મિગ્મેટાઇટ

February, 2002

મિગ્મેટાઇટ : ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ સમકક્ષ ખડકનાં અને શિસ્ટનાં વારાફરતી ગોઠવાયેલાં પાતળાં પડો કે વિભાગોથી બનેલો ખડક. મિશ્ર નાઇસ (ગ્રૅનાઇટિક મૅગ્માની પ્રાદેશિક ખડકમાં ઘનિષ્ઠ આંતરપડ-ગૂંથણી થવાથી પરિણમતો પટ્ટાદાર ખડક) અને એવા જ બંધારણવાળો પ્રવિષ્ટ નાઇસ (injection gneiss) અથવા લિટ-પાર-લિટ નાઇસ તેનાં ઉદાહરણો છે. આ જ કારણે મિગ્મેટાઇટ એ પ્રવિષ્ટ નાઇસનો સમાનાર્થી પર્યાય છે. મિગ્મેટાઇટ એ બે ઉદભવસ્રોત દ્વારા તૈયાર થયેલો મિશ્રખડક છે. એક તો પૂર્વ-અસ્તિત્વ ધરાવતો યજમાન-ખડક (મોટેભાગે વિકૃત ખડક) અને બીજો પછીથી તેમાં અંતર્ભેદન પામતો ગ્રૅનાઇટ (કે ગ્રૅનાઇટ સમકક્ષ દ્રવ્ય) જે મૅગ્માજન્ય હોય, ઉષ્ણજળજન્ય દ્રાવણ હોય અથવા યજમાન ખડકનું અન્ય કોઈ રીતે ગલન થયું હોય. ગમે તે હોય, યજમાન-ખડક અને પ્રવિષ્ટ થતા દ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થતી હોય છે; જેથી જુદા જ પ્રકારની આગવી સંરચનાવાળો નવો ખડક રચાય છે તે મિગ્મેટાઇટ કહેવાય છે. જૂનાં મૂળભૂત લક્ષણો અને ખડકમાળખાં સાવ ભૂંસાઈ જાય છે, તૈયાર થતો ખડક સુઘટ્ય (plastic) સ્થિતિમાંથી પસાર થાય છે, પ્રવાહ-ગેડરચના(ટિગ્મેટિક ગેડીકરણ)નો વિકાસ થાય છે, પરંતુ કોઈ કારણે થોડાંક પણ જૂનાં લક્ષણો રહી જવા પામે તો તે ખડકને ‘નેબ્યુલાઇટ’ કહે છે; કણરચના–સંરચના જેવાં બધાં જ મૂળ લક્ષણો નાશ પામે તો તેને ‘ઍનાટેક્સાઇટ’ પણ કહેવાય; જ્યારે આખા યજમાન ખડકમાં પ્રવિષ્ટ દ્રવ્યને કારણે શિરાઓની ગૂંથણીની રચના વિકસે તો એવા ખડકને ‘ઍગ્મેટાઇટ’ કહેવાય (લિટ-પાર-લિટ રચના). મિગ્મેટાઇટ મોટેભાગે તો પ્રાદેશિક વિકૃતિની ઉચ્ચ કક્ષામાં તૈયાર થતા હોય છે; પરંતુ સંપર્કવિકૃતિજન્ય મિગ્મેટાઇટ પણ ગ્રૅનાઇટ-સંપર્ક-વિભાગમાં બની શકે છે.

ગિરીશભાઈ પંડ્યા