માલી (શહેર) : પ. આફ્રિકાના ઉત્તર ગિની રાજ્યના માલી પ્રાંતનું શહેર અને વહીવટી મથક. સ્થાન : 12° 05´ ઉ. અ. અને 12° 18´ પ. રે. ભૂપૃષ્ઠ: ફોયુટા(Fouta)ના ઉચ્ચપ્રદેશમાં આવેલું આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 1,400 મી.ની ઊંચાઈએ વસ્યું છે. આ શહેરની ઉત્તરે માઉન્ટ લોપુરા (1,956 મીટર) શિખર આવેલું છે. કોયુમ્બા (Koumba) નદીની શાખાનદી ટાન્ટોયુ (Tantou) આ શહેરથી અગ્નિદિશાએ આશરે 30 કિમી. દૂરના અંતરેથી વહે છે.
આબોહવા : સમુદ્રકિનારાથી અંતરિયાળ વિસ્તારમાં આ શહેર નિર્માણ પામ્યું હોવાથી તેનું તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે. અહીં વરસાદ 1,500થી 2,500 મિમી. પડે છે.
ખેતી–પશુપાલન : આ શહેર ચોખા, બાજરી, નારંગી અને મગફળીનું મહત્વનું વેપારી મથક છે. ગાય, ઘેટાં, બકરાં જેવાં પ્રાણીઓના ખરીદ-વેચાણનું તે મુખ્ય કેન્દ્ર છે.
આ શહેરની પાસેથી વહેતી ટાન્ટોયુ નદી ઉપર એક જળવિદ્યુત-મથક ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાંથી ઉત્પન્ન કરાતી વીજળીનો લાભ માલી અને લેબેકેરે (Lebekere) શહેરની સિમેન્ટ ફૅક્ટરીઓને મળે છે. માલી અને કોઉનડારા શહેર પાકા રસ્તાથી સંકળાયેલ છે. આ શહેરમાં મોટેભાગે મુસ્લિમ અને ડાયાલોન્કે જાતિના લોકો વસે છે.
નીતિન કોઠારી