મિતાલી રાજ (જ. 3 ડિસેમ્બર 1982, જોધપુર) : મહિલાક્રિકેટની સુપર સ્ટાર.
જન્મ તમિલ પરિવારમાં થયો હતો. તેનો ઉછેર હૈદરાબાદ, તેલંગાણામાં થયો હતો, જ્યાં તેને ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટમાં રસ પડ્યો. તેના પિતા દોરાઈ રાજ ભારતીય વાયુસેનામાં સેવા આપતા હતા અને તેની માતા લીલા રાજ, તેની રમતગમતની મહત્ત્વાકાંક્ષાઓને પોષતાં હતાં. શરૂઆતમાં, મિતાલીએ શાસ્ત્રીય નૃત્ય(ભારતનાટ્યમ)માં તાલીમ લીધી હતી, પરંતુ બાદમાં તેનું ધ્યાન ક્રિકેટ તરફ વળ્યું. તેણે દસ વર્ષની ઉંમરે ગંભીરતાથી રમત રમવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ અસાધારણ પ્રતિભા દર્શાવી. તેણે હૈદરાબાદમાં કીઝ હાઇસ્કૂલ ફોર ગર્લ્સ અને સિકંદરાબાદમાં કસ્તૂરબા ગાંધી જુનિયર કૉલેજ ફોર વિમેનમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેણે પ્રાથમિક શાળામાં તેના મોટા ભાઈ સાથે ક્રિકેટ કોચિંગ મેળવ્યું. રાજે ઘરેલુ ચૅમ્પિયનશિપ માટે રેલવેમાં જોડાતાં પહેલાં ઍર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
1997ના મહિલાક્રિકેટ વર્લ્ડકપ માટે તેનું નામ ચૌદ વર્ષની ઉંમરે સંભવિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ તે અંતિમ ટીમમાં સ્થાન મેળવી શકી ન હતી. તેણે 1999માં, માત્ર 16 વર્ષની વયે આયર્લૅન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું અને અણનમ 114 રન બનાવ્યા હતા. તેણે 2001- 02 સીઝનમાં દક્ષિણ આફ્રિકા સામે લખનઉ ખાતે ભારત વતી પ્રથમ ટેસ્ટ મૅચ રમી હતી. 2005માં, રાજ ભારતની કાયમી કૅપ્ટન બની. તે એકમાત્ર મહિલાખેલાડી છે જેણે એક કરતાં વધુ ICC ODI વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની કૅપ્ટનશિપ કરી છે- 2005 અને 2017માં. 1 ફેબ્રુઆરી 2019 ના રોજ, ન્યૂઝીલૅન્ડની મહિલાટીમ સામે ભારતની શ્રેણી દરમિયાન, મિતાલી રાજ 200 ODI મૅચ રમનારી પ્રથમ મહિલા બની .2019માં, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ મહિલાખેલાડી બની. 2005માં દક્ષિણ આફ્રિકામાં, રાજે ભારતને મહિલાક્રિકેટ વર્લ્ડકપમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચાડ્યું, જ્યાં જોકે તેઓ ઑસ્ટ્રેલિયા સામે હારી ગયા અને ઑગસ્ટ 2006માં તેણીએ પોતાની ટીમને ઇંગ્લૅન્ડમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણીમાં જીત અપાવી.
રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકૉર્ડ ધરાવે છે. તે મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) મૅચોમાં 7000 રનને પાર કરનારી એકમાત્ર મહિલા ક્રિકેટર છે. વળી તે ODIમાં સતત સાત વખત 50 રન બનાવનારી પ્રથમ ખેલાડી છે. તેણી WODI માં સૌથી વધુ અડધી સદીનો રેકૉર્ડ પણ ધરાવે છે. જૂન 2018માં મહિલા ટ્વેન્ટી(20) એશિયા કપ દરમિયાન, તે T20I માં 2000 રન બનાવનારી ભારતની જ નહીં, પણ વિશ્વની પ્રથમ મહિલાખેલાડી બની. જુલાઈ 2021માં, રાજે ચાર્લોટ એડવર્ડ્સના 10,273 રનનો રેકૉર્ડ તોડીને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો. 2013ના મહિલા વર્લ્ડકપમાં, રાજ નંબર 1 મહિલા ODI ક્રિકેટર હતી. રાજ ભારત માટે ODI અને T20I માં સૌથી વધુ મૅચોમાં કૅપ્ટનશિપ કરનાર ખેલાડી છે. ડિસેમ્બર 2017માં તેણે ICC મહિલા ODI ટીમ ઑફ ધ યરમાં રમી હતી.
મિતાલી રાજ 2004 થી 2022 સુધી રાષ્ટ્રીય મહિલાટીમની કૅપ્ટનશિપ કરી હતી. તેમના શાંત નેતૃત્વ અને મજબૂત બૅટિંગ પ્રદર્શને ભારતીય મહિલાક્રિકેટને વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવામાં મદદ કરી. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને ESPN એ તેણીને સર્વકાલીન મહાન મહિલાક્રિકેટરોમાંની એક તરીકે સ્થાન આપ્યું છે. રાજને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં 2017માં વિઝડન લીડિંગ વુમન ક્રિકેટર ઇન ધ વર્લ્ડ, 2003માં અર્જુન ઍવૉર્ડ, 2015માં પદ્મશ્રી અને 2021માં મેજર ધ્યાનચંદ ખેલરત્નનો સમાવેશ થાય છે. ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ ધરાવતી યુવાન છોકરીથી મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવા સુધીની મિતાલી રાજની સફર ખરેખર પ્રેરણાદાયક છે, આથી જ તેને ઘણી વાર “ભારતીય મહિલાક્રિકેટની રાણી” કહેવામાં આવે છે. તેમણે ભારતમાં મહિલાક્રિકેટને લોકપ્રિય બનાવવામાં અને યુવાન છોકરીઓને રમતગમત માટે પ્રેરણા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મિતાલીના જીવન અને સંઘર્ષ પર ‘શાબાશ મિઠ્ઠુ’ ફિલ્મ પણ બની છે.
ત્રિલોક સંઘાણી
