માર્સેલ્સ (માર્સેઇલ) : પૅરિસ પછીના બીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટામાં મોટું શહેર તથા મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 18´ ઉ. અ. અને 5° 24´ પૂ. રે. આ શહેર ફ્રાન્સનું જૂનામાં જૂનું શહેર ગણાય છે. તેનો આકાર અર્ધવર્તુળ જેવો છે. તે ટેકરીઓથી ઘેરાયેલું છે તથા નહેર દ્વારા રહોન નદી સાથે સંકળાયેલું છે. કિનારાથી થોડે દૂર ઘણા ટાપુઓ આવેલા છે, તે પૈકી ઇફ(If)નો ટાપુ મહત્વનો છે. આ શહેર ‘ઓલ્ડ હાર્બર’ નામના જૂના બંદરથી અંદરના ભૂમિભાગ તરફ વિસ્તરેલું છે. આ જૂનું બંદર મોટાં અદ્યતન જહાજો માટે નાનું પડે છે, પરંતુ સહેલગાહ માટેની હોડીઓથી ભરેલું રહે છે. તે રેસ્ટોરાં અને કાફેથી પણ વીંટળાયેલું છે, તેથી શહેરનો આ વિભાગ સહેલાણીઓની અવરજવરથી ભર્યોભર્યો રહે છે. ઓલ્ડ હાર્બરથી અદ્યતન દુકાનો ધરાવતો કેનબિયેરી (Canebieri) નામનો એક માર્ગ શહેર તરફ જાય છે. તે પ્રવાસીઓ માટે ખરીદી કરવાનું મહત્વનું સ્થળ બની રહેલો છે. ઓલ્ડ હાર્બરથી પશ્ચિમ તરફ આશરે 10 કિમી.ને અંતરે અદ્યતન સુવિધાઓ ધરાવતું બીજું એક વિશાળ બંદર આવેલું છે. તે દુનિયાભરનાં વ્યસ્ત રહેતાં બંદરો પૈકીનું એક ગણાય છે. દુનિયાભરમાંથી આવતાં ઘણાં વેપારી જહાજો અહીં લાંગરે છે.
આ શહેરમાં ઘણાં સુંદર દેવળો પણ આવેલાં છે. તે પૈકીના નોત્ર-દામ-દ-લા-ગાર્દ દેવળના ઊંચા શિખર પર કુમારી મૅરીનું વિશાળ કદનું પૂતળું મૂકેલું છે. આ પૂતળું દૂર દરિયામાંથી પણ નજરે પડે છે. આ શહેરમાં 1409માં સ્થપાયેલી યુનિવર્સિટી પણ છે. માર્સેલ્સ નજીક સમુદ્રજળ નીચે સમુદ્રગુફા (grotto) મળી આવી છે, ત્યાં અધ:સમુદ્રીય માર્ગ દ્વારા જઈ શકાય છે. તેમાં માનવો અને પ્રાણીઓનાં પ્રાગૈતિહાસિક ભીંતચિત્રો દોરેલાં જોવા મળે છે. તેની તવારીખ ઈ. પૂ. 20,000થી 12,000 વર્ષની હોવાનો અંદાજ મુકાયેલો છે. સંભવિતપણે ત્યારે આ ગુફા કદાચ ભૂમિસપાટી પર હશે ! કારણ કે કાળગાળો પ્લાયસ્ટોસીન હિમયુગનો હતો, જ્યારે હિમજમાવટને કારણે સમુદ્રસપાટી આજના કરતાં તે વખતે ઘણી નીચી ગયેલી હતી.
અર્થતંત્ર : માર્સેલ્સનું અર્થતંત્ર મુખ્યત્વે વેપાર-ઉદ્યોગ અને ધીકતા રહેતા બંદરની આવક પર નિર્ભર છે. અહીં તેલ-શુદ્ધીકરણ, રસાયણો, ધાતુશોધન, જહાજ-બાંધકામ અને ખાદ્ય-પ્રક્રમણના ઉદ્યોગો આવેલા છે. અહીંના બંદરેથી સમગ્ર ફ્રાન્સનાં દરિયાઈ બંદરોની ત્રીજા ભાગની જહાજી અવરજવર થાય છે. વર્ષ દરમિયાન લગભગ 4,500 જેટલાં જહાજો આ બંદરનો ઉપયોગ કરે છે. શહેરની ઉત્પાદન-પેદાશોમાં ઈંટો, નળિયાં, સાબુ, મીણબત્તી, એંજિનો અને દવાઓનો સમાવેશ થાય છે. આ શહેર ખાતે હવાઈ મથક પણ આવેલું છે. શહેરના સડકમાર્ગો અને રેલમાર્ગો મુખ્ય યુરોપીય શહેરો સાથે, વિશેષે કરીને પૅરિસ સાથે સંકળાયેલાં છે.
ઇતિહાસ : એશિયા માઇનોરમાંથી સાગરસફરે નીકળેલા ગ્રીક સાહસિકે ઈ. પૂ. 600માં માર્સેલ્સની સ્થાપના કરેલી. તેણે તેનું નામ મૅસેલિયા રાખેલું. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની પહેલી સદી સુધી તે એક સ્વતંત્ર શહેર હતું. ત્યારપછી તે રોમન શાસન હેઠળ આવેલું. રોમન શાસનના પતન બાદ મધ્યયુગીન ઇતિહાસકાળ દરમિયાન મુસલમાનો પાસેથી પવિત્ર સ્થાનોનો કબજો લેવા આદરેલાં શ્રેણીબદ્ધ ધર્મયુદ્ધોને અંતે આ શહેરે તેનું મહત્વ ફરીથી મેળવ્યું. આ ધર્મયુદ્ધોમાં માર્સેલ્સના બંદરેથી સંખ્યાબંધ સૈનિકો અને જરૂરી પુરવઠો મોકલાતો હતો. છેવટે તેરમી સદીમાં તે સ્વતંત્ર પ્રજાસત્તાક પણ બનેલું.
માર્સેલ્સ ફ્રાન્સના પ્રોવેન્સ પ્રદેશમાં આવેલું છે. આ પ્રોવેન્સ પ્રદેશ 1481માં ફ્રાન્સનો ભાગ બનેલો. અઢારમી સદીના અંતિમ ગાળા વખતે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન માર્સેલ્સમાં લોહિયાળ સંઘર્ષો થયેલા. 1869માં સુએઝની નહેર ખૂલી, ભૂમધ્ય સમુદ્રનો હિન્દી મહાસાગર સાથે જળમાર્ગ શરૂ થયો, તેને પરિણામે આ શહેરનું વહાણવટાના મથક તરીકેનું મહત્વ અનેકગણું વધી ગયું. 1943માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની દ્વારા આ શહેરનો ચોથો ભાગ નાશ પામેલો.
ગિરીશભાઈ પંડ્યા