માલતીમાધવ : સંસ્કૃત નાટ્યકાર ભવભૂતિએ લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. દસ અંકના બનેલા આ રૂપકમાં માલતી અને માધવની પ્રણયકથા રજૂ થઈ છે. પદ્માવતીના રાજાનો પ્રધાન ભૂરિવસુ પોતાની પુત્રી માલતીને વિદર્ભના રાજાના પ્રધાન અને પોતાના સહાધ્યાયી દેવરાતના પુત્ર માધવ સાથે પરણાવવાનું નક્કી કરે છે અને તેને માટે પોતાની પરિચિત બૌદ્ધ પરિવ્રાજિકા કામંદકીની સહાય માંગે છે. માધવ અભ્યાસ કરવા પદ્માવતી નગરીમાં આવે છે. બીજી બાજુ રાજાનો પ્રધાન ભૂરિવસુ માલતીનાં લગ્ન પોતાના મિત્ર નંદન સાથે કરવાનું કહે છે. બીજા અંકમાં પરિવ્રાજિકા કામંદકી માલતી અને માધવનો મેળાપ કરાવે છે તેથી બંને એકબીજાના પ્રેમમાં પડે છે. ત્રીજા અંકમાં માધવનો મિત્ર મકરંદ નંદનની બહેન મદયંતિકાને વાઘના હુમલામાંથી બચાવે છે અને બંને એકબીજા તરફ આકર્ષાય છે. ચોથા અંકમાં રાજા માલતીને નંદન સાથે પરણાવવાનું નક્કી કરે છે, તેથી અસહાય માધવ સ્મશાનમાં સિદ્ધિ મેળવવા જાય છે. પાંચમા અંકમાં માલતીની ચીસ સાંભળી, કાપાલિક અઘોરઘંટ અને તેની શિષ્યા કપાલકુંડલા માલતીનો દેવીને બલિ આપતા હતા ત્યાં પહોંચીને અઘોરઘંટને મારી નાખી માલતીને બચાવે છે. છઠ્ઠા અંકમાં કપાલકુંડલા બદલો લેવા પેરવી કરે છે. નંદન સાથે રાજાના કહેવા મુજબ લગ્ન કરવામાં માલતી લગ્ન પહેલાં મંદિરમાં જાય છે અને અગાઉ કરેલી યોજના મુજબ માધવનો મિત્ર મકરંદ માલતીનો વેશ પહેરી બહાર નીકળી લગ્નમંડપમાં પહોંચી નંદન સાથે લગ્ન કરી તેના ઘેર જાય છે, જ્યારે માધવ અને માલતી નાસી જાય છે. સાતમા અંકમાં નંદન મકરંદને હાથે તિરસ્કાર પામે છે એટલે ઠપકો આપવા આવેલી મદયંતિકા મકરંદને જોઈને ખુશ થાય છે અને બંને પ્રેમી નાસી જાય છે તેથી રાજાના સૈનિકો મકરંદને પકડવા પાછળ પડે છે. આઠમા અંકમાં મકરંદ અને માધવ મળીને સૈનિકોને ભગાડી મૂકે છે. આથી રાજા મકરંદની વીરતા પર ખુશ થઈ મદયંતિકા સાથેના તેના લગ્ન માટે સંમતિ આપે છે; પરંતુ મકરંદ અને માધવ સૈનિકો સાથે યુદ્ધમાં રોકાયેલા હતા ત્યારે કપાલકુંડલા માલતીનું અપહરણ કરે છે. નવમા અંકમાં માધવ માલતીને શોધી શકતો નથી, પરંતુ પરિવ્રાજિકા કામંદકીની શિષ્યા સૌદામિની માલતીને બચાવે છે. દસમા અંકમાં શોક કરતી કામંદકી વગેરે પાસે માલતી અને માધવ આવી પહોંચે છે અને રાજાની સંમતિ સાથે બંનેનાં લગ્ન થઈને રૂપકનો સુખદ અંત આવે છે. દસ અંકના આ મોટા રૂપકમાં ભવભૂતિએ ઠાંસીને પ્રસંગો ભર્યા છે. ‘મૃચ્છકટિક’ અને ‘કથાસરિત્સાગર’માંથી પ્રેરણા મેળવી કથાનકમાં ઘણા નવીન અને રોમાંચક પ્રસંગો રજૂ કરવા છતાં વિવેચકોને આ રૂપક ખુશ કરી શક્યું નથી. એનું કારણ એ છે કે તેમાં ઊર્મિના નિરર્થક ઊભરા, દીર્ઘ સમાસો અને નાટ્યતત્વને ભોગે રજૂ થયેલું કાવ્યતત્વ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી