માહે : પૉંડિચેરી અંતર્ગત આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 11° 42´ ઉ. અ. અને 75° 32´ પૂ. રે. ભૌગોલિક ર્દષ્ટિએ તે કેરળના ઉત્તર ભાગમાં મલબાર કિનારે આવેલો છે, પરંતુ વહીવટી ર્દષ્ટિએ તે કેન્દ્ર સરકારના શાસન હેઠળ છે. પાડિચેરીથી તે 830 કિમી. અંતરે આવેલો છે. તેની ઉત્તરે પોન્નિયાર નદી, પશ્ચિમે અરબી સમુદ્ર તથા બાકીની બધી બાજુએ ચૂનાખડકથી બનેલી મધ્યમ ઊંચાઈવાળી ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓ પેરિયાઘાટ સાથે જોડાયેલી છે. માહેનગર માહે પ્રદેશનું મુખ્ય મથક છે. જિલ્લાનો કુલ વિસ્તાર માત્ર 9 ચોકિમી. જેટલો જ છે.

વિસ્તાર : અહીંથી પશ્ચિમ તરફ વહેતી નાનકડી માહે નદી આ પ્રદેશને બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચી નાખે છે. જિલ્લો મુખ્ય ત્રણ એકમોમાં વિભાજિત કરવામાં આવેલો છે : તળ માહે નગર વિભાગ, કલ્લાયી જૂથ અને નાલુથુરા જૂથ. નગર વિભાગ માહે નદીના દરિયાઈ સંગમની દક્ષિણે આવેલો છે. નાલુથુરા જૂથ ઉત્તરમાં આવેલી પોન્નિયાર નદી અને દક્ષિણે આવેલા કોઝીકોડ-તેલ્લીચેરી માર્ગની વચ્ચે આવેલું છે, જ્યારે બેની વચ્ચે કલ્લાયી જૂથ આવેલું છે. માહે નગર કેરળના કોઝીકોડ જિલ્લાના બદાગરા તાલુકા સાથે જોડાયેલું છે. માહેના બીજા બે એકમો કેરળના કેનાનૂર જિલ્લા સાથે જોડાયેલા છે.

માહે

ભૂપૃષ્ઠજળપરિવાહ : મલબાર કિનારા પર આવેલો માહેનો પ્રદેશ ભરપૂર વરસાદ મેળવે છે. મલબાર કિનારા-પટ્ટીની અહીંની જમીન લાલ રંગની, પડખાઉ – લૅટેરાઇટિક પ્રકારની છે. આ પ્રદેશમાં માહે અને પોન્નિયાર બે નાની નદીઓ વહે છે. માત્ર 2 કિમી.ના અંતરમાં વહેતી માહે નદી અરબી સમુદ્રને મળે છે અને માહે નગરની ઉત્તર સરહદ રચે છે. આ સરહદ ઉત્તર તરફના કલ્લાયી અને નાલુથુરાને અલગ પાડે છે.

ખેતી : અહીં વર્ષમાં ત્રણ વાર ડાંગરનો પાક લેવાય છે; તે ઉપરાંત ટેપિયોકા, કેળાં, સોપારી (એરિકાનટ), મરી અને નાળિયેરી પણ થાય છે. ખેતી માટેનાં સાધનો સરકાર તરફથી ઓછા દરે મળે છે. અહીં પશુઓમાં મુખ્યત્વે ગાય, ભેંસ અને કૂતરાં જોવા મળે છે. જાહેર જનતા માટે દૂધ-પુરવઠા સહકારી મંડળીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. માહે નદીના નાળ-વિભાગમાંથી માછલીઓ મેળવવામાં આવે છે. પોન્નાની–મૅંગલોર વચ્ચેનો કિનારા પરનો મત્સ્યઉછેર-પટ્ટો અહીંથી પસાર થાય છે.

ઉદ્યોગવેપાર : પાડિચેરીના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળના મોટાભાગના ઉદ્યોગો પાડિચેરી અને કરાઇકલ ખાતે સ્થિત હોવાથી અહીં માત્ર 60 જેટલા નાના પાયા પરના એકમો કામ કરે છે. અહીં કેનાનોર સ્પિનિંગ અને વીવિંગ મિલ આવેલી છે. તેમાં આશરે 1,000 જેટલા માણસો કામ કરે છે. 436 જેટલા લોકો અન્ય એકમોમાં કામ કરે છે. અહીં ઉત્પન્ન થતા સૂતરની તથા થોડા પ્રમાણમાં માછલીઓની નિકાસ થાય છે, જ્યારે મદ્યની આયાત કરવામાં આવે છે. વેપાર અને લોકોની સગવડ માટે બૅંકોની તથા સહકારી મંડળીઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

પરિવહનપ્રવાસન : અહીંના માર્ગો ઊંચાણનીચાણવાળા હોવાથી પગરિક્ષાઓનું ચલણ નજીવું છે, પરંતુ ઑટોરિક્ષાઓનું પ્રમાણ વધુ છે. કેરળ રાજ્ય પરિવહન નિગમની લાંબા માર્ગની બસો અહીંથી પસાર થાય છે. માહે રેલમથક હોવા ઉપર નાનું બંદર પણ છે. અહીંના બંદર પર એક દીવાદાંડી આવેલી છે. આ પ્રદેશવિસ્તાર નાનો અને કુદરતી ર્દશ્યોથી ભરપૂર છે. અહીં કુટ્ટિચંથનનાં અને ભગવતીનાં મંદિરો છે. માહે નદીના કાંઠા પર 16મી સદીમાં બાંધેલી એક જૂની પુઝાકલ જુમામસ્જિદ છે. તે વખતે હિન્દુ મંદિરો અને મસ્જિદો બાંધનારા સ્થપતિઓ કેરળના હોવાથી આ મસ્જિદનો આગળનો ભાગ હિન્દુ મંદિર જેવો દેખાય છે. અહીં આવેલા સંત થેરેસા દેવળમાં દર વર્ષે ઑક્ટોબરમાં મહોત્સવ યોજાય છે.

વસ્તી : 1991 મુજબ માહે પ્રદેશની વસ્તી 33,447 જેટલી છે. તે પૈકી 15,516 પુરુષો અને 17,931 સ્ત્રીઓ છે. લોકો તમિળ, તેલુગુ અને મલયાળમ ભાષાઓનો ઉપયોગ કરે છે. મુખ્ય વસ્તી હિન્દુઓ (22,714), મુસ્લિમો (9,974) અને ખ્રિસ્તીઓ(747)ની છે. અહીં 1 તાલુકો અને 1 સમાજવિકાસ-ઘટક આવેલા છે. આ પ્રદેશમાં 4 નગરો છે, જ્યારે ગામડું એક પણ નથી.

ગિરીશભાઈ  પંડ્યા