માલ્હી, ગોવિંદ (જ. 5 ઑગસ્ટ 1921, ઠારૂશાહ, જિલ્લો નવાબશાહ, સિંધ) : સિંધી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર. મૂળ અટક ખટ્ટર. ‘માલ્હી’ તેમનું તખલ્લુસ છે. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી કલાના સ્નાતક. 1944માં એલએલ.બી. થયા.
સિંધની તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય ચેતનાના અનુસંધાનમાં એક જાગ્રત યુવકના નાતે તેઓ વિવિધ પ્રવૃત્તિઓની સાથે સંકળાયા. દલિતો અને ખેતમજૂરોના માનવ-અધિકારો માટે ઝૂઝ્યા તથા કોમવાદની વિરુદ્ધ અવાજ ઉઠાવવા તેઓ માર્કસવાદી પ્રવૃત્તિ સાથે પણ સંકળાયા. એ સાથે તેઓ સ્વાતંત્ર્ય-આંદોલનની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા.
કિશોરવયે 1936થી તેમણે લેખનની પ્રવૃત્તિ પ્રારંભી હતી. ટૂંકી વાર્તાઓ, એકાંકીઓ ઉપરાંત તેમણે નવલકથાઓ લખી છે. તેમની કૃતિઓ બહુધા આદર્શોન્મુખ અને યથાર્થવાદી રહી છે. જોકે વિભાજન બાદ તેઓ લેખનક્ષેત્રે વધુ ઝળકી ઊઠ્યા. વિભાજન-વિભીષિકાને તાર્દશ કરતી તેમની નવલકથા ‘પખીઅડા વલડખાં વિછડ્યા’ (‘માળેથી વિખૂટાં પડેલાં પારેવાં’, 1953) અત્યંત લોકપ્રિય બની રહી હતી. 1956માં પ્રકાશિત તેમની નવલકથા ‘શરમખૂટી’ ગુજરાતીમાં અનૂદિત થઈને 1959માં ‘પ્રેમી’ નામે પ્રગટ થઈ છે. તેમાં ખેડે તેની જમીન, એ વિષયને આવરી લઈ, કોમવાદની વિરુદ્ધમાં અને ભૂદાનના સમર્થનમાં કથાને ગૂંથી છે. 1972માં પ્રકાશિત તેમની નવલકથા ‘પ્યાર જી પ્યાસ’ને 1973નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. પ્રસ્તુત નવલકથામાં પુરુષપ્રધાન સમાજમાં નારીના શોષણની કથા વણી લેવામાં આવી છે.
મુંબઈમાં સ્થાયી થઈને તેમણે સિંધી કલાકારોની મંડળીના ઉપક્રમે એકાંકીઓ અને નાટકોના મંચીકરણની પ્રવૃત્તિઓ આરંભી હતી. ગાયિકા ભગવંતી નાવાણીની સાથે તેમણે ભારતભરની સિંધી વસાહતોમાં, નગરો તેમજ વિદેશોમાં સિંધી સંગીતના કાર્યક્રમો યોજ્યા હતા. ભારતમાં વેરવિખેર થયેલા સિંધી સમાજમાં ભાષા-સાહિત્યનો ઉત્તરોત્તર હ્રાસ થવાથી, રંગમંચ અને કંઠ્ય સંગીત દ્વારા સિંધી ભાષાના અસ્તિત્વને જીવંત રાખી શકાશે તેવી માન્યતાના અનુસંધાને તેમણે આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આરંભી હતી. એ આશયથી જ તેમણે ‘સિંધુઅ જે કિનારે’ નામક એક સિંધી ચલચિત્રનું પણ નિર્માણ કર્યું હતું.
તેમની 2 ડઝન નવલકથાઓ, એકાંકી તેમજ વાર્તાસંગ્રહો ઉપરાંત ‘અદબ ઐ અદીબ’ નામે તેમની આત્મકથા પણ પ્રગટ થઈ છે. તેમની આત્મકથામાં તેમણે બદલાતાં સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય મૂલ્યો તેમજ પ્રવાહોને આવરી લીધાં છે. 1998થી તેઓ ભારતીય સાહિત્ય અકાદમીના સિંધી એકમના કન્વીનરપદે નિયુક્ત થયેલા છે.
જયંત રેલવાણી