માલવિકાગ્નિમિત્ર : સંસ્કૃત નાટ્યકાર કાલિદાસે લખેલું નાટક. આ નાટક કાલિદાસે પોતાની કારકિર્દીના આરંભમાં લખેલું જણાય છે. તેમાં વિદર્ભની રાજકુમારી માલવિકા અને શુંગવંશના રાજા અગ્નિમિત્રનો પ્રણય વર્ણવાયો છે. તેથી આ નાટક ઐતિહાસિક છે.
પહેલા અંકમાં વિદર્ભમાંથી બહાર નીકળેલી રાજકુમારી માલવિકા લૂંટારાઓને કારણે અવદશા પામ્યા પછી અગ્નિમિત્રની પટરાણી ધારિણીની દાસી તરીકે રહે છે અને ગણદાસ નામના ગુરુ પાસે નૃત્ય શીખવાનું શરૂ કરે છે. સમૂહચિત્રમાં તેને જોઈને રાજા અગ્નિમિત્ર તેના તરફ આકર્ષાય છે. આથી તેના ગુરુ ગણદાસને અગ્નિમિત્રની બીજી રાણી ઇરાવતીના નૃત્યુગુરુ હરદત્ત સાથે વિદ્યાની બાબતમાં ચઢિયાતાપણા માટે ઝઘડાવી તેમની શિષ્યાઓના નૃત્યપ્રયોગને રજૂ કર્યા પછી નિર્ણય કરવાનું વિદૂષક નક્કી કરાવે છે. બીજા અંકમાં રાજા માલવિકાને નૃત્ય કરતી જોઈને ખૂબ જ આકર્ષાય છે. ત્રીજા અંકમાં રાણીએ સોંપેલું અશોકવૃક્ષના દોહનદાનનું કાર્ય કરવા આવેલી માલવિકાને રાજા અગ્નિમિત્ર અચાનક મળે છે, પરંતુ રાણી ઇરાવતી રાજાને શોધતી ત્યાં આવી પહોંચે છે અને ગુસ્સે થઈ બંનેને ધમકાવે છે. ચોથા અંકમાં ઇરાવતી માલવિકાના રાજા સાથેના પ્રેમની વાત પટરાણી ધારિણીને પહોંચાડે છે. તેથી રાણી માલવિકાને અંત:પુરમાં કેદ કરી રાખે છે. પોતાની નાગમુદ્રાવાળી વીંટી જોયા વિના કેદમાંથી ન છોડવાની સૂચના આપે છે. વિદૂષક સાપ કરડવાનો ઢોંગ કરી રાણી ધારિણીની નાગમુદ્રાવાળી વીંટી મેળવી સમુદ્રગૃહમાં રાજા અને માલવિકાનું છૂપું મિલન યોજે છે; પરંતુ ફરી ઇરાવતી ત્યાં આવી પહોંચી ગુસ્સે થાય છે; પરંતુ પિંગલ નામના વાનરથી ડરી ગયેલી દીકરી વસુમતીને છોડાવવા રાજા વગેરે ત્યાંથી જતા રહે છે. છેલ્લા પાંચમા અંકમાં વિદર્ભના રાજા પર વિજય મેળવ્યાના સમાચાર બે વિદર્ભની દાસીઓની ભેટ સાથે આવે છે. દાસીઓ પોતાની રાજકુમારી માલવિકાને ઓળખી કાઢે છે. અગ્નિમિત્રના પુત્રે યવનો પર વિજય મેળવ્યાના સમાચારથી ખુશ થયેલી ધારિણી માલવિકાને રાજા સાથે પરણાવી આપે છે અને એ રીતે નાટકનો સુખદ અંત આવે છે.
આ નાટકમાં વિદૂષકનું ગૌણ પાત્ર મુખ્ય ભાગ ભજવે છે અને નાયક ગૌણ બની જાય છે. તે વાંધાજનક હોવા છતાં ઉપરૂપક નાટિકાનો પ્રકાર કાલિદાસના આ પહેલવહેલા નાટકથી ઉદભવ્યો હોઈ તે મહત્વનું લેખાય છે. વળી નૃત્ય, સંગીત વગેરે તત્વોથી આ નાટક મનોરંજક બન્યું છે. કાલિદાસની ઉત્તમ નાટ્યકાર તરીકેની પ્રતિભાના પ્રારંભિક ચમકારા તેમાં અવારનવાર દેખાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી