માશાદો ય રીઝ, ઍન્ટોનિયો (જ. 26 જુલાઈ 1875, સેવિલે; અ. 21 ફેબ્રુઆરી 1939, કૉલિયોર, ફ્રાન્સ) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. તેમના પિતા સેવિલેના જાણીતા લોકસાહિત્યકાર હતા. 1883માં તેઓ સપરિવાર માડ્રિડ જઈ સ્થાયી થયા. તેમણે લિબ્ર દ એન્સેનાઝા ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ લીધું. કેટલોક સમય તેમણે પૅરિસમાં અનુવાદક તરીકે કામ કર્યું. કવિ દારિયોના તેઓ મિત્ર અને વિદ્યાર્થી હતા; પણ પછી તરત દારિયોની કવિતાથી તેઓ અલગ દિશામાં ફંટાયા. આમ છતાં આધુનિકવાદના સ્થાપક દારિયો પ્રત્યેનો તેમનો આદર ઓછો થયો નહોતો. કાસ્ટિલમાં સોરિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેઓ ફ્રેન્ચના પ્રાધ્યાપક બન્યા અને પત્ની સાથે ત્યાં જ રહ્યા. 1912માં તેમની પત્નીનું અવસાન થયું. 1911માં માશાદોએ પૅરિસમાં હેન્રી બર્ગસનનાં વ્યાખ્યાનો સાંભળ્યાં અને તેમની ફિલસૂફીથી પ્રભાવિત થયા. 1912થી 1919 સુધી તેમણે હાયેન બાયેઝા ઇન્સ્ટિટ્યૂટ ખાતે શિક્ષણકાર્ય કર્યું, ત્યારબાદ સેગોવિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે. ત્યાં તેમણે પ્રાથમિક શાળા સ્થાપી. 1926માં તેમણે તેમના ભાઈ મૅન્યુઅલ સાથે મળીને કેટલાંક સફળ નાટકો પર કામ આરંભ્યું. 1931માં તેમની બદલી માડ્રિડ થઈ. દરમિયાન તેમના સમકાલીન કવિઓ – માર્ટિનેઝ રીઝ, જિમેનેઝ અને ઉનામુનો – સાથે સંપર્ક જાળવી રાખ્યો. કવિતાસંબંધી નવા વળાંકોના ઉદયના તેઓ સાક્ષી હતા, પણ તેમના કામ પર તેની કશી અસર પડી નહોતી. સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે તેમણે ઉદારમતવાદી પ્રજાસત્તાક સ્પેનની તરફેણ કરી હતી. 1939માં તેઓ સ્પેન છોડીને ફ્રાન્સ ગયા, પરંતુ ત્યાંની માંદગી આખરી નીવડી.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૉલડાંડ’ 1903માં પ્રગટ થયો. 3 વર્ષ પછી તેની સંવર્ધિત આવૃત્તિ થઈ, જેમાં તેમની સાહિત્યિક કારકિર્દીના પ્રથમ તબક્કાનાં આત્મલક્ષી ચિંતનશીલ કાવ્યો છે. 1912માં ‘કૅમ્પૉઝ દ કૅસ્ટિલા’ના પ્રકાશન દ્વારા વધારે વિસ્તારક્ષમ, રૂપરચનાની સફાઈવાળી રચનાઓવાળી તેમની કવિતાના બીજા તબક્કાની શરૂઆત થઈ. આ સંગ્રહમાંની તેમની રચનાઓ તેમાંના વિચારો માટે નહિ, પરંતુ સ્પેન અંગેની સબળ વર્ણનાત્મક તથા સૂક્ષ્મ પરીક્ષણાત્મક ર્દષ્ટિ માટે તેમજ ઊંડી લાગણીઓના નિનાદ તથા અભિવ્યક્તિ માટે મહત્વની છે. તેમની કવિતા વિકાસ પામતી ગઈ. મૌલિકતા અને ઊંડાણવાળાં સ્ફટિક સમાન કાવ્યો ભણીની તેમની સંશોધનાત્મક યાત્રા ચાલતી રહી. જીવનસૂત્રોને રજૂ કરતાં અનુપ્રાસવાળાં મુક્તકોય તેમણે રચ્યાં. તેઓ જેનું સમર્થન કરતા હતા એ કાવ્યશાસ્ત્રનાં મૂળ બર્ગસોનિયન જીવનતત્વવાદ અને હાઇડેગરના અસ્તિત્વવાદમાં રહેલાં હતાં. તેમના ભાઈ મૅન્યુઅલની સાથેનાં માડ્રિડ થિયેટર માટેનાં પદ્યનાટકોનું વિષયવસ્તુ મોટેભાગે ઍન્ડૅલુશિયનના ઇતિહાસમાંથી લીધું હતું. અન્ય વિષયવસ્તુવાળાં નાટકો ‘લા અદેલ્ફા’ (1928), ‘લા લૉલા સે વા આ લા પીએતો’ (1930) અને ‘લા દીક્વેસાદ બેનામેઝ’ (1931) પણ સફળ રહેલાં.
તેમના ગદ્યનો સંચય ‘હવાન દ મરાશ’ (1936) તથા અન્ય પુસ્તકો પણ પ્રગટ થયાં છે : ‘દેઝદીયાસ દે લા ફોર્તુના, ઑ જુલિયાનિલો વલકાર્સેલ’ (1926), ‘હવાન દે મનારા’ (1927), ‘લા પ્રીમા ફર્નાન્દા’ (1931), ‘લા તીએરા દ અલ્વર ગોંઝાલ’ (1939), ‘ઑબ્રાઝ કૉમ્પ્લેતાઝ દ માન્યુએલ ઇ. એ. એમ.’ (1947, બીજી આવૃત્તિ 1957), ‘એઇટી પોએમ્સ ઑવ્ એ. એમ.’ (અનુવાદ સાથે સ્પૅનિશ લખાણ, 1959).
યોગેશ જોશી