માલાપુરમ્ : કેરળ રાજ્યના મધ્યભાગમાં દરિયાકિનારે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 00´ ઉ. અ. અને 76° 00´ પૂ. રે.ની આજુજબાજુનો 3,550 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કોઝીકોડ અને વાયનાડ જિલ્લા, પૂર્વમાં તામિલનાડુનો નીલિગિરિ જિલ્લો, દક્ષિણે પલક્કડ (પાલઘાટ) અને થ્રિસુર (ત્રિચુર) જિલ્લા તથા પશ્ચિમે લક્ષદ્વીપ સમુદ્ર આવેલા છે. જિલ્લામથક માલાપુરમ્ જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.

માલાપુરમ્

ભૂપૃષ્ઠ–વનસ્પતિ–જળપરિવાહ : માલાપુરમ્ એ પહાડી પ્રદેશ છે. પહાડોમાંથી અસંખ્ય નદીનાળાં નીકળે છે. તે બધાં ટેકરીઓની આજુબાજુ વળાંકોમાં વહી દરિયાકિનારાનાં નાળિયેરીનાં વૃક્ષોને વીંટળાયેલાં જોવા મળે છે, અને કિનારા પરથી ભરતીમોજાંને કારણે વહેતાં જળ પાછાં પડે છે. આ કારણે જળવાહનવ્યવહાર અનુકૂળ બની રહે છે. જિલ્લાનો મધ્ય ભાગ ફળદ્રૂપ છે. ત્યાં નાળિયેરીનાં ગીચ ઝુંડ આવેલાં છે. પૂર્વના પહાડી ભાગોમાં જંગલો છે. જિલ્લાની અગત્યની ગણાતી ટેકરીઓમાં વાયુત્માલા (અથવા વાવિલ : 2,340 મીટર), વેલ્લરીમાલા (2,336 મીટર), ચાકુમાલા (600 મીટર), ઉરોથમાલા (478 મીટર) અને પાંડાલુર(610 મીટર)નો સમાવેશ થાય છે. અહીંનાં મોટાભાગનાં જંગલો સદાહરિત છે, જ્યારે ઘાટના ઢોળાવો પરનાં જંગલો પર્ણપાતી પ્રકારનાં છે.

અહીંની મુખ્ય નદીઓમાં ચલિયાર (બેયપોર), કદાલંદી, પુરપ્પારમ્બા, તિરુર અને ભરતપૂજાનો સમાવેશ થાય છે. દરિયાકિનારાની લંબાઈ 70 કિમી. જેટલી છે. કિનારા પર આવેલું પોન્નાની બંદર છીછરું છે, પરંતુ ભરતી વખતે કાર્યશીલ બની રહે છે. કિનારા પર ઘણાં મત્સ્યકેન્દ્રો આવેલાં છે. પોન્નાનીથી દક્ષિણે, અગ્નિ તરફ 5 કિમી.ને અંતરે વેલિયાનકોડ સરોવર આવેલું છે, તેમાં દરિયાનું જળ ભરાય નહિ તે માટેની નિયંત્રણ-વ્યવસ્થા ઊભી કરેલી છે. નદીઓમાં પાછાં પડતાં પાણીને કારણે ઘણાં કયાલ (kayal) તૈયાર થયેલાં છે.

ખેતીપશુપાલન : અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જિલ્લાના 70 % લોકો ખેતીમાં રોકાયેલા રહે છે. ડાંગર, નાળિયેરી, સોપારી, કાજુ, મરી, આદુ, કઠોળ, કેળાં, ટેપિયોકા અને રબર અહીંના મુખ્ય કૃષિપાકો છે. નદીઓ, કયાલ, કૂવા અને નહેરો દ્વારા સિંચાઈ થાય છે. લોકો દુધાળાં ઢોર પાળે છે. પશુઓની સ્વાસ્થ્યસંભાળ માટે 25 પશુ-દવાખાનાં અને 17 ગ્રામીણ ઉપમથકો આવેલાં છે. માલાપુરમ્ અને નીલાંબર ખાતે માલાપુરમ્ કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ યુનિયનનાં 3 શીતાગારો વિકસાવવામાં આવ્યાં છે. પોન્નાની, તનુર અને પારાપ્પાનંગડી ખાતે ત્રણ મુખ્ય મત્સ્યકેન્દ્રો પણ છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લો કુદરતી સંપત્તિમાં ખૂબ જ સમૃદ્ધ છે, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે પાછળ છે; કારણ કે અહીં ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી વીજળી, કોલસો, ખનિજતેલ તેમજ કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહેતાં નથી. અહીં નાળિયેરી પુષ્કળ પ્રમાણમાં થતી હોવાથી તેની કાથીમાંથી સાદડી અને ચટાઈઓ તથા પગલૂછણિયાં તૈયાર કરવામાં આવે છે. લોકો વન્ય પેદાશો એકઠી કરે છે. અહીં સ્પિનિંગ-વીવિંગ મિલ, ખાદ્યતેલના એકમો, રસાયણો, ડિટરજન્ટ, કેપૅસિટર્સ વગેરે બનાવવાનાં કારખાનાં તથા પાપડ, બીડી, સાબુ, મીણબત્તી, ફટાકડા, દીવાસળી, ચામડાં, લોખંડના દરવાજા અને જાળીઓ, ટાઇલ્સ વગેરે માટેના ઔદ્યોગિક એકમો તેમજ એ અંગેના કેટલાક ગૃહઉદ્યોગ વિકસ્યા છે. કોટ્ટાકલ ખાતે આવેલી આયુર્વેદશાળામાં ઔષધોનું નિર્માણ થાય છે. 1,400 જેટલા હાથસાળના એકમો છે. વળી ખાદીના અને સૂતર તૈયાર કરવાના એકમો પણ છે. લુહારો અને સુથારો ખેતીનાં ઓજારો બનાવે છે. કેટલાક લોકો ચૂનો બનાવવાનો તથા શંખલાંમાંથી ભાતભાતની ચીજવસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરે છે. અહીં નેતર અને વાંસમાંથી પણ ઉપયોગી ચીજો બને છે. સોપારીનું કતરણ કરી તેમાંથી મુખવાસ તૈયાર થાય છે. જિલ્લામાં કાજુ, ડાંગર, કાથી અને કોપરાંનું પુષ્કળ ઉત્પાદન લેવાય છે. અહીંથી કાજુ, નાળિયેર કોપરાં અને કાથીની નિકાસ તથા ડાંગર-ચોખા અને શાકભાજીની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : ઉપલબ્ધ માહિતી અનુસાર આ જિલ્લામાં 4,086 કિમી. જેટલી લંબાઈના સડકમાર્ગો આવેલા છે. તે રાજ્યનાં જિલ્લામથકો તેમજ તાલુકામથકોને જોડે છે. કોઝીકોડ–કડલોર રાજ્ય ધોરી માર્ગ જિલ્લાનાં ઘણાં મથકો સાથે સંકળાયેલો છે. કાલિકટ–ચેન્નાઈ માર્ગ મન્નાર ઘાટ વટાવ્યા અગાઉ માલાપુરમ્ અને બીજાં મથકો પર થઈને જાય છે. ત્રિચુર–કાલિકટ માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગના એક ભાગરૂપ છે. તે ચેન્નાઈ–કાલિકટ માર્ગ સાથે મળી જાય છે. જિલ્લામાં કુલ 91 કિમી. લંબાઈના રેલમાર્ગો પણ છે. ભરતપૂજા નદીમુખ પર આવેલું પોન્નાની અહીંનું એકમાત્ર બંદર છે. પોન્નાની, તિરુર અને તિરુરંગાડી જળવ્યવહારથી સંકળાયેલાં રહે છે. આ સ્થળો મુખ્યત્વે તો લાકડાં વહેવડાવવાનાં મથકો છે. માલાપુરમ્થી આશરે 180 કિમી. અંતરે આવેલું કોચીન આ જિલ્લા માટેનું નજીકમાં નજીકનું હવાઈ મથક છે.

અંગાડીપુરમ્, અરીકોડ, કાલીકાવુ, કરુવરકુન્ડુ, કોટ્ટાઇકલ, કુટ્ટીપુરમ્, મમ્બ્રામ, મંજેરી, તનુર અને તિરુર અહીંનાં જોવાલાયક પ્રવાસમથકો છે. વાર-તહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 30,96,330 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોનું પ્રમાણ સમાન છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 91 % અને 9 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે. જિલ્લામાં મુખ્યત્વે મલયાળમ ભાષા બોલાય છે. અહીં શિક્ષિતોની સંખ્યા 22,27,284 (75 %) જેટલી છે; તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા સમાન છે. જિલ્લામાં સ્થાનભેદે શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ ભિન્ન ભિન્ન છે. માલાપુરમમાં તે વધુમાં વધુ અને પોન્નાનીમાં ઓછામાં ઓછું છે. જિલ્લામાં કૉલેજો તેમજ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સંખ્યા 35 જેટલી છે. અહીંના ચારેય તાલુકાઓમાં જરૂરી તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓ અને 14 વિકાસઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 5 નગરો અને 123 વસ્તીવાળાં ગામડાં છે.

ઇતિહાસ : જિલ્લામથક માલાપુરમ્ કોઝિકોડ (કાલિકટ) ચેન્નાઈ માર્ગ પર મંજેરીથી 12 કિમી. દૂર નૈર્ઋત્યમાં તથા કાલિકટથી 52 કિમી. અંતરે નૈર્ઋત્યમાં આવેલું છે. અગાઉ, તે યુરોપિયનો અને બ્રિટિશ લશ્કરી ટુકડીઓના મુખ્ય મથક તરીકે ઉપયોગમાં લેવાતું હતું, ત્યારપછી તે મલબાર સ્પેશિયલ પોલીસનું મુખ્ય મથક બનેલું. અહીં ટિપુ સુલતાને બાંધેલા કિલ્લાનાં ખંડિયેર હજી આજે પણ જોવા મળે છે. માલાપુરમ્ 1921ના મલબાર બળવાના ર્દશ્યનું સાક્ષી રહેલું. આ બળવો મલબાર સ્પેશિયલ પોલીસે દાબી દીધેલો.

1947 પહેલાં આજના જિલ્લાનો વિસ્તાર મદ્રાસ પ્રાંતના તત્કાલીન મલબાર જિલ્લાના કોઝીકોડ, એર્નાડ, વલ્લુવનાડ તાલુકાઓનો એક ભાગ હતો. 1957 અને 1960માં તેમાં મોટા પાયા પરના ફેરફારો કરાયેલા. માલાપુરમનો આજનો જિલ્લો 1969ના જૂનની 15મી તારીખે રચાયેલો છે. તેમાં 4 તાલુકા 14 વિકાસઘટકો અને 95 પંચાયતો આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા