માલદીવ : હિંદી મહાસાગરમાં આવેલો એશિયા ખંડનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. દુનિયામાં પણ તે નાના દેશો પૈકીનો એક ગણાય છે. ભૌગોલિક સ્થાન : તે 3° 15´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે. વચ્ચેનો માત્ર 298 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ કુલ 1,196 જેટલા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલાં 12 જૂથોમાં વહેંચાયેલો છે. આ ટાપુઓ પૂર્વ-પશ્ચિમ 129 કિમી. પહોળાઈવાળી, 764 કિમી. લાંબી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી

માલદીવ ટાપુઓ

હારમાં ગોઠવાયેલા છે. શ્રીલંકાથી આ ટાપુઓ નૈર્ઋત્ય તરફ આશરે 640 કિમી. અંતરે છે; તેનો ઉત્તર છેડો ભારતીય ઉપખંડથી દક્ષિણ તરફ આશરે 600 કિમી.ને અંતરે આવેલો છે.

ભૂમિ : મોટાભાગના ટાપુઓ લગભગ સપાટ ભૂમિવાળા છે અને મોટાભાગના ટાપુઓની ઊંચાઈ સમુદ્રસપાટીથી આશરે બે મીટર જેટલી છે. તેમની ઊંચાઈ 1.8 મીટરથી વધુ નથી. સૌથી વધુ ઊંચો વિલિંગીલી ટાપુ 24 મીટરની ઊંચાઈ ધરાવે છે. કંકણાકાર પ્રવાલદ્વીપો(atolls)ની આજુબાજુ અવરોધી પ્રવાલખડકો (barrier reefs) પણ છે, તેમને કારણે અંદરના ટાપુઓને રક્ષણ મળે છે. અહીંનો એક પણ ટાપુ 13 ચોકિમી.થી મોટો નથી, બાકીના બીજા તો ઘણા નાના છે, જે પૈકીના કેટલાક તો વ્યાસપીઠ (platform) જેવા પણ છે. ટાપુઓ પર સ્વચ્છ જળનાં ખાડી-સરોવરો છે, શ્ર્વેત રેતાળ કંઠારપટ પણ છે. અહીંની ભૂમિ ઘાસથી તેમજ ઓછી ઊંચાઈવાળા અયનવૃત્તીય છોડવાઓથી છવાયેલી છે. નાળિયેરી અને ફળોનાં વૃક્ષો પણ અહીં ઊગે છે. આ અયનવૃત્તીય ટાપુઓની આબોહવા ગરમ અને ભેજવાળી છે. દિવસનું તાપમાન સરેરાશ આશરે 27° સે. રહે છે. ટાપુઓના ઉત્તર ભાગમાં વાર્ષિક 2,500 મિમી., જ્યારે દક્ષિણ ભાગમાં લગભગ 3,800 મિમી. જેટલો વરસાદ પડે છે. અહીં વર્ષની બે મોસમો છે, બંને મોસમોમાં વરસાદ પડે છે.

અર્થતંત્ર : માછીમારી અને પ્રવાસન એ બે આ દેશની પ્રમુખ આર્થિક પ્રવૃત્તિઓ છે. માછીમારીની પ્રવૃત્તિ સરકારના અંકુશ હેઠળ ચાલે છે. સૂકી માછલીઓ અહીંથી શ્રીલંકા ખાતે મોકલાય છે અને અહીંની સરકારને તેમાંથી સારી આવક મળે છે. દેશની આશરે 20% જેટલી આવક પ્રવાસનમાંથી મળે છે. લોકો અહીં વિલાયતી ફણસ (બ્રેડફ્રૂટ), તીખાં મરી, નાળિયેરી, બાજરી અને શક્કરિયાંનું વાવેતર કરે છે. અહીંની સ્ત્રીઓ નાળિયેરીમાંથી મળતી કાથીમાંથી દોરી, દોરડાં અને સાદડીઓ બનાવે છે. તેઓ કોડી-છીપલાં પણ ભેગાં કરે છે. અહીંના ગન ટાપુ પર કાપડનાં બે મોટાં કારખાનાં છે, જેમાં શર્ટ અને સ્વેટરનું ઉત્પાદન લેવાય છે. માછલીઓ માલદીવની મુખ્ય નિકાસી ચીજ છે. બીજી નિકાસી ચીજોમાં કાથીની સૂતળી, કોપરાં તથા કોડી-છીપલાંનો સમાવેશ થાય છે. ચોખા, ખાંડ, ઘઉંનો લોટ તેમજ જરૂરિયાતની અન્ય ચીજોની આયાત કરવામાં આવે છે. ભારત, શ્રીલંકા, સિંગાપોર અને જાપાન – આ દેશના મુખ્ય વેપારી ભાગીદારો છે. અહીં હોડીઓ વાહનવ્યવહારનું મુખ્ય સાધન છે. સ્ટીમરો અહીંના પાટનગર માલે અને શ્રીલંકા વચ્ચે નિયમિત સેવા આપે છે.

વાણિજ્યિક પ્રવૃત્તિઓથી ધમધમતું માલદીવનું પાટનગર માલે

લોકો : માલદીવના 1,196 ટાપુઓ પૈકી માત્ર 203 ટાપુઓ પર વસ્તી છે. 1993 મુજબ અહીંની વસ્તી 2,38,363 જેટલી છે. 1990–95 દરમિયાનનો વસ્તીવૃદ્ધિ-દર 3.3 % છે. ઉત્તર તરફના ટાપુઓ પર દ્રવિડો, મધ્યમાં આરબો; જ્યારે દક્ષિણ તરફ સિંહાલીઓ તથા નીગ્રો લોકો રહે છે. લોકો સુન્ની મુસ્લિમો છે. શિક્ષણનું પ્રમાણ 92 % જેટલું છે. અહીંના ઘણાખરા પુરુષો દરરોજ હજારોની સંખ્યામાં સંખ્યાબંધ (હજારો) હોડીઓ લઈને માછલીઓ પકડવા નીકળી પડે છે. હોડીઓ લાકડામાંથી કે નાળિયેરીના વૃક્ષના થડમાંથી બનાવે છે. હોડીઓ 11 મીટર લાંબી અને 2.4 કે 2.7 મીટર પહોળી હોય છે. દરેક હોડીમાં આશરે 12 જેટલા માછીમારો બેસી શકે છે. તેઓ ટાપુઓથી 30 કિમી. જેટલા અંતર સુધી હંકારી જાય છે. તેઓ બોનિટો, ટ્યુના તેમજ અન્ય માછલીઓ પકડી લાવે છે. મોટાભાગની માછલીઓની શ્રીલંકા અને જાપાન ખાતે નિકાસ કરવામાં આવે છે. લોકો તેમના ખોરાકમાં માછલી, કોપરાં, પપૈયાં, પાઇનેપલ, દાડમ અને શક્કરિયાં લે છે.

વહીવટ : માલદીવ એ ટાપુઓથી બનેલું નાનું પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. માલે તેનું પાટનગર [વસ્તી (1993) : 46,000] છે. પ્રમુખ અહીંની સરકારના વડા છે. લોકશાહી પદ્ધતિથી અહીં દર વર્ષ માટે ચૂંટણી થાય છે. પ્રમુખને 9 સભ્યોનું પ્રધાનમંડળ વહીવટમાં મદદ કરે છે. 48 સભ્યોની બનેલી ધારાસભા (સ્થાનિક નામ માજલી) અહીં પાંચ વર્ષના સત્ર માટે સેવા આપે છે. લોકો 40 સભ્યોની ચૂંટણી કરે છે, બાકી 8 સભ્યોની નિમણૂક પ્રમુખ દ્વારા થાય છે. વહીવટી એકમો 20 જિલ્લાઓમાં વિભાજિત કરેલા છે. સ્થાનિક વહીવટ ચૂંટાયેલી સમિતિ દ્વારા ચાલે છે. પ્રત્યેક ટાપુ માટે સરકારી અમલદાર(કતીબ)ની નિમણૂક થાય છે. મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રમુખ દ્વારા થાય છે. અહીંના કાયદાઓ સુન્ની મુસ્લિમ ધર્મને આધારે ઘડાયેલા છે. દેશનું સત્તાવાર નામ દિવેહી (માલદીવ પ્રજાસત્તાક) અને સત્તાવાર ભાષા દિવેહી રાજિજ છે.

ઇતિહાસ : સોળમી સદી દરમિયાન આ ટાપુઓ પૉર્ટુગીઝ શાસન હેઠળ હતા, 1656થી 1796 સુધી ડચ લોકોનું શાસન રહેલું. 1887થી 1965નાં 78 વર્ષ સુધી તે બ્રિટનનું રક્ષિત રાજ્ય રહ્યું. રક્ષિત રાજ્ય તરીકે અહીં આંતરિક સ્વશાસિત સરકારી વહીવટ ચાલતો હતો; પરંતુ તેની વિદેશનીતિ બ્રિટિશ સરકારને હસ્તક હતી. 1950ના દાયકામાં માલદીવ-નિવાસીઓને બ્રિટિશ સરકાર સાથે ગન ટાપુ પરના હવાઈ થાણા વિશે તકરાર પડી, તેને કારણે દક્ષિણ તરફના ત્રણ ટાપુઓ અલગ પડ્યા. માલદીવની તત્કાલીન વહીવટી સરકારે આ બળવા માટે બ્રિટિશ સરકારને દોષિત ઠરાવી, આ બળવો 1960માં દાબી દીધો. 1960માં બ્રિટન અને માલદીવ વચ્ચે કરાર થયા, બ્રિટનને ગન ટાપુ પરનું થાણું મુક્ત રીતે વાપરવા આપ્યું, સાથે સાથે અહીંના નિવાસીઓને તેમની વિદેશનીતિ માટે સ્વતંત્ર અધિકાર મળ્યો. બ્રિટને આશરે 20 લાખ યુ.એસ. ડૉલર ટાપુઓના આર્થિક વિકાસ માટે આપવાનું વચન આપ્યું. 1965ના જુલાઈની 26મીએ બ્રિટન અને માલદીવે ટાપુઓના પૂર્ણ સ્વાતંત્ર્ય માટેના કરાર પર સહીઓ કરી. 1968ના નવેમ્બરમાં માલદીવ પ્રજાસત્તાક બન્યું અને 1976માં બ્રિટને ગન ટાપુ પરથી પોતાનું હવાઈ થાણું પણ ઉઠાવી લીધું. 1988માં તે કૉમનવેલ્થ ઑવ્ નેશન્સ સાથે જોડાયું.

1985માં દક્ષિણ એશિયાના છ દેશો – ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભુતાન અને માલદીવ – મળીને સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રીજિયોનલ કોઑપરેશન(SAARC)ની સ્થાપના કરી, જે વખતોવખત તેમના સામાજિક અને આર્થિક પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. 1988ના નવેમ્બરમાં શ્રીલંકાના ભાડૂતી લોકોએ આ ટાપુઓ પર અહીંની સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરેલો, પરંતુ ભારતીય દળોએ તેને તરત જ અટકાવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.

ગિરીશભાઈ પંડ્યા