માલવેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 82 પ્રજાતિ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે અને ધ્રુવપ્રદેશો સિવાય સર્વત્ર જોવા મળે છે. અમેરિકાના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં તેની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અમેરિકામાં 27 પ્રજાતિઓમાં વિતરિત થયેલી 200 જેટલી જાતિઓ સ્થાનિક (indigenous) છે. તેની સૌથી મોટી પ્રજાતિઓમાં Hibiscus (200 જાતિઓ), Malvastrusm (75 જાતિઓ), Sida (180 જાતિઓ), Abutilon (100 જાતિઓ) અને Sphaeralcea(250 જાતિઓ)નો સમાવેશ થાય છે. જાસૂદ (Hibiscus rosa-sinensis, કપાસ (Gossypium herbaceum), ગુલખેરૂ (Althea rosea), પારસ પીપળો (Thespesia populnea), બલા (Sida cordifolia) અને કાંસકી (Abutilon indicum) વગેરે આ કુળની જાણીતી વનસ્પતિઓ છે.
આ કુળની જાતિઓ શાકીય, ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. ઘણી જાતિઓમાં શલ્કરોમ (lepidote) કે તારાકાર (stellate) રોમ, શ્લેષ્મસ્રાવી કોષો અને રેસા જોવા મળે છે. પર્ણો સાદાં, એકાંતરિક, અખંડિત કે વિવિધ રીતે ખંડિત, સામાન્યત: પાણિવત્ જાલાકાર શિરાવિન્યાસવાળાં અને મુક્તપાર્શ્ર્વસ્થ (free lateral) ઉપપર્ણો (stipules) ધરાવે છે. શીમળા (Bombax ceiba) અને રૂખડા(Adansonia digitata)માં સંયુક્ત પાણિવત્ પર્ણો હોય છે.
પુષ્પવિન્યાસ મૂળભૂત રીતે એકતો વિકાસી (helicoid) પરિમિત પરંતુ ઘણુંખરું કક્ષીય એકાકી (solitary) અથવા સંયુક્ત પરિમિત પ્રકારનો હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી [ક્વચિત જ એકલિંગી, દ્વિગૃહી (dioecious), દા.ત., Napaea], અધોજાયી (hypogynous), પંચાવયવી (pentamerous) અને નિપત્રી (bracteate) હોય છે. પુષ્પમાં વજ્રની નીચે 3થી 7ની સંખ્યામાં એક ચક્રમાં ગોઠવાયેલી નિપત્રિકાઓ (bracteoles) હોય છે. આ રચનાને ઉપવજ્ર (epicalyx) કહે છે. Sida, Abustilon અને Bombax પ્રજાતિઓમાં ઉપવજ્ર હોતું નથી. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું, મુક્ત અથવા તલસ્થ ભાગેથી યુક્ત, ધારાસ્પર્શી (valvate), અધ:સ્થ (inferior) અને ઘંટાકાર (campanulate) હોય છે. કેટલીક વાર તે ઉપવજ્ર સહિત ફળમાં દીર્ઘસ્થાયી (persistent) બને છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, મુક્તદલપત્રી (polypetalous) અથવા પુંકેસરીય નલિકા સાથેના જોડાણને કારણે તલપ્રદેશેથી યુક્ત, વ્યાવૃત (contorted), ભાગ્યે જ કોચ્છાદી (imbricate) અને અધ:સ્થ હોય છે. પુંકેસરચક્ર અસંખ્ય એકગુચ્છી (monoadelphous) પુંકેસરોનું બનેલું હોય છે. Bombax અને Eriodendronમાં બહુગુચ્છી (polyadelphous) પુંકેસરો હોય છે. પુંકેસર-તંતુઓ પરસ્પર સંલાગ (cohesion) પામી પોલી પુંકેસરીય નલિકા બનાવી એકગુચ્છી સ્થિતિનું નિર્માણ કરે છે. આ પુંકેસરીય નલિકા તલસ્થ ભાગેથી દલપુંજ સાથે અભિલાગ (adhesion) પામેલી હોય છે. પરાગાશયો વૃક્કાકાર અને એકખંડી હોય છે. તેનું સ્ફોટન લંબવર્તી (longitudinal) અને