માર્સ : પ્રાચીન રોમન દેવતા. આ દેવતાને નગરના સંરક્ષક–અધિષ્ઠાતા તરીકે માનવામાં આવતા અને સાથે સાથે યુદ્ધના દેવતા તરીકે પણ એમની ગણના થતી હતી. રોમનો ગ્રીક પ્રજાના દેવતા એરીસ સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ જુએ છે. સૅબાઇન ભાષામાં અને ઓસ્કાન ભાષામાં માર્સનું નામ મેમર્સ હતું અને માર્સ એ મેવર્સ કે મેયૉર્સનું સંક્ષિપ્ત રૂપ છે. જૂપિટર પછી રોમનોમાં સૌથી વધુ આદર માર્સ પરત્વે હતો. રોમની સ્થાપના કરનાર રોમ્યુલસના પિતા તરીકે આ દેવતાની ગણના થાય છે. તેથી ‘પિતા માર્સ’ એવો ઉલ્લેખ મળે છે. રાજા નુમાએ રોમના 3 સંરક્ષક દેવતા ગણાતા જૂપિટર, માર્સ અને ક્વિરાઇનસ એમ દરેકને માટે એક એક પુરોહિતની નિમણૂક કરી હતી. યુદ્ધના દેવતા તરીકે પૂજાતા માર્સના ‘સેલિઆઈ’ કહેવાતા પુરોહિતો પૂરા બખ્તર સાથે નૃત્ય કરતા અને માર્સના મંદિરની જગાને સૈનિકતાલીમ માટે ફાળવી આપતા. રોમનોના પિતા ગણાતા માર્સ કૃષિક્ષેત્રના સંરક્ષક હતા તેમજ સિલ્વેનસના નામે પશુઓના રખેવાળ તરીકે પણ પૂજાતા હતા.

માર્સને ક્વિરાઇનસ પણ ગણે છે. સૅબાઇન ભાષામાં એનો અર્થ ‘ક્વિરાઇસ’ એટલે કે ભાલો થાય છે. એથી એમની ઓળખ રોમન નગરજનોના સંરક્ષક તરીકેની પણ છે. આમ માર્સનાં 3 રૂપો હતાં. યુદ્ધના દેવતા તરીકે એમની ઓળખ ગ્રેડિયસથી થતી; ગ્રામદેવતા તરીકે એમની ઓળખ સિલ્વેનસથી થતી; જ્યારે રાજ્યના સંરક્ષક તરીકે એમની ઓળખ ક્વિરાઇનસથી થતી. માર્સની પત્ની તે રિયાનો સૅબાઇન ભાષામાં ‘શક્તિશાળી’ એવો અર્થ થાય છે. વરુ અને લક્કડખોદ માર્સને માટે પવિત્ર ગણાતાં હતાં. રોમમાં માર્સનાં ઘણાં બધાં મંદિરો બંધાયાં હતાં. એમાં સૌથી મહત્વનું મંદિર એપ્પિયન રોડ પરનું પૉર્ટા કાપેના બહારનું છે અને બીજું ઑગસ્ટસે બાંધેલું માર્સ અલ્ટોરનું મંદિર છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા