મિક્સૉવિષાણુ

February, 2002

મિક્સૉવિષાણુ (myxovirus) : મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષીઓને ચેપ લગાડી મુખ્યત્વે શ્વસનતંત્રના કે ચામડીના રોગ ઉપજાવનાર પ્રાણી–વિષાણુઓનો એક વર્ગ.

આ વિષાણુઓ ચીકણા સ્તરના મ્યૂસિન પર ચોંટતા હોવાથી તેમને મિક્સૉવિષાણુ કહે છે. આ વિષાણુઓમાં આવેલા RNAના અણુઓ સામાન્ય RNA કરતાં સાવ જુદા હોય છે. તેમનું સંશ્લેષણ DNAના અણુ પર આધારિત નથી. તેના સંશ્લેષણ માટે કારણભૂત ઉત્સેચકને RNA–અવલંબિત (dependent) – RNA પૉલિમરેઝ અથવા રેપ્લિકેઝ કહે છે.

આ વિષાણુ RNA સામાન્યપણે ઋણ (–) RNA તરીકે ઓળખાય છે.

વિષાણુઓના ન્યૂક્લીઇક ઍસિડ અને તેની ફરતે આવેલા કવચ સાથેના ભાગને ન્યૂક્લિયોકૅપ્સિડ કહે છે. તેની રચના નળાકાર (helicle) છે. ન્યૂક્લિયોકૅપ્સિડની ફરતે લિપિડોનું બનેલ એક બાહ્ય કવચ આવેલું હોય છે. આ કવચમાંથી ગ્લાયકો-પ્રોટીનના બનેલા બે પ્રકારના ખીલા (spike) જેવાં અંગો નીકળે છે : (1) હીમેગ્લ્યુટિનિન ઍરિજન સ્પાઇક (hemagglutinin spike – H spike); (2) ન્યૂરામિનિડેઝ એન્ઝાઇમ સ્પાઇક (neuraminidase enzyme spike – N spike). આ બંને ખીલાઓના આકારના હોય છે અને તેમનાં કાર્ય સાવ જુદાં હોય છે.

મિક્સૉવિષાણુને બે વિભાગમાં વહેંચવામાં આવે છે :

(અ) ઑર્થોમિક્સૉવિષાણુ : આ પ્રકારમાં ઇન્ફ્લુએન્ઝા વિષાણુની ત્રણ સીરોટાઇપ એ, બી અને સીનો સમાવેશ થાય છે. તેઓ ગોળાકાર જ્યારે કદમાં 80થી 120 નૅનોમીટર જેટલા હોય છે. તેમાં આવેલા ન્યૂક્લિયોકૅપ્સિડની લંબાઈ 50થી 60 નૅનોમીટર અને પહોળાઈ 9થી 10 નૅનોમીટર જેટલી હોય છે. RNAની કુંતલ આઠ ટુકડામાં વહેંચાયેલી હોય છે અને તેનું ગુણન યજમાન કોષના (કોષ) કેન્દ્રમાં થાય છે.

(આ) પૅરામિક્સૉવિષાણુ : આ પ્રકારમાં પૅરાઇન્ફ્લુએન્ઝા, ગાલ-પચોળું, ઓરી વગેરેના, ઢોરમાં થતા રિન્ડર સ્પૉટ, કૂતરામાં થતા ડિસ્ટેમ્પર (canine distemper) અને પક્ષીઓમાં થતા ન્યૂકેસલ રોગના તથા નાનાં બાળકોમાં થતા શ્વસનતંત્રના રોગ(respiratory syncytial virus)ના વિષાણુઓનો સમાવેશ થાય છે.

આ વિષાણુઓનું કદ 125 નૅનોમીટરથી 250 નૅનોમીટર જેટલું હોય છે. તેમાં આવેલ ન્યૂક્લિયોકૅપ્સિડનું કદ 18 નૅનોમીટર અને લંબાઈ 1,000 નૅનામીટર જેટલી હોય છે. તે નળાકાર રચના ધરાવે છે.

પ્રમોદ રતિલાલ શાહ