બહિર્મુખી (extrose) પ્રકારે થાય છે. પરાગરજ કંટકીય હોય છે. Bombax અને Adansoniaમાં તે લીસી હોય છે. બધાં જ પુંકેસરો અંદરના ચક્રમાં આવેલાં પાંચ દલપત્રસંમુખ પુંકેસરોના વિપુલ પ્રમાણમાં થતા શાખન(branching)ને પરિણામે ઉદભવે છે. બહારનું વજ્રપત્રસંમુખ ચક્ર લુપ્ત થયેલું હોય છે. જોકે Hibiscusમાં આ ચક્ર 5 દાંત-સ્વરૂપે કે વંધ્ય પુંકેસર-સ્વરૂપે પુંકેસરીય નલિકાની ટોચ ઉપર જોવા મળે છે. કેટલીક જાતિઓમાં માત્ર પાંચ દલપત્રસંમુખ પુંકેસરોની હાજરી ઉપર્યુક્ત મંતવ્યને અનુમોદન આપે છે. સ્ત્રીકેસરચક્ર બે કે તેથી વધારે યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે અને ઊર્ધ્વસ્થ બીજાશય ધરાવે છે. તે સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં કોટરોમાં વિભાજિત થાય છે. પ્રત્યેક કોટરમાં અક્ષવર્તી (axile) જરાયુ ઉપર એક કે તેથી વધારે અધોમુખી (anatropous) અને આરોહી(ascending)થી માંડી નિલંબી (pendulous) અંડકો ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની એક સાદી અને પોલી પુંકેસરીય નલિકામાંથી પસાર થાય છે અને અંતે સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં અથવા ક્વચિત્ તેથી બેગણાં પરાગાસનોમાં પરિણમે છે. પરાગાસનો સમુંડ(capitate)થી માંડી બિંબ-આકારનાં અથવા અંતર્મુખ-અધોવર્ધી (introsely-de-current) હોય છે. કપાસ (gossypium), જાસૂદ (Hibiscus) જેવી વનસ્પતિઓમાં ફળ-વિવરીય (loculicidal) પ્રાવર (capsule), કાંસકી(Abutilon)માં વેશ્મસ્ફોટી (Schizocarpic) કાર્સૅરુલસ; રૂખડા(Adanosonia)માં કાષ્ઠમય અનષ્ઠિલ (berry) અને Malvaviscusમાં અષ્ઠિલ (drupe) જોવા મળે છે. કેટલીક જાતિઓમાં ફળ સપક્ષ (samara) હોય છે. બીજ અસંખ્ય અને ભ્રૂણપોષી (endospermic) હોય છે. ભ્રૂણપોષ ઘણી વાર તૈલી હોય છે. ભ્રૂણ સીધો કે વક્ર જોવા મળે છે. કપાસ અને રૂખડામાં બીજ ફૂમતાદાર (comose) બહિરુદભેદ ધરાવે છે.
આ કુળની આર્થિક ર્દષ્ટિએ અગત્ય ઘણી છે. કપાસના બીજના આવરણ (બીજાવરણ) ઉપર આવેલા ફૂમતાદાર બહિરુદભેદોને ‘રૂ’ કહે છે; જેમાંથી કાપડ બને છે. કપાસિયાનું તેલ ખાદ્ય છે અને તેના ખોળનો ઢોરોના ખોરાક તરીક ઉપયોગ કરવામાં આવે છે. ભીંડા શાકભાજી અને રેસા માટે ઉપયોગી છે. ગુલખેરૂ (althea), જાસૂદ, શીમળો, માલ્વા, માલ્વાવિસ્કસ, કીટેબેલિયા, રૂખડો વગેરે 30 જેટલી પ્રજાતિઓની વિવિધ જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. શીમળાનું કાષ્ઠ દીવાસળી બનાવવામાં અને તેના બીજાવરણ ઉપર આવેલા બહિરુદભેદો (રૂ) રેશમી કાપડ અને તકિયા બનાવવામાં ઉપયોગી છે. બલા અને કાંસકી જેવી વનસ્પતિઓમાંથી ઔષધ મેળવવામાં આવે છે.
આ કુળ ટિલિયેસી બૉમ્બેકેસી અને સ્ટર્ક્યુલિયેસી સાથે ગાઢપણે સંબંધિત છે. ઉપવજ્ર, વ્યાવૃત દલપુંજ, એકકોટરીય પરાગાશય અને કંટકીય પરાગરજ દ્વારા આ કુળ ટિલિયેસી, બૉમ્બેકેસી અને સ્ટર્ક્યુલિયેસીથી અલગ પાડી શકાય છે. માલ્વેસીમાં પુંજાયાંગધર (gynoandrophore) કે જાયાંગધર (gynophore) જેવી સ્થિતિ જોવા મળતી નથી.
બળદેવભાઈ પટેલ