોમાંથી તેઓ મુક્તિ આપે છે તથા અજાણતાં નિયમભંગ કરનાર પ્રતિ કૃપા વરસાવે છે.
‘મિત્રાવરુણૌ’ના ગુણો ને કાર્યોમાં ઘણુંખરું વરુણદેવના જ ગુણો ને કાર્યો વર્ણવાતાં જણાય છે.
દેવો અને મનુષ્યો બધા જ તેમના નિયમોને માન આપે છે. તે બંનેના ઘેર જ પરા વાણી જન્મ પામી છે. ભાગવત–2/1/32માં મિત્રાવરુણને પરમાત્માના અંડકોશ કહ્યા છે. ઊર્વશી નામની અપ્સરાને જોતાં બંનેનાં વીર્યનું સ્ખલન થતાં મિત્રના અંશથી વસિષ્ઠ અને વરુણના અંશથી અગસ્ત્યનો જન્મ થયો; પરંતુ બંનેએ તે બદલ ઊર્વશીને મનુષ્ય તરીકે જન્મવાનો શાપ આપ્યો.
કાશીમાં આ બંને દેવોનાં બે શિવલિંગો છે અને તેમની પૂજા કરવાથી સ્વર્ગ મળે છે એવી માન્યતા પ્રચલિત છે. પ્રજાપતિએ મિત્રાવરુણ સાથે કરેલા યજ્ઞકુંડમાંથી ઇલાનો જન્મ થયો હતો.
ભગવતીપ્રસાદ પંડ્યા
જાગૃતિ પંડ્યા