માર્શ, રૉડની વિલિયમ (માર્શ, રૉડ)

January, 2002

માર્શ, રૉડની વિલિયમ (માર્શ, રૉડ) (જ. 4 નવેમ્બર 1947, આર્માડૅલ, પશ્ર્ચિમ ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખિલાડી. શરૂઆતમાં તેઓ ‘આયર્ન ગ્લવ’ તરીકેનું નામાભિધાન પામ્યા હતા. પછી ક્રમશ: સુધારો કરતા જઈ, તેઓ એક સૌથી કૌશલ્યપૂર્ણ વિકેટ-કીપર બની રહ્યા. પ્રથમ કક્ષાની મૅચની કારકિર્દીમાં તેઓ સૌથી વધુ ખેલાડીઓને વિકેટ પાછળ ઝડપવા(dismissal)નો ઑસ્ટ્રેલિયાનો વિક્રમ ઉપરાંત ટેસ્ટ-મૅચમાં આ જ પ્રકારના ‘ડિસમિસલ’નો વિશ્વવિક્રમ ધરાવે છે. ટેસ્ટ-પ્રવેશ કર્યા પછી 1970–77 દરમિયાન તેઓ ઑસ્ટ્રેલિયા વતી 52 ટેસ્ટ રમ્યા અને ત્યારબાદ વિશ્વકપની ક્રિકેટમાં 1986 સુધી બીજી 44 ટેસ્ટ રમ્યા.

1975–76માં વેસ્ટ ઇન્ડિઝ સામે 6 ટેસ્ટની શ્રેણીમાં 26 ‘ડિસમિસલ’ (તમામ ખેલાડીઓના કૅચ ઝડપ્યા) કરીને ઑસ્ટ્રેલિયાનો વિક્રમ સ્થાપ્યો. 1982–83માં ઇંગ્લૅન્ડ સામેની 5 ટેસ્ટની શ્રેણીમાં 28 ‘ડિસમિસલ’ દ્વારા વિશ્વવિક્રમ સ્થાપ્યો.

તેઓ લડાયક પ્રકૃતિના હતા. તેઓ સારા ડાબેરી બૅટધર પણ હતા અને 1977માં મેલબૉર્ન ખાતેની શતાબ્દી ટેસ્ટમાં સદી પણ નોંધાવી હતી.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1970–84  96 ટેસ્ટ : 26.51ની સરેરાશથી 3,633 રન; સદી 3; સૌથી વધુ જુમલો 132; 343 કૅચ; 12 સ્ટમ્પિંગ.

(2) 92 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 20.08ની સરેરાશથી 1,225 રન; સૌથી વધુ જુમલો 66; 120 કૅચ; 4 સ્ટમ્પિંગ.

(3) પ્રથમ કક્ષાની મૅચ – 1968 – 84 : 31.17ની સરેરાશથી 11,067 રન; 12 સદી; સૌથી વધુ જુમલો 236; 1 વિકેટ; 804 કૅચ; 65 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી