માલવપતિ મુંજ (1976) : ગુજરાતી ચલચિત્ર. સુપ્રસિદ્ધ ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’ પર આધારિત, ધંધાદારી ગુજરાતી રંગભૂમિનું નાટક ‘માલવપતિ મુંજ’ સ્વ. પ્રભુલાલ દ્વિવેદી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે તૈયાર કર્યું હતું. આ નાટક શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા 1924માં ભજવાયું હતું અને ત્યારે તે લોકપ્રિય પણ નીવડ્યું હતું. આ પ્રસિદ્ધ નવલકથા-નાટકના આધારે મિનરવા મૂવિટોને સોહરાબ મોદી અને દુર્ગા ખોટેને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘પૃથ્વીવલ્લભ’ 1943માં બનાવી હતી. 1948માં આ હિન્દી ફિલ્મને ગુજરાતીમાં ‘ડબ’ કરવામાં આવી હતી. આ પછી 1976માં ‘માલવપતિ મુંજ’ તરીકે તેનો ગુજરાતીમાં પુનરવતાર થયો હતો. આ ફિલ્મનું નિર્માણ મધુભાઈ પટેલે અને દિગ્દર્શન રવીન્દ્ર દવેએ કર્યું હતું. ફિલ્મની કથા અને તેના સંવાદો મુખ્યત્વે ‘પૃથિવીવલ્લભ’ નવલકથા પર આધારિત કનૈયાલાલ મુનશીના તથા ‘માલવપતિ મુંજ’ નાટક પર આધારિત સ્વ. પ્રભુલાલ દ્વિવેદીના હતા. ફિલ્મમાં 11 ગીતો હતાં, જેમાંથી બે ગીતો ‘માલવપતિ મુંજ’ નાટકનાં પ્રભુલાલ દ્વિવેદીનાં હતાં; અન્ય ગીતો અવિનાશ વ્યાસનાં રચેલાં એમાં ઉમેરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મનું સંગીત અવિનાશ વ્યાસનું હતું. પાર્શ્વગાયકોમાં મન્ના ડે, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, ઉષા મંગેશકર, મનહર, પ્રીતિ સાગર અને સુલોચના વ્યાસ હતાં. ફિલ્મનાં મુખ્ય કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને તનુજા હતાં. અન્ય કલાકારોમાં શ્રીકાંત સોની, અરવિંદ કિરાડ, મીનળ મહેતા, નલિન દવે, ફીરોઝ ઈરાની, રમેશ મહેતા, મંજરી દેસાઈ વગેરે હતાં.

ઉજ્જયિની-માળવાના અધિપતિ રાજા મુંજ તથા દક્ષિણના તૈલંગણના રાજવી તૈલપ વચ્ચેના સત્તાસંઘર્ષ તથા મુંજ અને તૈલપની વિધવા બહેન મૃણાલના પ્રણયસંઘર્ષનું વસ્તુ ધરાવતું ફિલ્મનું કથાનક સ્વ. ક. મા. મુનશીની ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ પર આધારિત છે. માળવાના મહારાજા મુંજની સામે તૈલંગણનો રાજા તૈલપ સોળ-સોળ વાર પરાજય વેઠી ચૂક્યો છે. તૈલપની વિધવા અને સત્તાકાંક્ષી બહેન મૃણાલની યુક્તિથી સત્તરમી વારના યુદ્ધમાં તૈલપ અંતે મુંજનો પરાજય કરે છે અને કેદ કરે છે. મુંજના દર્પને ગાળવા મૃણાલ મથામણ કરે છે, પરંતુ મુંજ તેને પોતાના વાક્ચાતુર્યથી પ્રેમપાશમાં બાંધે છે. તૈલપને પોતાની વિધવા બહેન મૃણાલ અને મુંજના સંબંધોની ખબર પડે છે. ગર્વિષ્ઠ તૈલપ મુંજને જાહેરમાં અપમાનિત કરવા મથે છે; પરંતુ જંજીરે જકડાયેલો મુંજ પોતાની વીરતા અને વાક્પટુતાને કારણે પ્રજાજનોને પણ આકર્ષી લે છે. અંતે મુંજને હાથીના પગ તળે ચગદી નાખવા તૈલપ આદેશ આપે છે અને એ રીતે કરુણાંત સાથે ફિલ્મની સમાપ્તિ થાય છે.

આ ફિલ્મ ગીત-સંગીત અને નાટ્યાત્મકતાથી સભર છે. ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે; ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે’ – એ નાટક ‘માલવપતિ મુંજ’નું ખૂબ જાણીતું, પ્રભુલાલ દ્વિવેદીનું રચેલું અને રંગભૂમિના જાણીતા નટ-ગાયક સ્વ. અશરફખાનનું ગાયેલું ગીત આ ફિલ્મમાં મૂકવામાં આવ્યું છે, જે મન્ના ડેને કંઠે ગવાયું છે. એવું જ બીજું ગીત ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ પણ પ્રભુલાલ દ્વિવેદીએ રચેલું અને સ્વ. અશરફખાને ગાયેલું તે આ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં રજૂ કર્યું છે. ફિલ્મમાં વિપુલ પ્રમાણમાં રાસ-ગરબા તથા ઋતુગીતોનો ઉપયોગ થયો છે, જે અવિનાશ વ્યાસનાં રચેલાં છે. આ ‘માલવપતિ મુંજ’ સારી એવી લોકપ્રિયતા પામેલા ચલચિત્ર તરીકે સ્મરણીય રહ્યું છે.

હરીશ રઘુવંશી